તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમવૉચ:બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના મેયર મિલિન્દ વૈદ્યની હત્યાના પ્રયાસમાં ત્રણને ફાંસીની સજા

જયદેવ પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં બાવીસ વર્ષ પૂર્વે સનસનાટી મચાવનાર કેસ
  • મહારાષ્ટ્રમાં ‘મકોકા’ હેઠળના પ્રથમ કેસમાં હાઈકોર્ટે ફાંસીની સજા રદ કરતા શિવસેના સહિત પોલીસે આઘાત અનુભવ્યો

દેશના ઔદ્યોગિક મહાનગર મુંબઈની અંધારી આલમના ગેંગસ્ટરોની જુદી-જુદી ગેંગ વચ્ચે આજથી પચીસેક વર્ષ પૂર્વે ચાલી રહેલ ખૂનખાર ‘ગેંગવોર’ના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના શિવસેનાના તત્કાલિન મેયર મિલિન્દ વૈદ્ય ઉપર ઘાતક હુમલો કરીને તેમની હસ્તી મિટાવી દેવાના પ્રયાસના આ બનાવે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી મૂક્યો હતો. ઓટોમેટિક શસ્ત્રો તથા ઘાતક હથિયારોથી સજ્જ ટોળાના હુમલામાં મિલિન્દ વૈદ્ય હેમખેમ બચી ગયા હતા, પરંતુ તેમના બોડીગાર્ડ તથા શિવસેનાના વફાદાર બે સાથીદારો સહિત ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવ અગાઉ પણ મિલિન્દ વૈદ્ય ઉપર પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં તેમને ગળાના ભાગે ઈજા થઈ હતી, પણ આબાદ બચી ગયા હતા. મુંબઈના માહિમ રેલવે સ્ટેશનની બહારના પરિસરમાં 1999ના માર્ચ મહિનામાં આ બનાવ બન્યો હતો. રેલવે સ્ટેશનની બહારના પરિસરમાં ચીકન, મટન તથા મચ્છીનો વેપાર કરતા વેપારીઓ તેમનાં વાહનો પાર્ક કરીને ભયંકર પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાની સ્થાનિક રહીશોની ફરિયાદને ધ્યાને લઈ મુંબઈ મહાનગરપાલિકાના શિવસેનાના મેયર મિલિન્દ વૈદ્યની આગેવાની હેઠળ શિવસેનાના સૈનિકોએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. માહિમની માછીમાર કોલોની કે જ્યાં આ ચીજવસ્તુનું વેચાણ કરતા વેપારીઓની વસાહત છે, તે બધાંએ હથિયારો સાથે સંગઠિત થઈને શિવસેનાના સૈનિકોને સબક શીખવી દેવાનું નક્કી કર્યું હતું, જેમાં ટોળાએ કરેલા હુમલામાં શિવસેનાના ત્રણ કાર્યકરોનાં ત્યાં જ મોત નીપજ્યાં હતાં. જ્યારે મેયર મિલિન્દ વૈદ્ય ઈજાગ્રસ્ત બન્યા હતા. આ અથડામણમાં વેપારીઓના સંખ્યાબંધ વાહનો સહિત અન્ય મિલકતોને ભારે નુકસાન થયું હતું. મેયરની હત્યાના પ્રયાસના આ બનાવે સમગ્ર મુંબઈમાં તીવ્ર રોષ સાથે આક્રોશની આગ ભડકાવી દીધી હતી. પોલીસતંત્રએ પણ ગંભીર નોંધ લઈને સમગ્ર તપાસનો કાર્યભાર ક્રાઈમ બ્રાન્ચ (ગુનાશોધક શાખા)ને સુપ્રત કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન ડેપ્યુટી કમિશનર પ્રદીપ સાવંતની આગેવાની હેઠળ ડઝનબંધ મદદનીશોની ટીમે ગુનેગારોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી દીધી હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચે મિલિન્દ વૈદ્યને મોતને ઘાટ ઉતારી દેવાના ઘડાયેલા કાવતરાનો પર્દાફાશ કરીને સંખ્યાબંધ ગુનેગારોની ધરપકડ કરી હતી. દાઉદ ગેંગના એક સરદાર છોટા શકીલના મોહમ્મદ ઝુબેર શેખ તથા ફઝલ મોહમ્મદ શેખ અને અઝીઝુદ્દીન શેખનો સમાવેશ થતો હતો. મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) અમલમાં આવ્યો ત્યારે મુંબઈ પોલીસના ચોપડે આ બનાવ પ્રથમ ગુના તરીકે નોંધાયો હતો. આ કેસની તપાસ બદલ પ્રદીપ સાવંતનું દીપક જોગ એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. માહિમ રેલવે સ્ટેશન વિસ્તારના આ બનાવમાં ધરપકડ કરાયેલ આરોપીઓમાં ટ્રાયલ કોર્ટે ત્રણ શખ્સોને ફરમાવેલી ફાંસીની સજાના સંદર્ભમાં પ્રદીપ સાવંતે ક્રાઈમ બ્રાન્ચની અકલ્પનીય સિદ્ધિ-સફળતા હોવાનો ચુકાદો જાહેર થયો ત્યારે પત્રકારો સમક્ષ ખુશી વ્યક્ત કરી હતી. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલી જતાં (1) અઝીઝુદ્દીન શેખ, (2) મોહમ્મદ ઝુબેર શેખ અને (3) ફઝલ મોહમ્મદ શેખને મુંબઈ હાઈકોર્ટની મંજૂરીની અપેક્ષા સાથે ફાંસીની સજા ફરમાવાઈ હતી. ફાંસીની સજાને રદબાતલ ઠરાવવા માટે ત્રણેય આરોપી તરફથી મુંબઈ હાઈકોર્ટમાં અપીલ પણ કરવામાં આવી હતી. મુંબઈ હાઈકોર્ટના તત્કાલિન ન્યાયમૂર્તિ જે. એ. પાટિલ તથા ન્યાયમૂર્તિ એ. એસ. અગુઆરની ડિવિઝન બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી નીકળી હતી, જેમાં આરોપીના બચાવ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ માજીદ મેમણ તથા શિરીષ ગુપ્તે હાજર રહ્યા હતા. જ્યારે સરકાર તરફથી સરકારી વકીલ રોહિણી સાલિયાન ઉપસ્થિત રહ્યાં હતાં. મોહમ્મદ શેખ તથા ફઝલ મોહમ્મદ શેખને નાગપુરની જેલમાંથી તેમજ અઝીઝુદ્દીન શેખને પૂનાની યરવડા જેલમાંથી પોલીસે લાવીને હાઈકોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. અઝીઝુદ્દીને ડિવિઝન બેન્ચ સમક્ષ યરવડા જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ તથા અન્ય અધિકારીઓએ તેના ઉપર ભારે ત્રાસ અને સિતમ ગુજાર્યો હોવાની ફરિયાદ કરી હતી. ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિઓએ આ ફરિયાદના સંદર્ભમાં સઘન તપાસ કરવા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે અઝીઝુદ્દીન શેખ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો. જોકે, તેને પોલીસે ઝડપી લીધો હતો. આ કેસની કાર્યવાહી દરમિયાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના બંને ન્યાયમૂર્તિએ માહિમ રેલવે સ્ટેશન વિસ્તારના ગુનાના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને વાસ્તવિકતાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાંસીની સજા પામેલ ત્રણેય આરોપીનો બચાવ કરવા હાજર રહેલા વરિષ્ઠ વકીલોએ મુખ્યત્વે મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવેલી ઓળખ પરેડમાં પોલીસે ઘાલમેલ કરીને ત્રણેયને ફસાવી દીધા હોવાની દલીલો કરી હતી. આવી ઓળખ પરેડ એક મજાક સમાન બની ગઈ હોવાની ગંભીરતાની નોંધ સુદ્ધાં મેજિસ્ટ્રેટે લીધી ન હતી. બચાવ પક્ષ તથા ફરિયાદ પક્ષ તરફથી દલીલો પૂરી થઈ ગયા બાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે છોટા શકીલ ગેંગના હિટમેન તરીકે કુખ્યાત મોહમ્મદ ઝુબેર શેખ તથા ફઝલ મોહમ્મદ શેખને ટ્રાયલ કોર્ટે ફરમાવેલ ફાંસીની સજાનો હુકમ રદ કરીને બંનેને છોડી મૂકવા હુકમ કર્યો હતો. જ્યારે ત્રીજા આરોપી અઝીઝુદ્દીન શેખની ફાંસીની સજાનો હુકમ રદ કરીને તેને આજીવન કઠોર કારાવાસની સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો. મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળના આ પ્રથમ કેસની જહેમતભરી પોલીસ તપાસ છતાં હાઈકોર્ટના ચુકાદાથી પોલીસ અધિકારીઓએ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. ફાંસીની સજા કાયમ રાખવા માટે પોલીસ તરફથી પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નહીં હોવાની હાઈકોર્ટે કરેલી ટીકા પ્રત્યે શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અફસોસ વ્યક્ત કર્યો હતો. પબ્લિક પ્રોસિક્યૂટ રોહિણી સાલિયાને આ ચુકાદાને પડકારવા માટે રાજ્ય સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે તેવો પ્રતિભાવ પત્રકારો સમક્ષ વ્યક્ત કર્યો હતો.{

અન્ય સમાચારો પણ છે...