હવામાં ગોળીબાર:દેશપ્રેમમાં કન્ફ્યુઝન છે!

13 દિવસ પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
  • કૉપી લિંક
  • આ કન્ફ્યુઝનમાંથી અમને એટલું તો સમજાય છે કે આપણો દેશપ્રેમ મોબાઈલમાં વધારે છલકાય છે અને રિયલ લાઈફમાં...

આજકાલ આખા દેશમાં દેશપ્રેમની ગજબ લહેર ઊઠી છે એ તો સારી જ વાત છે, પરંતુ અમારા દિમાગમાં ક્યારનું કન્ફ્યુઝન ચાલ્યા કરે છે. જુઓને, આપણે જિંદગીમાં ક્યારેય ના જવાના હોઈએ એવા હિમાલયના દુર્ગમ પહાડોને ચીરીને સેંકડો કિલોમીટર લાંબી ટનલમાંથી સરસ મઝાના માખણ જેવા રસ્તા બનાવ્યા હોય એના વિડીયો જોઈને આપણી છાતી ગજગજ ફૂલી જાય એ તો ખરેખર ગર્વની જ વાત છે, પણ... યાર, આપણાં શહેરોમાં ભલભલાની કમરના મણકે-મણકા તોડી નાખે એવા મલ્ટિપલ ખાડાવાળા રોડના ફોટા મૂકીને એની ઉપર જોક્સ બનાવીએ કે પછી સિરિયસલી એની ફરિયાદો કરીએ છતાંય એક પણ કોન્ટ્રાક્ટર, એક પણ એન્જિનિયર, એક પણ અધિકારી કે મંત્રીને ન તો દંડ થાય કે ના સજા મળે... તો આપણા દેશપ્રેમનું શું સમજવાનું? એ જ રીતે પૂરાં 75 વરસ સુધી આપણાં લમણે જે ગુલામીનાં પ્રતિક જેવાં નામો લખાયેલાં હતાં એવાં રસ્તાઓ, શહેરો અને ઈમારતોનાં નામો બદલીને આપણાં સ્વદેશી નામો રાખીએ, એના નામકરણના સમારંભોના વિડીયો પણ હોંશે હોંશે ફોરવર્ડ કરીએ એ તો ગર્વની જ વાત છે, પણ... આપણા જ ઘરમાં આપણાં સંતાનો બાપાને ‘ડેડ’ કહે, માતાને ‘મોમ’ કહે, મિત્રને ‘ડૂડ’ કહે, શિવને ‘શિવા’ અને રામને રામા’ કહે.... ઘરની પુત્રવધૂઓ બાળકોને ‘ક્વિકલી ક્વિકલી ઈટ કરી લો’ અને ‘ફટાફટ ડ્રિંક કરી લો’ એવું કહે... ત્યારે આપણે ક્યાં જઈને ગર્વ લેવાનો? વોટ્સએપમાં સરસ મઝાના વિડીયોમાં આપણને સમજાવે કે ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન હતી... વેદો, પુરાણો અને શાસ્ત્રોમાં લખેલા સંસ્કૃતના શ્લોકોના શબ્દે શબ્દ પકડીને એનો સાચો અર્થ સમજાવે... ત્યારે આપણે ગદ્્ગદ થઈ જઈએ! અને કેમ ના થઈએ? એ તો ગર્વની જ વાત છે ને? પણ... આપણાં જ બાળકોને આપણે સામેથી ડોનેશન આપીને ઈંગ્લિશ મીડિયમમાં મૂકીએ અને એ લોકો અગડમ બગડમ ઈંગ્લિશ બોલે એનોય ગર્વ લઈએ અને ‘ગુજરાતી નથી ફાવતું’ એનો પણ ગર્વ લઈએ... એ કેવું? જે ઈંગ્લેન્ડની આપણે 200 વરસ સુધી ગુલામી કરી એને ‘પછાડીને’ (કેવું જોરદાર દૃશ્ય દેખાય છે, નહીં!) આપણું અર્થતંત્ર પાંચમા નંબરે પહોંચી ગયું એ સમાચાર સાંભળીને આપણને ગર્વ થાય, થાય ને થાય જ! પણ... એ જ ઈંગ્લેન્ડની ‘મહારાણી’ (હજીયે આપણે મહારાણી જ કહેવાનું ને!) મૃત્યુ પામે તો ‘વહેલો તે પહેલો’ના ધોરણે સટાસટ સમાચારો ફોરવર્ડ કરીએ... RIP, RIPના મેસેજો ઠોકી દઈએ અને આંખો ફાડીને એની શોકાંજલિનું પ્રસારણ જોયા કરીએ... તો એને શું કહેવું? કન્ફ્યુઝન છે મિત્રો... નવી સુપર ફાસ્ટ ‘વંદે ભારત’ જેવી ટ્રેન ચાલુ થાય, નવી મેટ્રો રેલના ચકાચક ડબ્બાએ જોડાય, નવો રંગબેરંગી વોક-વે બ્રિજ બને... એ બધાના ડ્રોન વડે શૂટ થયેલા, એનિમેશન વડે પ્રેઝન્ટ થયેલા અને શહેરના પોપ્યુલર આરજે દ્વારા પ્રસ્તુત થયેલા વિડીયો તો આપણે અમેરિકા, કેનેડા અને ઈંગ્લેન્ડમાં રહેતાં NRIઓને મોકલીને વાહ વાહ ઉઘરાવી લઈએ (અરે, ઘણીવાર તો એવા વિડીયો NRIઓ ‘વહેલો તે પહેલો’ના ધોરણે આપણા કરતાં આગળથી મૂકી દે છે!) એ બધું તો સાચા દેશપ્રેમી માટે ગર્વની જ વાત છે, પણ... એ જ પુલો, ટ્રેનો અને ઈમારતોમાં પાનની પિચકારી મારીને દેશની ‘અસલી ઈમેજ’ ઉજાગર કરનારા આપણી સામે જ હોય ત્યારે એક લાફો પણ ના મારી શકીએ... એને શું કહેવાય? આમ તો અમે એક નંબરના ડફોળ છીએ એટલે આ કન્ફ્યુઝનમાંથી અમને કશું સમજ પડવાની જ નથી, છતાં એટલું તો સમજાય છે કે આપણો દેશપ્રેમ મોબાઈલમાં વધારે છલકાય છે અને રિયલ લાઈફમાં... હશે ભૈશાબ, મોબાઈલમાં આવ્યો એય ઘણું છે! જય ભારત.⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...