તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Kalash
  • The Youth, An Agent Of A Mumbai based Chit Fund Company, Deposited Lakhs Of Rupees By Making The Villagers Members.

ક્રાઇમવૉચ:મુંબઈની ચીટફંડ કંપનીના એજન્ટ યુવકે ગામલોકોને સભ્યો બનાવીને લાખ્ખો રૂપિયા જમા કરાવ્યા હતા

25 દિવસ પહેલાલેખક: જયદેવ પટેલ
  • કૉપી લિંક
  • ‘એકના ડબલ’ની લાલચનો શિકાર યુવકની કરુણ કથા
  • ચીટફંડની ઓફિસના દરવાજે તાળાં લગાવી સંચાલકો રાતોરાત છૂમંતર થઈ ગયાં. ગામલોકોની ધમકીથી યોગેશ ગભરાઈ ગયો

એકવીસમી સદીના આગમનની સાથે જ આ કરુણ ઘટના દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કિલ્લા-પારડી ખાતે કોઠારવાસના એક મકાનમાં બની ગઈ હતી. આ કરુણ ઘટનાને આજે તો બે દાયકા વીતી ચૂક્યા છે અને જનતાનાં માનસમાં તેની કદાચ યાદ પણ વિસ્મૃતિમાં ખોવાઈ ગઈ છે. મહાનગર મંુબઈ સ્થિત એકના ડબલ કરવાની લાલચમાં લપટાઈને એજન્ટ બની ગયેલા યુવકે સંખ્યાબંધ ગ્રાહકો બનાવ્યા હતા, પરંતુ ચીટફંડ કંપનીનાં કર્તા-હર્તા ઓફિસને ખંભાતી તાળાં મારીને ગાયબ થઈ ગયાં હતાં. આથી ચીટફંડ કંપનીના ઠગાઈના કાવતરાનો ભોગ બનેલા યુવકે તેની ભાવુક પત્ની તથા માસૂમ દીકરીને મોતની ગોદમાં સુવાડી દીધા બાદ જન્મથી જ લકવાનો ભોગ બનેલ માસૂમ દીકરાને ખભે બેસાડીને એક અંધારી રાત્રે ફરાર થઈ જતા ગામલોકોમાં ચકચાર મચી ગઈ હતી. દરબદર રઝળપાટ કરીને થાકી ગયેલા યુવકે એક દિવસે પોલીસ મથકમાં હાજર થઈને પોતાના ગુનાની કબુલાત કરી લીધી હતી. આ કરુણ કથાનો કમનસીબ નાયક યોગેશ શંકર ભંડારી હતો. ટંડેલ પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધાં પછી તેણે કિલ્લા-પારડી ખાતે આવીને નવો સંસાર શરૂ કર્યો હતો. યોગેશ ભંડારીની પત્ની બે સંતાનોની માતા બની હતી, જેમાં એક બાળક જન્મથી જ લકવાનો ભોગ બન્યું હતું. યોગેશ સુથારી કામકાજ જાણતો હોવાથી ગામેગામ ફરીને તેણે રોજીરોટી મેળવવાની કશ્મકશ શરૂ કરી હતી. આમ છતાં ચાર સભ્યોના પરિવારના નિર્વાહ માટે પર્યાપ્ત કમાણી થતી ન હતી. આવી કફોડી કમાણીમાં મુંબઈ સ્થિત કેટલીક ચીટફંડ કંપનીની લોભામણી સ્કીમોની જાહેરાતો અખબારમાં વાંચીને તે આવી કંપનીનો એજન્ટ બની ગયો હતો. એકના ડબલ નહીં, પરંતુ દસ ઘણા બનાવી દેવાની લલચાવતી આકર્ષક સ્કીમોની વાતો સાંભળીને સંખ્યાબંધ ગામલોકો સભ્ય બની ગયા હતા. સભ્યો પાસેથી એકત્રિત થયેલી રકમો યોગેશ મુંબઈની ચીટફંડ કંપનીની ઓફિસમાં મોકલી આપતો હતો. દર મહિને ચીટફંડ કંપનીમાં કરેલાં રોકાણના ડબલ પૈસા મળી જશે તેની રાહ જોઈ રહેલાં ગામલોકોના હાથમાં રાતી પાઈ પણ મળી ન હતી. મંુબઈની ચીટફંડ કંપનીએ ઉઠમણું કર્યાની વાતો જાણવા મળી ત્યારે ગામલોકો હાંફળાં-ફાંફળાં બની ગયાં હતાં. આ પછી તો ગામલોકો યોગેશના ઘેર દોડી ગયા હતા અને હલ્લાબોલ મચાવી મૂક્યો હતો. ચીટફંડ કંપનીમાં કરેલાં રોકાણનાં નાણાં અબઘડી ચૂકવી દેવા માગણી કરી હતી. યોગેશે માંડ-માંડ ગામલોકોને શાંત પાડ્યાં હતાં અને ભરોસો બંધાવ્યો હતો કે તે ખુદ મુંબઈ જઈને ચીટફંડ કંપની પાસેથી તેમના પૈસા પાછા લઈ આપશે. એ પછી યોગેશ મંુબઈ દોડી ગયો હતો, જ્યાં ચીટફંડ કંપનીની ઓફિસે પહોંચ્યો ત્યારે કંપનીના બોર્ડ ઊતરી ગયા હતા અને દરવાજા ઉપર તાળાં લટકતાં જોયાં ત્યારે તેના હોશકોશ ઊડી ગયા હતા. હવે પાછા ફરીને ગામલોકોને શું જવાબ આપીશ? તેવા વિચારોમાં અટવાતો તે વલસાડ પાછો ફર્યો હતો. યોગેશ કિલ્લા-પારડી ખાતે તેના ઘેર પરત આવી ગયાની જાણ થતા ગામલોકોનું ધાડું તેના ઘેર દોડી આવ્યું હતું અને ‘અમારા પૈસા ક્યાં છે?’ તેવો સવાલ કર્યો હતો. યોગેશે ચીટફંડના સંચાલકો લાખ્ખો રૂપિયા લઈને નાસી છૂટ્યાની વાત કરી ત્યારે તો ગામલોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને ગમે તેમ કરીને અમારા પૈસા પાછા આપી દે નહીં તો જોવા જેવી થઈ જશે તેવી ધમકી આપીને ત્યારે ચાલ્યા ગયા હતા. આવી હાલતમાં યોગેશનો સુથારીકામનો ધંધો પણ પડી ભાંગ્યો હતો. ઘરમાં ભૂખમરા જેવી હાલત થઈ ગઈ હતી. ગામલોકોની વારંવારની ધમકીઓથી ભયભીત બનેલાં પતિ-પત્ની મંુબઈ ગયાં હતાં. આથી ગભરાઈ ગયેલા યોગેશે સપરિવાર જીવતર ટુંકાવી દેવાનો મનોમન નિર્ધાર કર્યો હતો. યોગેશે તેના નિર્ધારને અમલમાં મૂકવાનો દિવસ પણ નક્કી કર્યો હતો. તા. 26મી જાન્યુઆરી-2001ના રોજ પ્રજાસત્તાક દિનની વલસાડમાં ઉજવણી થઈ હતી. બીજો દિવસ એટલે કે તા. 27મીની કાજળઘેરી કાળરાત્રિએ પતિ-પત્નીએ ફરેબી દુનિયાને અલવિદા કરવાની તૈયારી શરૂ કરી હતી. યોગેશે ટર્પેન્ટાઈન તથા થીનર મિશ્ર કરીને ઝેરી દ્રાવણ તૈયાર કર્યું હતું. આવા કાતિલ ઝેરના ઘૂંટડા કેવી રીતે ગળા હેઠળ ઊતારવા તે વિચારમાત્રથી જ પત્ની ગભરાઈ ગઈ હતી. ઝેરના બદલે બીજો કોઈ રસ્તો શોધી કાઢ‌વા યોગેશને વિનંતી કરી હતી. પત્નીનો ગભરાટ પામી ગયેલ યોગેશે પથારીમાંથી ઓશીકું ઊઠાવ્યું હતું અને ઝેરી પ્રવાહીથી લથપથ બનાવી દીધું હતું. ત્યાર બાદ પથારીમાં ચત્તીપાટ સૂઈ રહેલી પત્નીના ચહેરા ઉપર કચકચાવીને ઓશીકું દબાવી દીધું હતું. થોડીક વાર તરફડિયાં માર્યાં પછી પત્નીને ચીર વિદાય કર્યા બાદ યોગેશે તેની ચાર વર્ષની લાડકવાયી દીકરીને પણ આવી જ રીતે ભગવાનના ઘેર પહોંચાડી દીધી હતી. પત્ની તથા માસૂમ દીકરીને મોતની ગોદમાં સુવાડી દીધાં પછી યોગેશે પણ આ જલદ પ્રવાહીના ઘૂંટડા ગળા હેઠળ ઊતાર્યા હતા. એટલું જ નહીં, અઢી વર્ષના લકવાનો ભોગ બનેલા અપંગ દીકરાને પણ ઝેરી પ્રવાહી પીવડાવ્યું હતું. જોકે, બાપ-દીકરાના શરીરમાં ઝેરી પ્રવાહીની વધુ અસર થઈ ન હતી. યોગેશની નજર સામે જ પત્ની તથા દીકરીની લાશો પડી હતી. અઢી વર્ષનો દીકરો તરફડાટ કરતો હતો. ‘આ મેં શું કર્યું?’ એ ખ્યાલથી ગભરાઈ ગયેલા યોગેશે દીકરાને ખભા ઉપર ઊંચકીને ઘરની બહાર પગ મૂક્યો હતો. ઘરનો દરવાજો બંધ કરીને તાળું મારી દીધું હતું. લથડતા પગે અને ભાંગેલ હૈયે યોગેશ દીકરાને લઈને અંધારામાં અલોપ થઈ ગયો હતો. હવે ક્યાં જવું? કોને વાત કરવી? તેવા પ્રશ્નોની વણથંભી વણઝાર વચ્ચે અથડાતો યોગેશ ઉમરસાડી ગામે તેના સાસરીના ઘેર પહોંચ્યો હતો, જ્યાં કામધંધાની શોધમાં બહારગામ જવાનું છે તેવું બહાનું કાઢીને અપંગ દીકરાને થોડાક દિવસ સાચવવાની વિનંતી કરીને વિદાય થયો હતો. વ્હાલસોયી પત્ની તથા લાડકી દીકરીને ગુંગળાવીને મારી નાખ્યાની વેદના યોગેશની ભીતરમાં વલોપાત મચાવી રહી હતી. આવી મનોદશા વચ્ચે યોગેશ ત્રણ-ત્રણ દિવસ સુધી રખડતો-ભટકતો રહ્યો હતો. છેવટે મનમાં ઝંઝાવાત મચાવી રહેલા પશ્ચાતાપનો ભાર નહીં જીરવાતાં તે કિલ્લા-પારડી પોલીસ મથકે પહોંચી ગયો હતો, જ્યાં ફરજ ઉપરના અધિકારી સમક્ષ સઘળી વીતક રજૂ કરી હતી. કિલ્લા-પારડી પોલીસ મથકના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એસ. બારેઠ સ્ટાફ સાથે કોઠારવાસ દોડી આવ્યા હતા. યોગેશના મકાનના દરવાજાનું તાળું તોડીને અંદર પગ મૂક્યો ત્યારે માથું ફાડી નાખે તેવી દુર્ગંધનો અણસાર પામી ગયેલ પોલીસે વિકૃત બની ગયેલી મા-દીકરીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવાની કાર્યવાહી પૂરી કરી હતી. પોલીસ ટીમ તથા ગામલોકોના ચહેરા ઉપર અકથ્ય એવી વેદનાનાં વાદળો છવાઈ ગયાં હતાં. આખરે કિલ્લા-પારડી પોલીસે પત્ની તથા પુત્રીની હત્યા તેમજ અપંગ દીકરાના ખૂનના પ્રયાસના ગુના બદલ ગુનો દાખલ કરીને યોગેશ ભંડારીની ધરપકડ કરી હતી. કયા સંજોગોમાં યોગેશ આ અપરાધને અંજામ આપવા લાચાર-મજબૂર બન્યો હતો તેની વરવી વાસ્તવિકતાને અદાલતે નજર સમક્ષ રાખીને સજા ફરમાવવાની સાથોસાથ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.{

અન્ય સમાચારો પણ છે...