તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટરની ડાયરી:હંમેશાં રહેશે અણસાર...જ્યાં સુધી ચાલશે ધબકાર..

ડૉ. શરદ ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડધા સમાચાર એક દર્દી સ્ત્રી ડોક્ટરને આપી રહી હતી અને બાકીની અડધી સૂચના એક બહેન પોતાના માની લીધેલા ભાઇને આપી રહી હતી

હજી હમણાંની જ વાત. બે વર્ષ પહેલાંની ઘટના. કાળના અખંડ પ્રવાહમાં જ્યાં યુગો અને મન્વંતરો ડૂબી જતા હોય ત્યાં બે વર્ષ તો શી વિસાતમાં? બારડોલી પાસેના એક ગામડામાં રહેતી રક્ષા નામની સ્ત્રી મારી પાસે ઇન્ફર્ટિલિટીની સારવાર માટે આવી હતી. એની સાથે આવેલા યુવાનની ઉંમર રક્ષા કરતાં નાની લાગતી હતી. હું કંઇ પૂછું એ પહેલાં જ રક્ષા બોલી ગઇ, ‘સાહેબ, આ મારો નાનો ભાઇ છે. મારા ઘરવાળા સાથે નથી આવ્યા. અમારા લગ્નને અઢાર વર્ષ થઇ ગયાં. દવા કરાવીને અમે કંટાળી ગયાં છીએ. આ મારા ભાઇએ ખૂબ આગ્રહ કર્યો કે એક વાર ઠાકરસાહેબને મળી લઇએ. એમણે તો ના જ પાડી દીધી પણ હું આવી છું.’ આટલું કહીને તેણે કાપડમાંથી બનાવેલી ગામડાશાહી થેલીમાંથી જૂની ફાઇલો ટેબલ પર મૂકી દીધી. સાથે આવેલા તેના ભાઇ મુકેશે ઉમેર્યું, ‘સાહેબ, હું તમને વર્ષોથી વાંચું છું. મેં રક્ષાબહેનને કહ્યું કે એક વાર આ સાહેબને મળી લઇએ. જો ઠાકરસાહેબ એવું કહી દે કે બાળક નહીં થાય તો પછી આશા છોડી દઇશું.’ મુકેશે એવું ન કહ્યું હોત કે એ મને વાંચે છે તો પણ હું સમજી ગયો હોત. છપાયેલા અક્ષરોનું વજન વધારે હોય છે. રક્ષાની ફાઇલોમાંથી રિપોર્ટ્સની સાથે સાથે બે-ત્રણ આશ્ચર્યો પણ ડોકાતાં હતાં. એક આશ્ચર્ય તો એની ઉંમરનું હતું. રક્ષાનું લગ્ન વીસ વર્ષની ઉંમરે થયું હતું. અત્યારે એની ઉંમર આડત્રીસની થઇ હતી. રૂટિન સારવારથી આ ઉંમરે ગર્ભધારણ થવાની આશા ઓછી ગણાય. સ્ત્રીનાં અંડાશયો રિટાયર્મેન્ટ તરફ જઇ રહ્યાં હોય. જો પ્રેગ્નન્સી માટે કોશિશ કરવી હોય તો કશુંક અત્યાધુનિક વિચારવું પડે. બીજું આશ્ચર્ય એ હતું કે એની બંને ફેલોપિયન ટ્યુબ્સ બંધ હતી. અત્યાર સુધીમાં કોઇ ડોક્ટરે એને કહ્યું કેમ નહીં હોય કે તમારે આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ કરાવવી જોઇએ. મેં ફાઇલોનો ડુંગર ખૂંદી નાખ્યો. પછી કહ્યું, ‘રક્ષાબહેન, તમને તપાસવાનો કોઇ અર્થ નથી અને જરૂર પણ નથી. તમારા નિઃસંતાનપણાનું કારણ આ રિપોર્ટ્સમાં સ્પષ્ટપણે વાંચી શકાય છે. તમારી બંને ફેલોપિયન ટ્યુબ્સની સ્થિતિ અને તમારી ઉંમર આ બધું ધ્યાનમાં લેતાં મારી એક જ સલાહ છે કે તમે આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ કરાવો.’ આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ આમ જનતા જેને ટેસ્ટ ટ્યુબબેબીનાં નામથી ઓળખે છે તે સારવાર. હું પોતે આઇ.વી.એફ. સેન્ટર ચલાવતો નથી, પણ મારા દર્દીઓને ગુજરાતના સર્વશ્રેષ્ઠ આઇ.વી.એફ. ક્લિનિકમાં રીફર કરી દઉં છું. જે દર્દીઓને મારી નિષ્ઠા પર ભરોસો હોય તે બધાં ત્યાં પહોંચી જાય છે. આજ સુધીમાં એક પણ યુગલને મેં નિરાશ થતું જોયું નથી. રક્ષાબહેનનો ભાઇ પણ મારી સલાહ સાથે સંમત થઇ ગયો. મેં ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઇ આપી; એડ્રેસ લખી આપ્યું. મારી કન્સલ્ટિંગ ફી ચૂકવ્યાં પછી રક્ષાબહેને બહારના ઓટલા પર મૂકી રાખેલી એક મોટી થેલી લઇ આવીને મારી સામે મૂકી દીધી. પછી હોંશથી ઊભરાતા ચહેરા સાથે એણે કહ્યું, ‘સાહેબ, તમારા માટે શાક-ભાજી લાવી છું. અમારા પોતાનાં ખેતરમાં ઉગાડેલાં છે. પ્રેમથી લાવી છું, પ્રેમથી ખાજો હોં ભાઇ!’ એનાં સંબોધનમાં સાહેબથી શરૂ કર્યાં પછી ભાઇ આવી ગયું હતું એ વાતની નોંધ મારા કાને લીધી. એ વાતની નોંધ મુકેશે પણ લીધી. એ બિચારો ઝંખવાઇ ગયો. રક્ષાબહેનને બહાર જવાનું કહીને એણે મારી માફી માગી લીધી, ‘સાહેબ, રક્ષાબહેન મારાથી મોટાં છે પણ એને બોલવાની ગતાગમ નથી. એનાથી કોઇ ભૂલચૂક થાય તો માફ કરજો.’ મેં સાચા ભાવથી જવાબ આપ્યો, ‘મને જરા પણ ખરાબ નથી લાગ્યું. એમણે ભાઇ જ કહ્યું છે ને?’ એ લોકો મારો ભલામણપત્ર લઇને ગયાં. આઇ.વી.એફ.ની ટ્રીટમેન્ટનો ખર્ચ સાવ ઓછો તો ન જ હોય. ઘરે જઇને, પતિ સાથે વિચારવિમર્શ કરીને બીજે મહિને રક્ષાબહેન પાછાં મારી પાસે આવ્યાં. આ વખતે પતિ-પત્ની આવ્યાં હતાં. મેં ફોન પર એપોઇન્ટમેન્ટ લઇ આપી અને આઇ.વી.એફ. સેન્ટરનું એડ્રેસ લખી આપ્યું. એક કલાક પછી ડોક્ટરનો ફોન આવ્યો, ‘સર, કેસ અઘરો છે, પણ હું પૂરી કોશિશ કરીશ.’ એને એની કોશિશ પર અને મને ઇશ્વરની કૃપા પર અખૂટ વિશ્વાસ હતો. પ્રથમ સાઇકલ નિષ્ફળ રહ્યું પણ બીજા સાઇકલમાં પ્રેગ્નન્સી રહી ગઇ. સોનોગ્રાફીનો રિપોર્ટ લઇને રક્ષાબહેન મને મળવાં આવ્યાં ત્યારે એમના ચહેરા પર ખુશીનો મોલ લહેરાઇ રહ્યો હતો. હું તો અત્યારથી જ એની આંખોમાં ઊગેલું માતૃત્વ જોઇ શકતો હતો. રક્ષાબહેને કહ્યું, ‘ભાઇ, મારી ઇચ્છા તમારા હાથે જ મારાં બાળકનો જન્મ થાય એવી છે.’ ‘એ શક્ય નથી. તમારું ગામ અમદાવાદથી બહુ દૂર છે. તમે બારડોલીમાં કોઇ સારા મેટરનિટી હોમમાં ડિલિવરી કરાવજો. જ્યારે બાળક જન્મે ત્યારે તરત મને ફોન કરી દેજો. હું રાજી થઇશ.’ મેં કહ્યું હતું એ પ્રમાણે જ રક્ષાએ કર્યું. પૂરા મહિને બારડોલીના એક પ્રાઇવેટ મેટરનિટી હોમમાં એનું સીઝેરિયન કરવામાં આવ્યું. ગાયનેકોલોજિસ્ટે એનું પેટ ચીરીને બાળકને બહાર કાઢ્યું. રક્ષાનું અડધું શરીર બેભાન હતું પણ ઉપરનું અડધું શરીર ભાનમાં હતું. એણે તરત જ પૂછી લીધું, ‘ડોક્ટર, શું આવ્યું છે બેબી કે બાબો?’ ડોક્ટરને હસવું આવી ગયું, ‘શું આવ્યું છે એ જાણવાની આટલી બધી ઉતાવળ છે? બાબો આવ્યો છે.’ આ સાંભળીને તરત જ રક્ષાએ ઓશીકાં નીચે મૂકેલો પોતાનો મોબાઇલ ફોન હાથમાં લીધો અને મેસેજ ટાઇપ કર્યો ઃ ‘સાહેબ, દીકરો જન્મ્યો છે. ઓપરેશન ચાલુ છે. નિરાંતે ફોટા મોકલીશ. મોં મીઠું કરજો, ભાઇ.’ ફરી એક વાર મેં એક જ પેરેગ્રાફમાં વપરાયેલા બે અલગ અલગ સંબોધનોની નોંધ લીધી. અડધા સમાચાર એક દર્દી સ્ત્રી એના ડોક્ટરને આપી રહી હતી અને બાકીની અડધી સૂચના એક બહેન પોતાના માની લીધેલા ભાઇને આપી રહી હતી. મેં ફ્રિજમાં પડેલાં બોક્સમાંથી અડધો પેંડો ખાઇ લીધો. મને મીઠાઇ ખૂબ ભાવે છે, પણ સાવધાની રાખીને હું ખાતો નથી. એ દિવસે મેં મીઠાઇ ખાધી પણ ખરી અને મને ભાવી પણ ખરી. ફાઇલોના ઢગલા સાથે આરંભાયેલો એક પ્રવાસ પેંડાના ટુકડા આગળ પૂરો થઇ ગયો. જીવન ચલને કા નામ! હું પણ મારી મનમંજૂષામાં આ સુંદર ઘટનાને ઢબૂરી દઇને આગળ વધી ગયો. આ ઘટનાનો આરંભ બે વર્ષ પહેલાં થયો હતો. રક્ષાને દીકરો અવતર્યો એ વાતને અત્યારે એકાદ વર્ષ થઇ ગયું. હમણાં બે-ત્રણ દિવસ પહેલાં રક્ષાના ભાઇ મુકેશનો ફોન આવ્યો. એના અવાજમાં ગભરાટ હતો. ‘સાહેબ, મારાં રક્ષાબહેનને ત્રણ દિવસથી તાવ આવતો હતો. કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બારડોલીની કોવિડ હોસ્પિટલમાં એમને દાખલ કર્યાં છે. ડોક્ટર રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું કહે છે, પણ એ ઇન્જેક્શન ક્યાંય મળતાં નથી. તમે અમદાવાદમાં...?’ મેં એની વિનંતી અડધા વાક્યમાં જ કાપી નાખી, ‘ભાઇ, અત્યારે મારા પોતાના માટે જોઇતું હોય તો પણ આ ઇન્જેક્શન મળી શકે તેમ નથી. મને માફ કર. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે રક્ષાની રક્ષા કરજો.’ ભગવાન અવશ્ય બધાંની રક્ષા કરવા જ બેઠા છે, પણ વચ્ચે માનવના આકારમાં કેટલાક દાનવો ફરતા રહે છે, જે ગમે ત્યાંથી ગમે તેમ કરીને ચરવાનું છોડતા નથી. મુકેશે ચારે બાજુ તપાસ કરી. અંતે સૌરાષ્ટ્રના એક શહેરમાંથી ઇન્જેક્શનનો જથ્થો મળી ગયો. ત્યાં રહેતા એક સંબંધીએ ખરીદીને મોકલી આપ્યું. ઇન્જેક્શનો આપવાં છતાં રક્ષાબહેન પાંચમા દિવસે મૃત્યુ પામ્યાં. આ દુખદ સમાચાર સાંભળીને હું શોકમાં ડૂબી ગયો. ડ્રોઇંગરૂમમાં ટીવી ચાલુ હતું. સમાચાર સંભળાયા ઃ ‘સૌરાષ્ટ્રના એ જ શહેરમાં બનાવટી રેમડેસિવિરના જથ્થા સાથે બદમાશોની ગેંગ ઝડપાઇ ગઇ.’ હું ભગવાનને પૂછી રહ્યો આ લોકોને બદમાશ કહેવાય કે હત્યારા? ⬛drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...