એક ભાઈને ફોટા પડાવવાનો બહુ શોખ. કેમેરા જોયો નથી ને ઊભા રહી ગયા નથી. ઘણીવાર તો એ ઊભા રહે ત્યાં કેમેરાએ થોભવું પડે અને એમના માટે ફોટો ક્લિક થાય એના કરતાં વધુ મહત્ત્વ એ વધુને વધુ લોકો સુધી પહોંચે, એનું રહે છે. વર્ષો પહેલાં આ શોખની શરૂઆત થઇ ત્યારની વાત છે. એક લેખકને વિચાર આવ્યો કે માતૃવંદના પ્રકારનું એક પુસ્તક તૈયાર કરીએ, જેમાં સમાજનાં જુદાં જુદાં ક્ષેત્રનાં લોકો પોતાની માતા વિશે કંઈ કહે. એમણે આ ભાઈની મુલાકાત લેવાનું નક્કી કર્યું. નિયત સમયે મળવા ગયા ત્યારે પેલા પુત્રએ નમ્ર પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મેં તો બહુ નાની ઉંમરે ઘર છોડી દીધેલું એટલે માતા કે પરિવારજનો સાથેનાં બહુ સ્મરણો નથી. અને પછી ચોક્કસ શબ્દો યાદ નથી પણ એમણે કંઈ એવા અર્થમાં ઉમેર્યું કે માતાના નામનો વેપાર ન થાય. આ સાંભળ્યું ત્યારે તો મને એ માણસની નિખાલસતા પર માન ઊપજ્યું. ગરીબ માતાએ એમના માટે કેટલો ભોગ આપ્યો કે પોતે માતાને કેટલો છાતીફાડ પ્રેમ કરે છે, એવી અતિશયોક્તિભરી વાત કરીને લોકોમાં વાહ વાહ મેળવવાને બદલે એમણે ચોખ્ખું ને ચટ કહી દીંધું કે એવું કંઈ યાદ નથી. આને પ્રામાણિકતા કહેવાય, પણ પછી સમય વીત્યો અને આ મહાનુભાવની જીવનકથાનો બીજો કિસ્સો સાંભળ્યો. લોકો કહે છે કે સમય સાથે ચાલવું પડે. પેલા ભાઈને પણ કહેવાયું હશે કે જૂના દિવસો અને ઘર સાથે સાવ છેડો ફાડી નાખો એ આપણી પબ્લિકને ન ગમે. વરસમાં એકાદવાર તો હાયહેલો કરવું પડે. ફોટા પણ પડાવવા પડે. એવું કંઈ પોસ્ટ થાય તો વધુ લાઇક્સ મળે. મોટાભાગનાં લોકો માટે જન્મદિવસ એટલે જીવનનો ખાસ દિવસ. સલાહકારોનું માનીને હેપ્પી બર્થડે પર મમ્મીને મળવાનું, પગે લાગવાનું, ફોટા પડાવવાનું શરૂ થયું. હવે અડધી રાતે ઉઠાડો તોયે કેમેરા સામે સારો પોઝ આપવા રેડી રહેતા ભાઈને તો વાંધો નહોતો પણ એમની માતાજીને આ ફોટોશૂટ માટે રિહર્સલ કરાવવું પડે, રિટેક લેવા પડે. એય કર્યું, પણ પછી કોઈ હોશિયારને લાગ્યું કે આ થોડું ફિક્કું લાગે છે. માતાજી પનોતા પુત્રનું મોઢું ગળ્યું કરાવે છે એ તો કોમન વાત થઇ. એસએસસીમાં પાસ થતાં બાળકોની મમ્મીઓ પણ આવા પોઝ આપતી હોય છે, આપણે જરા હટકે કરવું જોઈએ. એટલે પછી દીકરાને જે મીઠાઈ ખવડાવવાની હોય એ માતા પોતાના હાથે તૈયાર કરતી હોય એવા ફોટા પાડવા જોઈએ. પ્રી-વેડિંગ શૂટની જેમ પ્રી-બર્થડે શૂટ, એવું કંઈ. હવે અહીં નાનકડો પ્રોબ્લેમ હતો કે વૃદ્ધ થઇ ગયેલાં માતાજીને રાંધવાની, ખાસ કરીને મીઠાઈ બનાવવાની પ્રેક્ટિસ છૂટી ગયેલી, પણ ભલભલી સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢતા નિષ્ણાતો માટે આ તો મામૂલી વાત હતી. એમણે શહેરના જાણીતા કંદોઈ પાસે બુંદીના લાડુ તૈયાર કરાવ્યા, ઘેર લઈને એનો ભુક્કો કરાવ્યો અને કહ્યું કે માડી, આ ભુક્કામાંથી તો નાના લાડુ વાળી શકશો ને? સદ્્નસીબે માજીના હાથમાં એટલી તાકાત તો હતી એટલે પછી લાડવા બન્યા, સહુએ ખાધું પીધું ને ફોટા પાડ્યા ને પછી રાજ કરવા ગયા. પ્રજાએ વાહ વાહ કરી. આવું કરનાર ભાઈસાહેબ ઘણાંને દંભી લાગે છે, મને પણ લાગે છે. પરંતુ બીજી તરફ આપણામાંથી તક મળે તો કેટલાં જણ આવા દંભ કરીને પબ્લિસિટી મેળવવાની તક છોડે છે? હા, ફરક એટલો કે સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર ઘરનાં લોકોને હેપ્પી બર્થડેથી માંડીને ‘આઈ લવ યુ’ કહે ત્યારે બહુ બહુ તો ઓળખીતાં-પાળખીતાં લાઈક કરે.( મને હંમેશાં નવાઈ લાગે કે આ લોકો એક ઘરમાં રહેતાં હોવા છતાં એકમેકને એવું નહીં કહી દેતાં હોય?) પણ બંનેમાંથી એક પક્ષ સેલિબ્રિટી ક્લાસમાં આવતો હોય તો બીજાંઓ એમના આવા ફોટા અને મેસેજીસ વાઇરલ કરે. હવે રક્ષાબંધન પર આવા કોઈ શોનું લાઈવ પ્રસરણ થશે? તમારો શું પ્લાન છે?⬛ viji59@msn.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.