‘પુષ્પા: ધ રાઈઝ’ નામનું પિક્ચર હિટ થયા પછી સોશિયલ મીડિયામાં એનાં ફની મીમ્સ અને ફની વિડીયોઝનો જે રાફડો ફાટ્યો છે એ તો કંઈ નથી. આગળ જતાં આ ‘પુષ્પા ઈફેક્ટ’ ક્યાં ક્યાં પહોંચવાની છે એનો તમને જરાય અંદાજ નથી, બોસ! હમણાં ગઈકાલે જ મને એક જુવાનિયો મળી ગયો. એનું મોં સૂજેલું હતું. કપાળે મોટું ઢીમચું હતું. ગાલ ઉપર રીતસર છ નંબરના સેન્ડલની પ્રિન્ટો છપાયેલી દેખાતી હતી. મેં પૂછ્યું, ‘અલ્યા શું થયું?’ તો કહે, ‘વેલેન્ટાઈન્સ ડેના દિવસે એક છોકરીને 500 રૂપિયા આપીને કિસ માગી, તો એણે-’ એ બિચારો રડવા જેવો થઈ ગયો હતો. મેં એના ખભે હાથ મૂકી આશ્વાસન આપતાં કહ્યું, ‘હશે, બીજી કોઈ છોકરી આગળ ટ્રાય કરી જોજે…’ તો એ બિચારો રીતસર રડી પડ્યો અને કહેવા લાગ્યો, ‘મન્નુભાઈ ત્યાં બીજી છ છોકરીયો ઊભી હતી. બધીએ મને સેન્ડલ મારીને કહ્યું, ડફોળ, જાણતો નથી? ભાવ 5000નો ચાલે છે! અને તું 500 રૂપિયા લઈને હાલી નીકળ્યો છે?’ લો બોલો. આને કહેવાય ‘ધ પુષ્પા ઈફેક્ટ!’ હજી તો શરૂઆત છે. આ નવરાત્રિમાં તમે જોજો, ‘પુષ્પા સ્ટેપ’ નીકળવાનાં છે! સેંકડો છોકરાઓ એક પગ ઢસડી ઢસડીને ગરબા ગાશે! એમાં ભલભલી સોસાયટીઓના કોમન પ્લોટોમાં ગોળ ગોળ કુંડાળાના શેપમાં ખાડા પડી જવાના છે! એ તો ઠીક, પેલા પાર્ટી પ્લોટોની જમીન ઉપર જે લીલાં રંગનાં પ્લાસ્ટિકનાં કપડાં ખીલીઓ વડે ઠોકીને રાખે છે ને એમાં તો ઘસારાને કારણે મોટાં મોટાં બાકોરાં જ પડી જવાનાં છે. નવરાત્રિમાં ‘તેરી ઝલક અશર્ફી’, શ્રીવલ્લી…’ના રી-મિક્સ ગરબા તો આવવાના જ છે, પણ એ પહેલાં એ જ ઢાળમાં ભજનો પણ આવી ગયાં હશે! ‘તેરી ઝલક શિવજી…!!’ ટેન્શન અમને ફક્ત એટલું જ છે કે મંદિરની આસપાસ પ્રદક્ષિણા કરતી વખતે ભક્તો ટાંટિયા ઢહડીને ચાલશે તો કેવું લાગશે? જોકે, જે રીતે અમુક લોકો માતાજીની પૂનમ ભરવા માટે રોડ ઉપર ગબડતાં ગબડતાં જાય છે એ રીતે આખેઆખાં જુવાનિયાનાં ઝૂંડો પગ ઢહેડતા જતાં જોવા મળે તો નવાઈ નહીં! ડોક્ટરો, ખાસ કરીને ઓર્થોપેડિક ડોક્ટરોને તો અત્યારથી ચિંતા થવા લાગી છે, કેમ કે બે જાતનાં હાડકાંના રોગો આવી રહ્યા છે! એક રોગનું નામ છે ‘ધ પુષ્પા ટ્વિસ્ટ.’ આમાં બીમાર માણસ પેલા અલ્લુ અર્જનની જેમ ત્રાંસી સ્ટાઈલો મારીને ચાલવાને કારણે પોતાનો એક ખભો ત્રાંસો કરી બેસે છે! બીજો રોગ પણ આવવાનો છે. એનું નામ છે ‘ધ પુષ્પા સ્પાઈન.’ આમાં જે બધા ફાંકોડીઓ ટણીમાં ‘મૈં ઝૂકેગા નહીં’ કહેતા થઈ ગયા છે એમની કરોડરજ્જુઓ સીધી જ રહી જવાની છે! બિચારાઓ પોતાના પાયજામા કે જીન્સ પહેરવા માટે પણ કમરથી ઝૂકી શકશે નહીં! અને હજી ઊભા રહો. એ જ ‘મૈં ઝૂકેગા નહીં’ની ટણીનો ચેપ ફેલાવાને કારણે આખા ઉત્તર ભારતમાં નવું ફેશનવેર શરૂ થશે, જેનું નામ હશે ‘ધ પુષ્પા લુંગી!’ જી હા, ‘ઝૂક્યા’ વિના તો પછી એ જ વસ્ત્ર પહેરી શકાશે ને? વિરાટ કોહલી અને વિકી કૌશલ જેવી સેલિબ્રિટીના કારણે યુવાનોમાં દાઢી રાખવાની ફેશન તો ચાલી જ છે, પણ આ પુષ્પાની અલ્લુ-સ્ટાઈલના કારણે દાઢીમાં ખાસ ઝીણી ઝીણી ‘જૂ’ પાળવાની ક્રીમ પણ મળતી થઈ જશે! જેથી તમે અલ્લુ અર્જુનની જેમ દાઢીમાં આંગળીઓ ઘૂસાડીને બોલી શકો કે ‘મૈં ઝૂકેગા નહીં!’ આ ક્રીમની એજન્સી જોઈતી હોય તો અમને કહેજો. સાઉથનો એક ‘લલ્લુ અર્જુન’ આપણને ઓળખે છે.⬛ mannu41955@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.