નગેન્દ્ર રેડ્ડી જરાય શરમ, સંકોચ કે પસ્તાવા વગર રાજેશ આર્થમના ખૂનનું રહસ્ય ખોલવા માંડ્યો. થયું એવું કે 2005ની ન્યૂ યર પાર્ટીમાં નગેન્દ્ર રેડ્ડી પોતાના બાળપણના મિત્રો રાજેશ, મદન મોહન રાજ અને મદનની બહેન હરીણી સાથે હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં ગયો. અહીં રાજેશે હરીણીની મસ્તી કે છેડછાડ કરી એ જાણીને નગેન્દ્ર ક્રોધથી રાતોપીળો થઈ ગયો. નગેન્દ્ર 2022નો આઈ.આઈ.ટી. ચેન્નાઈનો કોમ્પ્યૂટર પ્રોગ્રામર. એટલે બેંગ્લુરુના સત્યમ કોમ્પ્યૂટર્સમાં નોકરી મળી ગઈ. અહીં કામ કરતા રાજેશ આર્થમ સાથે ફરી ભેટો થયો. તેણે રાજેશને દાઢમાં રાખ્યો જ હતો, પણ જીભે મીઠાશ રાખીને સંબંધ જાળવી રાખ્યા. પછી મહાલક્ષ્મી લોજમાં દારૂની મહેફિલ દરમિયાન રાજેશ ખાલી થવા વોશરૂમમાં ગયો ત્યારે ઘેનની દવા ભેળવી દીધી. એનું માથું શર્ટમાં બાંધીને અંગૂઠા સાથે ગટરમાં ફગાવી દીધું.
નગેન્દ્ર અને મોહનને બેલગાંવની જેલમાં મોકલીને પોલીસે રાજેશ આર્થમ મર્ડર કેસની ફાઈલ બંધ કરી, પરંતુ 2006માં નવો આંતરરાષ્ટ્રીય ફણગો ફૂટ્યો. ઈન્ટરપોલે કર્ણાટક પોલીસને વિનંતીપત્ર મોકલ્યો કે નગેન્દ્ર રેડ્ડી અમને સોંપી દો. આ સાથે નગેન્દ્રની કુંડળી વધુ ને વધુ ખુલવા માંડી. 2002માં આઈ.આઈ.ટી. ચેન્નઈમાં ગ્રેજ્યુએટ થયા બાદ તેણે વતન હૈદરાબાદ પહોંચીને સાઉથ ઈન્ડિયા યલો પેજીસ નામની કંપની શરૂ કરી. આમાં ઝાઝું ઉકાળી ન શકતા કંપની પર અલીગઢી તાળું મારી દીધું. ત્યાર બાદ આઈ.ટી. કંપનીમાં નોકરીએ લાગ્યો, પરંતુ ચોક્કસ જગ્યાએ ભમરો એટલે ત્યાંય ચાર મહિના માંડ ટક્યો.
હવે શું? આસપાસ નાના-મોટા નોકરી-ધંધાનું વિચારવાને બદલે સીધો લંડન પહોંચી ગયો નવી કંપનીમાં જોડાવા માટે. સહકર્મચારી રાધાકૃષ્ણ ચિપુરા સાથે યારાના જમાવી લીધા. 2003માં રાધાકૃષ્ણને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઉગ્ર દલીલો થઈ. ગર્લફ્રેન્ડે નગેન્દ્ર સમક્ષ રોદણા રોયા. સામાન્ય માણસ કેવો પ્રતિભાવ આપે? પરંતુ નગેન્દ્રે તો એ છોકરી પર વટ પાડવા માટે રાધાકૃષ્ણની હત્યા કરી નાખી. પછી એના શબને ચટાઈમાં વીંટીને ક્યાંક લઈ જઈને સળગાવી નાખ્યું. એ અગાઉ માથું-અંગૂઠા કાપવાનું ચૂક્યો નહોતો. આ વાઢકાપ તે પ્રોફેશનલ સર્જ્યન જેટલી સચોટતાથી કરતો હતો.
રાધાકૃષ્ણ ચિપુરાની હત્યા અંગે લંડન પોલીસે તપાસ હાથ ધરી એટલે ચાલાક નગેન્દ્ર રેડ્ડી હૈદરાબાદ ભાગી આવ્યો. અહીં આવીને એ એકદમ શાંત રહ્યો પણ માહ્યલો ક્યાં સુધી જંપવા દે? 2005માં રાજેશ આર્થમનું ઢીમ ઢાળી દીધું. પરંતુ રાધાકૃષ્ણના ખૂને એનો કેડો ન મૂક્યો. જેલમાં એને ઈન્ટરપોલના પત્રની જાણકારી મળી ગઈ. જો લંડન પહોંચી ગયા તો આવી જ બનવાનું એટલી સાદી સમજ ખરી એનામાં. લંડન ન જવા માટે કરવું શું? લાઈટ ન થઈ ત્યાં સુધી શેતાની દિમાગ ઓવરટાઈમ કરતું રહ્યું. ત્યાં પોલીસને લંડનના હાઈ કમિશનરના પત્રમાંથી રાધાકૃષ્ણની હત્યા માટે વધુ એક તર્ક જાણવા મળ્યો. લંડનના વેમ્બલીમાં નોકરી કરતી વખતે નગેન્દ્ર અને રાધાકૃષ્ણએ સાઈડ બિઝનેસ શરૂ કર્યો હતો. ધંધામાં બંનેના સંબંધમાં કડવાશ આવી કારણ કે રાધાકૃષ્ણે ગફલો કર્યાની શંકા ગઈ. અઢી હજાર ડોલરના રોકાણને ભૂલીને નગેન્દ્ર રેડ્ડી હવે પાઠ ભણાવવા ઉતાવળો થયો. તેણે ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર અક્રમ અને નયન નામના બે જણાને પાંચ હજાર ડોલરની સુપારી આપી. 2004ના ઓક્ટોબરમાં રાધાકૃષ્ણ ચિપુરાને ભોળવીને પરાના એક ઘરમાં લઈ ગયા ને ચાકુ ભોંકીને હત્યા કરી નાખી. પરંતુ હવે ગમે તેમ કરીને તેને લંડન જવું નહોતું. જેલમાં એક રાત્રે તેણે પોતાના હાથની નસ કાપી નાખી. લોહીલુહાણ અવસ્થામાં ફર્સ્ટ એઈડ માટે તેને જેલની હોસ્પિટલમાં લઈ જવાયો. વધુ સારવાર માટે વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવાનું નક્કી થયું. અહીં સારવાર દરમિયાન તેણે ખાલી થવા માટે હાથકડી ખોલાવી, ટોઈલેટમાં ગયો અને ઓગળી જ ગયો. આ કેવી રીતે થયું એની કોઈને ખબર ન પડી. આંધ્રના હિંદપુરામાં પહોંચીને તેણે હૈદરાબાદ જવા માટે ટેક્સી કરી. રસ્તામાં તેણે થોડીઘણી રકમની લાલચ આપીને ડ્રાઈવરને બે કલાકની ઊંઘ માટે રોકાઈ જવા મનાવી લીધો. બંનેએ ડ્રિંક લીધું અને ડ્રાઈવર ઊંઘી ગયા બાદ નગેન્દ્ર ટેક્સી લઈને ભાગી છૂટ્યો. પછી રેડ્ડી અને તેમના બે સાથી આ કાર થોડા દિવસ વાપરતા રહ્યા. પૈસા ખૂટી પડતા આગાડી વેચવાનો વિચાર કર્યો. ધર્માવરમ નામના વેપારી સાથે સોદો પાક્કો થયો. એ ભાઈ રોકડા સાઠ હજાર લઈને આવ્યો. નગેન્દ્રની દાઢ સળકી તો રોકડ લૂંટીને કારમાં પલાયન થઈ ગયો.
પરંતુ હવે તો મર્ડર અને લૂંટ સહિતના 13 કેસનો વોન્ટેડ કેટલો છુપાતો ફરવાનો? ફરી હૈદરાબાદમાં પકડાયો અને બેંગ્લુરુ લઈ જવાયો. અહીં રેડ્ડી નવી ચાલ રમ્યો. તેણે રાજ્યના માનવ અધિકાર પંચને અનામ પત્ર લખીને જેલમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી. પંચની ટીમ અચાનક તપાસ માટે આવી. જેલના સત્તાધીશો સમજી ગયા કે આ કોનું કામ છે. એટલે આ શિરદર્દથી છૂટકારા માટે 2009ના માર્ચમાં એને બેલગાંવ સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો.
હજી સખણો રહે તો નગેન્દ્ર શાનો? 2009ની સાતમી મેએ તેણે પોતાના બંને કાંડા કાપી નાખ્યાં. બંને હાથ પર પાટાપિંડીની સારવાર દરમિયાન દસમી મેએ કોન્સ્ટેબલ ચંદ્રકાંત કામલે સાથે મચમચ થઈ અને નગેન્દ્ર એને ચાકુ ભોંકીને હોસ્પિટલમાંથી પોબારા ગણી ગયો. કમનસીબે કોન્સ્ટેબલ માંડ થોડા કલાકો જીવ્યો. અચાનક થોડા દિવસ પછી કામલેનો મોબાઈલફોન ગોવામાં સક્રિય થયાની જાણકારી મળી. પોલીસે ત્યાં ધસી ગઈ પણ એ ફોન તો રિસોર્ટના એક વેઈટર પાસે હતો, જે નગેન્દ્ર વેચી ગયો હતો.
પોતાના યુવાન દીકરાનો હત્યારો બીજીવાર મર્ડર કરીને, ભાગી છૂટ્યો છે એ જાણીને રાજેશ આર્થમનાં કુટુંબીજનો થરથરવા માંડ્યાં. એમાંય પોલીસે જાહેર કર્યું કે નગેન્દ્ર રેડ્ડી સાયકોપેથ અને નજીવા કારણસર ખૂન કરી બેસે એવો છે. આ લંડન રિટર્ન સોફ્ટવેર પ્રોગ્રામર માટે દેશભરમાં એલર્ટ જારી કરી દેવાયું. આવો ભયંકર ગુનેગાર વધુ સમય છૂટ્ટો રહે એ સભ્ય સમાજ માટે ખૂબ જોખમી ગણાય. ઘો મરવાની થાય ત્યારે ચોક્કસ વાડે જાય. 2011ના જાન્યુઆરીના અંતમાં નગેન્દ્ર રેડ્ડી ફરી બેંગ્લુરુ આવ્યો. પોતાની રીતે લાપતા-ફરતા પહેલી ફેબ્રુઆરીની રાત્રે એટલે કે મંગળવાર તારીખ બીજી ફેબ્રુઆરીની સવારે ચાર વાગ્યે એ પોલીસની નજરે ચડી ગયો. એ સમયે રેડ્ડી અઠંગ ગુનેગારના સથવારે બેન્ક લૂંટવા શહેરમાં આવ્યો હતો. પોલીસે એને પડકાર્યો અને ગાડી રોકવાની ચેતવણી આપી. પરંતુ રોકવાને બદલે તેણે તો એક કોન્સ્ટેબલને ગાડીની અડફેટે લેવાની ધૃષ્ટતા કરી. સામસામા ગોળીબાર થયા. આ તડાફડીમાં એમ. નગેન્દ્ર રેડ્ડી નામનું 30 વર્ષનું અસ્તિત્વ કાયમ માટે શાંત પડી ગયું. બીજા દિવસના સવારના બેંગ્લુરુનાં અખબારોમાં આ અતિ-શિક્ષિત રીઢા ગુનેગારના એન્કાઉન્ટરના સમાચાર વાંચીને ન જાણે કેટલાંયના મને ટાઢક અનુભવી હશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.