તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉક્ટરની ડાયરી:સારાં હશે અને નઠારાં પણ હશે માણસો ક્યારેક આવાં પણ હશે

ડૉ. શરદ ઠાકર11 દિવસ પહેલા
 • કૉપી લિંક

જાણીતા પીડિયાટ્રિશિયન ડો. આશિષ મહેતા એમના ક્લિનિકમાં બેસીને દર્દીઓ તપાસતા હતા. ત્યારે અજાણ્યા નંબર પરથી એમના મોબાઈલ પર ફોન આવ્યો. ડો.મહેતાએ કોલ રિસીવ કર્યો. સામે કોઈ અજાણ્યો પુરુષ હતો અને ખૂબ જાણીતી શૈલીમાં સવાલ પૂછી રહ્યો હતો, ‘સાહેબ, ઓળખાણ પડી?’ વિચાર કરવામાં જરા પણ સમય બગાડ્યા વગર ડોક્ટરે કહી દીધું, ‘ના, આવી રીતે અવાજ પરથી ઓળખાણ શી રીતે પડે? તમે મારી સાથે રોજ વાત કરો છો? તમે મારા સગાંમાં છો? તમે મારા નજીકના મિત્ર છો? મને તો આવું કંઈ લાગતું નથી. માટે સમય બગાડ્યા વગર તમારું નામ જણાવી દો.’ ‘મારું નામ દિનેશ છે. યાદ કરો, આજથી વીસ વર્ષ પહેલાં મેં તમારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. હવે યાદ આવ્યું?’ સામેનો માણસ હજુ પણ ઉખાણાં પૂછી રહ્યો હતો. ડો. મહેતા માત્ર અમદાવાદના જ નહીં, સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ અને જાણીતા બાળરોગ નિષ્ણાતોમાંના એક છે. નવજાત શિશુઓની ઇન્ટેન્સિવ કેરમાં એમનું નામ ગાજે છે. સાવ અધૂરા મહિને જન્મેલાં અને માત્ર પાંચસો ગ્રામ વજન ધરાવતાં પ્રિ-મેચ્યોર ન્યૂ-બોર્ન બેબીને પણ બચાવી શકાય તેવું અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમની પાસે છે અને એ માટેની કુશળતા પણ તેઓ ધરાવે છે. દાયકાઓની કારકિર્દી દરમિયાન એમની ઉપર આશીર્વાદનાં ફૂલો વરસતા રહ્યાં છે. આવી મંગલ ઘટનાઓ પણ એમને યાદ રહેતી નથી, ત્યારે આવી પોલીસ કેસવાળી ઘટના તો ક્યાંથી યાદ હોય? એ પણ બીસ સાલ બાદ? એમણે સૌમ્ય ભાષામાં કહ્યું, ‘દિનેશભાઈ, મને યાદ આવતું નથી કે મારા હાથે કોઈ એવું બેદરકારીભર્યું કામ થયું હોય જેના માટે કોઈ દર્દીએ કે એના સગાંએ મારી ઉપર પોલીસ કેસ કર્યો હોય. તમે મને થોડુંક વિગતવાર જણાવો તો યાદ આવી જશે.’ દિનેશભાઈએ બે દાયકા પૂર્વે બની ગયેલી ઘટના તાજી કરી આપી. એ સાથે જ અતીતનાં પૃષ્ઠો ઊઘડી ગયાં. ધીમે-ધીમે બધું જ યાદ આવી ગયું. યુવાનીનાં વર્ષો હતાં. ડો.આશિષ મહેતા તે સમયે અમદાવાદની જાણીતી વી. એસ. હોસ્પિટલના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં ઓનરરી તબીબ તરીકે સેવા આપતા હતા અને સાથે સાથે પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ પણ સંભાળતા હતા. એક દિવસ બપોરના બાર વાગ્યાના સમયે વી. એસ. હોસ્પિટલનો રાઉન્ડ પતાવીને ડો. મહેતા કારમાં બેસીને પોતાના પ્રાઇવેટ ક્લિનિક પર પહોંચ્યા. વેઈટિંગ રૂમમાં દર્દીઓની ભીડ હતી. વાલીઓ પોતાનાં બીમાર બાળકોને લઈને ડોક્ટર સાહેબની રાહ જોતા બેઠા હતા. શિયાળાના દિવસો હતા. કાતિલ ઠંડીથી બચવા માટે ડો. મહેતાએ સૂટ ધારણ કર્યો હતો. હજી તો ડો. પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠા ત્યાં જ લેન્ડલાઈન ફોન રણકી ઊઠ્યો. ડોક્ટરે રિસીવર ઉઠાવ્યું, આત્મવિશ્વાસથી છલોછલ અવાજમાં વાત કરી, ‘ડો. આશિષ મહેતા હીઅર.’ સામેથી અવાજ સંભળાયો, ‘ફલાણા પોલીસ સ્ટેશનમાંથી હું પી.એસ.આઈ. ચૌધરી બોલું છું. તમારી વિરુદ્ધ ફરિયાદ આવી છે. દિનેશભાઈ નામના એક શખ્સનું કહેવું છે કે એના ન્યૂ-બોર્ન દીકરાને તમારા દવાખાનામાં સાત દિવસથી એડમિટ કરેલ છે, પણ હવે તમે એની સારવાર કરવાની ના પાડો છો. ડોક્ટર, આ કામ માનવતાની વિરુદ્ધનું છે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમે સ્ટેટમેન્ટ આપવા માટે અહીં આવો છો કે અમે તમારું સ્ટેટમેન્ટ નોંધવા માટે તમારા ક્લિનિકમાં આવીએ?’ ડો. મહેતા ધ્રૂજી ઉઠ્યા. શિયાળાની ઠંડીમાં પણ આખા શરીરે પરસેવો વળી ગયો. શર્ટ સાચે જ ભીનું થઇ ગયું. ડોક્ટર મિત્રો આમ પણ સીધી લાઈનના માણસો હોય છે. ખાખી વર્દીથી અંતર રાખીને જીવનારા. આવી રીતે અચાનક પોલીસ કેસ થવાના સમાચાર સાંભળે એટલે ગભરાઈ તો જાય જ. માંડ-માંડ શરીરની કંપારી સંતાડી રાખીને ડો. મહેતાએ જવાબ આપ્યો, ‘ના, સાહેબ. આપ અહીં ન આવશો. મારી પ્રતિષ્ઠા જોખમાશે. અત્યારે ઘણા-બધા દર્દીઓ વેઈટિંગમાં બેઠા છે એમને તપાસીને હું પોતે જ તમારી પાસે આવી જઈશ. મને બે કલાકનો સમય આપો.’ રિસીવર મૂકીને ડો. આશિષ મહેતા બાળકોને તપાસવામાં ખૂંપી ગયા, પણ એમના મનમાં એક સમાંતર સવાલ ઘોળાઈ રહ્યો હતો કે મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરનાર દિનેશભાઈ નામનો આ ‘શખ્સ’ કોણ હોઈ શકે? મનની અંદરથી જ જવાબ ફૂટ્યો : અરે! આ દિનેશ એટલે પેલું આઈ.સી.યુ.માં જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતું જે બાળક છે એનો પિતા તો નહીં હોય? ક્લિનિકનું કામ પૂરું કરીને ડો.મહેતા પોતાની કારમાં બેસીને પોલીસ સ્ટેશનમાં જઈ પહોંચ્યા. જોયું તો પી. એસ. આઈ. ચૌધરીની સામેની ખુરસીમાં એ જ દિનેશ નામનો પુરુષ બેઠો હતો. ડો. મહેતા ડઘાઈ ગયા. દિનેશની આંખોમાં જરા પણ કૃતજ્ઞતા વર્તાતી ન હતી. પી.એસ.આઈ. કંઈ પૂછે તે પહેલાં જ ડો. મહેતાએ પોતાનો ખુલાસો રજૂ કરી દીધો, ‘ચૌધરીસાહેબ, હું એક ડોક્ટર છું. હું દેવ ભલે ન હોઉં, દાનવ તો હરગીઝ નથી. આ માણસ સાવ ખોટી રજૂઆત કરી રહ્યો છે. હકીકત એ છે કે આની પત્નીએ વડોદરાના એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સાવ અધૂરા મહિને દીકરાને જન્મ આપ્યો. બાળકનું વજન ફક્ત છસ્સો એંસી ગ્રામ જેટલું હતું. વડોદરામાં આ બાળકના બચવાની શક્યતા નહીંવત્ હતી. ત્યાંના ડોક્ટરે એ બાળકને મારી પાસે લઇ આવવાની સલાહ આપી. આ માણસ જેનું નામ દિનેશભાઈ છે તે દીકરાને લઈને મારી પાસે આવ્યો. મેં એને કહ્યું કે હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ, પણ બાળક બચી જ જશે એ વાતની ગેરંટી હું આપતો નથી. ત્યારે દિનેશભાઈ મારી વાત સાથે સંમત થઇ ગયા. પાંચ દિવસ તો સારી રીતે વીતી ગયા. પછી અચાનક છઠ્ઠા દિવસે દિનેશભાઈએ મને ધમકી આપી કે મારું બાળક સો ટકા બચી જ જવું જોઈએ. આટલું જ નહીં, પણ ભવિષ્યમાં મારા દીકરાને સહેજ સરખી પણ માનસિક કે શારીરિક ખોડખાંપણ રહેવી ન જોઈએ. જો એ માનસિક રીતે પૂરેપૂરો વિકસિત ન રહ્યો તો તમારી ખેર નહીં રહે. મેં એમને કહ્યું કે ડોક્ટરનું કામ દર્દીને બચાવવાનું છે, કોઈ ગેરંટી કે વોરંટી આપવાનું નહીં. જન્મ સમયે કે ત્યાર પછી એના મગજને થોડી વાર માટે પણ ઓક્સિજનની કમી પડી હશે તો બ્રેન ડેમેજ થઇ ગયું હશે. એ નુકસાનને દુનિયાનો કોઈ ડોક્ટર રીવર્સ ન કરી શકે. તમને મારી આવડત ઉપર વિશ્વાસ ન હોય તો તમે તમારા બાળકને બીજા ડોક્ટર પાસે લઇ જઈ શકો છો. જો તમને ફીનો પ્રોબ્લેમ હોય તો એમાં રાહત આપવા માટે હું તૈયાર છું. જો તમારી પાસે એક રૂપિયો પણ ન હોય તો તમે તમારા દીકરાને વી. એસ. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરી દો. ત્યાં પણ હું જ એની ટ્રીટમેન્ટ કરીશ. જેટલું ધ્યાન અહીં રાખું છું તેટલું જ ધ્યાન ત્યાં રાખીશ. આ માણસ મારી વાત સમજવા તૈયાર જ નથી. એની જીદ ગેરંટી સાથેની સારવાર માટેની છે. હું એની જીદ સામે નમતું જોખતો નથી એટલે મને ડરાવવા માટે તે તમારી પાસે આવ્યો છે.’ પી.એસ.આઈ. ચૌધરીએ સ્ટેટમેન્ટ નોંધી લીધું. પછી દિનેશને પૂછ્યું, ‘ડો.સાહબે કહે છે તે સાચું છે?’ દિનેશ હસ્યો, ‘હા, ડોક્ટર એમની રીતે સાચા છે પણ મારું કહેવાનું એમ છે કે.....’ દિનેશની વાત પૂરી થાય તે પહેલા પી.એસ.આઈ. ચૌધરીએ દંડો હાથમાં લીધો. મામલો પૂરો થઇ ગયો. આટલું થયા પછી પણ ડોક્ટર મહેતાએ એ બાળકને સારવાર આપવાનું ચાલુ રાખ્યું. પોતાના ક્લિનિકમાં જ સારવાર આપી અને બાળક બચી ગયું, પણ આવા જિદ્દી, અણસમજુ પિતાના અનુભવથી એમના મનમાં જે કડવાશ વ્યાપી ગઈ એ જીવનભર ભૂલી ન શકાય તેવી હતી. પોલીસ સ્ટેશનમાંથી આવેલો એ ફોન, શિયાળામાં શરીરે વળી ગયેલો પરસેવો, એ પોલીસ કેસનો સ્ટ્રેસ આ બધું કોઈ પણ ડોક્ટર માટે ભૂલી ન શકાય તેવું આકરું હતું. ડો. આશિષ મહેતાની પીઠ થાબડવી પડે કે આવી આઘાતજનક ઘટના એ એકાદ વર્ષમાં જ ભૂલી ગયા. આજે વીસ વર્ષ પછી ફરી એક વાર દિનેશભાઈનો ફોન આવ્યો અને ડોક્ટરની છાતી ફરીથી અજાણી આશંકાથી થડકી ઊઠી. એમણે સતર્ક બનીને પૂછ્યું, ‘યાદ આવી ગયું. બોલો શા માટે ફોન કર્યો છે?’ દિનેશભાઈના અવાજમાં ભીનાશ હતી, ‘સાહેબ મારો દીકરો જુવાન બની ગયો છે, સાવ નોર્મલ છે, ભણવામાં તેજસ્વી છે, મેં કરેલા કૃત્ય બદલ મને શરમ આવે છે. મારે દીકરાને લઈને તમને પગે લગાડવા આવવું છે. તમે આશીર્વાદ આપશો ને?’ સાંભળીને ડો. આશિષ મહેતાની આંખો ભીની થઇ ગઈ. ⬛drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો