તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૉક્ટરની ડાયરી:બાકી ઘણા હકીમ હતા પણ આ મારી હઠ, બલ તારા હાથથી જ સિફા હોવી જોઈએ

ડૉ. શરદ ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. ચંદ્રાએ કહી દીધું, ‘મારે કંઈ નથી લેવું. હું માની લઈશ કે એક પેશન્ટની સારવારમાં મેં મારા ઘરના રૂપિયા મૂક્યા હતા. લઈ જાવ દીકરાને!’

ડો.પ્રતીક ચંદ્રા પોતાના કન્સલ્ટિંગ રૂમમાં બેસીને બાળ-દર્દીઓને તપાસી રહ્યા હતા. એક ગરીબ આદિવાસી પિતા એના બે વર્ષના દીકરાને લઈને આવ્યો. બાળક અત્યંત ગંભીર હાલતમાં હતું. એને ચાર-પાંચ દિવસથી ખાંસી, તાવ, ઊલટી વગેરેની તકલીફ હતી. ડો. ચંદ્રાએ બાળકને તપાસીને કહ્યું, ‘ભાઈ, તારા દીકરાને ન્યૂમોનિયા થયો હોય તેવું લાગે છે. આમ તો આવા બાળકને સારી એન્ટિબાયોટિક અને પેરાસિટામોલ દવા આપીએ એટલે સારું થઈ જાય, પણ અહીં મુશ્કેલી એ છે કે તારું બાળક ઊલટીઓ કરે છે, માટે મોંએથી આપવામાં આવતી કોઈ દવા એની હોજરીમાં ટકશે નહીં. એટલે એને ઈન્જેક્શનો આપવાં પડશે. વધુમાં એના શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું છે એટલે નસમાં બાટલો ચડાવવો પડશે. આ સાંભળીને ગરીબ બાપ મૂંઝવણમાં પડી ગયો, ‘સાયેબ, કેટલા પઈહા થાહે?’ બોલી પરથી સમજાઈ ગયું હશે કે આ વાત કયા પ્રદેશની છે! ‘કંઈ કહી ન શકાય. બાળકને કેટલા દિવસ અહીં રાખવું પડે તેના ઉપર બિલનો આધાર છે. જરૂર પડે તો ચાર-પાંચ દિવસ એને આઈ. સી. યુ.માં પણ...’ આટલું બોલીને ડો. ચંદ્રા અટકી ગયા, પછી વિચારીને એમણે સોંઘો ઉપાય શોધી કાઢ્યો, ‘તું આને સરકારી હોસ્પિટલમાં લઈ જા. હું ત્યાંના ડોક્ટર પર ચિઠ્ઠી લખી આપું છું. એ તારા દીકરાનું બરાબર ધ્યાન રાખશે, બિલ પણ નહીં ચૂકવવું પડે.’ ડોક્ટર પૂરું કરે ત્યાં તો આદિવાસી બાપે શરૂ કરી દીધું, ‘ટું જ ડવા આપી દેવા. ઊં ગમે ટેમ કરીને પોયરાના પેટમાં ડવા ટકાવવા. જો નહીં હારુ થહે તો પછી જોઈ લેવા.’ ડો. ચંદ્રાએ પોતાની પાસેથી દવાઓ કાઢી આપી. ભારેમાં ભારે મોંઘી એન્ટિબાયોટિક્સ, ઊલટી ન થાય તે માટેની દવા ઉપરાંત ડિહાઈડ્રેશન દૂર કરવા માટે ઓ. આર. એસ.ના પડીકાં આપ્યાં. બદલામાં એક પણ રૂપિયો ન લીધો. કન્સલ્ટિંગ ફીમાં પણ મોટી રાહત કરી આપી. બે વર્ષના વિરેનને ઊંચકીને ગરીબ બાપ હિંમત ચાલ્યો ગયો. ચોવીસ કલાક પૂરા થાય તે પહેલાં જ બાપ એની કિંમતી જણસને તેડીને પાછો આવ્યો. ડો. ચંદ્રાએ બાળકને તપાસ્યું. ઊલટી બંધ થઈ ગઈ હતી, પણ તાવ વધી ગયો હતો. આ કંડિશનને ડોક્ટરી ભાષામાં સેપ્ટિસીમિયા કહે છે. ‘જો ભાઈ, હવે એક મિનિટની પણ વાર કર્યા વગર તું આને સરકારી દવાખાનામાં લઈ જા અને આને દાખલ કરી દે, નહીંતર...’ ડો. ચંદ્રાએ ભારપૂર્વક સલાહ આપી. હિંમત પાછો જીદ પર અડી ગયો, ‘સાયેબ, અહીં જ દાખલ કર નીં. સરકારી દવાખાને નીં લઈ જવાનો. બધે કોરોનાના ડરડીઓ ભરી મૂક્યા છે.’ ડો. ચંદ્રાએ સમજાવ્યું, ‘પ્રાઈવેટમાં ખર્ચ વધી જશે. મારી સારવારને બાજુ પર રાખીએ તો પણ એક્સરે, બ્લડ ટેસ્ટ્સ, દવાઓ આ બધું જ...’ ‘પઈહા ભલે ઠાય પન ટું મારા પોયરાને ટારા ડવાખાનામાં ડાખલ કરી ડે. બિલ મારો શેઠ ભરશે. એણે કીઢું છે કે પોયરાને સરકારીમાં નીં લઈ જાટો.’ આટલું કહીને એણે ખિસ્સામાંથી એક વિઝિટિંગ કાર્ડ કાઢીને ડોક્ટરને આપ્યું. પછી કહ્યું, ‘લે, ટું મારા શેઠ હારે વાટ કર.’ ડો. ચંદ્રાએ કાર્ડ પર નજર ફેરવી. શેઠનું તો નામ અને કામ ખૂબ મોટું હતું. એક જાણીતી ઈન્ડસ્ટ્રીના તેઓ માલિક હતા. ડોક્ટરે ફોન લગાડ્યો. વાત કરી. શેઠે કહ્યું, ‘સાહેબ, બિલની જરા પણ ચિંતા ન કરશો. બિલ હું આપી દઈશ. આ ગરીબ માણસના દીકરાને બચાવી લેજો.’ ‘શેઠજી, હું ડોક્ટર છું, ભગવાન નથી. મારાથી બનતી તમામ કોશિશો કરી છૂટીશ, પણ બાળકની કન્ડિશન ખરાબ છે. એને બચાવવું હોય તો ખર્ચ તો સારો એવો થઈ જશે.’ ડો. ચંદ્રાએ ચોખવટ કરી દીધી. ‘હું બેઠો છું ને! ખર્ચ ભલે ગમે એટલો થાય, હું તમને એવું નહીં કહું કે એક રૂપિયો ઓછો લો. મેં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે. તમે સામાજિક સેવાનાં અનેક કાર્યો કરતા રહો છો. તમારાં બિલ પણ બહુ વાજબી હોય છે. માટે ચર્ચામાં સમય બગાડ્યા વગર કામ શરૂ કરી દો.’ શેઠજીએ ફોન પૂરો કર્યો. ડો. ચંદ્રા જાણતા હતા કે આ શેઠ કેટલા ધનવાન હતા! દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વાપીની વચ્ચે એમની માલિકીનું ફાર્મ જ પચીસ એકરના વિસ્તારમાં ફેલાયેલું હતું. પચાસ હજાર-લાખ રૂપિયા ફેંકી દેવા એ એમના માટે માથાનો એક વાળ તોડવા સમાન હતું. ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. વિરેનને આઈ. સી. યુ.માં રાખવામાં આવ્યો. ખર્ચનું મીટર પૂરઝડપે ઘૂમવા માંડ્યું. ત્રણ દિવસ થઈ ગયા. મુખ્ય નર્સ વનિતાએ ડો. ચંદ્રાને મળીને રજૂઆત કરી, ‘સર, બાળકની સ્થિતિમાં ધીમો પણ નક્કર સુધારો થતો જાય છે. એ અવશ્ય બચી જશે, પણ આપણું બિલ સારું એવું મોટું થઈ જશે. પેશન્ટને રજા આપતી વખતે એના પપ્પાને એ આંકડો ખૂબ ભારે લાગશે. એના કરતાં અત્યારે થોડીક રકમ એડવાન્સ પેટે લઈ લો તો સારું. ઘણી વાર કેટલાક દર્દીઓ બિલમાં મોટો કડદો કરીને...’ વનિતા સિસ્ટરની સલાહ સાવ સાચી હતી, પણ ડો. ચંદ્રાને માટે એ સ્વીકાર્ય ન હતી. એમણે કડક શબ્દોમાં કહી દીધું, ‘સિસ્ટર, મારી ત્રણ દાયકાની પ્રેક્ટિસમાં મેં એક પણ દર્દી પાસેથી ડિપોઝિટ લીધી નથી, ભવિષ્યમાં લેવાનો પણ નથી. સારવારમાં ધ્યાન આપો.’ પૂરા દસ દિવસ પછી વિરેન સાવ સાજો થઈ ગયો. એમાંથી છ દિવસ તો એને આઈ. સી. યુ.માં રાખવો પડ્યો હતો. રજા આપવાનો દિવસ આ‌વી પહોંચ્યો. ડો. ચંદ્રા બિલ બનાવતી વખતે પોતાનું જ ખિસ્સું કાપવા બેઠા. એકાવન સો રૂપિયાની મેડિસિન્સ, આઠસો રૂપિયા ટેસ્ટ્સના, હોસ્પિટલ સ્ટે અને ટ્રીટમેન્ટના લગભગ ત્રીસેક હજાર એમ બધાં થઈને...! ડોક્ટર કાતર ફેરવવા માંડ્યા. પચીસ, વીસ, પંદર, બાર એમ કરતાં-કરતાં દસ હજારના આંકડા સુધી નીચે આવી ગયા. બિલ બનાવીને હિંમતના હાથમાં મૂક્યું. હિંમતે તરત એના શેઠને ફોન કર્યો. શેઠે ડો. ચંદ્રાને ફોન કર્યો, ‘સાહેબ, તમારું કામ એટલે કામ! છોકરાને બચાવી લીધો. ભગવાન તમારું ભલું કરશે. હું મારા દીકરા વિક્કીને બિલ ભરવા મોકલું છું. થોડી વારમાં એ આવીને તમને પાંચ હજાર રૂપિયા આપી જશે. આનાકાની કર્યા વિના લઈ લેજો.’ ડો. ચંદ્રા ડઘાઈ ગયા. તેઓ દલીલ કરવા માટે મોં ખોલે તે પહેલાં તો ફોન કપાઈ ગયો હતો. થોડી વારમાં વિક્કી આવી પહોંચ્યો. ચાર બંગડીવાળી કારમાં બેસીને આવ્યો હતો. ચાર-ચાર આંગળીઓમાં હીરાજડિત વીંટીઓવાળો જમણો હાથ લાંબો કરીને તેણે પાંચ હજાર રૂપિયા ડોક્ટરના ટેબલ ઉપર મૂકી દીધા. હવે ડો. ચંદ્રાના મન પર લાગેલા આઘાતની કળ જરા ઓછી થઈ ગઈ હતી. એમણે પૈસા લેવાની સ્પષ્ટ ના પાડી દીધી. સઘળો હિસાબ-કિતાબ કહી સંભળાવ્યો. પછી કહ્યું, ‘હું મિનિમમ પચીસ હજાર રૂપિયા લેવાનો હકદાર છું. દસ હજારની રકમ તો સાવ...’ ‘સર, તમે આ બાળકના બાપ સામે તો જુઓ. એના માટે તો આ રકમ એક લાખ રૂપિયા જેવડી મોટી છે. તમે લઈ લો અને એને ઘરે જવાની રજા આપો. એવું માનજો કે એક પેશન્ટમાં નહોતા કમાયા.’ ‘કમાવાની તો વાત જ ક્યાં આવે છે આમાં? એકાવન સો રૂપિયા તો ખાલી દવાઓના થાય છે. આનો અર્થ તો એવો થયો કે દસ દિવસની તનતોડ મજૂરી, આઠ-નવ વર્ષનું ભણતર અને જ્ઞાન તથા ત્રીસ વર્ષનો અનુભવ આ બધું સાવ પાણીમાં ગયું!’ ડો. ચંદ્રા અકળાઈ ઊઠ્યા. વિક્કી પાસે પિતાએ પઢાવેલી એક જ દલીલ હતી, ‘માનવતા રાખો સાહેબ. એવું માનજો કે એક પેશન્ટ પાસેથી નહોતા કમાયા.’ ડો. ચંદ્રાએ કહી દીધું, ‘તો રહેવા દો ભાઈ, મારે કંઈ નથી લેવું. હું માની લઈશ કે એક પેશન્ટની સારવારમાં મેં મારા ઘરના રૂપિયા મૂક્યા હતા. તમે લઈ જાવ દીકરાને!’ ખરેખર વિક્કી બાળકને અને એના બાપને લઈને જતો રહ્યો. જ્યારે ફોલોઅપ ચેકઅપ માટે હિંમત એના દીકરાને લઈને થોડાક દિવસો પછી આવ્યો ત્યારે ડોક્ટરે પોતાનો વસવસો રજૂ કરી દીધો. હિંમતે જે જવાબ આપ્યો તે સાંભળીને એમણે પોતાનું માથું પકડી લીધું. હિંમતે કહ્યું, ‘તું આ હું બોલે, ડાગટર? શેઠ આવું કરી ગ્યો? એણે તો મારો આખા મહિનાનો પગાર એવું કઈને કાપી લીઢો કે ડાગટરના બિલના વીસ હજાર થ્યા છે!!!’ ⬛ (સત્યઘટના. બધાંનાં નામ બદલ્યાં છે. કથાબીજ : ડો. કાર્તિક ભદ્રા)શીર્ષકપંક્તિ : મરીઝ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...