તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફબીટ:ગુજરાતી ભાષાનો વૈભવ

અંકિત ત્રિવેદી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માણસો ચોપડી વાંચે તો પોતાનો આત્મવિશ્વાસ ઊભો કરી શકે

ગુજરાતી ભાષા નૂર અને ચમત્કારની ભાષા છે. કોઇક સરસ લેખ કે ફકરો વાંચીએ ત્યારે આંખોને અવસર જેવું અને હૃદયને ઉત્સવ જેવું લાગે છે. આસપાસ પડેલા પુસ્તકોમાંથી કેટલાક લેખકો અને ફકરાઓ મને ઘેરી વળ્યા છે. ‘દેવોની ઘાટી’માં ભોળાભાઇ પટેલ લખે છે, ‘પહાડની બરફની પીઠ પર ઘણાં લોકો ઊંચે સુધી ચઢ્યાં છે. નીચે ઊભેલો સાથીઓને સાદ પાડે છે. બાળકો, કિશોરો, મહિલાઓ સૌ બરફનો આનંદ લઇ રહ્યાં છે. એક જાડા સરદારજી સરકવા જતાં લપસી ગોથમડું ખાઇ ગયા ને પછી તો ઝડપથી નીચે ગબડ્યા હતા.. બધાંને એમણે વિનોદ પૂરો પાડ્યો. કેટલાંક નવદંપતી એકબીજાંને બરફના ગોળાથી પ્રહાર કરવાનો આનંદ લેતાં હતાં... આ માનવમેળામાં હું વળી પાછો મને એકાકી અનુભવ લાગ્યો. કદાચ રોહતાંગની ધારે ન જવાયું તેથી. રસ્તાની ધારે એક શિલા પર બેસી તટસ્થભાવે સૌ પ્રવાસીઓને જોવા લાગ્યો. આટલી ઊંચાઇએ એકલા હોવાના ભાવને દૂર કેમ કરવો?’ વારેઘડીએ બોર થઇ જતા માણસો થોડાક કલાકો ચોપડીઓ વાંચે તો પોતાના જ અવાજમાં આત્મવિશ્વાસ ઊભો કરી શકે એમ છે. ગુજરાતી આત્મવિશ્વાસની ભાષા છે. બકુલ ત્રિપાઠીના ‘સચરાચર’ નિબંધ-સંગ્રહમાં પ્રગટ થયેલી આ વાત માણો. ‘વાત એમ બનીને ખાબોચિયાંમાં ભેંસને નહાતી જોઇ. નહાતી નહીં, આરામ કરતી જોઇ. ખાબોચિયાંમાં ભેંસ ડૂબેલી હોય. માત્ર સહેજ મોંઢુ બહાર હોય અને પીઠના ભાગનો નાનકડો કાળો બેટ. એ બેટ ઉપર રોબિન્સન ક્રુઝો જેવો કાગડો બેઠો હોય ઘણી વાર. આ તો પહેલાંય જોયેલું. આજેય જોયું. પછી ભેંસની સમાધિ ગાઢી બની એટલે એની પીઠ નીચે ઊતરી, લગભગ ડૂબી જાય અને ‘દગો દગો’ની બૂમ પાડતો કાગડો ઊડી જાય.’ આજે આ જોઇને વિચાર આવ્યો. જીવાત્મા આવી રીતે જ સૃષ્ટિને સત્ય સમજી ઠરીઠામ થયા છે, પણ અચાનક એ સૃષ્ટિ સરી પડતાં આર્તસ્વરે ‘દગો દગો’ પોકારી ઊઠે છે. ‘દગો દગો’ આપણે મનમાં ને મનમાં રટ્યાં કરીએ છીએ. પોતાની ભાષા રચ્યાં કરીએ છીએ. હમણાં જ આપણી પાસેથી વિદાય થયેલા ફાધર વાલેસ કહે છે, ‘તળેટીના ખેડૂતો એ દિવસોમાં કાપેલું ઘાસ જલ્દી સુકાય એ માટે તડકામાં પાથરતાં અને તળે-ઉપર કરતા – અને જ્યારે ગ્રામવિવેકથી મને ‘ભગવાનની સલામ’ કહેતાં ત્યારે એમના શબ્દો તાજા કપાયેલા ઘાસની સુવાસમાં લપેટેલા મારી પાસે આવતા. એક વખત હરણ પણ ઓચિંતુ મારી સામે આવીને ઊભું. એક ધન્ય ક્ષણ માટે અમારી આંખો મળી ને બંનેએ સ્તબ્ધ થઇને એક પળની આત્મીયતા અનુભવી. બીજી પળે એ ઊંંચો કૂદકો મારીને વૃક્ષલીલામાં અદૃષ્ય થઇ ગયું.’ જીવનલીલામાંથી બહાર આવીએ ત્યારે વૃક્ષલીલાના સંદર્ભો તરફ આંખો ઠરે ને. એટલે જ કાકાસાહેબ કાલેલકર કહે છે, ‘જે તડકામાં કૂમળા ફૂલો પણ ખીલે છે, તે તડકાનો વાંક તમે શી રીતે કાઢી શકો?’ ગુજરાતી ભાષાનું ઉપરાણું લેવાના અનેક કારણો છે. આંખ સામે વાંચવા લીધેલા પુસ્તકોમાંથી સવારનું ભળભાંખળું સૌ ભાવકોને નામ. ⬛ ઓન ધ બીટ્સ : ‘હજીય ટહુકો તાજી કરે છે ઓળખાણ આકાશની, વાંધો નથી, ગવાશે...’ - ચંદ્રકાંત શેઠ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો