અગોચર પડછાયા:સાપ

જગદીશ મેકવાન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવભક્ષી સાપની​​​​​​​ વાત તો બંનેએ પહેલીવાર સાંભળી હતી અને બંનેને એ વાત સાવ વાહિયાત લાગી

‘એ ખજાનાનું રક્ષણ એક સાપ કરે છે. એ સાપ માનવભક્ષી છે.’ નાથુએ ચેતવણી ઉચ્ચારી. એ સાંભળીને રાઘવના ચહેરા પર એક કટાક્ષભર્યું સ્મિત પ્રગટ્યું. એ બોલ્યો, ‘આ પહેલી વાર સાંભળ્યું. માનવભક્ષી સાપ. સાપ...અને તે પણ માનવભક્ષી? અજગરની વાત અલગ છે. એનાકોન્ડા ટાઈપનો અજગર. જોકે, મેં ખજાનાનું રક્ષણ કરતા સાપ વિશે તો સાંભળ્યું છે.’ ‘મે તો જોયા પણ છે.’ રાઘવનો સાથી દેવો બોલ્યો. એટલે રાઘવ બોલ્યો, ‘શું ફેંકાફેંક કરે છે?’ ‘ખરેખર.’ દેવાએ વાત આગળ ચલાવી, ‘જૂના જમાનામાં રાજાઓ જ્યાં ખજાનો રાખતા ત્યાં સાપ અને વીંછીનો વસવાટ થાય એનું ખાસ ધ્યાન રાખતા, જેથી એ ખજાના પર કોઈ નજર ના નાખે.’ ‘બકવાસ.’ રાઘવ બોલ્યો, ‘સિપાઈઓને ફોકટમાં પગાર આપતા હતા? સિપાઈઓ ખજાનો ના સાચવે તે સાપ સાચવે? અને સાપ ખજાનો સાચવે તો એ ખજાનાની જરૂર પોતાને જ પડે તો લેવાનો કઈ રીતે? સાપ-વીંછીને મારીને? એવી રીતે તો ચોર-લૂંટારા પણ સાપ-વીંછીને સળગાવી દઈને ખજાનો લઈ જાય.’ ‘છૂપો ખજાનો હોય તો સિપાઈઓ કઈ રીતે ગોઠવાય?’ બોલીને દેવો ચૂપ થઈ ગયો. આજે બારમો દિવસ હતો. હજી ખજાનાના કોઈ સગડ મળ્યા ન હતા. દેવો અને એનો સાથી રાઘવ દંતકથાઓના આધારે ખજાના શોધતા હતા. અમુક વાર સફળતા પણ મળતી હતી. આ વખતે ખૂબ જ મોટો દલ્લો મળે એવી શક્યતા હતી, પણ જંગલનો આ રસ્તો ભૂલ-ભૂલામણીથી ભરેલો હતો અને એ કારણસર એમણે નાથુને સાથે લેવો પડ્યો. નાથુને એ લોકો ઓળખતા ન હતા. એ લોકો જંગલમાં આવ્યા. ત્યાં રસ્તામાં એમને નાથુ મળ્યો. રાઘવે એને પૂછ્યું, ‘લાલ ટીલા તરફ જવાનો રસ્તો કયો છે?’ તો નાથુ બોલ્યો, ‘મને ખબર છે કે તમે બંને જણ આ જંગલમાં છૂપાયેલો એ પ્રસિદ્ધ ખજાનો શોધવા માટે આવ્યા છો, જેને શોધવા દર વર્ષે ઘણાં લોકો આ જંગલમાં આવે છે. એ ખજાનાનું રક્ષણ એક સાપ કરે છે. એ સાપ માનવભક્ષી છે.’ નાથુએ ચેતવણી આપી. એ સાંભળીને રાઘવ અને દેવા વચ્ચે ચર્ચા થઈ કે ઘણી જગ્યાએ ખજાનાનું રક્ષણ સાપ જેવા ઝેરી જાનવર કરતા હોય છે. એ લોકો ડંખ મારે એ વાત બરાબર છે, પણ માનવભક્ષી સાપની વાત તો બંનેએ પહેલીવાર સાંભળી હતી. અને બંનેને એ વાત સાવ વાહિયાત લાગી. એટલે એમણે નાથુને દસ હજાર રૂપિયાની લાલચ આપી. તો નાથુએ ઘસીને ના પાડી દીધી. રાઘવ અને દેવાને ખ્યાલ આવી ગયો કે નાથુને રૂપિયાથી ખરીદી શકાય એમ નથી. એટલે દેવાએ નાથુને કહ્યું કે તને તારા દેવતાના સમ. એ સાંભળીને નાથુ મૂંઝાઈ ગયો. એના ચહેરા પરના ભાવ જોઈને રાઘવ અને દેવાને ખ્યાલ આવી ગયો કે નાથુ મોટા ધરમસંકટમાં મૂકાઈ ગયો છે. એટલે બંને જણે ફરી વાર નાથુને એના દેવના સમ આપ્યા. નાથુ નિરાશાભર્યા સ્વરે બોલ્યો, ‘પહેલાના જમાનામાં એક ડાકુ હતો. તેણે નિર્દોષ લોકોને લૂંટીને આ ખજાનો ભેગો કર્યો હતો. એ સમયે એને એક સાધુએ શ્રાપ આપ્યો હતો કે હવે તું માનવભક્ષી સાપ બની જઈશ અને નિર્દોષોને મારીને લૂંટેલી આ દોલત લેવા માટે જે લોકો આવશે એ લોકોને ખાઈને જ તારું પેટ ભરી શકીશ. જ્યાં સુધી એવા લાલચુ લોકો આવશે નહીં, ત્યાં સુધી તને ભોજન મળશે નહીં. અને તું ભૂખથી તડપતો રહીશ. પણ હા, એ લોકોને અટકાવવા માટે ચેતવણી પણ તારે જ આપવી પડશે. જો તેં વગર ચેતવણીએ એવા લોકોને ખાવાની કોશિશ કરી તો તારા આખા શરીરે અસહ્ય દાહ ઉપડશે. આ કોઈ દંતકથા નથી. પણ સાચી વાર્તા છે. એટલે જ કહું છું કે ખજાનાનો વિચાર પડતો મૂકીને પાછા વળી જાવ.’ ‘અમે ડરતાં નથી. તું અમને ખજાના સુધી લઈ જા.’ રાઘવે નીડરતાથી જવાબ આપ્યો અને એ બંને જણ નાથુ સાથે ઉપડ્યા. જેમ જેમ એ લોકો જંગલમાં આગળ વધતા ગયા એમ એમ જંગલ વધુ ને વધુ ગાઢ થતુ ગયું. છેવટે એક તબક્કો એવો પણ આવ્યો કે ચોતરફ માત્ર અંધારું છવાઈ ગયું. રાઘવ અને દેવાએ ટોર્ચ કાઢી અને એના પ્રકાશના સહારે એ લોકો નાથુની દોરવણી મુજબ આગળ વધ્યા. અંતે એ સ્થળ આવી ગયું જ્યાં એ ખજાનો હતો. ખજાનો તો એમ જ ચોતરફ વિખરાયેલો પડ્યો હતો. અને ચારેબાજુ માનવોનાં હાડકાં પણ પડેલાં હતાં. ખજાનો જોઈને રાઘવ અને દેવો તો જાણે ગાંડા થઈ ગયા. બંને હર્ષથી ચિચિયારીઓ પાડવા લાગ્યા અને ખોબો ભરી ભરીને સોનાના સિક્કા ઊછાળવા લાગ્યા. નાથુ એ બંને જણને કરુણાભરી નજરે તાકી રહ્યો. પછી એકદમ જ દેવો નાથુ તરફ ફર્યો અને બોલ્યો, ‘તું તો કહેતો હતો ને કે આ ખજાનાનું રક્ષણ એક માનવભક્ષી સાપ કરે છે. ક્યાં છે એ સાપ?’ પણ જવાબ આપવાના બદલે નાથુ જમીન પર ઢળી પડ્યો અને ધીમે ધીમે એક વિશાળ ભયાનક સાપમાં પરિવર્તિત થઈ ગયો અને રાઘવ કે દેવો કંઈ વિચારે એ પહેલાં તો એ બંને જણને ઓહિયા કરી ગયો. * * * આજે ફરી વાર એક ખજાનાનો શોધક એ જંગલમાં આવ્યો છે અને નાથુને રસ્તો પૂછી રહ્યો છે. નાથુ મનોમન વિચારી રહ્યો છે કે એને માનવભક્ષી સાપવાળી ચેતવણી આપ્યા પછી પણ એ ખજાના સુધી જવા તૈયાર થાય તો સારું, કેમ કે તો જ તો ભયાનક પીડા આપનારી આ ભૂખ ઓછી થશે.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...