તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શબ્દના મલકમાં:પ્રકૃતિ, પ્રણય અને ગોપજીવનના ઉદ્્ગાતા : કવિ રાજેન્દ્ર

મણિલાલ હ. પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈ પણ સર્જક ઓળખાય છે એનાં ગુણવત્તાસભર ઉત્તમ સર્જનકાર્યથી! પારિતોષિકો અને એવોર્ડ તો એને અપાયેલ પ્રેમાદર છે અને જે તે સંસ્થા દ્વારા થતી એની સર્જકતાની કદરરૂપે હોય છે. હા! એ સર્જકનો પ્રિવિલેજ છે- અધિકાર છે, ને સમાજની ફરજ છે. આપણા ચારેય જ્ઞાનપીઠથી સમ્માનિત સર્જકોને આપણે, એમને એવોર્ડ મળ્યો, એ પહેલાંથી જાણતા હતા. એમના સાહિત્યને સૌએ વાંચીને જાણ્યું-પ્રમાણ્યું હોય છે- એ પોતે કદી એવોર્ડનો ઉલ્લેખ નથી કરતા. સર્જકનું શાણપણ એના સાહિત્યમાં દર્શનરૂપે રહે છે. કવિ રાજેન્દ્ર શાહને આપણે ઉક્ત ભૂમિકાઓથી પ્રમાણ્યા હતા. એમની ‘ઓળખ-મુદ્રા’ (સિગ્નેચર પોયમ) બનનારી કાવ્ય-કૃતિઓ એકાધિક છે. ‘ઈંધણાં વીણવા ગૈતી, મોરી સૈયર’- તે ગરબે ગૂંજતું થયું, પણ ‘કેવડિયાનો કાંટો’ અને ‘તને જોઈ જોઈ તોય તું અજાણી’ ગીતો પણ બાજુમાં નહીં મુકાય. ‘નિરુદ્દેશે’, ‘શ્રાવણી મધ્યાહને’ અને ‘આયુષ્યના અવશેષે’ (પાંચ સોનેટ) તો વિવેચકોને પ્રિય તથા ગુજરાતી કવિતાની મોંઘેરી જણસ છે. રાજેન્દ્ર શાહના પ્રથમ કાવ્યસંચય ‘ધ્વનિ’ (1951)માંથી તો અકાવ્ય શોધવું અઘરું છે. ગાંધીજીની હયાતીમાં જ (1940) ગુજરાતી કવિતા ગાંધીના ખભેથી ઊતરીને, સમાજનો હાથ છોડીને, બારી બહારનો પેલો સૌંદર્યલોક વર્ણવવા અને ભીતરની નિજી સંવેદના આલેખવા ચાલી નીકળે છે. જે કપડવંજે આપણને ગોપજીવનના ઉત્તમ ચિત્રકાર સોમાલાલ શાહ આપ્યા એ જ કપડવંજે આપણને ગ્રામજીવનની, એના સીમ-વગડાની અને સૌંદર્યલોકની ઉત્તમ કવિતા આપનાર રાજેન્દ્ર શાહ આપ્યા! 1913માં કવિનો જન્મ. માતા લલિતાબહેન-પિતા કેશવલાલ, મેટ્રિકની પરીક્ષા છોડીને આઝાદીના આંદોલનમાં જોડાયા. કપડવંજના ટાવર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા ચઢેલા, પોલીસ આવતા ટાવરથી નીચે કૂદી પડેલા, ત્રણ-ચાર માસની જેલ થયેલી. 1931માં મંજુબહેન સાથે લગ્ન. 1932માં મેટ્રિક થયા. મુંબઈ-વડોદરા-અમદાવાદની કોલેજોમાં ભણીને બીએ, એમએ થયેલા. અમદાવાદ જ્યોતિસંઘમાં નોકરી કરેલી. તત્ત્વજ્ઞાનમાં રસ એટલે બીએમાં વિષય રાખેલો. કાવ્યલેખન કોલેજકાળથી વધુ ધ્યાનપાત્ર. ચાર દીકરી અને ત્રણ દીકરાનો પરિવાર, 1945થી મુંબઈ જઈ વસ્યા. ત્યાં કરિયાણાની દુકાન, લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ અને લિપિની-પ્રિન્ટરી જેવા વ્યવસાય કર્યા. ‘કવિલોક’ ચલાવતા... ને મુંબઈમાં શનિ-રવિએ બધા કવિઓનો મેળો જામતો. 1970થી એકલા પાછા આવીને કપડવંજમાં વાસ કર્યો હતો. મૃત્યુ (2010) સુધી વતનમાં રહ્યા. રાજેન્દ્ર શાહના 20થી વધુ કાવ્યસંચયોમાં મુખ્ય છે- ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘શ્રુતિ’, ‘શાંત કોલાહલ’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘મધ્યમાં’, ‘હા, હું સાક્ષી છું!’ એમણે કેટલાક મહત્ત્વના કાવ્યાનુવાદો કર્યા છે. 2003નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અેમને અપાયો હતો. ગ્રામીણ બોલીમાં અને ગ્રામીણ પરિવેશમાં રચાયેલાં મુગ્ધાનાં પ્રેમગીતો, ઋતુઓ, માસોનાં ગીતકાવ્યો અને ઉત્તમ સોનેટો વધુ યાદગાર છે. તળપદી બોલી જેમ ગીત-કવિતાને સહજ, સરળ ને ભાવવાહી બનાવે છે એમ તત્સમ-તદ્્ભવ કાવ્યપદાવલિમાં રચાયેલાં છંદોબદ્ધ કાવ્યો અને સોનેટો રાજેન્દ્ર શાહમાં રહેલા ‘કલાકાર’ કવિનો પરિચય કરાવે છે. કવિ મુંબઈ છોડીને વૃદ્ધાવસ્થાને આરંભે જ કપડવંજના બંધ ને સૂના ઘરમાં રહેવા આવે છે. એમની એ વખતની મન:સ્થિતિ અને વાસ્તવનાં કલાપૂર્ણ શબ્દચિત્રો તથા જીવનને આવરી લેતી તત્ત્વકેન્દ્રી ભાવસૃષ્ટિ પાંચે સોનેટ (આયુષ્યના અવશેષ)માં વ્યક્ત થાય છે. આ કાવ્યોનો લય વૃદ્ધ માણસના વિચારલયને આબાદ ઝીલે છે.’ થોડી પંક્તિઓ આસ્વાદીએ: ‘જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અ‌વધે કરું, ભર્યું જળ હતું તેની યાદે સૂને ઘર સંચરું.’ ‘ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ, નજર કરી કામે વળી જતી વહુવારુઓ...’ ‘જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,’ ‘અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું!’ ‘શ્રાવણી મધ્યાહને’ જેવું શ્રાવણી બપોરના સીમ-વગડાનું વર્ષાભીનું ચિત્ર આપતું કાવ્ય ગુજરાતીમાં નથી જ રચાયું! રોજ કવિ એ રસ્તે ઉત્કંઠેશ્વર જતા. ચિત્ર માણીએ: ‘પાણી ભરેલ કંઈ ખેતરમાં જવારા! તેજસ્વી અંગ પર શૈશવની કુમાશે/સોંહત્ત, ઊંચી ધરણી પર ત્યાં જ પાસે/ડૂંડે કૂણાં હસતી બાજરી ચિત્તહારા/ ઊડે હુલાસમય ખંજન. કીર-લેલાં/ટહુકે કદી નીરવતા મહીં મોર ઘેલ!’ વૃક્ષોનાં, અંધકારનાં, રાત્રિનાં વર્ણન કરતાં કાવ્યોની વાત પણ વિગતે થઈ શકે. તાજપ, નવતાભર્યા ભાવપ્રતીકોનો જાદુ પણ નોંધી શકાય, પણ અહીં અટકીએ. મુંબઈના વિરમગામ ખાતે 97 વર્ષની વયે કવિનો આત્મા દેહમુક્ત થયો હતો.⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...