બ્લેક એન્ડ વ્હાઈટ:સમય શ્વાન બલવાન, નહી મનુષ્ય બલવાન!

22 દિવસ પહેલાલેખક: આશુ પટેલ
  • કૉપી લિંક
  • પાલતુ શ્વાન માટે ખૂન સુધીના ગુનાઓ થાય, શ્વાનને કારણે માલિક જીવ ગુમાવે કે ગુનો કરવા માટે શ્વાનનો ઉપયોગ થાય એવી ઘટનાઓ બને ત્યારે ‘સમય બલવાન...’ કહેવતને બદલાવીને ‘શ્વાન બલવાન...’ કહેવાનું મન થાય!

હમણાં હમણાં કૂતરાંઓને લીધે, સોરી, શ્વાનોને લીધે, ક્રાઈમની ઘણી ઘટનાઓ બહાર આવી રહી છે. શ્વાન પાળવાના શોખીન માણસો કૂતરાંઓ માટે જેટલો પ્રેમ દાખવતા હોય છે એટલો બીજા માણસો માટે નથી દાખવતા હોતા.

મુંબઈમાં 13 વર્ષ અગાઉ એક કિસ્સો બન્યો હતો જેમાં એક શ્વાને તેના માલિકના વૃદ્ધ સંબંધી પર હુમલો કરીને તેમને ત્રણ બચકાં ભરી લીધા હતા. એ કિસ્સામાં 13 વર્ષ બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નદીમ પટેલે શ્વાનના માલિકને ઈન્ડિયન પીનલ કોડ હેઠળ બેદરકારીના ગુના બદલ ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.

જાન્યુઆરી, 2023ના પ્રથમ સપ્તાહમાં આ કેસ વિશે ચુકાદો આપતા મેજિસ્ટ્રેટ નદીમ પટેલે કહ્યું હતું કે શ્વાનના માલિક સાઇરસ હોરમસજીને એમના શ્વાનના આક્રમક સ્વભાવ વિશે પૂરી માહિતી હતી. તેઓ જાણતા હતા કે તેમનો શ્વાન આક્રમક છે એમ છતાં તેમણે ગુસ્સામાં ભસી રહેલા શ્વાનને કારમાંથી છૂટો મૂક્યો હતો. આવા આક્રમક શ્વાનને જાહેર સ્થળે લઈ જતી વખતે માલિકની ફરજ બને છે કે તેઓ અન્ય વ્યક્તિઓની સલામતીની યોગ્ય સંભાળ લે. તેમણે કહ્યું હતું કે જાહેર સલામતીનો સવાલ હોય ત્યારે ઉદારતા માટે કોઈ જ અવકાશ નથી રહેતો. ભોગ બનનાર વ્યક્તિની ઉંમર 72 વર્ષની છે અને શ્વાને તેમના પર હુમલો કરીને ત્રણ વાર બચકાં ભર્યાં છે. આરોપી જેવો પરિપક્વ માણસ આવા શ્વાનને લઈને નીકળે અને યોગ્ય સંભાળ ન રાખે તે પબ્લિક માટે જોખમી છે.

આ કેસ એવો હતો કે આરોપી સાયરસ હોરમસજી તેમની પત્ની અને બે શ્વાન સાથે ફરિયાદી કેરસી ઈરાનીને તેમની નેપિયન્સી રોડસ્થિત સોસાયટીના કમ્પાઉન્ડમાં એક મિલકતના વિવાદના સંબંધમાં મળવા ગયો હતો. એ વખતે એમની વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી એ જોઈને સાયરસ હોરમસજીની કારમાં બેઠેલો શ્વાન જોરજોરથી ભસવા લાગ્યો હતો. ઉશ્કેરાયેલા સાયરસ હોરમસજી તે શ્વાનને છૂટા મૂકવા માટે કારનો દરવાજો ખોલવા આગળ વધ્યા હતા એ વખતે કેરસી ઈરાનીએ કારનો દરવાજો નહીં ખોલવાની વિનંતી કરી હતી અને ચેતવણી આપી હતી છતાં આરોપીએ પોતાના કદાવર શ્વાનને કેરસી ઈરાની પર છોડી મૂક્યો હતો. રોટવિલર પ્રજાતિના એ શ્વાને પહેલાં ઈરાનીના જમણા પગના પાછળના ભાગમાં બચકું ભર્યું હતું જેને લીધે ઈરાની પડી ગયા હતા. એ પછી એ શ્વાને ફરીવાર તેમના પગમાં અને હાથનાં બાવડાં પર બચકાં ભર્યાં હતાં.

એ પછી મલબાર હિલ પોલીસે ગુનો નોંધ્યો હતો અને ઈરાનીના પુત્ર તથા વેટરનરી ડોક્ટર સહિત પાંચ સાક્ષીઓને તપાસ્યા હતા. આરોપીએ બચાવ કર્યો હતો હું ઘટના સ્થળે હાજર હોવાનું પુરવાર કરવા કોઈ સ્વતંત્ર સાક્ષી નથી અને એ રોટવિલર પણ મારો નહોતો અને કાર પણ મારી નહોતી. કોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી. મેજિસ્ટ્રેટ પટેલે કહ્યું હતું કે રોટવિલર શક્તિશાળી પ્રકારના શ્વાન તરીકે અને આક્રમક રીતે કરડવા માટે જાણીતા છે. છતાં સાયરસે ઈરાદાપૂર્વક શ્વાનને કારમાંથી બહાર કાઢ્યો હતો એટલે આ અપરાધ માટે તેમને ત્રણ મહિનાની જેલની સજા ફરમાવું છું.

આ કિસ્સામાં તો શ્વાન કરડવાથી વાત પૂરી થઈ ગઈ હતી, પરંતુ જાન્યુઆરી, 2022ના ત્રીજા સપ્તાહમાં શ્વાનને કારણે તમિલનાડુમાં એક વૃદ્ધનું તેના પાડોશી એવા સગાંઓએ જ ખૂન કરી નાખ્યું હતું! તમિલનાડુના ડીંડીગુલ જિલ્લાની એ ઘટનામાં રાયપન્ન નામના એક 62 વર્ષીય માણસ સાથે તેની પાડોશી અને સગી નિર્મલા ફાતિમા રાની અને તેના બે પુત્રો ડેનિયલ અને વિનસેન્ટ દ્વારા ઝઘડો થયો હતો. બન્યું હતું એવું કે નિર્મલા ફાતિમા રાનીનો કૂતરો આક્રમક હતો એટલે રાયપન્ને તેમને કહ્યું હતું કે તમારા કૂતરાને સાચવજો અમને એનાથી ડર લાગે છે. એ વખતે નિર્મલા, ડેનિયલ અને વિનસેન્ટે તેની સાથે ઝઘડો કર્યો હતો તેમણે કહ્યું હતું કે અમારા શ્વાનને કૂતરો કહેવાની તારી હિંમત કઈ રીતે ચાલી? ફરી વખત અમારા શ્વાનને કૂતરો કહીશ તો જોવા જેવી થશે.

21 જાન્યુઆરી, 2023ના દિવસે રાયપન્નનો દીકરો તેના ફાર્મમાંથી બહાર જઈ રહ્યો હતો તે વખતે રાયપન્ને તેને કહ્યું કે લાકડી સાથે રાખજે નહીં તો નિર્મલાનો કૂતરો તને કરડવા આવશે. એ સાંભળીને નિર્મલા ડેનિયન અને વિનસેન્ટને ગુસ્સો આવ્યો હતો અને તેમણે રાયપન્ન સાથે ઝઘડો કરીને તેને મારી નાખ્યો હતો!

માત્ર કૂતરાને કારણે વાત ખૂન સુધી પહોંચી શકે એવા કિસ્સાઓ બનતા હોય છે પરંતુ ક્યારેક કૂતરાનું ખૂન થઈ જાય એવી ઘટનાઓ પણ બનતી હોય છે. સપ્ટેમ્બર, 2020માં અભિનેત્રી આયેશા ઝુલકાના છ વર્ષની ઉંમરના શ્વાન રોકીનો મૃતદેહ આયેશાના લોનાવલાસ્થિત બંગ્લોની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો એ પછી પોલીસે તપાસ કરી ત્યારે બહાર આવ્યું હતું કે આયેશા ઝુલકાના બંગ્લોના કેરટેકર રામ આન્દ્રેએ જ આયેશાના કૂતરાને મારી નાખ્યો હતો.

પાલતુ શ્વાન ક્યારેક પોતાના માલિક માટે પણ ઘાતક બનતાં હોય છે. જાન્યુઆરી, 2022ના બીજા સપ્તાહમાં મહારાષ્ટ્રના વર્ધાના 58 વર્ષીય ગોપાલ કિસન સિંહ અને તેમની પત્ની સૂક્ષ્મમા તેમના પાળેલા શ્વાનને કારમાં બેસાડીને બહાર જવા નીકળ્યાં હતાં. તેમની કાર નાગપુર ચંદ્રપુર હાઈવે પર નાંદોરી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમના પાલતુ શ્વાને અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. હતપ્રભ થયેલા ગોપાલ સિંહે સ્ટીયરિંગ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું એને કારણે કાર ડિવાઈડર સાથે ટકરાઈને ઊંધી વળી ગઈ હતી. એ ઘટનામાં ગોપાલ સિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમની પત્ની સૂક્ષ્મમાને ગંભીર ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં.

પાલતુ શ્વાનને મુદ્દે સગાંવહાલાં વચ્ચે કે પાડોશીઓ વચ્ચે કે ફિલ્મસ્ટાર્સ વચ્ચે દુશ્મની થઈ જાય એવા કિસ્સાઓ પણ બનતા રહે છે. વર્ષો અગાઉ રવિના ટંડનના બોયફ્રેન્ડ સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અન્ય એક હિરોઈનનો મીઠો સંબંધ હોવાની વાત ફેલાઈ એ પછી રોષે ભરાયેલી રવિનાએ પોતાની કૂતરીને તે હિરોઈનનું નામ આપી દીધું હતું અને જ્યારે જ્યારે તે પોતાની કૂતરીને તે હિરોઈનના નામથી બોલાવતી ત્યારે તેના દિલને અજબ ઠંડક મળતી હતી! રવિના ટંડને એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં આ કહ્યું હતું!

અન્ય સમાચારો પણ છે...