સમયના હસ્તાક્ષર:નેતૃત્વની સમસ્યા પંજાબ પ્રકરણથી ઉકેલાશે ખરી?

19 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • કેપ્ટનને કોંગ્રેસમાં મુખ્યમંત્રી તરીકે પાછા બેસાડવાનું સાહસ કે દીર્ઘ દૃષ્ટિ કોંગ્રેસમાં હોત તો આ વાવાઝોડું આવ્યું જ ન હોત. આગામી દરેક દિવસો ઊથલપાથલના રહેશે

આમ તો આખો મામલો એક પક્ષની આંતરિક ઘટના ગણાય. અમરિન્દર સિંઘે મુખ્યમંત્રી પદેથી નારાજ થઈને રાજીનામું આપ્યું અને મોવડી મંડળે ચન્નીને પસંદ કર્યા ત્યારે એમ લાગતું હતું કે હવે બધું હેમખેમ પાર પડી ગયું. આ તો ચાના પ્યાલામાં તોફાન હતું. બીજે બધે સરકારોમાં ફેરફાર થાય છે એવું અહીં થયું. થોડી ચણભણ થઈ તે શમી જશે, પણ આ ધારણા પંજાબના રાજકારણે ખોટી પાડી. ગુજરાત અને ત્યાં ભાજપની સરકાર હતી એટલે પક્ષના વરિષ્ઠ મંત્રીઓએ પણ પ્રધાનમંડળમાં સમગ્ર ફેરફારો ઊહાપોહ વિના સ્વીકારી લીધા હતા. કેટલાકની એવી દલીલ હોય કે આ તો નરેન્દ્ર મોદીના નિર્ણયનો ચૂપ રહીને સ્વીકાર કરાયો. એવું હોય તો તે દલીલ પંજાબમાં વિપરીત બનીને લાગુ પડે છે. ત્યાં કોંગ્રેસની સરકાર છે અને પરિવર્તનનો નિર્ણય કોંગ્રેસનાં મોવડી મંડળે લીધો હતો. આની સામેનો પ્રબળ વિરોધ ખુદ કોંગ્રેસમાં જ થયો. પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે સાફસાફ કહ્યું કે પ્રદેશ પ્રમુખ તરીકે સિદ્ધુની પસંદગીની હું ખિલાફ છું, કારણ તેનો પાકિસ્તાન-પ્રેમ છે. હું સૈન્યનો માણસ છું ને મારા પંજાબની સુરક્ષા મામલે બાંધછોડ કરી શકું નહીં. જે પક્ષ સરકાર ચલાવે છે તેનો સંગઠન પ્રમુખ આવો હોય તે કેમ ચાલે? બીજો વિરોધ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનો છે, તેમણે તો ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસમાં કોઈ રાષ્ટ્રીય પ્રમુખ તો નથી, પછી પંજાબનો નિર્ણય લીધો કોણે? આના કોઈ જવાબો વિના પંજાબ પ્રકરણ વધુ ને વધુ વિસ્ફોટક થતું જાય છે. ચન્ની હજુ તો મંત્રીમંડળનાં પાનાં ગોઠવે તે પહેલાં જ નવા પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુએ વિરોધ કર્યો કે ફલાણા ધારાસભ્યોને મિનિસ્ટર બનાવશો નહીં, ચન્નીએ બનાવ્યા અને ભડકો થયો. નવજોત સિંઘે પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું! અમરિન્દર સિંઘ ફરીવાર બોલ્યા કે આ માણસ ડ્રામેબાજ છે. ટીવી શોમાં તે ભલભલાને હસાવે છે, પણ નેતાઓને રડાવવાનું કામ બાકી હતું. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા વાડેરા ત્રણેયની આ પસંદગી હતી. આ લખાય છે ત્યારે નવજોત સિંઘને સમજાવવાના પ્રયત્નો શરૂ થયા છે. મુખ્યમંત્રી ચન્નીએ પણ વાતચીત કરી. કોંગ્રેસ પ્રભારી ચૌધરીને દિલ્હીથી તાબડતોબ મોકલાયા. હવે શું? કેપ્ટન તો ગૃહપ્રધાનને મળીને ખેડૂત આંદોલન સમેટવાની ફોર્મ્યુલાની ચર્ચા કરી આવ્યા. પંજાબ કિસાન સંગઠન ‘ભારત કૃષક સમાજ’ના પ્રમુખ અને કિસાન આયોગના પૂર્વ પ્રમુખ અજય વીર જાખરે તો કેન્દ્ર સરકાર કેટલાક સુધારા પાછા ખેંચી લેશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી છે. કેપ્ટનને કોંગ્રેસમાં મુખ્યમંત્રી તરીકે પાછા બેસાડવાનું સાહસ કે દીર્ઘ દૃષ્ટિ કોંગ્રેસમાં હોત તો આ વાવાઝોડું આવ્યું જ ન હોત. આગામી દરેક દિવસો ઊથલપાથલના રહેશે. આ લેખ છપાય તે પૂર્વેના સપ્તાહ દરમિયાન અવનવી ઘટનાઓ થશે અને તેનું એપી સેન્ટર પંજાબ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની અમરિન્દર સિંઘની મુલાકાત, નવજોત સિંઘની ફરીવાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે આવવાની ના અને હા, મુખ્યમંત્રી ચન્નીના થીગડાં જેવા સમજૂતીના પ્રયાસો, જી-23 નામે જાણીતી કોંગ્રેસમાં ચૂંટણી, પ્રમુખની પસંદગી અને સંગઠનમાં લોકશાહીનું અગત્ય આ ત્રણેય મુદ્દા સાથેની 23 વરિષ્ઠ સમિતિના આગામી નિર્ણયો, જુદા જુદા પ્રદેશો અને કેન્દ્રીય કોંગ્રેસમાંથી સંભવિત અવાજ આવું ઘણું બધું થઈ ચૂક્યું અથવા થતું રહેશે. એ તો સીધી સાદી વાત છે કે આ રાજકીય ઊહાપોહ અને ફેરબદલનું મુખ્ય લક્ષ્ય આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી છે. પંજાબમાં હિન્દુ, શીખ, અકાલી દળ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ, સામ્યવાદી પક્ષો અને ભારતીય જનતા પક્ષ સક્રિય છે. એક સમયે ખાલિસ્તાનની પ્રવૃત્તિ વિદેશથી સંચાલિત હતી. 1983-84માં ભિંદરાનવાલેના હિંસક જૂથને કોંગ્રેસે પ્રોત્સાહન આપ્યું, પણ પછી તેણે તો સમાંતર સરકાર જ શરૂ કરી દીધી. સુવર્ણ મંદિરમાં રહેતા ભિંદરાનવાલે અને બીજા આતંકવાદીઓને કારણે ઓપરેશન બ્લૂ સ્ટાર થયું, ભારતીય સૈન્ય દ્વારા પાર પાડવામાં આવ્યું, ત્યારથી શીખ પ્રજાની માનસિકતામાં મોટા ફેરફાર આવ્યા, શ્રીમતી ઇન્દિરા ગાંધીની તેમનાં દિલ્હી સ્થિત નિવાસે હત્યા થઈ અને દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીખ વિરોધી રમખાણ શરૂ થયાં. તેના નાગરિક તપાસ પંચના અહેવાલોમાં દિલ્હી કોંગ્રેસના કેટલાક નેતાઓ હિંસામાં સંડોવાયા હોવાનો નિર્દેશ થયો. તેમાંના કેટલાક અવસાન પામ્યા, બીજાઓ પર મુકદ્્મો ચાલે છે. પંજાબમાં શરૂઆતથી કોંગ્રેસનું શાસન રહ્યું, પણ પછી અકાલી-જનસંઘની સંયુક્ત સરકાર થઈ ત્યારથી પહેલાં જનસંઘ અને પછી ભાજપની સત્તામાં ભાગીદારી વધી. આવા સંજોગોમાં અત્યારે કોંગ્રેસ સરકારને અમરિન્દર સિંઘ સારી રીતે ચલાવી રહ્યા હતા. નવજોત પહેલાં ભાજપમાં પણ હતા. પોતાનો એક પ્રાદેશિક પક્ષ ઊભો કર્યો તે પછીથી કોંગ્રેસમાં વિલીન થયો ત્યારથી તેની મહત્ત્વાકાંક્ષા મુખ્યમંત્રી બનવાની રહી છે. પ્રદેશ પ્રમુખ બન્યા પછી તેમાં અધીરાઇ આવી. સરકારી દખલગીરી શરૂ કરી પણ ચાલ્યું નહીં. હવે મામલો હા-નાનો બની ગયો. કોંગ્રેસ માટે પંજાબ ગુમાવવું પોસાય તેમ નથી. જે થોડાં રાજ્યોમાં તેની સરકારો છે તેમાં પંજાબ મુખ્ય છે, પણ પાછલા અનુભવો એવા છે કે એક પછી એક રાજ્યોની સરકારો ગુમાવી રહી છે. આસામના અત્યારના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા પૂર્વે કોંગ્રેસી નેતા હતા અને તેમણે કોંગ્રેસ છોડી ત્યારે ટીવી મુલાકાતમાં એક કિસ્સો કહ્યો હતો કે ‘તે સમયની આસામમાં કોંગ્રેસ સરકાર હતી તે વિશે ફરિયાદ અને ચર્ચા કરવા માટે રાહુલ ગાંધીને મળવા ગયો તો મારી વાત સાંભળવાને બદલે તેમના પ્રિય શ્વાનને બિસ્કિટ ખવડાવવામાં વધુ વ્યસ્ત રહ્યા હતા!’ નેતૃત્વની સમસ્યા પંજાબ પ્રકરણથી ઉકેલાય છે કે વધે છે તે પણ આ દિવસોમાં જોવા મળશે. { vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...