ઉત્તર પ્રદેશના મોરાદાબાદની એક યુવતી શાદાબ નામના એક યુવાનના પ્રેમમાં પડી. એ પછી તે શાદાબના કઝીનને ઘરે તેની સાથે એકાંતમાં સમય ગાળવા જતી હતી. અને એ દરમિયાન તેમની વચ્ચેના સંબંધોના ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ શાદાબે શૂટ કરી લીધા હતા. એ વિડીયોઝ તેણે તેના ત્રણ મિત્રો રશીદ, સદ્દામ અને આરીફને મોકલાવ્યા. એ પછી તે યુવતીને તેના ‘પ્રેમી’ શાદાબે બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તારે મારા મિત્રો સાથે પણ શારીરિક સંબંધો બાંધવા પડશે. તે યુવતીને આઘાત લાગ્યો. તેણે એ માટે ના પાડી દીધી. એટલે શાદાબે તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું કે ‘કાં તો તું મારા મિત્રો સાથે સેક્સ્યુઅલ રિલેશન માટે તૈયાર થા અને નહીં તો મારા મિત્રોને પચાસ હજાર રૂપિયા આપ! નહીં તો તેઓ તારા આ બધા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર મૂકી દેશે.’ શાદાબના મિત્રોએ પણ તે યુવતીને કહ્યું કે ‘તારું કુટુંબ પણ તને બચાવી નહીં શકે.’ પોતાના બોયફ્રેન્ડે બ્લેકમેઈલિંગ શરૂ કર્યું એટલે તે યુવતીને આઘાત લાગ્યો અને તે યુવતીએ જીવન ટૂંકાવી લેવા માટે ચાલીસ ફૂટ ઊંચા એક ઓવરબ્રિજ પરથી નીચે ઝંપલાવી દીધું. તે છોકરી બચી તો ગઈ, પણ તે પેરેલિસિસનો ભોગ બની ગઈ અને તેના બંને પગ જિંદગીભર માટે નકામા થઈ ગયા! પોલીસે તે યુવતીના બોયફ્રેન્ડ શાદાબ અને તેના મિત્રો સદ્દામ, આરીફ અને રશીદની સામે કેસ નોંધ્યો છે. એ કેસ હવે વર્ષો સુધી ચાલશે. એનો ચુકાદો ક્યારે આવશે એનો કોઈ ભરોસો નહીં! બીજો એક કિસ્સો જોઈએ. વિલાસપુર નજીકના કુદુદંડમાં રહેતી એક યુવતી તેના બોયફ્રેન્ડ માસૂમ બેગને મળવા સીતાપુર ગઈ. તેણે તેના પ્રેમી માસૂમ અને તેના મિત્રો રાજેશ રઘુરામ સાહુ ઉર્ફે રાજુ શશીકાંત રામલોચન અને વૈષ્ણવ ચંદ્રપ્રકાશ સાથે ડ્રિન્ક પાર્ટી કરી. તે યુવતી સાથે કલાકો સુધી બીયર પીધાં પછી તેનો પ્રેમી માસૂમ અને તેના બે મિત્રો રાત્રે બે અલગ-અલગ મોટરસાઈકલ ઉપર તે યુવતીને તેની બહેનપણીના ઘરે છોડવાને બહાને એક ખેતરમાં લઈ ગયા અને ત્યાં તેમણે તેના પર ગેંગરેપ કર્યો. હવે આ કિસ્સો પણ જાણો. ઉત્તર પ્રદેશના શંકરગઢ નજીકના એક ગામની બારમા ધોરણમાં અભ્યાસ કરતી એક ટીનેજર છોકરીની લાશ ટિકની નજીકના જંગલમાં એક વૃક્ષ ઉપર લટકતી મળી આવી હતી. નવાડી ગામની વતની અને માનપુરની શાળામાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી તે છોકરી ઘરેથી સ્કૂલે જવા નીકળી, પણ તે સ્કૂલે પહોંચી જ નહીં. એ પછી ચાર દિવસ બાદ તેની લાશ ટિકનીના જંગલમાં વૃક્ષ પર લટકતી મળી આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે તે યુવતી પર રેપ થયો હતો અને પછી તેની હત્યા કરાઈ હતી. પોલીસે તે યુવતીના ફોન કોલ્સની ડિટેલ્સ કાઢી અને તેના જ ગામના યુવાન રાજેશ સોનવાનીની પૂછપરછ કરી તો ખબર પડી કે તે છોકરી રાજેશ સોનવાનીના પ્રેમમાં હતી. પોલીસે તેની આકરી પૂછપરછ કરી એટલે તેણે સ્વીકારી લીધું કે ‘મેં મારા બે મિત્રો ઈન્દ્ર ખૈવર અને લાદુ ખૈવર સાથે મળીને 28 જાન્યુઆરીની સાંજે તે છોકરીનું અપહરણ કર્યું હતું. અમે તેને ટિકનીના જંગલમાં લઈ ગયા હતા. ત્યાં અમે ત્રણેયે તેના પર વારાફરતી ગેંગરેપ કર્યો હતો અને પછી જેલમાં જવાના ડરથી તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પછી તેણે આત્મહત્યા કરી હોય-જાતે ગળાફાંસો ખાઈ લીધો હોય એવું લાગે એ માટે અમે તેની લાશને એક વૃક્ષ પર લટકાવી દીધી હતી.’ ઓગસ્ટ 2021ના પ્રથમ સપ્તાહમાં દિલ્હીના એક સ્મશાનના વોટરકૂલરમાંથી ઠંડું પાણી લેવા ગયેલી નવ વર્ષીય છોકરી પર એક પુજારી સહિત ચાર વ્યક્તિઓએ ગેંગરેપ કર્યો અને પછી તેની હત્યા કરીને મારી નાખી. તો જુલાઈ 2021માં મુંબઈમાં એક ટ્રાન્સજેન્ડરે એક કુટુંબમાં દીકરીના જન્મ નિમિત્તે બે હજાર રૂપિયા અને મોંઘી વસ્તુઓની ભેટની માગણી કરી અને લોકડાઉનને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલું એ કુટુંબ એ માગણી સ્વીકારી ન શક્યું એટલે ટ્રાન્સજેન્ડરે તેના સાથીઓની મદદથી તે નવજાત છોકરીનું અપહરણ કર્યું, તેના પર રેપ કરાવ્યો અને તેને જીવતી દફનાવી દીધી! જે રાજ્યોમાં (કે કેન્દ્ર સરકાર હસ્તકના વિસ્તારોમાં પણ) શેતાન જેવા માણસો કોઈ ડર વિના આવા ખતરનાક ગુનાઓ કરી શકે ત્યાંના શાસકો સામે અવાજ ઊઠવો જ જોઈએ. એવા શાસકો સામે આવા જઘન્ય અપરાધો રોકી ન શકવા માટે અવાજ ઊઠે ત્યારે તેમના સમર્થકોએ તેમનો બચાવ કરવાની હદ સુધીની વિકૃતિ ન દાખવવી જોઈએ પછી ભલે એ શાસકો કોઈ પણ પક્ષના હોય. અને આવા અપરાધ કરનારાઓ માટે જેમને સહાનુભૂતિ થતી હોય એવા બૌદ્ધિકોની માનસિકતા સામે સવાલ ઊઠવો જોઈએ. આવા વિકૃત અપરાધીઓને પોલીસ ક્યારેક એન્કાઉન્ટરમાં ફૂંકી મારે ત્યારે પોતાની જનેતાનો સુહાગ છીનવાઈ ગયો હોય, પોતાની બહેન વિધવા થઈ ગઈ હોય કે માડીજાયો ભાઈ ગુમાવ્યો હોય એવી અકથ્ય વેદના અનુભવનારા અને નફ્ફટાઇપૂર્વક આવા વિકૃત અપરાધીઓના સમર્થનમાં આગળ આવતા દંભી બૌદ્ધિકોની માનસિકતા સામે સવાલ ઊઠવો જોઈએ. આવા ખતરનાક અપરાધીઓ રંગે હાથ ઝડપાઈ જાય, તેમની સામેના આરોપો પુરવાર થાય અને વર્ષો સુધી કેસ ચાલ્યા પછી તેમને ફાંસીની સજા થાય તો એ ફાંસીની સજા રોકવા માટે આકાશ-પાતાળ એક કરી નાખનારા સો કોલ્ડ ઈન્ટેલેક્ચ્યુલ્સને પણ સજા થાય એવી કાનૂનમાં જોગવાઈ કરવી જોઈએ. {
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.