હમણાં જ ક્રિસમસ બ્રેક પત્યો. રાજીત અને સૂચિ એકબીજાને સલાહ-સપોર્ટ આપી રહ્યાં હતાં. નવું વર્ષ શરૂ થાય અને સંકલ્પોની સાપસીડી શરૂ થઇ જાય. રાજીત થોડો ડિફેન્સિવ હતો, કારણ કે સૂચિ સામે લીધેલા રિઝોલ્યુશન્સ એણે પૂરા નહોતા કર્યા. અરે, પૂરા કરવાની વાત તો દૂર રહી પણ એને યાદ પણ નહોતું કે એણે એક્ઝેટલી કયો સંકલ્પ લીધો હતો! સૂચિ એ વાતે ચીડાયેલી હતી કે રાજીત એનું રિઝોલ્યુશન પૂરું કેમ નથી કરી શકતો? આપણાં સૌમાં પણ ક્યાંક રાજીત રહેલો છે. આરંભે શૂરા કેટલાંક લોકો દેખાદેખીમાં નવા વર્ષની શરૂઆતમાં કોઇ સંકલ્પ તો લઇ લે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી દે છે, લાઇક્સ પણ મળી જાય છે. પરંતુ, ફેબ્રુઆરી આવતા ધીમે ધીમે એનું બાષ્પીભવન થઇ જાય છે. વાસ્તવમાં આ માટે સંકલ્પની સાયકોલોજી સમજવી જરૂરી છે. સંકલ્પ પૂરા કરવા માટે ઇચ્છાશક્તિ કે વિલ-પાવર જરૂરી છે, પણ એ વિલ-પાવર કરતાં પણ વધારે જો આપણે નવી ટેવ વિકસિત કરી શકીએ તો સંકલ્પો સફળ બની શકે છે એવું મનોવિજ્ઞાન કહે છે. અલબત્ત, ટેવો બદલવી સહેલી નથી. ટેવ ત્યારે જ પડી હોય જ્યારે જે-તે વર્તન કર્યા પછી સામે કોઇ પુરસ્કાર મળ્યો હોય કે ગમતી ઘટના થઇ હોય. પછી એ વર્તનનું પુનરાવર્તન થાય અને વધુ પુરસ્કાર કે ગમતો બદલો મળે. અને ધીરે-ધીરે એ વર્તન ટેવ બની જાય, કારણ એ જ કે, મગજની અંદર એ પુનરાવર્તિત ક્રિયાઓને કારણે ન્યુરોનના પાથવેઝ મતલબ ચેતાઓના માર્ગો બનતા જાય. મગજ પણ ટેવાતું જાય અને ઉત્તરોત્તર ક્રિયા કે પ્રતિક્રિયા સરળ બનતી જાય. નવા વર્ષના સંકલ્પોમાં થોડા સમય માટે કોઇ આદત છોડી દેવી શક્ય બને છે. પણ ફરી પાછી એ આદત ઉપરોક્ત મગજના ન્યુરો-સાયકોલોજીકલ પાથવેઝને કારણે પાછી ફરે છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સંશોધક ડો. અસફ મજરે ઇચ્છાશક્તિ એટલે વિલ-પાવર અને ટેવો એટલે હેબિટ વિશે સંશોધન કર્યું છે. એ પ્રમાણે ટેવો આપણાં વ્યક્તિત્વનો ભાગ હોય છે. આપણું વ્યક્તિત્વ ઘડવામાં ટેવોનો મોટો ફાળો છે. પણ, શરૂઆત તો વિલ-પાવરથી જ થાય છે. એ બાબત પણ સ્પષ્ટ છે કે જ્યારે ડિ-એડિક્શન કે એવી કોઇ ખરાબ આદત છોડવાની વાત હોય ત્યારે મૂડના ચડાવ-ઉતાર ખૂબ પ્રભાવી બની જતા હોય છે, પણ વાસ્તવમાં મનોવૈજ્ઞાનિક રીતે જોઇએ તો આપણે જ આપણને પાડેલી ટેવ હોય છે. વિલ-પાવરને મજબૂત કરવા એક ‘વન્સ ફોર ઓલ’ નિર્ણય લેવો પડે. એ માટે કેટલીક ટિપ્સ ખૂબ અગત્યની છે. સૌ પ્રથમ જે આદત કે કુટેવ છોડવી હોય કે નવું કંઇક કરવું હોય તેની યાદી બનાવો. એની તમારે કેમ જરૂર છે એ પણ નોંધ કરો. બહુ મોટા અવિશ્વસનીય અને ગજાબહારના સંકલ્પો લેવા એ જાતને છેતરવા સમાન છે. ખરેખર એ સાંભળવામાં કે કહેવામાં સારા લાગે પણ હકીકતમાં અશક્ય હોય છે. આવા અશક્ય સંકલ્પો લેવાથી બચો. ભલે પ્રેરણાદાયી પ્રવચનકારો તમને કહેતા હોય કે ‘તમે ધારો તે કરી શકો!’ પણ યાદ રાખો, આપણે ઇમોશનલ થઇને ચણાના ઝાડ પર ચડીને ગમે તે ધારવા બેસવાનું નથી. વાસ્તવિક ધ્યેયો નક્કી કરો. આખા વર્ષ દરમ્યાન રોજેરોજ કરી શકો તે જ સંકલ્પ લો. ખાસ તો આ સંકલ્પ સૌપ્રથમ પોતાની નજીકની વ્યક્તિને પહેલાં કહો અને એની મદદ લેતા સંકોચ ન રાખો. અલબત્ત, તમે એ નિકટની વ્યક્તિને તમારી ઓબ્ઝર્વર કે ઇન્સ્પેક્ટર બનાવી દો. જીવનસાથી, સંતાન કે મિત્ર આ માટે શ્રેષ્ઠ છે. જેમ જેમ સંકલ્પ પૂરો થતો જાય એમ એમ પોતાને રિવોર્ડ પણ આપો. આગળ વાત કરી તેમ ઇચ્છનીય વર્તનને પુરસ્કાર મળશે તો તે વધુ દૃઢ થશે. ઉત્સાહ ઘટે કે નબળા પડો ત્યારે કોઇને ચોક્કસ જણાવો. બની શકે કે મનના ઊંડાણમાં બીજી કોઇ ગડમથલ ચાલતી હોય અને માત્ર પ્લેઝર મેળવવા પાછી એની એ જ કે નવી કુટેવ તરફ વળવાનું મન થાય. જરૂર પડે વિના સંકોચે સાયકોલોજીસ્ટની મદદ લો. માત્ર બીમાર કે માનસિક વિકૃત લોકો જ સાયકોલોજીસ્ટની હેલ્પ લઇ શકે એવું નથી. ઊલટું સામાન્ય જીવનમાં ઘણીવાર સાયકોલોજીસ્ટ વધુ સચોટ દિશા-સૂચન કરી શકે અને જીવન બહેતર બની શકે. વિનિંગ સ્ટ્રોક : જૂના સંકલ્પોને પૂરા કરવા તેના નાના-નાના વિભાગ કરી પહેલાં એને પૂરા કરો પછી જ નવેસરથી રિઝોલ્યુશન લો તો ફાયદામાં રહેશો. પૂરા થયેલા સંકલ્પો નવા સંકલ્પો માટેનું પાવર હાઉસ બની શકે છે.⬛ drprashantbhimani@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.