લાઈટ હાઉસ:વિકાસના બે જાની દુશ્મન વિલંબ અને વ્યર્થ વ્યય

10 દિવસ પહેલાલેખક: રાજુ અંધારિયા
  • કૉપી લિંક
  • વિલંબનીતિ અને સંસાધનોનો વ્યર્થ વેડફાટ એ કદાચ આપણો રાષ્ટ્રીય રોગ છે. આ બંને વિકાસના માર્ગમાં આવતા સૌથી મોટા અવરોધ છે

દેશના વૈભવશાળી જૂથની મુંબઈની હોટેલના સ્ટાફ સાથેની એક વર્કશોપ દરમિયાન જાપાનના નિષ્ણાત મસાઈ ઈમાઈ લાગતાવળગતા સ્ટાફને લઈને પહેલા માળની પ્રથમ રૂમમાં ગયા, બારીમાંથી જોતાં એ બોલી ઊઠ્યા: ‘વાહ, કેવું સુંદર દૃશ્ય!’ સ્ટાફને તો આ વાતની ખબર જ હતી, પણ મસાઈ કહે: ‘આટલું સુંદર દૃશ્ય જે રૂમમાંથી જોવા મળે છે એનો લૉન્ડ્રી રૂમ તરીકે ઉપયોગ થવાથી વેડફાઈ રહ્યો છે. લૉન્ડ્રીને ભોંયતળિયે ફેરવીને આને ગેસ્ટરૂમ બનાવી નાખો.’ સાથેનો મેનેજર કહે: ‘સર, વર્કશોપના રિપોર્ટમાં આપના આ સૂચનને સામેલ કરીને અમલ કરીશું.’ મસાઈ કહે: ‘કોઈ નોંધ કરવાની જરૂર નથી. આ ફેરફાર શું હમણાં જ ન કરી શકાય?’ મેનેજરે કહ્યું: ‘હા, કરી શકાય ને...’ મસાઈ કહે: ‘તો લંચ લેતાં પહેલાં જ આ ફેરફાર કરાવી નાખો ને આજથી જ આ રૂમ ગ્રાહકને એલોટ કરીને વધારાના નાણાં કમાવાનું શરૂ કરી દો.’ પછી બધાં ગયાં પેન્ટ્રીમાં. ત્યાં એંઠી ડિશોનો ઢગલો પડ્યો હતો. મસાઈ તો કોટ ઉતારીને ડિશો સાફ કરવા લાગ્યા. મેનેજર મસાઈને આવું ન કરવા વિનવે છે, મસાઈ બધી ડિશ સાફ કરી લીધા પછી પૂછે છે: ‘તમારી પાસે આવી કેટલી ડિશ છે?’ મેનેજર કહે: ‘ઘણીબધી, અમારે કદી એની કમી પડતી નથી.’ મસાઈ કહે: ‘જાપાની ભાષામાં એક શબ્દ છે ‘મુદા’, અર્થાત વિલંબ, સંસાધનોનો બિનજરૂરી કે વ્યર્થ વ્યય. આ વર્કશોપનો પ્રથમ બોધપાઠ એ છે કે વિલંબ અને વ્યર્થ વ્યય બંને ટાળો. તમારી પાસે ઘણીબધી ડિશ છે એટલે એંઠી ડિશો સાફ કરવામાં વિલંબ થવાનો. આમાં સુધારો લાવવાનું પ્રથમ પગલું છે વધારાની ડિશો કાઢી નાખો.’ મેનેજર: ‘ઓ.કે. નોંધી લીધું. આપના આ સૂચનનો પણ અમલ કરીશું.’ મસાઈ કહે: ‘ના, નોંધવું-બોંધવું એ પણ ‘મુદા’નું જ દૃષ્ટાંત છે. હમણાં જ વધારાની ડિશો બોક્સમાં પેક કરાવીને હોટેલના બીજા વિભાગમાં જરૂર હોય ત્યાં મોકલાવી દો, વર્કશોપ દરમિયાન હવે આ રીતે ‘મુદા’ ક્યાં છુપાયેલા છે એ શોધીશું.’ વિલંબનીતિ અને સંસાધનોનો વ્યર્થ વેડફાટ એ કદાચ આપણો રાષ્ટ્રીય રોગ છે. આ બંને વિકાસના માર્ગમાં આવતા સૌથી મોટા અવરોધ છે. વિલંબ એટલે શું? સફળતા અને નિષ્ફળતા વચ્ચેની એક બારીક રેખા, આદતવશ બેદરકારીથી કે આળસના કારણે કોઈ કામને ટાળતાં રહેવાની વૃત્તિ અને ઘણીવાર તો જે કરવું જરૂરી હોય એને ઈરાદાપૂર્વક પાછું ઠેલ્યા કરવાનું વલણ. આવી વિલંબનીતિ લોકો શા માટે અપનાવે છે? જે તે કાર્ય પડકારરૂપ હોઈ શકે જેનાથી વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે, વ્યક્તિનો ઈરાદો નબળો કે અસ્પષ્ટ હોય કે પછી આવી વ્યક્તિ એકદમ સહેલાઈથી વિચલિત થઈ જતી હોય. મોટાભાગે તો વિલંબનીતિ અપનાવનારા પાસે ક્ષમતા ન હોય એવું નથી હોતું, હોય છે ફક્ત પ્રયત્નોનો અભાવ. સંસાધનોનો અર્થહીન વેડફાટ એ પ્રગતિના રાજમાર્ગને રૂંધતો બીજો મોટો અવરોધ છે. સંસાધનો એટલે ન માત્ર નાણાં, પરંતુ જાહેર વ્યવસ્થાથી લઈને ખોરાક, સમય, પાણી, વીજળી સહિતનાં કુદરતી સંસાધનો. જરૂરિયાત કરતાં અનેકગણાં કપડાં, વાહન, મોજશોખનાં સાધનો વસાવવા, જરૂરિયાત પૂરી થઈ ગયા પછી પણ પાણીનો નળ કે ઈલેક્ટ્રિક સાધનોની સ્વિચ બંધ ન કરવી વગેરે ફોગટ વ્યયનાં ઉદાહરણો છે. આની પાછળ માણસની કઈ મનોવૃત્તિ કામ કરતી હોય છે? વેલ, સૌ પ્રથમ તો એવી શેખી કે મારા પૈસા છે તો હું મારી મરજી પ્રમાણે વાપરું એમાં બીજાને શું વાંધો હોવો જોઈએ. બીજું, આજે ક્રેડિટ કાર્ડ અને ‘આજે ખરીદો કાલે ચૂકવો’, ‘બાય વન ગેટ વન’ જેવી લલચામણી ઓફરો માણસને જરૂર કરતાં વધારે ખરીદી કરવા માટે ઉશ્કેરે છે. ‘મારું છે’ એવી ભાવનાને બદલે ‘મારે શું?’ એવી લાગણી પ્રબળ થાય ત્યારે વ્યર્થ વેડફાટનું બેજવાબદારીભર્યું વર્તન માણસ વિના સંકોચે આચરવા લાગે છે. આમ, સંસાધનોના વ્યર્થ વ્યય પાછળ માણસની બેદરકારી, બેજવાબદારી અને અહંકાર જેવાં પરિબળો જવાબદાર છે. વિલંબ અને વ્યર્થ વ્યય ટાળવા કેમ? વિલંબવૃત્તિમાંથી બહાર આવવાનો પ્રથમ સરળ રસ્તો છે, નાનકડી શરૂઆત કરો. કોઈપણ કાર્ય શરૂ કરવાની કોઈ આગવી કે પરફેક્ટ ક્ષણ હોતી નથી. જે તે ક્ષણને ઝડપી લેવાની હોય છે. એ દરમિયાન ભૂલ થાય તો એને સુધારીને પોતાની શ્રેષ્ઠ ક્ષમતાથી આગળ વધતાં રહેવું એ જ વિલંબને પરાજિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સંસાધનોના વેડફાટ ઉપર નિયંત્રણ લાવવા સૌ પ્રથમ જરૂરી છે કે એ અંગેની જાગૃતિ દાખવવી. કંજૂસાઈ નહીં, પરંતુ જેની જેટલી જરૂર છે એ નક્કી કરીને એટલો એનો વપરાશ કરવો એવી મિનિમલિસ્ટ લાઈફ સ્ટાઈલ અપનાવવી. ભવિષ્ય પર જુગાર રમવાને બદલે વિલંબ ટાળીને કરો શુભશ્ય શીઘ્રમ અને ચાણક્યના શ્લોક ‘ક્ષણત્યાગે કુતો વિદ્યા, કણત્યાગે કુતો ધનમ્’ મુજબ જ્ઞાન અને ધન પ્રાપ્ત કરવા છે તો સમય અને સંસાધનોનો વ્યય ન કરો.{ rajooandharia@gmail.com