તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગોચર પડછાયા:આપણને તો એના ઘરમાં ઘૂસવા જ ન દે એ બદમાશ

જગદીશ મેકવાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીતેશની પાછળ ઊભેલા ડોસાના બોખા મોંમાં રહેલા ચાર તીણા દાંત રીતેશના ગળામાં ખૂંપી ચૂકયા હતા

‘મેં તમને ના પાડેલી કે આ ઘર ભાડે નથી લેવું. બાજુવાળા હરિકાકા કહેતા હતા કે આ ઘરમાં ભૂત છે.’ નિરાલી રડમસ અવાજે બોલી. મકાનમાલિક ડોસા-ડોસીને કાચું માંસ ખાતાં જોઈને એ ફફડી ગઈ હતી. નિરાલીની વાત સાંભળીને મોહનને પણ ફડક પેઠી. એ ઢીલા સ્વરે બોલ્યો, ‘રાતો-રાત તને લઈને કયાં જાઉં? આગલા મકાનમાલિક સાથે તેં જ બબાલ કરેલી. તાત્કાલિક મકાન ખાલી કરવું પડ્યું. તાત્કાલિક તો આ એક જ ઘર ભાડે મળે એમ હતું. ઉપરથી ભાડંુ ખાલી મહિનાના સો રૂપિયા.’ ‘તે હોય જ ને સો રૂપિયા ભાડું. ભૂતવાળા ઘરમાં કોણ ભાડે આવવાનું?’ ‘હું બીજું ઘર શોધીશ. ત્યાં સુધી બે-ચાર દિવસ...’ ‘હવે અહીં એક મિનિટ પણ રોકાવાય એમ નથી. બાજુવાળા હરિકાકાએ ટોકેલા ને તમને?’ નિરાલી ઉગ્રતાથી બોલી. ‘મને એમ કે પડોશી હરિકાકા નહીં ઈચ્છતા હોય કે આ ડોસા-ડોસીને કોઈ ભાડૂઆત મળે, પણ મને ક્યાં ખબર હતી કે...’ મોહનના અવાજમાં ઊચાટ હતો. ‘એ તો મેં કી-હોલમાંથી જોયું તો મને ખબર પડી. તમે કહેતા હતા ને કે મને પારકી પંચાત કરવાની આદત છે. લો જુઓ, એ આદત જ કામ લાગી. એક કામ કરો. પડોશવાળા હરિકાકાને જ પૂછો ને કે અત્યારે જ તાત્કાલિક કોઈ મકાન ભાડે મળશે ખરું?’ ‘પૂછી જોઉં.’ મોહન બોલ્યો, ‘પણ એ પહેલાં મારા દોસ્ત રીતેશને ફોન કરીને પૂછી જોઉંં કે અત્યારે ને અત્યારે તાત્કાલિક કોઈ મકાન ભાડે મળશે ખરું?’ કહીને એણે એના દોસ્ત રીતેશને વાત કરી, પણ રીતેશે કહ્યું કે અત્યારે સાંજે સાત વાગ્યે તો મેળ નહીં પડે. હવે જે થાય એ કાલે સવારે. ⬛ ⬛ ⬛ લગભગ રાતના આઠ વાગ્યે ડોસા-ડોસીના પડોશી હરિભાઈના ઘરનો ડોરબેલ વાગ્યો. હરિભાઈએ દરવાજો ખોલ્યો. દરવાજે ઊભેલો મોહન બોલ્યો, ‘હરિકાકા... એક હેલ્પ જોઈએ છે.’ ‘આવો.’ હરિભાઈ મોહનને પોતાના ઘરમાં આવકારતા બોલ્યા, ‘મને ખબર જ હતી કે તમે મારી પાસે આવશો જ. વહેલી તકે મકાન ખાલી કરીને નીકળી જાવ. એ ઘરમાં પ્રેતાત્માનો પ્રકોપ છે. અત્યાર સુધીમાં દસ-બાર ભાડૂઆત આવ્યા. એમાંના આઠને તો મેં બચાવી લીધા, પણ બાકીનાનું શું થયું તે ભગવાન જાણે.’ હરિભાઈ બોલ્યા. ‘તો અમને પણ બચાવી લો.’ ‘મતલબ?’ ‘મારે અબઘડી ઘર ખાલી કરવું છે, તો કોઈનું ઘર ખાલી હોય તો બતાવો.’ મોહનના સ્વરમાં આજીજીનો ભાવ હતો. હરિભાઈ વિચારમાં પડી ગયા હોય એમ બોલ્યા, ‘અત્યારે તો રાતના આઠ વાગ્યા છે. અત્યારે તો ભાડાનું ઘર કયાં શોધવું? પણ એક કામ થાય. હું અહીં એકલો જ રહુઁં છું. તમને ફાવે તો તમે અત્યારે અહીં આવી જાવ. સામાન શિફ્ટ કરવાની કોઈ જરૂર નથી. કાલે દિવસના સમયે કોઈ ઘર શોધી લેજો. પછી સામાન ડાયરેક્ટ ત્યાં જ શિફ્ટ કરજો.’ ‘ખરેખર?’ મોહન ખુશ થઈ ગયો અને બોલ્યો, ‘થેંકયુ. આજના જમાનામાં કોણ પારકાં માટે આટલું કરે? આપનો ખરેખર આભાર. હું મારી પત્નીને લઈ આવું.’ બોલીને મોહન જતો રહ્યો. હરિભાઈના ચહેરા પર એક કુટિલ સ્મિત પ્રગટ્યું. ⬛ ⬛ ⬛ મોહન ગયો એટલે હરિભાઈ એના બંગલાના ઉપલા માળની ગેલેરીમાં ગયા અને બાજુવાળા ડોસા-ડોસીના ઘર તરફ નજર નાખી. એ તરફથી સામસામે થતી ઉગ્ર દલીલોનો અવાજ આવ્યો. પછી એકદમ જ નીરવ ખામોશી છવાઈ ગઈ. લગભગ અડધા કલાક પછી મોહન અને નિરાલી, પડોશી હરિભાઈના ઘરમાં હતાં.આજે રસોઈ કરવાનું કામ નિરાલીએ ઉપાડી લીધું. હરિભાઈ અને મોહન પીવા બેઠા. ત્રણેય સાથે જમ્યાં. હરિભાઈએ નિરાલીની રસોઈના ખૂબ જ વખાણ કર્યાં. એમાં ને એમાં લગભગ સાડા અગિયાર થયા. મોહનની આંખો હવે ઘેરાવા લાગી હતી. એટલે એ જઈને સૂઈ ગયો. નિરાલી રસોડામાં ગઈ અને વોશબેઝિન પાસે ઊભી ઊભી વાસણ ધોવામાં વ્યસ્ત થઈ ગઈ. બાર વાગ્યા. હરિભાઈ ધીમે પગલે રસોડાના દરવાજે ગયા. એમની નજર નિરાલીની ગોરી-ગોરી, સુંવાળી, ખૂબસૂરત પીઠ પર પડી. હરિભાઈની આંખોમાં લોલુપતા પ્રગટી. ‘દૂરથી શું જુઓ છો? નજીક આવો ને.’ નિરાલી બોલી અને ઊમેર્યું, ‘રહેવા દો. હું જ તમારી પાસે આવું.’ બોલીને એ એકદમ જ કમર તરફ ઊલટી બેવડ વળી ગઈ. એની રાખોડી આંખો, પીળો ચહેરો. રાખોડી રંગના હાથ અને ભૂરા રંગના લાંબા-લાંબા નખ જોઈને ગભરાઈ ગયેલા હરિભાઈએ ચીસ પાડવા મોં ખોલ્યું, પણ એમના મોંમાંથી ચીસ ન નીકળી, કેમ કે એમની પાછળ ઊભેલા મોહનના તીણા દાંત હરિભાઈના ગળામાં ખૂંપી ચૂકયા હતા. હરિભાઈ ઢળી પડ્યા. બંને પ્રેતોએ શિકારી કૂતરાની માફક હરિભાઈને ફાડી ખાધા. ⬛ ⬛ ⬛ બીજે દિવસે સવારે નવ વાગ્યે ડોસા-ડોસીના ઘરની ડોરબેલ વાગી. ડોસાએ દરવાજો ખોલ્યો. દરવાજે રીતેશ ઊભો હતો. એ બોલ્યો, ‘મારો દોસ્ત મોહન અહીં રહે છે...’ ‘હા. આવો ને અંદર.’ ડોસાએ રીતેશને આવકાર્યો. જેવો રીતેશ અંદર ગયો કે તરત જ દરવાજો જડબેસલાક બંધ થઈ ગયો. રીતેશ ગભરાઈ ગયો. એ બોલ્યો, ‘મોહન અને નિરાલીભાભી?’ ‘પેલા રહ્યાં.’ ડોસીએ સોફા તરફ આંગળી ચીંધી. રીતેશની નજર સોફા પર પડી. સોફા પર ઓળખી પણ ન શકાય એવી હાલતમાં ચૂસાઈ ગયેલી મોહન અને નિરાલીની લાશો પડી હતી. રીતેશ ગભરાઈને ચીસ પાડીને નાઠો, પણ એના પગ ફર્શ પર ચોંટી ગયા હોય એમ એ આગળ વધી જ ન શકયો. એણે ડોસા-ડોસી સામે જોયું. ડોસી એકદમ જ કમર તરફ ઊલટી બેવડ વળી ગઈ. એની રાખોડી રંગની આંખો, પીળો ચહેરો, રાખોડી હાથ અને ભૂરા લાંબા નખ જોઈને ગભરાઈ ગયેલા રીતેશે ચીસ પાડવા મોં ખોલ્યું, પણ મોંમાંથી ચીસ ન નીકળી. રીતેશની પાછળ ઊભેલા ડોસાના બોખા મોંમાં રહેલા ચાર તીણા દાંત રીતેશના ગળામાં ખૂંપી ચૂકયા હતા. રીતેશ ઢળી પડ્યો અને એ બંને પ્રેતોએ શિકારી કૂતરાની માફક રીતેશને પણ ફાડી ખાધો. ⬛ ⬛ ⬛ રાત્રે લગભગ આઠ વાગ્યે ડોસો-ડોસી બંને ઘરની છત પર ઊંધા ચાલતાં ચાલતાં વાતો કરતાં હતાં. ડોસી બોલી, ‘મને તો નિરાલીના શરીરમાં ઘૂસીને આપણા પડોશી હરિયાને ફાડી ખાવાની મજા પડી ગઈ.’ ‘હા. ઝંઝટ ખતમ થઈ ગઈ હંમેશાં માટે. આઠ વાર આપણા શિકારને ભગાડી ચૂક્યો હતો એ. આપણને બંનેને તો એના ઘરમાં ઘૂસવા જ ન દે એ બદમાશ. એ તો આપણે મોહન અને નિરાલીના શરીરમાં ઘૂસીને ત્યાં ગયાં તો મેળ પડ્યો.’ બોલીને મોંમાં માત્ર ચાર તીણા દાંત ધરાવતો બોખો ડોસો ખડખડાટ હસી પડ્યો. ડોસીએ પણ ખિખિયાટો કર્યો. ⬛ ⬛ ⬛ આજે ફરી એક યુગલ તાત્કાલિક અને સસ્તું મકાન ભાડે લેવા એ જ ડોસા-ડોસીના દરવાજે ઊભું છે અને હવે તો ભાડૂઆતોને સાવધ કરનાર પડોશી હરિભાઈ હયાત નથી. ⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...