તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમયના હસ્તાક્ષર:‘અરાજકતાના વ્યાકરણ’નો ખતરો, ભારતથી અમેરિકા સુધીની સમસ્યાઓ

એક મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
 • કૉપી લિંક
 • ભારતમાં કાયદાઓ અને આંતરિક પ્રશ્નો પર કેટલાક દેશો કાયમ દરમિયાનગીરી કરતા આવ્યા છે

2021નો જાન્યુઆરી અને 2020નો ડિસેમ્બર મહિનો અનેક ઘટનાઓની સાથે આપણી વચ્ચે આવ્યા. આશા-નિરાશાના સામૂહિક આઘાત પ્રત્યાઘાતોની વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊઠ્યો છે કે દુનિયામાં વર્તમાન લોકતંત્રની દશા અને દિશા વિષે પુન:વિચાર કરવાની ઘડી આવી છે કે નહીં? માત્ર લોકતંત્ર જ શા માટે, તેના પર હાવી થતી આંતરિક સરમુખત્યારશાહી, રાજાશાહી, સૈનિકી શાસન અને સામ્યવાદી તેમજ મઝહબી ઝનૂન સાથેના પ્રયાસો... આટલું દુનિયાના ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે. લોકતંત્ર આની વચ્ચે ‘ઓછા અનિષ્ટ’ તરીકે સ્વીકૃત થયું છે, પણ તેનો અર્થ એ નથી કે લોકશાહીમાં બધુ બરાબર હોય છે. કેટલીકવાર તો ત્યાં બંધારણના નામે સરમુખત્યારીના પ્રયોગો સત્તા માટેની વાસના સાથે આંતરિક સંઘર્ષ તરફ દેશને ધકેલી દે છે. વીતેલા સપ્તાહે અમેરિકામાં જે કઈ બન્યું તે સ્તબ્ધ કરે તેવું છે. આ હિંસાચાર ચૂંટણી પછી થયો અને તેનું કારણ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને તેનો પક્ષ છે એ અર્ધ સત્ય છે. ખરેખર તો વિશ્વની સૌથી જૂની લોકશાહીનો આ ઉપખંડ પોતાના એવા પ્રશ્નો પેદા કરી રહ્યો કે તેમાં લોકતંત્રનું પણ ધોવાણ થવા માંડ્યુ છે. જગતકાજી તરીકેની ભૂમિકા અમેરિકાની મોટી ખાસિયત છે. એક સમયે તેને રશિયાનો સામ્યવાદી પ્રભાવ ખતમ કરવો હતો અને તે જરૂરી પણ હતું. છ્તાં બીજા વિશ્વયુદ્ધ સમયે સ્ટાલિનના રશિયા સાથે તેણે હાથ મેળવ્યો હતો! રશિયામાં કઠોર સામ્યવાદ અને તેની કાતિલ બની ગયેલી વિચારધારાને ધરાશાયી કરવાનું શ્રેય તો સામ્યવાદી શાસનનું જ સંતાન મિખાઈલ ગોર્બાચોફને જાય છે. ચીનની ‘પીપલ્સ ડેમોક્ર્સી’ કે ક્યૂબાની પદ્ધતિ વળી બીજા પ્રકારની સામ્યવાદીનો અમલ કરે છે જ્યાં કોમરેડોના મસીહા તરીકે જાણીતા ફિડલ કાસ્ટ્રોની પુત્રી એલિનાને જ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું!

અત્યારે હોંગકોંગ, થાઈદેશ, તિબેટ અને બીજા દેશોમાં પ્રજાકીય ઉદ્રેક દેખાઈ રહ્યો છે. ફ્રાંસ મઝહબી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. મ્યાનમાર અને બાંગ્લાદેશમાં હિજરતી રોહિંગ્યાને કઈ રીતે રાખવા તે મોટો સવાલ છે. અફઘાનિસ્તાનમાં હજુ તાલિબાનો કત્લેઆમના ઈરાદા સાથે ઘૂમે છે. પાકિસ્તાનમાં સત્તાનો આતંકવાદ અને કટ્ટર તાલિબાની આતંકવાદ બંને સામસામે છે. આવા સંજોગોમાં લોકશાહીનો અવાજ દુર્બળ થઈ રહ્યો છે કે શું? આ સવાલ તરાશવા જેવો છે, પણ જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તેમાં પોતપોતાના સ્વાર્થ અને હિત ઉમેરાઈ જાય છે. અગાઉ પોખરણ અણુપ્રયોગ વખતે અમેરિકાએ ભારત-વિરોધી વલણ અપનાવ્યું હતું. ભારતમાં કાયદાઓ અને આંતરિક પ્રશ્નો પર કેટલાક દેશો કાયમ દરમિયાનગીરી કરતા આવ્યા છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે લાલબહાદુર શાસ્ત્રીએ તેવા વિરોધનો સામનો કર્યો, પણ તાશ્કંદ કરાર અને પછી ઇન્દિરાજી-ભુટ્ટો કરાર બંને આપણી નબળાઈ તરીકે સ્થાપિત થયા હતા. અણુપ્રયોગમાં અટલ બિહારી વાજપેયીની સરકાર અમેરિકાની સામે ઝૂકી નહીં. આ કેટલાંક ઉદાહરણો તો છે, પણ હજુ માનવધિકારના નામે વિરોધ કરવાના નામે કેટલીક સંસ્થાઓ કાયમ તૈયાર હોય છે. ભારતમાં નાગરિકતા કાનૂન વિષે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં નિર્જીવ સંગઠનો નિવેદન કે દેખાવો કરે તે દૃશ્ય કાયમનું બની ગયું છે. કાશ્મીર આ બધા માટે પહેલાંથી મુદ્દો હતો હવે તેમાં 370મી કલમ કાઢી નાખવામાં આવી તેનો ઉમેરો થયો. આપણે ત્યાં પણ કથિત ‘લિબરલ’ તેવા પ્રશ્નો પર ઝુકાવે છે.

હવે તેમાં ખેડૂત આંદોલન ઉમેરાયું છે. કેનેડા અને બીજે જે ખાલિસ્તાની શ્રીમંતો વસી ગયા છે તેઓ આ આંદોલનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સક્રિય બન્યા છે. ખાલિસ્તાન પંજાબનો જૂનો અને જર્જરિત રોગ છે. જેવો અલગ સ્વાયત્ત કશ્મીરનો છે. કેનેડામાં શીખ વસ્તી મોટા પ્રમાણમાં છે. દેશની ત્રીજી ભાષા તરીકે પંજાબીને માન્ય રાખવામા આવી છે. કેનેડાના રાજકીય પક્ષોને શીખ મતદારોની જરૂર છે એટલે સાચી કે ખોટી માંગણી ત્યાના પક્ષો સ્વીકારી લે છે. અગાઉ કોમાગાટા મારુના હત્યાકાંડ માટે જાહેર માફી માંગવામાં આવી તે ઘટનાએ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું હતું. એ જાણવું રસપ્રદ થશે કે ભારતની આઝાદી માટે કેનેડામાં એકવીસમી સદીના બીજા દશક દરમિયાન ‘ગદર આંદોલન’ થયું તેમાં શીખ અને બીજી ભારતીય પ્રજાએ મોટો ભાગ ભજવ્યો હતો. ક્રાંતિકારી લાલા હરદયાલ અને તેમના ક્રાંતિ મથકનું એક સ્મારક સાન ફ્રાન્સિસ્કોમાં છે.

અત્યારે હાલત જુદી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનની ચિંતા થઈ અને જાહેરમાં કહ્યું કે, આ આંદોલનની સાથે છું. ભારતમાં માનવાધિકાર માટે આ કોઈ ખરેખરી ચિંતા નથી, સ્થાનિક શીખ મતદારને રાજી કરવાનો રાજકીય પ્રપંચ માત્ર છે. ભારત સરકારે આંતરિક પ્રશ્ન પર આને દખલગીરી ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. આની એક બીજી બાજુ પણ છે. એક મહિના પહેલાં ટોરન્ટોમાં એક યુવા મહિલાની લાશ મળી. આ કરીમા બલોચ મૂળ બલોચિસ્તાનમાં સક્રિય હતી. તે પાકિસ્તાની સેના પોતાના મુલક બલૂચિસ્તાનમાં હત્યા, અપહરણ અને કેદનો અત્યાચાર કરી રહી છે અને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી મુક્તિ જોઈએ છે તેનો અવાજ ઉઠાવી રહી છે તે પાકિસ્તાનને ગમ્યું નહીં, પણ તેને ખતમ કરી નાખશે એવી દહેશતથી તે કેનેડા ચાલી ગઈ અને ત્યાંથી ચળવળ ચાલુ રાખી. દેખાવો યોજ્યા, સભાઓ ભરી. ઈમરાનખાન બ્રિટન ગયા તો ત્યાં પણ દેખાવો કર્યા. પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બલૂચિસ્તાનનો ઉલ્લેખ કર્યો કે ત્યાંનો નિવાસી ભારતનો સહયોગ લઈને સ્વાધીન બનવા ઇચ્છે છે તો કેનેડાથી કરીમા બલોચે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે રક્ષાબંધનના એક ભાઈ તરીકે નરેન્દ્ર મોદી અમારી મુક્તિનો અવાજ બને અને જે રીતે અમારા દેશમાં નિર્દોષ યુવક-યુવતીઓ, નાગરિકોને મારી નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધ અને સમાપ્તિનો અવાજ બને. થોડા મહિનાઓમાં કરીમાની હત્યા થાય છે! આજે કેનેડાના બલુચીઓ કહે છે કે તમે પાકિસ્તાની સેનાને સહયોગ આપી રહ્યા છો તે બંધ કરો, પણ જસ્ટિન તે વિષે ચૂપ છે અને ભારતના ખેડૂતોના આંદોલનને સમજ્યા વિના હમદર્દી દાખવે છે, કારણ આ આંદોલનમાં શીખ સંખ્યા વધારે છે!

આ આંદોલનના પડછાયે પણ અનેક પરિબળો છે જેને ખેડૂત, ખેતી કે નવા કાયદા સાથે કોઈ નિસબત નથી. તેમને માત્ર ખેડૂતોને ભડકાવવા છે, અરાજકતા ફેલાવવી છે ને કેન્દ્રમાં સત્તા પરિવર્તન કરવું છે. ખેડૂતોના 140 સંગઠનો તો સમાધાન ઇચ્છે છે, પણ જેની સાથે કે કેટલાક રાજકીય પક્ષો રહ્યા છે તેઓ પોતાની કિસાન પાંખને આગળ કરીને આ ભોળા કિસાનોના ખભે બંદૂક રાખીને આંદોલનને આગળ ધપાવી રહ્યા છે. તેમને કોઈ પણ ભોગે સમજૂતી કરવી નથી. કેન્દ્ર સરકારે પચાસ ટકા માંગ તો સ્વીકારી લીધી છે, પણ આ આંદોલન ફરી અસ્તિત્વનો માંડ મોકો મળ્યો છે તેણે ગુમાવવા તૈયાર નથી. આ આંદોલન પંજાબ અને હરિયાણા પૂરતું સીમિત છે. દેશ તો ઘણો મોટો છે, બીજે પણ ખેડૂતોની મોટી વસ્તી છે. કેટલાંક તત્ત્વો આ આંદોલનને પ્રજાસત્તાક દિવસ સુધી ખેંચવા માગે છે જેથી તે દિવસના દિલ્લી દેખાવો તરફ દુનિયાની નજર જાય અને કેન્દ્ર સરકાર બદનામ થાય. ડો. આંબેડકરે બંધારણ પ્રસ્તુત કર્યું ત્યારે જ આવા દેખાવોને અરાજકતાનું વ્યાકરણ ગણીને તેનો ત્યાગ કરવાનું સૂચવ્યું હતું. તેની સામે અરાજકતા ફેલાવવામાં જાણીતા ડાબેરીઓએ સોશિયલ મીડિયામાં સામ્યવાદી નેતા ચે ગ્વેરાનું ચિત્ર બતાવીને એવું લખ્યું છે કે આજે ચે જીવતો હોત તો તે આ ખેડૂત આંદોલનનો નેતા બન્યો હોત! આનો અર્થ લોકતંત્રમાં ભરોસો ધરાવતા દરેક નાગરિકે સમજી લેવા જેવો નથી? vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો