નીલે ગગન કે તલે:કોહિનૂરની કહાની

13 દિવસ પહેલાલેખક: મધુ રાય
  • કૉપી લિંક

કોહિનૂર, લગભગ 793 કેરેટ વજનનો એક વિશાળ રંગહીન હીરો છે, જે કાકટિયા વંશ દરમિયાન ભારતની ગોલકોંડા ખાણોમાંથી મળી આવ્યો હતો. દંતકથાઓ અનુસાર, સન 1310માં વારંગલના કાકટિયા મંદિરમાં તેનો ઉપયોગ દેવતાની આંખ તરીકે કરવામાં આવ્યો હતો. તે હીરો ભવિષ્યમાં કોહિનૂર યાને તેજના ધોધ તરીકે ઓળખાયો અને ભારતીય રાજાઓના, તેમજ આક્રમણકારી શાહ–શહેનશાહોના દરબારોમાં ખેલાતાં ષડયંત્રો થકી સર્પાકારે તે 1800ના દાયકામાં બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સમાં વિરાજિત થયો. તેનો ઇતિહાસ એક બ્રિટિશ રત્નજ્ઞએ લખેલો પણ હવે અનીતા આનંદ અને ડેલરિમ્પલ લિખિત નવા પુસ્તકમાં તેનો ‘સાચો’ ઇતિહાસ રજૂ થયો છે અને સ્મિથસોનિયન મેગેઝિનમાં લોરેન બોઈસોનોલ્ટ નામે સંવાદદાતા જણાવે છે કે તેની કથા તે લોહીનીતરતું રોમાંસખચિત, કલંકોથી ખરડાયેલું રોમહર્ષક મહાકાવ્ય છે. પરંતુ હીરાની આ રામકહાની સાથે એક ગંભીર આધુનિક પ્રશ્ન છે કે આધુનિક રાષ્ટ્રોએ પોતાના જૂના ગુલામ દેશોમાંથી લૂંટેલ જરઝવેરાતનું શું કરવું જોઈએ? હાલ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન સહિત સૌ કોહિનૂરની માલિકીનો દાવો કરે છે, તે આજે આપવો તો કોને આપવો? સન 1526માં તુર્કો-મોંગોલ લૂંટારા ઝહિર-ઉદ્-દિન બાબરે ભારત પર ચઢાઈ કરી મોગલ રાજવંશની સ્થાપના કરી હતી અને ત્યારથી મુગલોના હીરા સાથેના પ્રેમકલાપની શરૂઆત થઈ. ઇતિહાસકાર અહમદ શાહ લાહોરી લખે છે કે 1628માં મુગલ શહેનશાહ શાહજહાંએ હિબ્રુ રાજા સોલોમનના સિંહાસનના સાહિત્યિક વર્ણનથી પ્રેરિત એક ભવ્ય સિંહાસન બનાવરાવેલું જે બનાવવામાં સાત વર્ષ લાગેલાં, અને તેનો ખર્ચ તાજમહેલ કરતાં ચાર ગણો થયો. તેને નીલમણિના સ્તંભોનો ટેકો હતો. તે થાંભલાની ટોચ પર રત્નો સાથે બે મોર જડાયેલા અને તે બે મોરની વચ્ચે માણેક અને હીરા, નીલમણિ અને મોતીથી સજ્જ એક વૃક્ષનું કારુકર્મ હતું. તેનાં ઘણા કિંમતી પથ્થરોમાં બે ખાસ કરીને પ્રચંડ રત્નો હતાં તૈમૂર રૂબી અને સિંહાસનની ટોચ પર કોહિનૂર! મયૂરાસનના નિર્માણ પછી એક સદી સુધી મોગલોની રાજધાની દિલ્હીની વસતી 20 લાખ હતી, જે લંડન અને પેરિસના સરવાળાથી વધુ હતી. જ્યારે નાદિરશાહે 1739માં દિલ્હી પર ચડાઈ કરી તેના હત્યાકાંડમાં હજારો લોકોના જીવ ગયા અને નાદિરશાહે મયૂરાસન સહિત લૂંટેલા ખજાનાને ખેંચવા માટે 700 હાથી, 4000 ઊંટ અને 12000 ઘોડા જોડેલા. તે પછી કોહિનૂર 70 વર્ષ સુધી ભારતની બહાર અફઘાનિસ્તાનમાં રહ્યો. અને એક પછી એક લોહીથી લથપથ ગોઝારા કાંડોમાં વિવિધ શાસકોના હાથ વચ્ચેથી પસાર થયો, જેમાં એક રાજાએ પોતાના સગા પુત્રની આંખો ફોડાવેલી. દરમિયાન ભારતમાં અંધેર છવાયું અને બ્રિટિશરોએ પોતાની જાળ નાખી. ઓગણીસમી સદીના અંતે, બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ કુદરતી સંસાધનો અને વેપારની જગ્યાઓનો દાવો કરવા ઉપરાંત, અંગ્રેજોનો ડોળો હતો અમૂલ્ય કોહિનૂર ઉપર. ત્યાર બાદ દાયકાઓની લડાઈ પછી, કોહિનૂર 1813માં શીખ શાસક રણજિત સિંહના હાથમાં આવ્યો. ઇતિહાસકાર અનીતા આનંદ કહે છે, “જ્યારે હીરો સૌંદર્યને બદલે શક્તિનું પ્રતીક બની જાય છે ત્યારે તે સંક્રમણ ચોંકાવનારું છે.’ સન 1839માં રણજિત સિંહના મૃત્યુ પછી, પંજાબના સિંહાસન ઉપર 10 વર્ષનો છોકરો આવ્યો. તેને અને તેની માતા જિંદાનને કેદ કરીને અંગ્રેજોએ દુલીપ સિંહ ઉપર કાનૂની દસ્તાવેજો પર સહી કરવા દબાણ કર્યું, અને એમ કોહિનૂર બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાનો કબજામાં આવ્યો, મહારાણીના મુગટમાં જડાયો અને મહામૂલા બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સનો ભાગ બન્યો. મહારાણી વિક્ટોરિયાના પૌત્ર જ્યોર્જ પંચમની પત્ની અને મહારાણી એલિઝાબેથ દ્વિતીયની માતા ક્વીન મધરના 2002માં થયેલ અંતિમ સંસ્કાર વખતે શબપેટીની ઉપર તે તાજમાં કોહિનૂર પ્રદર્શિત થયેલો. હાલ તે લંડન ટાવરમાં નુમાઈશ ઉપર છે. ઇતિહાસકાર અનીતા આનંદ જેવા યુકેમાં જન્મેલાં અને ઉછરેલાં ભારતીય લોકો તેને જોઈને અમુક અકથ્ય લાગણી અનુભવે છે. આધુનિક સમયનાં રાષ્ટ્રો સામે એક ઉખાણું છે કે ગુલામ દેશો પાસેથી લૂંટેલો ખજાનો પાછો આપવો કે કેમ? આપવો તો કોને? કેમકે તે વખતના દેશો આજે બદલેલી સૂરતમાં છે! હાલમાં યુકેમાં પ્રદર્શિત તે કોહિનૂર ઉપરાંત 1800ના દાયકાની શરૂઆતમાં બ્રિટિશ લોર્ડ એલ્ગિન દ્વારા એથેન્સના પાર્થેનોનમાંથી તફડાવેલી મૂર્તિઓ કદાચ એટલી જ વિવાદાસ્પદ છે. અત્યાર સુધી, બ્રિટને પ્રતિમાઓ અને હીરાની માલિકી જાળવી રાખી છે, તેમના પરત કરવા માટેના પોકારોને ધ્યાનમાં લીધા વગર. અનીતા આનંદ માને છે કે યુકેમાંથી કોહિનૂરને હટાવવાની જરૂર ન પડે એવો એક ઉપાય છે: જાહેર રીતે લોકોને એ શીખવવામાં આવે કે આ કોહિનૂર હીરો ભારત તરફથી બ્રિટનને અપાયેલી ભેટ છે. ગગનવાલા તમને, દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિના વાચકોને પૂછે છે કે આપ શું માનો છો, પ્રભો? જય મેરા ભારત મહાન!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...