પાંજી બાઈયું:…તો તો અમે ગામનો નકશો બદલી નાખીશું

3 મહિનો પહેલાલેખક: ડો. પૂર્વી ગોસ્વામી
  • કૉપી લિંક

શું તમે જાણો છો? કચ્છના એક એવા ગામ વિશે જ્યાં પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં જ બિનહરીફ મહિલા બોડી નિમવાની જાહેરાત થઈ ચૂકી હતી. ગયા વર્ષની વાત છે. ગામની પંચાયતી બેઠકમાં મહિલાઓએ નારો ઉચ્ચાર્યો ‘...તો તો અમે ગામનો નકશો બદલી નાખીશું.’ અને આજે તે સંપૂર્ણ મહિલા બોડી સાથે સમરસ ગામ જાહેર થયું છે. લોહારિયા ગામે મહિલા ભાગીદારી માટેની પહેલ કરી અને તેમની સાથે મીટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને એકાદ વર્ષમાં તો ગામની મહિલાઓનો ગ્રામ પંચાયત કચેરીએ આવવાનો ઉત્સાહ વધવા લાગ્યો. અભિયાન સેતુની ટીમ, ગામના વિકાસ અને સુશાસનની હકારાત્મક ગતિવિધિના પગલે છેલ્લા એક દાયકાથી વધુનો સમય પસાર કરી ચૂકી છે. તેઓ જણાવે છે કે, ‘છેલ્લાં બે વર્ષથી સેતુ દ્વારા મહિલાઓને પંચાયતના બજેટ પર માહિતી આપવામાં આવી અને મહિલાઓના મુદ્દાઓ અંગે રજૂઆત કરવા જણાવવામાં આવ્યું. પ્રથમ પ્રયાસે મહિલાઓ થોડી માહિતી, થોડી સમજ સાથે અમુક રજૂઆતો કરવામાં સફળ રહી. છ મહિનામાં સરપંચની હાજરીમાં અન્ય સભ્યોએ મહિલાઓની મીટિંગ બોલાવી અને ફરીથી પૂછ્યું કે બજેટમાં તમારા મુદ્દા માટે નાણાં અનામત મૂક્યા છે. કેવાં કામો કરવા છે? રજૂઆત મૂકો. પછી તો શું હોય! છૂટીછવાઈ ચર્ચામાં બહેનોએ પોતાના મુદ્દાઓની ચર્ચા કરી, નોંધ કરી અને પછી એકધારી રજૂઆત માંડી. દીકરીઓ પણ પાછળ ન રહી. આ ચર્ચામાં માત્ર મહિલાઓના મુદ્દા ન હતા, પણ ગામની સ્વચ્છતા, સીસીટીવી કેમેરા, ગટરના પાણીના નિકાલ વગેરેની રજૂઆત હતી. એટલું જ નહીં, બહેનો બોલી કે રોજગારી પણ જોઈએ. આમ પંચાયતે મહિલાના પ્રશ્નો માટે બાંહેધરી આપી પણ બધા જ મુદ્દાઓ પર કામ થાય તેવા આગ્રહ સાથે બહેનો આગળ આવી અને તેઓ શાંત ન થઈ એટલે તે જ દિવસે આગામી ચૂંટણીની છઠ્ઠી વિધિ લખાઈ ગઈ અને આખું ગામ સહકાર આપશે એવી બાંહેધરી સાથે મહિલા બોડીના ગઠનને બહાલી મળી.’ બસ પછી તો નવી આશા સાથે નવી ટર્મ શરૂ થાય તેની રાહ જોવાતી હતી. અંજારની પશ્ચિમે આવેલા, આશરે હજાર બારસોની વસતી ધરાવતાં લોહારિયાને બીજી વાર સમરસ ગામનું ટાઇટલ મેળવ્યું છે. ગામનું નેતૃત્વ કરતા શર્મિલાબહેન પરમારનો સરપંચ તરીકેનો આ બીજો અનુભવ છે. તેઓ 2012માં પણ બિનહરીફ મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. પોતાના કાર્યકાળમાં તેમણે શાળાએ અભ્યાસ કરવા જતી દીકરીઓની સલામતી માટે સૌર ઊર્જાથી સંચારિત રોડ લાઈટ લગાડવાની મુખ્ય કામગીરી કરી હતી અને ગામના 100 ટકા વેરા વસૂલાતનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ નોંધનીય કામગીરીના ભાગરૂપે ગામને તાલુકા પંચાયત તરફથી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપસરપંચ અને મહિલા બોડીના તમામ સભ્યોનું માનવું છે કે, ‘આ ગામ એકતાનું પ્રતીક છે. ગામમાં રહેતા દરેક સમુદાયનાં લોકોનું પંચાયતમાં પ્રતિનિધિત્વ છે. મહિલા આગેવાનોના કારણે સામાન્ય રીતે ગામના હિતમાં લેવાયેલા નિર્ણયોનો વિરોધ થતો નથી. પુરુષો પણ આ વાતને માને છે, આ ટર્મની મહિલા બોડી તેમની સહમતીનું ઉદાહરણ છે.’ ગામના પુરુષ આગેવાનો સહભાગી લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે. બહેનોની આગેવાની નક્કર પરિણામો લાવવા સક્ષમ બને તે હેતુથી બધાંયે સાથે મળીને મહિલા બોડીના ગઠનનો નિર્ણય લેવાયો હતો. હજુ તો છ માસ વીત્યા છે અને બહેનોએ પોતાનો પરચો આપવાનું શરૂ કરી દીધું છે. આ ગામ માટે બાળલગ્નનો મુદ્દો પણ મહત્ત્વનો હતો જેમાં ચાલુ વર્ષે ગામને સો ટકા સફળતા મળી છે અને એક પણ બાળવિવાહ લોહારિયામાં નોંધાયા નથી. ચોમાસા પૂર્વેની તૈયારીના ભાગરૂપે ત્રણ તળાવ ઊંડા કરવાની કામગીરી લોકભાગીદારીથી પૂર્ણ કરી દીધી છે. રમતગમતનું મેદાન, લાઈબ્રેરી નિર્માણનું કામ આ જ વર્ષે શરૂ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે. આ તમામ મહિલા સભ્યોને ગ્રામજનો ઉપરાંત સામાજિક સંસ્થાઓ ગ્રામવિકાસમાં ફાળો આપી રહી છે, તો નક્કી કરેલાં કાર્યો આવનારા ભવિષ્યમાં જરૂરથી પૂરાં કરી શકાશે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ૫૦ ટકા મહિલા અનામતને વધુ અસરકારક અને સક્રિય કરવાના પ્રયાસમાં બાલિકા પંચાયતનું મોડેલ ગત વર્ષે કચ્છનાં ચાર ગામોમાં વિકસાવ્યું, જેની નોંધ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના પંચાયતીરાજ મંત્રાલયે પણ લીધી હતી. કિશોરીઓ પંચાયતી રાજકારણમાં કુનેહ સાથે કામગીરી બતાવી શકે તે માટે લોહારિયા ગામ પણ તેની શરૂઆત આ જ વર્ષે કરશે. આ આખું ગામ તેમનાં કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે, જો ગ્રામ્ય કક્ષાએ હકારાત્મક અને સટીક નેતૃત્વ હોય તો વિકાસનાં ફળ છેવાડાના માનવી સુધી પહોંચે છે. અહીંની મહિલા આગેવાનો લોહારિયાને આદર્શ ગામનું બિરુદ અપાવે તેવી શુભેચ્છા.⬛purvigswm@gmail.com

અન્ય સમાચારો પણ છે...