• Gujarati News
  • Magazine
  • Kalash
  • The Son Was Under The Illusion That His Mother Would Not Allow His Marriage To Take Place With Black Magic And Would Endanger Him.

ક્રાઈમ ઝોન:મમ્મી કાળા જાદુથી પોતાનાં લગ્ન થવા નથી દેતી અને આફતમાં નાખે છે એવો ભ્રમ થયો દીકરાને

3 મહિનો પહેલાલેખક: પ્રફુલ શાહ
  • કૉપી લિંક

ચોથી જૂન, 2022. મુંબઈના ઉપનગર વડાલામાં એ સવાર કંઈક અલગ આઘાત આપવાના મિજાજમાં હતી. સિક્યોરિટી કંપનીમાં રાત્રિની ફરજ બજાવીને વડાલાના કોરબા મીઠાનગર સ્થિત પંચશીલનગરના ઘરે વિજય ઠાકુર પાછા ફર્યા. રોજની જેમ પત્નીના હસતા ચહેરાનો આવકાર ન મળ્યો. તેમણે જોયું કે પત્ની નિર્મલા હજી સૂતી હતી, ને માથે ચાદર ઓઢીને. કદાચ રાત્રે ઊંઘ નહીં આવી હોય કે થાકી હશે એટલે ભલે નિરાંતે ઊંઘતી એવું વિજયભાઈએ વિચાર્યું. આમેય બંને દીકરા પિકનિક માટે લોનાવાલા હિલસ્ટેશન ગયા હતા એટલે રાંધવાની માથાકૂટ ઉતાવળે કરવાની નહોતી. વિજય ઠાકુર પોતાના નિત્યક્રમ પતાવવા માંડ્યા. પોતાના કામકાજના અવાજ છતાં નિર્મલા ન જાગી કે ન કોઈ હિલચાલ દેખાઈ એટલે પતિને સ્વાભાવિક ફિકર થઈ : ક્યાંક તબિયત તો બગડી નથી ને? વિજય ઠાકુરે નજીક જઈને નિર્મલાના મોઢા પરથી ચાદર હટાવી તો આંખ ફાટી ને ફાટી રહી ગઈ, પગ પાણી પાણી થઈ ગયા અને મગજ બહેર મારી ગયું. એમની જીવનસંગિની લોહીના ખાબોચિયામાં પડી હતી. 42 વર્ષનાં નિર્મળા વિજય ઠાકુરના ચહેરા પર હવે કોઈ ચિંતા નહોતી, કારણ કે એમનાં નામ આગળ સ્વર્ગસ્થનું વિશેષણ લાગી ચૂક્યું હતું. થોડીક પળોમાં કળ વળતાં વિજય ઠાકુરે વડાલા પોલીસમાં ફોન કર્યો. આરંભિક નિરીક્ષણમાં પોલીસને લાગ્યું કે કોઈ લૂટારું ટોળકી ત્રાટકી હોઈ શકે. ઘરમાં વિજય ઠાકુર અને બંને દીકરાની ગેરહાજરીનો કોઈએ લાભ લીધો, પણ ઘરમાં પુરુષો નથી એની માહિતી તો કોઈ જાણભેદુને જ હોય ને? પરંતુ આ લૂંટના તર્કમાં પૂરેપૂરો તાળો મળતો નહોતો. ઘરના નકુચા કે તાળાં સાથે ચેડાં થયા નહોતા. ઘરમાંય ઝપાઝપી કે નિર્મળાજી પર બળજબરી થયાના અણસાર દેખાતા નહોતા. માત્ર ઔપચારિકતા ખાતર પોલીસે મોટા દીકરા અક્ષયને ફોન કર્યો તો જવાબ મળ્યો કે અમે લોનાવાલામાં છીએ. વિજય ઠાકુરે કહેલી વાતને સમર્થન મળી ગયું. પછી પોલીસની તપાસ અને પૂછપરછમાં બહાર આવ્યું કે ઘરમાંથી એકેય કિંમતી ચીજવસ્તુ ગાયબ થઈ નથી. તો ઘરમાં ઘૂસવા અને હત્યા કરવા પાછળનો મકસદ શું? આ સવાલે લૂટારાં આવ્યાની શક્યતાનો છેદ ઉડાડી દીધો. અડોશ પડોશમાં કોઈએ નહોતું કંઈ અજુગતું જોયું કે નહોતી કોઈ ચીસાચીસ સાંભળી. પોલીસ પાસે કોઈ કડી કે દિશા નહોતી આગળ વધવા માટે. આવા સંજોગોમાં એક શક્યતા પર કામ શરૂ થયું, વિજય ઠાકુર વિશે તપાસનું. એ બદનસીબ તો રોજના સમયે રાત્રે ફરજ પર પહોંચ્યો હતો, આખી રાત ઊંઘ વેચી હતી અને સમયસર ઘરે આવવા નીકળ્યો હતો. પરંતુ એમ કંઈ કેસનો પીછો થોડો છોડાય? હવે પોલીસે બંને દીકરા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સંભાવના વિચિત્ર હતી ને ગળે ઊતરે એવીય નહોતી. તપાસમાં ખબર પડી કે મોટો દીકરો અક્ષય ઠાકુર 25 વર્ષનો છે, ‘બેસ્ટ’ની બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને કોઈ કોમલ ભોઈલકર નામની યુવતીના પ્રેમમાં ગળાડૂબ છે. આમાં કંઈ ખોટું કે વાંધાજનક ન લાગ્યું. નાનો ભાઈ હજી સગીર વયનો હતો. એના વિશે એવી કોઈ કડી ન મળી કે જેનાથી તપાસને દિશા મળે. હવે પોલીસે એ વિસ્તારના ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ પર ધ્યાન આપ્યું. ઘણો સમય વેડફ્યા બાદ ફૂટેજમાં એક સ્થળે પોલીસની નજરમાં કંઈક આવ્યું. ફરી ફરીને એ ફૂટેજ જોયું. એ ફૂટેજમાં મોડી રાત્રે કે વહેલી સવારે અક્ષય અને એની પ્રેમિકા કોમલ નજરે ચડ્યાં. વર્દીધારીઓની આંખમાં ચમક આવી ગઈ. અગાઉ કરેલી વાતચીતને ભુલાવવી પડે એમ હતી. જો બંને ઠાકુર બંધુ પિકનિક માટે લોનાવાલા ગયા હોય તો મોડી રાત્રે અક્ષય પ્રેમિકા સાથે ઘરની આસપાસ કેવી રીતે દેખાયો? શું કરવા આવ્યો હતો? જુઠ્ઠું શા માટે બોલવું પડ્યું? પોલીસે અક્ષય પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું. એના મોબાઈલફોનના સીડીઆર મેળવ્યા તો ફરી આશ્ચર્ય થયું. પોતે લોનાવાલામાં છે એવો જવાબ આપ્યો ત્યારે એના મોબાઈલનું લોકેશન તો મુંબઈમાં જ હોવાનું બહાર આવ્યું. પોલીસ માટે આટલું પર્યાપ્ત હતું. અક્ષય, કોમલ અને નાના ભાઈને પૂછપરછ માટે બોલાવાયાં. ત્રણેયની અલગ અલગ રીતે પૃચ્છા થઈ. પોલીસ પાસે આરોપી પાસેથી સચ્ચાઈ બહાર કઢાવવાના અનેક કીમિયા હોય. ત્રણેયે પોતે ક્યાં હતાં અને શું કરતાં હતાં એની વાતો કરી, જેમાં પોલીસને વિસંગતતા મળી. હવે પોલીસે અક્ષય ઠાકુરને બરાબરનો સવાલોના સાણસામાં લીધો. ભલભલા રીઢા ગુનેગાર પણ બોલતા થઈ જાય તો અક્ષયની શી વિસાત? તે બોલવા માંડ્યો. પોલીસને કાન પર વિશ્વાસ નહોતો બેસતો. એક જણે તો જમણા હાથ પર ચીંટીયો ભરી જોયો કે આ સપનું નથી ને? અક્ષયને લાગતું હતું કે મમ્મી કાળો જાદુ કરે છે, જાદુટોણાં કરે છે. બે દિવસ અગાઉ પોતાને થયેલો બાઈક અકસ્માત મમ્મીના કાળા જાદુનો પ્રતાપ હતો. મમ્મી જ કાળા જાદુ, જંતરમંતર થકી પોતાનાં લગ્ન કોમલ સાથે થવા દેતી નથી. પોતાનું એપેન્ડિક્સનું ઓપરેશન પણ કાળા જાદુનો પ્રતાપ હતો! आआઆ માન્યતા મનમાં એટલી બધી ઘર કરી ગઈ કે કોમલ અને નાના ભાઈનાય બ્રેઈન વોશ થઈ ગયાં. ત્રણેયે મળીને નિર્મળાની હત્યાનું કાવતરું રચ્યું. લોનાવાલા પિકનિક જવાને બહાને બંને ભાઈ ઘરેથી નીકળી ગયા. વિજય ઠાકુર નોકરી પર જવા નીકળ્યા બાદ ઘરે પાછા આવીને અક્ષયે જન્મદાત્રીનું ગળું ચીરી નાખ્યું. નિર્મળાની પીઠ અને ચહેરા પર છરાના ઘા માર્યા. જે પેટમાં નવ મહિના રાખ્યો ત્યાં પણ છરી મારી. આ બધામાં કોમલ અને છોટે ઠાકુરે મદદ કરી.કોઈ શિક્ષિત અને પુખ્ત વયનો યુવાન પોતાની માતા વિશે આવું વિચારી શકે એ માની શકાય? કદાચ વિચારી શકે પણ આવું અવિચારી, અકલ્પ્ય કૃત્ય કરી શકે? ખરેખર શ્રવણની કથા કે મધર્સ ડે નર્યા દંભદેખાડા બની જતા હોય એવું નથી લાગતું? નિર્મળાબહેનનું કમોત એક દુર્લભ અપવાદ બની રહે એવી પ્રાર્થના{ praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...