‘ફિલ્મ ‘આનંદ’માં રાજેશ ખન્ના કોઈ પણ અજાણ્યાના ખભે જોરદાર ધબ્બો મારીને ઉલ્લાસથી પૂછે છે, ‘અરે મુરારીલાલ...?’ જોરદાર ધબ્બો ખાધા પછી ચચરતી હોય એટલે પેલો પાછું વળીને જુએ છે તો લાચારીથી ચોંકી જાય છે ને પોતે મુરારીલાલ ‘નહીં’ હોવાની ચોખવટ કરે છે, એના જવાબમાં ખન્નો બધું વાળી લઈને સરસ વાત કરે છે, ‘ઓહો... આપ મુરારીલાલ નહીં હૈ...? ચલો, ઈસ બહાને આપસે મુલાકાત હો ગઈ!’ આજકાલ મારે વગર મુરારીલાલ બન્યે બધું ભૂલી જવાય છે, ખાસ કરીને નામો! મળવા આવનાર ઉત્સાહથી મળે, ને મૂંઝાયેલો હું એનું નામ યાદ કરવામાં એને વધુ ચિંતામાં નાંખી દઉં છું! એનું માન જાળવવા નાટક તો થોડું કરું, ‘આ હા... ઓળખ્યા... જીતુના ફાધર ને?’ ‘ઓહ સર... મારા તો હજી લગ્નેય નથી થયા. ને હું હજી ફાધર બન્યો નથી’, ત્યાં ‘જીતુ-ફિતુ’ હોવાનો તો કોઈ સવાલ જ નથી, એટલે મારા બદલે એ મૂંઝાઈને સ્પષ્ટતાઓ કરવા માંડે, ‘અરે દાદુ... ભૂલી ગયા? સીમાના મેરેજમાં આપણે ડિનર પર સાથે બેઠા’તાઆઆઆઆ...?’ હવે નવો પ્રોબ્લેમ એ આવે કે, લાઈફ ટાઈમમાં હું કોઈ સીમા-ફિમાને મળ્યો હોવાનું યાદ જ ન હોય, એટલે નવું બાફું, ‘સીમા એટલે જેનો એક ખભો ઊંચો આવી ગયો છે એ...?’ મારા તરફથી આવી બીજી ઈન્કવાયરીઓના જવાબો આપીને પેલો એવો કંટાળ્યો હોય કે, ‘સોરી ગણપતભ’ઈ... હું તમને રાવજીભ’ઈ સમજેલો!’ કહીને જાન છોડાવીને જતો રહે. ચોંકી હું જઉં કે, ‘મને ગણપતભ’ઈ કેમ કીધો...???’ પ્રામાણિકતાથી કબૂલો કે, આપણે કોઈને મળીએ ત્યારે તદ્દન ફોર્મલ મળતા હોઈએ છીએ. ચહેરા ઉપર એનાય આનંદ ન હોય ત્યાં આપણે ક્યાંથી લાવવો? હજી હાથ મિલાવવાની આદતો ચાલુ છે અને એય ચાર આંગળા અડે, એટલે બહુ થયું, ભ’ઈ! મળતાની સાથે એની કે આપણી કોઈ વાતમાં ઉમંગ ન હોય, તરવરાટ ન હોય કે ચહેરા ઉપર સ્વાભાવિક આનંદ ન હોય! ઊભાય રહેવાનું બસ, કોઈ 2-4 મિનિટ ને પછી છૂટા પડતી વખતે, ‘ચલો ત્યારે... મળીએ પાછા!’ કહીને બાજી ફિટાઉન્સ કરી દેવાની. કોમિક એ વાતનું છે કે, આ જે 2-4 મિનિટ મળ્યા એની વાતના વિષયો તો જુઓ! ‘શું દાદુ, બીજું શું ચાલે છે?’ અરે વાંદરા, મેં તો હજી પહેલું શું ચાલે છે, એય નથી કીધું અને તારું પહેલું કે આઠમું શું ચાલે છે, એ મેં પૂછ્યું નથી છતાં છૂટા પડતી વખતે બીવડાવતો જાય, ‘ચાલો ત્યારે... ફરીથી મળીશું!’ મળવા મળવાની એક સ્ટાઈલ હોય છે. ઉમંગ અને ઉષ્મા તો આપણામાં હોય તો એને આપીએ. (આપણને જોયા પછી એનામાં તો હોય જ નહીં... એમાં નવું શું કીધું?) આપણને તો કોઈ સ્ત્રીનેય મળતા આવડતું નથી, એમાંય જો ખૂબસૂરત હોય તો ગયા છપ્પનના ભાવમાં! આખી લાઈફનો ભેગો કરેલો વિવેક-વિનય પેલી ઉપર ઢોળી દઈએ. સાલો કાઢ્યો ન હોય, એટલો પૂરો વિવેક બતાવીને કાર્ટૂન જેવા સ્માઈલ સાથે પૂછીએ, ‘ભાભી... બાકી બધું બરોબર ને?’ પ્રોબ્લેમ તો વાઈફડી સાથે હોય ત્યારે થાય! સાલું ન ઝાઝું વિવેકી બની શકાય, ન હાથમાં આવેલો મોકો જવા દેવાય! મોકો એટલે પેલીને બે ઘડી મન ભરીને જોવાનો, બીજો તો શું હોય? પણ એનાથીય તોતિંગ પ્રોબ્લેમ સાલીનો ગોરધન સાથે હોય ત્યારે થાય. વાત તો એના ગોરૂ સાથે જ ચાલુ રાખવી પડે ને પેલાની નજર ન પડે એમ સાઈડમાંથી પેલીને જોઈ લેવાય. એ તો પછી ઘેર પહોંચ્યા પછી જે ધમાધમ થાય એ ભોગવી લેવાની! બહુ ઓછા ગુજરાતીઓએ નોંધ્યું હશે કે, હવે કોઈ કોઈને ઘેર બોલાવતું નથી. ક્લબ, હોટેલ કે પાર્કિંગમાં મળે ત્યાંય એકબીજાના ઘેર આવવા-જવાની વાત નહીં. એક-બે વખત બન્યું હશે કે, લાગણીના ધોધમાં આવીને કોઈ ગોરધને ફેમિલી સાથે પોતાના ઘેર આવવાનું આમંત્રણ આપી દીધું હોય, પછી ઘેર જઈને જુઓ ભાયડીના ભડાકા...! ‘ઈ લોકો કોઈ ’દિ આપણને બોલાવે છે, તે તમે મંઈંડા હતા, ‘ઘેર આવો... ઘેર આવો!’ ઈ તમારી હગલી આપણા ઘેરે બધાને લઈને આવે છે, તો સોફાય વિખી નાંખે છે... આ મ્મોટા પલાઠાં વાળીને સોફા ઉપર માતાજીની ઘૉડે બેશી જાવાતું હઈશે? ને એમાંય... હાય હાય શું કહું? એમનો બાબો આપણા કમ્પ્યૂટર ઉપર મૂતરી આવ્યો હતો...! આવાઓને બીજી વાર બોલાવાય જ નહીં!’ ગુજરાતીઓમાં પંજાબીઓનું જોઈ જોઈને મહેમાન બનીને કોકને ઘેર જાઓ તો હજાર-બે હજારની ગિફ્ટ લઈ જવી પડે... છેવટે બ્લેક-ચોકલેટના પેકેટ કે આઈસક્રીમ! પેલા લોકો હસતાં હસતાં લઈ પણ લે, એટલું બોલીને કે, ‘અરે અરે... આ બધું લાવવાની ક્યાં જરૂર હતી?’ (ત્યારે વાઈફને સાલું કહેવાતું નથી કે, ‘પાછું મૂકી દે..!’) મને લાગે છે, કોઈના ઘેર ગિફ્ટ લઈને જવું એ મહેમાનગતિનો દંભીમાં દંભી પ્રકાર છે! હકી માની જતી હોય તો હું કદી કોઈના ઘેર નાનકડો વેનિલાય લઈ જતો નથી. ‘અમે ખાલી હાથ નથી આયા...’ એટલું અભિમાન બતાવવા હવે કોઈ મોટી ગિફ્ટ લઈ જવી પડે છે... એ લોકો લાવેલા, એનાથી થોડી મોંઘી! આ બેવકૂફભરી પ્રથા એટલે પડી ગઈ છે કે, વર્ષો પહેલાં કોઈ લેખકે લખી નાખ્યું હશે કે, ‘કોઈના ઘેર ખાલી હાથે ન જવાય.’ એટલે આજ સુધી ચાલ્યું આવે છે. આમ તો હવે ફેમિલી સાથે કોઈના ઘેર જવાનું સમજો ને, ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું છે, ગિફ્ટ લઈ જવાને બદલે દાઝ કાઢવી જ હોય તો એ લોકો તમારા ઘરે આવે ત્યારે બહુ બહુ તો વઘારેલો ભાત ખવડાવો... જો એ લોકો દહીં લેતા આવ્યા હોય તો! જોકે, મારા ઘેર આવો તો આવા બધા નિયમો પાળવાની જરૂર નથી. હું બહુ ભાવુક છું. તમે ત્યારે જે લાવવું હોય તે લેતા આવજો... આમાં તો મારી બાય ખુશ થશે!{ ashokdave52@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.