સાંઈ-ફાઈ:વિચારનો વેલો

સાંઈરામ દવે15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરમાત્માને પામવા માટે માત્ર દૃઢ વિચાર કરવાનો છે કે હું એ જ પરમ તત્ત્વનો અંશ છું અને મારે મને જ મેળવવાનો છે. આ તો કેવી વાત છે કે હું જ ખોવાયો છું અને મારે મને ગોતવાનો છે

આચાર અને વિચાર આમ તો સાથે બોલાતા શબ્દો છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં સાથે જીવાતા નથી. ‘હું વિચારુ છું’ આ વાક્ય કોઈ આપણને કહે ત્યારે સમજવાનું કે મહાશય હજુ અવઢવમાં છે. ‘હું વિચારીને પછી કહીશ’ આવું જ્યારે કોઈ પરિણીત પુરુષ વિધાન કરે ત્યારે આપણે સમજી જવાનું કે ભાઈ ભાભીને પૂછ્યા વગર આગળ નહીં વધે. ‘લ્યો હવે તમે વિચારો!’ આમ કહીને કોઈ સંત– વક્તા કે વ્યક્તિ આપણી સમજશક્તિની વાર્ષિક પરીક્ષા પણ લઈ શકે છે. વિચારવાની સ્વતંત્રતા એ ખરું કહું તો કોઈ પણ વ્યક્તિની સાચી આઝાદી છે. ‘મને વિચાર આવ્યો’ એમ કહેવાય છે; એટલે એક રીતે વિચાર પુલ્લિંગ શબ્દ છે પરંતુ સ્ત્રીઓ પણ વિચાર તો કરે જ છે હોં! અલબત્ત પુરુષ કરતાં વધુ વાર સ્ત્રીઓ વિચાર કરે છે આવું મારું માનવું છે. પુ. નારાયણ સ્વામીના પ્રસિદ્ધ ભજનની કડી યાદ ખરી? ‘શું પૂછો છો મુજને? હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરુ છું. વિચારી વિચારીને પગલાં ભરુ છું!’ સમાજમાં બે જ પ્રકારનાં લોકો હોય છે. એક જે ઉપરોક્ત ભજનમાં કહ્યું તે પ્રમાણે વિચારીને પગલાં ભરનારાં અને બીજાં પગલાં ભર્યાં પછી વિચારનારાં. આમાંથી આપણે કઈ કેટેગરીમાં છીએ? એ આપણે જ નક્કી કરવાનું. આ જગતમાં જે લોકો કશું નથી કરતાં તે પણ વિચાર તો કરે જ છે! એન્ડ વેલ અમુક બુદ્ધિપ્રધાનો તો વિચાર સિવાય કશું નથી કરતાં. કારકિર્દી બનાવવા માટે ઘણા બધા વિચારની જરૂર પડે છે, તો કોઈની કારકિર્દીને ખતમ કરવા માટે પણ કેટલા વિચાર કરવા પડે છે. ‘અમારો તો વિચાર કરવો’તો’ આ વાક્ય ક્યાંક આર્તનાદ છે તો ક્યાંક ઈમોશનલ બ્લેકમેઈલિંગ પણ છે. તળાવનાં વમળમાં પથરો મારી શકાય, પણ વિચારોનાં વમળમાં તો વિચાર જ મારવો પડે. અંગ્રેજીમાં અમથું કહેવાયું હશે કે, ‘અ મેન ઈઝ અ બંડલ ઓફ થોટ્સ.’ માણસ એ માત્ર વિચારોનો સમૂહ છે. જોકે, વિચાર વગરનો માણસ પણ ‘બંડલ’ જ ન કહેવાય? ‘મારા વિશે તું શું વિચારે છે?’ આ સવાલ જ્યારે જુવાન છોકરા છોકરી વચ્ચે પુછાય છે, તેના જવાબ પરથી લવસ્ટોરીનું હોકાયંત્ર દિશા બદલાવે છે. વિચાર એક એવી વેલ છે, જે વાડ વગર ચડી જાય છે. વિચાર એક એવો લેન્ધી ટેસ્ટ મેચ છે જે જીવનમાં એકવાર શરૂ થયા પછી કદી પૂરો નથી થતો. હા, ક્યારેક દાવ ડિક્લેર થાય છે. વિચાર હિરણ્યકશિપુની જેમ અમરત્વનું વરદાન લઈને જન્મેલો છે. તેને રાતે મારી નથી શકાતો અને દિવસે છુપાવી નથી શકાતો. જ્યાં કોઈ નથી પહોંચતું ત્યાં વિચાર તો અવશ્ય પહોંચે છે. વિચાર ક્યારેક થાંભલામાંથી પ્રગટે છે તો ક્યારેક થાંભલામાં સમાધિ લઈ લ્યે છે. વિચાર એક એવી એ.કે.47 છે, જેની બુલેટ તમને વીંધે છે ત્યારે તેમાંથી લોહી નથી નીકળતું. વિચારવાયુ એ પ્રાણવાયુ પછીની જીવનની બીજી જરૂરિયાત છે. વિચાર એ અમર થવાની અકસીર ઔષધી છે. ગાંધીજીના દેહની હત્યા થઈ શકે, તેના વિચારની હત્યા અશક્ય છે. આજે સમાજ જીવનમાં લાખો મહાપુરુષો–ચિંતકો–ફિલોસોફરો તેમના વિચાર થકી આપણી સાથે વરસોથી જીવી રહ્યા છે. વિચારની ધારા એવી ધસમસતી વહે છે કે તેની ઉપર અંકુશનો ચેકડેમ બંધાતો નથી. કોઈ વિચારને વહેંચે છે, કોઈ વિચારને છાપે છે, કોઈ અન્યના વિચારોને માપ્યા કરે છે તો કોઈ પોતાના વિચારોને બીજા પર લાધ્યા કરે છે. કોઈ ગ્રંથિમુક્ત હોઈ શકે, વ્યક્તિમુક્ત હોઈ શકે પરંતુ વિચારમુક્ત હોવું એ લગભગ અશક્ય છે. અધ્યાત્મની ઉચ્ચ અવસ્થાએ વિચારમુક્ત દશા પ્રાપ્ત થાય છે. જોકે, આમ જુઓ તો ‘મારે વિચારમુક્ત થવું છે.’ એ પણ એક વિચાર જ છે ને! વવાણીયાના પાદરથી વેદાંતની કાવ્યમય સરવાણી વહાવનાર શ્રીમદ્ રાજચંદ્રે ટૂંકુ અને અદ્્ભુત સૂત્ર આપ્યંુ છે કે ‘કર વિચાર તો પામ!’ પરમાત્માને પામવા માટે માત્ર દૃઢ વિચાર કરવાનો છે કે હું એ જ પરમ તત્ત્વનો અંશ છું અને મારે મને જ મેળવવાનો છે. આ તો કેવી વાત છે કે હું જ ખોવાયો છું અને મારે મને ગોતવાનો છે. જડી ગયા પછી કહેવાનું છે કે માટલી ચીરાણી! જાતને શોધવામાં જગતને ખોઈ નાંખવું પડે છે. કાળજાના કોર્પોરેશનની પરમિશન લઈને અમુક વિચારોની વસ્તી ઉપર ડિમોલેશનનું બુલડોઝર ચડાવવું જ પડે છે. તો કેટલાક વિચારોને બોંબ ફેંકાતા હોય એવા વાતાવરણ વચ્ચે પણ બંકરમાં છુપાવીને સાચવવાના હોય છે. ‘વિચારણામાં લેવું’ આ નોંધ આમ તો હવે સાવ સરકારી થઈ ગઈ છે. મસ મોટી યોજના કે ભલામણને ટલ્લે ચડાવવા માટે આ શબ્દો કાફી છે. વિચારો આગળ જેણે ઘૂંટણિયાં ટેકવ્યાં એને કોઈ સંભારતું નથી. પરંતુ વિચારોના અશ્વે પલાણીને જે જીવનનો રથ હંકારે છે તેને જગત સદીઓ સુધી સંભારે છે. બહુ ઝાઝા વિચાર કર્યા વગર જે લોકો પરાક્રમ આદરી દે છે એ લોકોને ઓછું પસ્તાવું પડે છે અથવા તો એમ પણ કહી શકાય કે અમુક ઉતાવળા વિચારેલાં કાર્યોને લીધે એ મૂળ પુરુષ પસ્તાવા માટે પણ હયાત નથી રહેતા. બેરિસ્ટર ગાંધીને આફ્રિકાના રેલવે સ્ટેશન પર ધક્કો લાગ્યો અને એક વિચાર આવ્યો હશે, જેમાંથી આપણને મહાત્મા ગાંધી મળ્યા. ‘સોનાનું હરણ લાવી આપો’ આ વિચાર સીતાજીને ન આવ્યો હોત તો? ‘આંધળીના આંધળા જ હોય’ આટલું કવેણ બોલતાં પહેલાં કાશ દ્રૌપદીને વિચાર શુદ્ધાં આવ્યો હોત તો? અઢાર લાખ હત્યાઓ નિવારી શકાઈ હોત ! ન્યૂટન પર સફરજન પડ્યા ભેગો એ પોતે શાંત ચિત્તે એને જમી ગયો હોત તો? દસમામાં ત્રણવાર ફેઈલ થયા બાદ એક યુવાન નિષ્ઠાપૂર્વક સંકલ્પ લ્યે કે એક દિવસ આખી દુનિયા મને સાંભળશે. બસ આ વિચાર જ એ યુવાનને મોરારિબાપુ બનાવે છે. આવાં લાખો હકારાત્મક ઉદાહરણોની સામે નિર્દોષ લોકો પર હુમલાનો આતંકવાદીઓને પહેલાં તો વિચાર જ આવે છે ને? ગેસ ચેમ્બરમાં લાખો નિર્દોષ લોકોને ભૂંજી નાંખવાનો પ્રથમ તો હિટલરે વિચાર જ કર્યો હશે ને! તમે જ્યારે વિચાર કરો છો ત્યારે વાસ્તવમાં એ કામને મનથી કરી નાંખો છો. તે વિચારનું પરિણામ વર્ષો પછી આવે છે. ક્યારેક નથી પણ આવતું. વિચારની ઝડપ ક્યારેક પ્રકાશ કરતાં પણ વધુ હોય છે. તમે જ્યારે હસો છો એટલી ઘડી જ નિર્વિચાર રહો છો. સાધકોએ વિચાર પર અંકુશ મેળવવાનો છે. યુવાનોએ વિચાર કરીને જીવન શણગારવાનું છે. વૃદ્ધોએ જીવનની અંતિમ ઈનિંંગમાં શું ન વિચારવું એ વિચારવાનું છે. સ્ત્રીઓએ ખોટા વિચારનો ત્યાગ કરીને તંદુરસ્ત જીવન જીવતા શીખવાનું છે. આ ધરતી પર અણુબોમ્બ કરતાં પણ વધુ ખતરનાક હથિયાર હોય તો એ છે વિચાર! અને ગુલાબની પાંદડી કરતાં પણ વધુ કોઈ વસ્તુ કોમળ હોય તો એ પણ છે વિચાર! વિચાર જ કોઈ વ્યક્તિને કંસ કે કૃષ્ણ અથવા રામ કે રાવણ બનાવે છે. અધ્યાત્મમાં વિચારોને સ્લો મોશન મોડમાં લેવાના છે. જ્યારે જીવનની સફળતા માટે વિચારોને ફાસ્ટ કરવાના છે. વિચારોની ધાર કાઢે એવું મશીન મળી જાય તો? અથવા તો વિચારોનો કાટ કાઢે એવો કાચ કાગળ કોઈને મળી જાય તો? થોટપૂર્વક વિચારજો. {

અન્ય સમાચારો પણ છે...