અજવાળાનો ઓટોગ્રાફ:આ લેખ ફક્ત પુરુષો માટે છે!

ડૉ. નિમિત્ત ઓઝા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક પુરુષની આકર્ષકતાને બે જ શબ્દોમાં સમેટી લેવી હોય તો એ બે શબ્દો હશે, આત્મ-વિશ્વાસ અને આત્મ-સન્માન

અને તોય સ્ત્રીઓ તો વાંચશે જ. રાધર, એટલે તો ખાસ વાંચશે! વાંચવા દો ત્યારે, બીજું શું? આપણે કોઈને વાંચતા તો ન અટકાવી શકીએ ને? તો વાત એમ છે કે થોડા સમય પહેલાં લાઈમલાઈટમાં આવેલી એક ‘રાષ્ટ્રીય સ્તર’ની ઘટના પાછળનું વિજ્ઞાન મારે સમજાવવું છે. એ ઘટના છે લલિત મોદી અને સુષ્મિતા સેનના અધિકૃત રીતે જાહેર થયેલા પ્રણય સંબંધો. ‘છોકરીઓનાં સપનાંમાં હંમેશાં રાજકુમાર જ આવે છે, ખેતમજૂર નહીં.’ હું ઈચ્છું તો આવા ઘસાઈ ગયેલા, ચીમળાઈ ગયેલા અને ક્લીશે લાગતા વિધાનથી પણ વાતની શરૂઆત કરી શકું, પણ તો એનો અર્થ એવો થાય કે શું ખેતમજૂરને કોઈ રૂપસુંદરી સાથે પ્રેમમાં પડવાનો અધિકાર નથી? આ જગતમાં રહેલી અપ્રતિમ સુંદરતાને (એ સ્ત્રીની હોય કે સૃષ્ટિની) ઝીલવાના ફક્ત બે જ રસ્તા છે. તમે કાં તો એને પામી શકો, કાં તો માણી શકો, પણ ધારો કે કોઈ મહત્ત્વાકાંક્ષી પુરુષ કાલ સવારે ઊઠીને મને એમ કહે કે, ‘મારે સુંદરતા પામીને માણવી હોય તો?’ તો હું કહીશ કે ‘વહાલા, એટલે તો આ લેખ લખ્યો છે.’ આ જગતનો કોઈ પણ પુરુષ, સ્ત્રીને (કોઈ પણ સ્ત્રીને નહીં) આકર્ષિત કરી શકે છે. એટલે કે તમારા રડારમાં રહેલી અને તમને ગમતી સ્ત્રીને આકર્ષિત કરવાની ક્ષમતા તમારામાં છે. એટલું જ નહીં, એ તમારી જવાબદારી છે. Having said that, ફળિયાના હીંચકા પર દાળિયા ખાતાં ખાતાં જો તમે ક્રિતી સેનન કે કિયારા અડવાણીને પામવાની કલ્પના કરતા હોવ, તો તમે મૂરખ છો. રિલેશનશિપમાં વપરાતો એક બહુ જ પ્રચલિત સ્લેન્ગ છે, ‘Someone is out of your league.’ ટૂંકમાં, તમે જેની ઝંખના કરી રહ્યા છો, એ વ્યક્તિ તમારી હેસિયત, ઔકાત કે પહોંચ બહારની છે, પણ મારે જે તમને સમજાવવું છે એ છે ફિલ્મ રાંઝણાનો એક સુપરહિટ ડાયલોગ, ‘ગલી કે લડકોં કા પ્યાર અક્સર ડોક્ટર ઔર એન્જિનિયર લે જાતે હૈ.’ હવે, એમાં તમે બિઝનેસમેન ઉમેરી શકો. તો સજ્જનો અને સજ્જનો, અચાનક પ્રકાશમાં આવેલી મોદી-સેનની લવ-સ્ટોરીએ મને વિચારતો કરી મૂક્યો કે આખરે સ્ત્રીઓ શેનાથી આકર્ષિત થાય છે? મારામાં પ્રગટેલી એ ‘બાળ’સહજ જિજ્ઞાસા મને એક એવા પુસ્તક સુધી લઈ ગઈ, જેમાં આ અને આવા અનેક પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો આપેલા છે. મારા પ્રિય લેખક માર્ક મેન્સન દ્વારા લખાયેલું એ પુસ્તક એટલે ‘Models : Attract Women Through Honesty.’ આ પુસ્તક દરેક પુરુષે વાંચવું જોઈએ. ફક્ત સ્ત્રીઓને આકર્ષિત કરવા માટે નહીં, પણ એ પ્રક્રિયા દરમિયાન થતાં આત્મ-સુધાર અને ઉન્નતિનો અનુભવ કરવા માટે. વિખ્યાત લેખક તો પછી બન્યા, શરૂઆતમાં તો માર્ક મેન્સન એક રિલેશનશિપ ગાઈડ અને ડેટિંગ કોચ હતા. આ પુસ્તક તેમણે 2011માં લખેલું, પણ આજની તારીખેય આ પુસ્તક ‘દરેક ઉંમર’ના યુવાનોમાં લોકપ્રિય હોવાનું કારણ એક જ છે, ‘સીધી બાત, નો બકવાસ.’ જેમકે, મોદી-સેનના કોયડાનો સ્પષ્ટ જવાબ આપતા હોય એમ તેમણે લખ્યું છે, ‘જગતની તમામ સ્ત્રીઓને આકર્ષિત કરે, એક પુરુષમાં રહેલી એવી મુખ્ય બે લાક્ષણિકતાઓ એટલે સોશિયલ સ્ટેટ્સ અને રિસોર્સીસ.’ આ વાક્યમાં ‘રિસોર્સીસ’ના બેનર હેઠળ ઘણું બધું આવી શકે. જેમકે સંપત્તિ, ઓળખાણ, સંપર્કો અને ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર આવી શકવાનાં સાધનો. સ્ત્રીઓને હંમેશાં પોતાના કરતાં વધારે સફળ, શક્તિશાળી, કોન્ફિડન્ટ, લોકપ્રિય અને સમૃદ્ધ પુરુષો ગમે છે. બટ ડોન્ટ વરી, એના માટે આપણે કાંઈ મલ્ટિ-મિલિયોનર બનવાની જરૂર નથી. સાયકોલોજી અભ્યાસનાં તારણો પ્રમાણે, જે પુરુષમાં સફળ થવાની ક્ષમતા રહેલી છે એવા પુરુષો તરફ પણ સ્ત્રીઓ એટલી જ તીવ્રતાથી આકર્ષાય છે જેટલી ‘ઓલરેડી’ સફળ પુરુષો પ્રત્યે. હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે સોશિયલ સ્ટેટ્સ કઈ રીતે નક્કી થાય? તો સ્ત્રી માનસિકતા પ્રમાણે પુરુષોનું સ્ટેટ્સ મુખ્ય ત્રણ માપદંડોને આધારે નક્કી થાય છે. તે પુરુષ અન્ય લોકો સાથે કઈ રીતે વર્તે છે? સમાજના અન્ય લોકો તે પુરુષ સાથે કઈ રીતે વર્તે છે? અને... સૌથી મહત્ત્વનું, એ પુરુષ પોતાની જાત સાથે કઈ રીતે વર્તે છે? આ પુસ્તકમાં રહેલો એક અદ્્ભુત અને સમજવા જેવો શબ્દ છે ‘Emotional Neediness.’ એના બે અર્થ થાય. એક થાય ભાવનાત્મક દરિદ્રતા. એટલે કે સ્ત્રીઓનું એટેન્શન, સમય કે સ્પર્શ મેળવવા માટે મથામણ કરતા પુરુષો જેઓ ભાવનાત્મક સ્તરે આત્મ-નિર્ભર નથી અને બીજો અર્થ થાય, જેઓ પોતાની જાત વિશેના અન્યના અભિપ્રાયોને વધારે મહત્ત્વ આપે છે. જેઓ જાત પર વિશ્વાસ રાખવાને બદલે, અન્યની ટિપ્પણીઓથી દુઃખી થાય છે. એક પુરુષમાં રહેલી ‘Emotional Neediness’ જેટલી વધારે, એમની આકર્ષકતા એટલી જ ઓછી. અને Vice-Versa. ટૂંકમાં, સ્ત્રીઓ એવા પુરુષો તરફ વધારે આકર્ષાય છે જેમની સ્વ-પ્રત્યેની કલ્પના અને માન્યતા તંદુરસ્ત હોય. એક પુરુષની આકર્ષકતાને બે જ શબ્દોમાં સમેટી લેવી હોય તો એ બે શબ્દો હશે, આત્મ-વિશ્વાસ અને આત્મ-સન્માન. જાત અને જગત પર અવારનવાર શંકા કર્યા કરે તેઓ નહીં, પણ દુનિયાની પરવા કર્યા વગર જેઓ બેફિકરાઈથી પોતાની ટર્મ્સ પર જીવન જીવે છે, તેઓ અન્યને આકર્ષી શકે છે. એની પાછળ એક સાવ સરળ કારણ રહેલું છે. મૂળભૂત રીતે, દરેક વ્યક્તિ એવું જ જીવન જીવવા ઈચ્છતી હોય છે, પણ ન તો બધાંની કિસ્મત એવી હોય છે, ન તો હિંમત અને માટે જેઓ ઓલરેડી આવી ‘કિંગ સાઈઝ લાઈફ’ જીવી રહ્યાં હોય છે, એમના તરફ આપણે આકર્ષાઈએ છીએ.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...