તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજવાળાનો ઓટોગ્રાફ:પસ્તાવાનો ઉપાય

ડૉ. નિમિત્ત ઓઝા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જ્યારે પોતાની ભૂલ બદલ પસ્તાવો થાય અને વાણી-વર્તન બદલાઇ જાય એ જ સાચું પરિવર્તન છે

સંવેદનશીલ લોકો માટે સૌથી અઘરું કામ જાતને માફ કરી દેવાનું છે. મનની અદાલત જ્યાં સુધી જાતને દોષી માન્યા કરે છે, ત્યાં સુધી આપણે પસ્તાવાના પાંજરામાંથી બહાર નથી આવી શકતા. ભૂતકાળની ઘટનાઓ અને યાતનાઓ આપણો પીછો નથી છોડતી, કારણ કે ન તો આપણે જાતને સજા આપી શકીએ છીએ, ન તો માફી. મનમાં ખૂબ બધો અપરાધભાવ લઈને આપણે એ રીતે ફર્યા કરીએ છીએ, જાણે આ પૃથ્વી પર જીવતા રહેવું કોઈ અક્ષમ્ય ગુનો હોય. એ સંજોગોમાં શું કરીએ કે જેથી ભૂતકાળની ઈજાઓ જલ્દી રુઝાય? કશુંક ભયંકર ખોટું કે અયોગ્ય કર્યાના પસ્તાવાનો છે કોઈ ઉપાય? વિશ્વ આધ્યાત્મિક ગુરુ થિક ન્હાટ હાને, પુસ્તક ‘એટ હોમ ઈન ધ વર્લ્ડ’માં એક સુંદર પ્રસંગ લખ્યો છે. વિયેટનામના યુદ્ધ દરમિયાન અમેરિકન લશ્કરમાં રહી ચૂકેલા એક પીઢ અને નિવૃત્ત સૈનિક તેમની પાસે આવ્યા. ગુરુ પાસે આવીને તેમણે કહ્યું કે, ‘હું લશ્કરમાં હતો ત્યારે યુદ્ધ દરમિયાન મેં એક ભયંકર પાપ કર્યું છે. યુદ્ધમાં શહીદ થયેલા સાથીઓની મોતનો બદલો લેવા માટે, ગુસ્સામાં આવીને મેં દુશ્મન દેશના પાંચ નિર્દોષ બાળકોને મારી નાંખેલા. મેં એ બાળકોને ઝેર ભેળવેલી સેન્ડવિચ ખવડાવી દીધી. એટલું જ નહીં, એ ખાધા પછી પીડાતી હાલતમાં તેઓ મા-બાપના ખોળામાં દમ ન તોડે, ત્યાં સુધી એક ઝાડની પાછળ ઊભો રહીને હું જોતો રહ્યો. યુદ્ધ પત્યા પછી અમેરિકા પરત ગયા બાદ આ દૃશ્ય મને સૂવા નહોતું દેતું. મને ઘણી વાર આપઘાત કરી લેવાના વિચાર પણ આવતા. મારું એ કૃત્ય મને છેલ્લા કેટલાય વર્ષોથી પજવે છે. મેં મારી વૃદ્ધ માને આ મૂંઝવણ કહી, તો એણે કહ્યું કે ‘એવરીથિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર.’ પણ હું જાતને માફ નથી કરી શકતો. મારે શું કરવું જોઈએ?’ ગુરુએ કહ્યું, ‘એ વાત તો સાચી કે ભૂતકાળમાં તમે પાંચની હત્યા કરી, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે જો તમે ઈચ્છો તો વર્તમાનમાં બીજા પચાસ બાળકોને બચાવી શકો છો. તમે પાંચ માર્યાં, તો હવે પચાસનો જીવ બચાવો.’ ત્યાર બાદ એ નિવૃત્ત સૈનિકે પોતાનું શેષ જીવન બીમાર, કુપોષિત અને ગરીબ બાળકોના ઉદ્ધારમાં વિતાવી દીધું. તેમણે અનેકના જીવ બચાવ્યા. ‘અન્ય’ને મલમ લગાડીએ, તો અને ત્યારે જ ‘સ્વ’ના જખ્મો રુઝાય. અપરાધભાવ, પાપ અને પસ્તાવાનો એકમાત્ર ઉપાય પરોપકાર છે. અન્યના ‘હીલિંગ’ દ્વારા જ ‘સેલ્ફ-હીલિંગ’ શક્ય છે. જ્યારે આપણે વર્તમાન ક્ષણમાં પૂરી સમગ્રતાથી જીવીએ છીએ, ત્યારે જ આપણે ભૂતકાળ રુઝાવી શકીએ છીએ. ખરાબ કૃત્યોને દાટી નથી શકાતા, એને સારા કૃત્યો વડે રિપ્લેસ કરી શકાય છે. ભૂતકાળમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, વર્તમાનને ઉન્નત કરવાનો. ભૂતકાળમાં કરેલી ભૂલો માટે જાતને માફ કરવાની ચાવી, વર્તમાનની પ્રવૃત્તિઓમાં રહેલી છે. પસ્તાવાની પ્રતીતિ થયા બાદ જે ક્ષણથી આપણું વર્તન, વિચાર અને વાણી બદલાય છે, એ જ ક્ષણથી આપણી હીલિંગ પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો