તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક એન્ડ વ્હાઈટ:...તો મુંબઈ પાણીમાં ડૂબી જશે!

આશુ પટેલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસો અગાઉ જૂન 2021ના અંતિમ સપ્તાહમાં એક ચોંકાવનારું સંશોધન બહાર આવ્યું છે કે 1990થી 2019ના ત્રણ દાયકાના સમયગાળા દરમિયાન મુંબઈની 107 ચોરસ કિલોમીટર જેટલી જમીન પર પાણી ફરી વળ્યું છે! મુંબઈ શહેર જેના કાંઠે વસેલું છે એ અરબી સમુદ્રનાં પાણીનાં સ્તરમાં છેલ્લા ત્રણ દાયકાથી અગાઉ કરતાં વધારો થઈ રહ્યો હોવાની ચિંતા આ અભ્યાસમાં વ્યક્ત કરાઈ છે. સૃષ્ટિ કન્ઝર્વેશન ફાઉન્ડેશને 1990થી 2019ના સમયગાળામાં ખેંચાયેલા સેટેલાઈટ ફોટોગ્રાફ્સના અભ્યાસ પરથી આ સંશોધન કર્યું છે. આ સંશોધન પ્રમાણે જો આગામી દાયકાઓમાં અરબી સમુદ્રનાં પાણીની સપાટી ખરેખર વધી જાય તો શાહરુખ ખાન સહિતનાં કેટલાંય ફિલ્મસ્ટાર્સના બંગલોની જમીન પાણી નીચે આવી જાય! આ અગાઉ ઓક્ટોબર, 2019માં અમેરિકાની ક્લાઈમેટ સેન્ટ્રલ એજન્સીએ એક અભ્યાસનાં તારણો જાહેર કર્યાં હતાં, જે વિશ્વવિખ્યાત નૅચર કમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયાં હતાં. ઓક્ટોબર, 2019ના છેલ્લા સપ્તાહમાં એ વિશે ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એક રિપોર્ટ છપાયો હતો. એ રિપોર્ટમાં કહેવાયું હતું કે જો કાર્બનડાયોક્સાઈડનાં ઉત્સર્જનમાં કાપ નહીં મુકાય તો મુંબઈની (અને કોલકાતાની પણ) જમીનનો ઘણો હિસ્સો 2050 સુધીમાં પાણી નીચે ડૂબી જાય એવો ખતરો છે. એ રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે માત્ર સમુદ્રનાં પાણીનાં સ્તરમાં વધારાને કારણે 2050 સુધીમાં માત્ર ભારતમાં જ સાડા ત્રણ કરોડ લોકોનાં ઘરો કે ખેતરો પાણીમાં ડૂબી શકે છે. અગાઉ આ અંદાજ 50 લાખ લોકોનો મુકાઈ રહ્યો હતો, પણ ક્લાઈમેટ સેન્ટ્રલ એજન્સીએ એ આંકડો સાત ગણો વધવાની શક્યતા દર્શાવી હતી. સમુદ્રનાં પાણીનાં સ્તરમાં વધારાને કારણે દુનિયાભરનાં ત્રીસ કરોડ લોકોને અસર થશે એવું એ સ્ટડીમાં કહેવાયું હતું. મુંબઈના દક્ષિણ વિસ્તારની જમીનનો મોટો ભાગ 2050 સુધીમાં પાણી નીચે જઈ શકે છે એવી ચેતવણી આપતા એ રિપોર્ટની સાથે ન્યૂ યોર્ક ટાઈમ્સે મુંબઈનો 2050નો સંભવિત (અને ડરાવી દેનારો) નકશો પણ પ્રકાશિત કર્યો હતો, જેમાં ડાબી બાજુએ અગાઉનાં રિસર્ચના આધાર પર બનાવેલો મુંબઈનો સંભવિત નકશો પ્રકાશિત કરાયો હતો, જ્યારે જમણી બાજુએ કલાઈમેટ સેન્ટ્રલ એજન્સીના અનુમાન પર આધારિત સંભવિત નકશો તૈયાર કરાયો હતો. 2019 અગાઉ જે અભ્યાસ થયા હતા એમાં મુંબઈ પર અરબી સમુદ્રનાં પાણીની સપાટી વધવાને કારણે આટલું મોટું જોખમ છે એવું નહોતું કહેવાયું. જોકે, એ સ્ટડી પ્રકાશિત થયા પછી આપણા દેશના કલાઈમેટ ચેન્જ અને અર્થ સાયન્સીસ મિનિસ્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે 2040-2050 સુધીમાં મુંબઈના વિસ્તારો પર દરિયાનું પાણી ફરી વળે એવી સંભાવના નથી. કલાઈમેટ સેન્ટ્રલ એજન્સીનો સ્ટડી ન્યૂ યોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયો એ પછી રાજ્યસભામાં એ મુદ્દે સવાલ ઊઠાવાયો હતો, એનો જવાબ આપતા હર્ષવર્ધને એ દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ‘અમે આ માહિતી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા રિપોર્ટના આધારે આપી રહ્યા છીએ. આપણા દેશના વૈજ્ઞાનિકો 1876થી સમુદ્રનાં પાણીની સપાટીનો રેકોર્ડ જાળવતાં આવ્યાં છે. સમુદ્રનાં પાણીની સપાટી માપતાં આવ્યાં છે અને તેમની ગણતરી પ્રમાણે 2050 સુધીમાં અરબી સમુદ્રનાં પાણીની સપાટી 3.3 સેન્ટિમીટર જેટલી વધી શકે છે.’ હર્ષવર્ધને ભલે દાવો કર્યો હોય, પણ વાસ્તવિકતા એ છે કે દુનિયાભરમાં છેલ્લાં થોડાં વર્ષોથી જે ઝડપે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે એને કારણે સમુદ્રોનાં પાણીની સપાટી વધી રહી છે. અને એને કારણે 2050માં, નહીં તો 2100 સુધીમાં તો મુંબઈના ઘણા વિસ્તારો પર પાણી ફરી વળે એવી ઘણી શક્યતાઓ છે. મરીન ડ્રાઈવ, બૅન્ડ સ્ટૅન્ડ, વર્લી સી ફેસ, ગેટ વે ઓફ ઈન્ડિયા અને જૂહુ સહિતના દરિયાકિનારાના વિસ્તારો પર સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, ક્લાઈમેટ સેન્ટ્રલ એજન્સીના સ્ટડીમાં એવું કહેવાયું હતું કે સંજય ગાંધી નૅશનલ પાર્ક, આરે મિલ્ક કોલોની, પવઈ, અંધેરી ઉપનગરનો પૂર્વ વિસ્તાર, બોરીવલી અને કાંદિવલીના પૂર્વ વિસ્તારો, મુલુંડ અને થાણેના પશ્ચિમ વિસ્તારો તથા ભીવંડી જેવા વિસ્તારોને અરબી સમુદ્રની સપાટી વધવાથી નુકસાન નહીં પહોંચે. અને દક્ષિણ મુંબઈના મલબાર હિલ, ફોર્ટ, નરીમાન પોઈન્ટ, પરેલના જી. ડી. આંબેડકર માર્ગ તથા ઊંચાઈ પર વસેલા બાંદ્રા પશ્ચિમના અમુક વિસ્તારો તથા કાલીના અને ચેમ્બુર-ટ્રોમ્બે વિસ્તારોને પણ અરબી સમુદ્રની સપાટી વધવાથી જોખમ નથી. મુંબઈની જેમ બેંગકોકનું થાઈલેન્ડ શહેર અને ચીનનું શાંઘાઈ શહેર પણ પાણીમાં ડૂબી જશે એવી શક્યતા એ સ્ટડીમાં વ્યક્ત કરાઈ હતી. વિશ્વમાં સૌથી વધુ ખતરો આઠ એશિયાઈ દેશો પર છે. અને એમાંય સૌથી વધુ ખતરો ભારત પર છે. અને એમાં પણ મુંબઈ પરના ખતરાની શક્યતા વધુ ચિંતાજનક એટલા માટે છે કે મુંબઈ દેશની આર્થિક રાજધાની છે.{

અન્ય સમાચારો પણ છે...