તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈટ હાઉસ:સમજદારીને સમજવામાં સમજદારી છે

રાજુ અંધારિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમજદારી એક એવી તાકાત છે જેનો સૂઝભર્યો ઉપયોગ માણસને મુઠ્ઠી ઊંચેરો બનાવી શકે છે

પ્રખ્યાત પર્શિયન કવિ અને સૂફી સંત જલાલુદ્દીન રૂમીએ માનવીનું કુદરતે સર્જન કર્યું એ સમયની એક રૂપકકથા આલેખી છે. માનવીનું સર્જન કર્યા બાદ ઈશ્વરના આદેશથી એક દેવદૂતે માનવી સમક્ષ ત્રણ કીમતી મોતી રજૂ કરી એમાંથી એક પસંદ કરવાનું કહ્યું. આ ત્રણ મોતી હતા: બુદ્ધિ-સમજશક્તિ (Intellect), નિષ્ઠા-શ્રદ્ધા-પ્રગાઢ આસ્થા (Faith) અને વિનય-નમ્રતા (Modesty). માનવીએ બુદ્ધિ-સમજશક્તિનાં મોતીની પસંદગી કરી. બાકીનાં બે મોતી દેવદૂત પાછાં લઇ જવા લાગ્યો, પણ એમ શક્ય થયું નહીં. નિષ્ઠા-શ્રદ્ધા અને વિનય-નમ્રતાનાં મોતીએ કહ્યું: ‘અમને બુદ્ધિ-સમજદારીના સહવાસથી અલગ કરી શકાય નહીં. અમે એવી કોઈ જગ્યાએ હોઈએ જ નહીં, જ્યાં એનું અસ્તિત્વ ન હોય.’ આપણે વાત કરવી છે બુદ્ધિ-સમજશક્તિની. એના બીજા સમાનાર્થી શબ્દો છે વિચારશક્તિ, પ્રજ્ઞા, સૂઝ અને વિવેકબુદ્ધિ. માણસને મળેલી આ સૌથી મહાન ભેટ છે. અલબત્ત, એનો ઉપયોગ કેમ કરવો, કરવો કે ન કરવો એ આપણા હાથની વાત છે. વાસ્તવમાં આપણે રોજિંદાં જીવનમાં જે કંઈ કરીએ એ બધાંમાં આપણી આ સમજદારી બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સાવ રુટિન એવા રોજિંદા નિર્ણયો લેવાથી લઈને અગત્યના નિર્ણયો લેવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ સમજદારીથી આપણે સ્વતંત્ર નિર્ણય લઇ શકીએ છીએ કે પછી એનો અધૂરો કે નહિવત્ ઉપયોગ કરીને ગેરમાર્ગે પણ દોરવાઈ જઈએ છીએ. સમજદારી આપણી રોજબરોજની જિંદગી ઉપર અસર કરતી હોવાથી એનો ડહાપણપૂર્વક ઉપયોગ થાય એ જરૂરી છે. આગળ જોયું એમ સમજદારીનો સમાનાર્થી શબ્દ વિવેકબુદ્ધિ પણ છે. વિવેકબુદ્ધિ આપણને સારાં-નરસાં વચ્ચેનો, હકીકત-બનાવટી માહિતી વચ્ચેનો ને ઉપયોગી-બિનઉપયોગી બાબતો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવામાં મદદરૂપ થાય છે. એક ઉદાહરણ લઈએ. આજકાલ સોશિયલ મીડિયા ઉપર પુષ્કળ માહિતી વાઈરલ થઇ રહી છે. શું એ બધી જ માહિતી ઉપયોગી હોય છે ખરી? એ બધી માહિતીમાંથી અમુક સત્ય, અર્ધ-સત્ય કે નકલી પણ હોવાની. આપણે Intellect વિશેની ચર્ચા સમજદારી-સૂઝ અને વિવેકબુદ્ધિના અર્થમાં જ કરીએ તો સોશિયલ મીડિયા પર થતાં શેરિંગ માટે આપણે એનો કેટલો ઉપયોગ કરીએ છીએ એ પ્રશ્ન પોતાને અચૂક પૂછવો જોઈએ. સોશિયલ મીડિયાના સંદર્ભને સીમિત રાખીને આગળ વધીએ તો ઘણી વાર એવું પ્રતીત થાય કે ઘણું સારું ઔપચારિક શિક્ષણ મેળવેલું હોય એવાં લોકો પણ નીર-ક્ષીર વચ્ચેનો ભેદ પારખ્યા વગર અમુક બાબતોની આંખો મીંચીને તરફેણ કે પછી આંધળો વિરોધ કરે. અમુક પોસ્ટ વાંચીએ ત્યારે એવું લાગે કે પ્રથમ દૃષ્ટિએ જ ગળે ના ઊતરે એવી વાતને અસંખ્ય લોકો ધડાધડ ‘લાઇક’ આપવા લાગે ને એના પર ધોધમાર કોમેન્ટ આવવા લાગે. એવું જ ફોરવર્ડ મેસેજનું છે. પોતાની વિચારસરણીને અનુરૂપ વ્યક્તિ તરફથી આવેલા મેસેજને કેટલીક વાર તો વાંચ્યા વગર જ કે પોતાની બુદ્ધિમતાનો ઉપયોગ કર્યા વગર આગળ ફોરવર્ડ કરનારાં અનેક લોકો જોવા મળશે. આનું સૌથી વિપરીત પરિણામ એ આવે કે સમાજમાં ભાગલા પડે ને આપસમાં વૈમનસ્યમાં વધારો થાય. આવું ને આવું લાંબા ગાળા સુધી ચાલે ને મોટાભાગનાં લોકો સૌથી મહાન ભેટ એવી સમજદારી કે વિવેકબુદ્ધિનો ઉચિત ઉપયોગ ન કરે તો સમાજમાં અરાજકતા ખૂબ વધી જાય. બીજી બાજુ, સમજદારી-વિવેકબુદ્ધિ એક એવી તાકાત છે જેનો સૂઝભર્યો ઉપયોગ માણસને મુઠ્ઠી ઊંચેરો બનાવી શકે છે. આથી જ બ્રિટિશ લેખક એલન મૂર કહે છે: ‘તમારી તલવાર, અર્થાત્ તમારી સમજદારી-વિવેકબુદ્ધિને લીધા વગર ઘરમાંથી કદી બહાર નીકળશો નહીં.’⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...