લોકગાયક:પરિવારને કારણે દીકરાને નવું જીવન મળ્યું

ઓસમાણ મીર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમે તો એક કલાકાર છીએ અને કલાકારનું જીવન ધૂપસળી જેવું છે. પોતે બળે પણ બીજાને સુગંધ આપે. ઘણી વાર તો પરિવારમાં કંઈક દુર્ઘટના ઘટી હોય છતાં લોકોને રાજી રાખવા માટે અમારો કાર્યક્રમ અટકાવી ન શકીએ. એક કલાકારને ઊંચે સ્થાને પહોંચાડવામાં પરિવાર, મિત્રો ઉપરાંત બહુ બધાં લોકોના પ્રેમ અને આશીર્વાદ હોય છે. અમારે ચોવીસે કલાક બહાર ફરવાનું. એ દરમિયાન પરિવારમાં મારી બા, બાળકો બધાંને સાચવવાના, છોકરાઓને ભણાવવાનાં, સરખી તાલીમ આપવાની આ બધું અમારે પણ કરવાનું જ હોય. મારા પરિવારમાં આ જવાબદારી મારી બા, મારી પત્ની અને સભ્યો સંભાળતા હોય ત્યારે અમે બહાર ફરી શકીએ. હા, મારા પરિવારનો એક કિસ્સો જે મને આજીવન યાદ રહેશે... એક વખત બન્યું એવું કે હું કેનેડાની ટૂર પર હતો. એ જ વખતે મારો દીકરો આમીર જીબીએસ (ગુલીયન બારી સિન્ડ્રોમ)નો ભોગ બન્યો. આ એટલો ડેન્જર વાઈરસ છે કે એમાં આખું બોડી ચોકઅપ થઈ જાય. આ વાઈરસ એટલો ઝડપથી ફેલાય કે તેને ગળા સુધી પહોંચી ગયો હતો. મારા દીકરાનું આખું બોડી વર્ક કરતું બંધ થઈ ગયું હતું. પંદર દિવસ સુધી તો દીકરો પડખું ફરેવી શક્યો નહોતો. પોતે હાથ હલાવી ન શકે. શરીર ઉપર માખી બેઠી હોય તે એ પણ ન ઉડાડી શકે એવી સ્થિતિમાં પરિવારે ખૂબ જ સપોર્ટ કર્યો. આવા કપરા સમયમાં મારી બાએ કે પત્નીએ કોઈએ પણ મને જાણ ન કરી. એટલા માટે કે હું વિદેશમાં હતો અને મને ક્યાંય ખબર પડી જાય તો મારો જીવ ત્યાં તો ન જ રહે ને. આવા સમયે મારા પરિવારે હિંમત રાખી. તેમણે તરત જ મારા ડોક્ટરમિત્રોને ફોન કર્યા. જામનગરના ડોક્ટર ઈલેશભાઈ સાથે વાત કરી. પરિવારજનોમાંથી મારો ભાઈ આરીફ, મારી વાઈફ અને મારી બાએ તાત્કાલિક ધોરણે દીકરાને દાખલ કરાવીને એની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી ત્યાં સુધી મને તો ખબર જ ના પડવા દીધી. એ પછી હું ટૂર પૂરી કરીને ઈન્ડિયા પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે મારા દીકરો ભયંકર બીમારીમાંથી પસાર થઈ રહ્યો છે. આ વાતને ત્રણ વર્ષ થઈ ગયાં. કોરોના પહેલાંની એ મારી વિદેશની છેલ્લી ટૂર હતી. ભગવાનની એટલી દયા કે અત્યારે દીકરો સંપૂર્ણ સ્વસ્થ છે. મારા પરિવારે ખૂબ જ તકલીફો વેઠીને અને રાત-દિવસ મહેનત કરીને મારા દીકરાને હિંમત આપી અને તેને એ ભયંકર બીમારી સામે લડવાની તાકાત આપી. મારા જીવનની આ ઘટના હું ક્યારેય ભૂલી નહીં શકું, કારણ કે મારા પરિવારના સપોર્ટથી જ તે હવે નોર્મલ લાઈફ જીવી રહ્યો છે. તે પણ મ્યુઝિક ફીલ્ડમાં જ છે અને મુંબઈમાં સરસ કામ કરી રહ્યો છે. તેણે ઘણાં બધાં ગીતો ગુજરાતી, હિન્દી, ઉર્દૂમાં કમ્પોઝ કર્યાં છે. તે હાલ ફોક સોંગ્સમાં પણ કામ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...