તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટની abcd:કર્મની ગતિ સમજવી અઘરી છે!

બી.એન. દસ્તૂર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમારી નિયંત્રણ બહારનાં પરિબળો સફળ થતાં રોકે છે

પશ્ચિમના વિદ્વાનો ગીતાને ‘Life in Action’ કહે છે. એ લોકો એવું માને છે કે ગીતામાં સૌથી વધારે વજન કર્મ ઉપર અને કર્મની અસરો ઉપર મૂકવામાં આવ્યું છે. કોઈ પણ માનવી કોઈ પણ અવસ્થામાં, ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના નિયમ મુજબ પ્રકૃતિ દરેકને કર્મ કરવા મજબૂર કરે છે. (ગીતા. 3/5) અને શ્રીકૃષ્ણ ચેતવણી આપે છે, ‘બેટા, કામ ન કરીશ તો ભૂખ્યો મરીશ.’ તારું નિયત કરેલું કર્મ કર, કારણ કે કર્મ ન કરવાની સરખામણીમાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તથા કર્મ ન કરવાથી તારો શરીરનિર્વાહ પણ સિદ્ધ થશે નહીં. (3/2) કર્મનું તત્ત્વ અને નઠારાં કર્મનું તથા અકર્મનું તત્ત્વ જાણવું જોઈએ, કારણ કે કર્મની ગતિ ગહન છે. (4/17) કર્મની અગત્યતા અને એના ત્રણ પ્રકારો- સાત્ત્વિક, રાજસ અને તામસ (12/23-24-25) સમજાવવા છતાં શ્રીકૃષ્ણ કહે છે- કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન (2/47) તારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, એના ફળનો નહીં. વાસ્તવમાં સૌએ પ્રગતિ કરવી હોય તો લક્ષ્યાંકો નક્કી કરી ત્યાં કેટલી ઝડપે, ક્યારે, કઈ હાલતમાં પહોંચવાનું છે તે નક્કી કરવું પડે. એવાં અસંખ્ય કુદરતી અને માનવસર્જિત પરિબળો છે, જેના ઉપર આપણું નિયંત્રણ નથી. આવડત, જ્ઞાન, અનુભવ, રિસોર્સીસ તમને અને મને સફળતાની ગેરન્ટી આપતાં નથી. સ્ટ્રેસથી થતા રોગોની યાદી લાંબી બનતી જાય છે. ઈચ્છા, આશા અને આસક્તિ વચ્ચેનો તફાવત સમજવામાં સમજદારી છે. ફળની ઈચ્છા રાખો, આશા રાખો, પણ આસક્તિ રાખવામાં જોખમ છે. તમારી નિયંત્રણ બહારનાં પરિબળો તમને સફળતા મેળવવા રોકી શકે છે. શ્રીકૃષ્ણ આસક્તિને જ બધા રોગોનું મૂળ માને છે. ગીતાના પહેલા અધ્યાયમાં આસક્તિ શબ્દ તેર વાર વપરાયો છે. જેને ફળમાં આસક્તિ છે તે કર્મના બંધનમાં અટવાતો રહે છે. મન ઉપર નિયંત્રણ ન રાખનાર માનવી એની કામનાઓને લીધે ફળમાં આસક્તિ રાખી બંધાઈ જાય છે. (5/12) કર્મ ઉપરની ચર્ચા અનંત છે. બીજી બધી પળોજણમાં પડ્યા વિના કર્મ ઉપરની ચર્ચાને સમજીને ફક્ત બે શબ્દોમાં ‘અબક’ અને ‘તબક’. અબક – અમે બનતું કર્યું. તબક – તમે બનતું કર્યું?  કેમ છો? જયશ્રીકૃષ્ણ, આદાબ જેવા અભિવાદનોને આરામ આપો.  રસ્તે મળનાર દોસ્તને પૂછો, ‘તબક?’ તમે બનતું કર્યું? એ જવાબ આપે, ‘અબક’. અમે બનતું કર્યું.  દરરોજ સવારે ઊંઘમાંથી ઊઠીને ઈશ્વરનું નામ લેતાં પહેલાં બોલો ‘અબક’ અમે બનતું કરીશું.  રાત્રે ઊંઘી જતાં પહેલાં જાતને પૂછો, ‘તબક?’ તેં બનતું કર્યું? એ જવાબ પ્રામાણિક ‘હા’માં હોય તો નિરાંતની ઊંઘ આવશે. ‘ના’ હશે તો નહીં આ‌વે. જરૂરી આવડત, જ્ઞાન, સાધન મેળવી દરેક સાધન, દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ શીખી, વાપરી, ફરી પ્રયત્ન કરો. ‘અબક’ કરો.⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...