તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમયના હસ્તાક્ષર:આખી પ્રજા કે દેશ આંદોલન માટે જવાબદાર નથી

એક મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું વર્ચસ્વ જાળવવા ઘણું કરવું પડે. લોકશાહીનો એ તકાજો છે અને તે વાત રાજકીય પક્ષોને પણ એટલી જ લાગુ પડે છે. એટલે મોટાભાગના વિપક્ષો પણ આ આંદોલનમાં જોતરાઈ ગયા. અને કેનેડામાં તાકાત ગુમાવી ચૂકેલી ખાલિસ્તાની લડતને પણ મોકો મળી ગયો. આપણે ત્યાં ‘લિબરલ’ અને ‘અર્બન નક્સલ’ પણ આવી પહોંચ્યા. મેધા પાટકર, યોગેન્દ્ર યાદવ અને તિસ્તા સેતલવાડ અને સીપીએમ તેમજ બીજા ડાબેરી પક્ષો પણ આ વિરોધમાં સામેલ થયા. કોંગ્રેસ અને એનસીપીએ ટેકો આપ્યો અને શરદ પવારે એવી ચેતવણી આપી કે ખેડૂત અસંતોષથી કોઈ પણ સત્તા ઉથલી પડે છે. આ ખેડૂતો મોટેભાગે પંજાબ અને હરિયાણાના હતા. પહેલાં પોતાના રાજ્યોમાં લડત આદરી. પછી દિલ્હી તરફ મોરચો માંડ્યો. દિલ્હી અને આ રાજ્યોની સરહદો લગોલગ છે એટલે ત્યાં છાવણી ઊભી થઈ. એવો પણ સમય આવ્યો કે દિલ્હીમાં જે રીતે શાહીનબાગમાં રસ્તા રોકોની સ્થિતિ પેદા થઈ હતી તેનું અહીં પુનરાવર્તન થયું. આ દેખાવો શાંતિપૂર્વક થયા અને તે દરમિયાન કેન્દ્ર સરકાર સાથેની વાટાઘાટો શરૂ થઈ, સરકારે કેટલાક સુધારાની હા પડી અને સર્વોચ્ચ અદાલતે પણ એમ કહ્યું કે, વાટાઘાટો સફળ થાય તે માટે આ કાયદો થોડા સમય માટે મુલતવી રાખવો તેમજ નિષ્ણાતોની સમિતિ મંત્રણા કરીને પોતાનો અહેવાલ આપે. કેન્દ્ર સરકારે તો બંને બાબતોને સ્વીકારી લીધી, પણ આંદોલનકારીઓને કાનૂન પાછો લેવા સિવાય કશું માન્ય નહોતું. છેવટે 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ આવ્યો અને આખી દુનિયાએ જોયું કે લોકશાહી દેશના પ્રજાસત્તાક પર્વે દેશના પાટનગરમાં કેવી અરાજકતા સર્જાઈ. 26ની ઘટનામાં આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે. સંસદનો ઘેરાવ વિવાદસ્પદ બની ગયો તે દરમિયાન આંદોલનકારી સંગઠનોમાં પુનર્વિચાર શરૂ થઈ ચૂક્યો એ મહત્ત્વની વાત છે. કોઈ પણ આંદોલનમાં માત્ર જીદ અને હઠાગ્રહ સારાં પરિણામ પેદા કારી શકે નહીં. દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય છે એ વાત ગાંધીજી અને સરદાર પટેલ તેમની લડતમાં પણ હતી. તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. ગાંધીજીએ તો સમગ્ર દેશમાં 1920ની અસહકારની લડત ચોરીચોરાના હિંસાચારને લીધે મુલતવી રાખી હતી. આંદોલનકારીઓ તેમના ખભે બંદૂક રાખીને પોતાના ઈરાદા પાર પાડવા માંગતા પરિબળોને દૂર કરીને વિચારે તે જરૂરી છે અને તેવી શરૂઆત થઈ તે સારી નિશાની છે. સરકારમાં બેઠેલો પક્ષ અને તેના સાથી પક્ષો કિસાનને દુશ્મન બનાવીને સમર્થન ગુમાવવા માગે તેવું થોડું હોય? તેને પણ આંદોલન સમાપ્ત થાય તેવી ઇંતેજારી છે. હવે તેવું વલણ કિસાન સંગઠનોમાંથી કેટલાકનું દેખાય છે. આવી ઘટનાઓની પ્રતિક્રિયા ઘણીબધીવાર ભારે ખતરનાક બની જતી હોય છે. ઓપરેશન બ્લૂ સ્ટાર, તેની પહેલાં અને પછી આવું બન્યું હતું. પંજાબમાં આતંકવાદ ચોતરફ પ્રસરી ગયો. ભિંડરાણવાલે તો સુવર્ણ મંદિરમાં જ આવી પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે કેન્દ્ર સરકારે લશ્કર મોકલીને સુવર્ણ મંદિર ખાલી કરાવ્યું તેમાં અસંખ્ય જાનહાનિ થઈ. આનાથી ખરાબ પરિણામ એ આવ્યું કે બાકી દેશમાં જાણે કે આખું પંજાબ આતંકવાદી હોય તેવી માનસિકતા ફેલાઈ ગઈ. વાસ્તવમાં સામાન્ય શીખ આતંકવાદી નહોતો અને તેને સમર્થન પણ આપ્યું નહોતું. એ દિવસોમાં ઓપરેશન બ્લૂ સ્ટારની ઘટનાઓનો અભ્યાસ કરવા પંજાબની મુલાકાત લીધી ત્યારે અમૃતસર, ચોક મહેતા, લુધિયાણા અને બીજે અનુભવ એવો થયો કે સામાન્ય યુવાન પણ કશું બોલવા તૈયાર નહોતો! 1984ના એ સમયનું વધુ ભીષણ સંધાન ઇન્દિરાજીની એક શીખે કરેલી હત્યા સુધી ગયું. ત્યારે તો દિલ્હી અને ઉત્તર ભારતમાં શીખ વિરોધી રમખાણો ફેલાયાં. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે કેટલીકવાર પ્રજાનો મોટો ભાગ એક વર્ગને ધિક્કારતો થઈ જાય છે તેમાં પણ કેટલાંક તત્ત્વો ભળી જઈને પોતાના ઈરાદા પાર પાડે છે. દિલ્હીમાં તટસ્થ ન્યાયમૂર્તિઓ અને બીજા મહાનુભાવોનું સિટીઝન ઇન્ક્વાયરી કમિશન બન્યું તેનો અહેવાલ જણાવે છે કે એક પક્ષના નેતા-કાર્યકર્તા હિંસાચારમાં સામેલ હતા. તેમની સામે હજુ મુકદ્દમા ચાલે છે. બીજાં બે ઉદાહરણ કાશ્મીર અને આસામના છે. કાશ્મીરમાં જે પ્રકારે આતંકવાદ ફેલાયો હતો, સરહદની પેલીપાર અને સ્થાનિક આતંકવાદીઓ અપહરણ, હત્યા, લૂંટફાટ કરતા હતા તેને લીધે બાકી દેશમાં કાશ્મીર આખું જાણે કે આતંકી પ્રદેશ હોય અને બધા તેમાં સંડોવાયેલા છે તેવું માની લેવાયું. વાસ્તવમાં તો તેવું હતું જ નહીં. સામાન્ય કાશ્મીરી પ્રજાને તો આ હિંસા અને અલગાવથી મુક્તિ જોઈતી હતી. 370 કલમની જોગવાઈ નાબૂદ થઈ તેનાથી કેટલાક રાજકીય પક્ષો સિવાય બાકી પ્રજા રાજી થઈ. હવે બાળકો શાળામાં જવા માંડ્યા છે. આતંકવાદીઓના સ્થાન સૈન્યને સ્થાનિક લોકો બતાવે છે, રોજગાર અને નોકરીનો માહોલ શરૂ થયો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હોંશેહોંશે ભાગ લીધો. આવું આસામ અને પૂર્વોત્તરનું પણ ઉદાહરણ છે. 1980 અને 83માં ત્યાં બિદેશી અને બહિરાગત આંદોલન સમગ્ર આસામી નાગરિકોએ લાંબા સમય સુધી ચલાવ્યું તેની પરાકાષ્ઠાનો એ સમય હતો. ત્યારે પણ બીજે એવી હવા હતી કે આસામ આખું અલગાવ અને હિંસા તરફ જઈ રહ્યું છે. એ આંદોલનનો અભ્યાસ કરવા એ જ દિવસોમાં જવાનું થયું ત્યારે થોડો સમય વચ્ચે કોલકાતા રોકવાનું બન્યું હતું. સાહિત્યકાર શિવકુમાર જોશી અને બીજા ગુજરાતી પરિચિતો ચિંતામાં હતા કે આવા દિવસોમાં ત્યાં જવું જોખમી છે, પણ એક મહિના સુધી આસામ અને બીજા પ્રદેશો કે જેને કોઈ સમયે જવાહરલાલ નેહરુએ સપ્ત ભગિની નામ આ લાંબી લડત ચાલી રહી હતી-માં જોયું કે ગુસ્સો અને દુ:ખ જરૂર હતા. ભય પણ હતો. ‘લાહે, લાહે’ (ધીરે ધીરે)ની માનસિકતા ધરાવતો શાંતપ્રશાંત આસામી પોતાને થતા અન્યાયની સામે મેદાને પડ્યો હતો, તેમને લાગતું હતું કે આસામ વિષે બાકી દેશમાં ગલત પ્રચાર થઈ રહ્યો હતો કે તેઓ અલગાવવાદી છે. કોટન કોલેજમાં તે સામના તરુણ નેતાને પૂછ્યું તો તેણે કહ્યું હતું: ‘અમારી ચિંતા એટલી જ છે કે બાકી દેશ અમારી કેવી અને કેટલી ચિંતા કરે છે.’ દરેક પ્રદેશ અને તેની પ્રજા વિષેની આપણી માન્યતામાં ક્યાંય ધિક્કાર અને ગેરસમજ ના આવે તે આજના સમયની આપણી કસોટી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો