અત્ર-તત્ર-સર્વત્ર:આંધળુકિયાં કરે એ મૂરખા ને જે જાણીને જોખમ લે એ…?

ભરત ઘેલાણી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાત જાણ્યાં વગર જે જોખમમાં ઝંપલાવે એ બેવકૂફ ન પણ પુરવાર થાય...એને તો જેકપોટ પણ લાગી શકે!

કહે છે કે ટૂંક સમયમાં વધુ જ્ઞાન જોઈતું હોય તો તમે જેટલી વધુ કહેવતો જાણી લો એટલાં તમે વધુ ડાહ્યા ! જો કે,કહેવત-ઊક્તિઓ પણ બડી વિરોધાભાષી હોય છે, જેમકે ‘બોલે એના બોર વેંચાય’ (ને ક્યારેક બધાને ‘બોર’ પણ કરે !) અને ‘ન બોલવામાં નવ ગુણ’! સમાનાર્થી કહેવતની પણ વાત ઉદાહરણરૂપે જાણી લઈએ તો ‘હિંમતે મર્દા (તો) મદદે ખુદા’. આ મૂળ ઉર્દૂ કહેવત જેવી જ અસ્સલ ગુજરાતી કહેવત છે: ‘માથા સાટે માલ’...આ બધાથી ઊંધી દિશામાં વળાંક લેતી આ ઊક્તિ પણ સાંભળી લો : ‘જ્યાં ડાહ્યા માણસ પણ જવાની હિંમત ન કરે ત્યાં મૂર્ખા ઝંપલાવે ’ આ બધી જ કહેવત જે સૂચવે એ મુજબ જ દર વખતે પરિણામ આવે એ જરૂરી પણ નથી. એથી વિપરિત કેટલીક વાર ન ધારેલા સુખદ નતીજા પણ નીકળે. તંત્રી-પત્રકાર તરીકેની કારકિર્દી દરમિયાન મને આવા ઘણાં અનુભવ થયા છે. એમાંથી આ એક જાણવા જેવો છે. એક સાપ્તાહિકના વિશેષાંક માટે અમે કેટલીક જાણીતી વ્યક્તિ – સેલિબ્રિટીઝનાં નામ વિચારી રહ્યા હતા. એમાંથી એક સૂચન આવ્યું વિખ્યાત ગાયિકા લતા મંગેશકરનું… આ સૂચન આવ્યું હતું અમારા એક બહુ જુનિયર–નવોદિત કહી શકાય એવા પત્રકાર તરફથી. લતાજી આમેય પ્રેસ સાથે બહુ હળે-મળે એવી પ્રકૃતિનાં પણ નહીં એટલે અમે પેલા નવોદિત સાથીનાં સૂચન પર ખાસ ન તો ધ્યાન આપ્યું કે ન તો એને પ્રોત્સાહિત કર્યો. માત્ર એટલું જ કહ્યું: ‘ટ્રાય યોર લક’. પેલા નવોદિતે ક્યાંકથી લતાજીનાં ઘરનો ફોન નંબર મેળવ્યો. બે-ત્રણ વાર એમનાં ઘરના કોઈ ભળતાએ ફોન લીધા. અમારા ઉત્સાહિત મિત્રે પ્રયત્ન ચાલુ રાખ્યા અને…એક વાર ખુદ લતાજીએ જ ક્રેડલ ઊંચક્યું. વાત સાંભળી પછી કહે: ‘હમણાં પૂજામાં બેસું છું…15-20 મિનિટ પછી ફોન કરો.’ અમારો સહયોગી માની જ ન શક્યો કે સામે છેડે ખુદ લતાજી છે. એણે અધિરાઈભેર પૂછી પણ લીધું : ‘લતાદીદી, હવે ફોન કરું તો ખરેખર તમે જ મારો ફોન લેશોને?!’ ‘હાં,ભઈઈ...હાં...લૂંગીને તેરા ફોન...!’ લતાજીએ એમની લાક્ષણિક શૈલીમાં સહેજ છણકો કરતાં મરાઠીમાં જવાબ આપ્યો અને 15 મિનિટ પછી સાચુકલાં લતાજીએ જ ફોન લીધો. ખાસ્સો અરધો કલાક બહુ જ સહજતાથી વાત કરી એ ઈન્ટરવ્યુ અમારા અંકનું એક વિશેષ આકર્ષણ પણ બની ગયો! અમારા જેવા અનુભવી પત્રકારોએ જ્યાં હિંમત ન કરી ત્યાં અમારો જ એક નવોદિત ( જેને અમે એ સમયે મૂરખ ગણ્યો હતો!) સહયોગી આંધળુકિયાં કરીને માથા સાટે માલ મેળવી આવ્યો. આવો જ તાજેતરનો બીજે કિસ્સો પણ અનેરો છે. ઈલોન મસ્કનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ઈલોનની ગણના આજકાલ જગતના સૌથી વધુ શ્રીમંત તરીકે થાય છે. ‘ટેસ્લા’ જેવી અતિ આધુનિક ઈલેક્ટ્રીક કારના ઉત્પાદક એવા ઈલોન હમણાં અંતરિક્ષમાં ય લટાર મારી આવ્યા છે. આવી અનેક સિદ્ધિઓ મેળવનારા ઈલોન વિશ્વનાં ટોચનાં અખબાર-સામાયિકોને પણ મુલાકાત આપવાનું ટાળે છે, પણ એ ‘ટ્વિટર’ પર વધુ સક્રિય છે. એમની ટ્વિટસના અભિપ્રાય વિશેષ મહત્ત્વ ધરાવે છે. બીજી તરફ દક્ષિણ ભારતના મદન ગોવરી નામના એક શખ્સનું નામ આપણા માટે અજાણ્યું છે, પણ સોશિયલ મીડિયા અને ‘યુટ્યૂબ’ પર એને 50 લાખથી વધુ લોકો અનુસરે છે. ઈલોન મસ્ક એની ફેમસ ‘ટેસ્લા’ કાર ભારતમાં લાવી રહ્યા છે એ જાણ્યા પછી મદને અમસ્તા જ ઈલોનને એક ટ્વિટ કરી કે ‘વહેલી તકે તમે ‘ટેસ્લા’ને અમારા દેશમાં લઈ આવો…હું એને જોવા આતુર છું…’. એના આશ્ચર્ય વચ્ચે ટ્વિટર પર ઈલોનનો ત્ત્વરિત જવાબ આવ્યો: ‘ઈચ્છા તો અમારી પણ છે, પરંતુ...’ ઈલોનના આ અણધાર્યા જવાબથી પ્રોત્સાહિત થઈને મદને પેલા ‘પરંતુ’ વિશે સામા પ્રશ્નો પૂછયા અને ઈલોને ભારતની સૌથી મોંઘી ઈમ્પોર્ટ ડયૂટીથી લઈને પ્રદૂષણની રીતિ-નીતિ વિશે ખાસ્સી ચર્ચા કરીને મદનને ‘ટ્વિટર’ પર જ જાણે એક લાંબો-પહોળો ઈન્ટરવ્યૂ આપી દીધો…! આ પણ ભારતીય ‘યુ ટ્યૂબર’ માટે એક સિદ્ધિ ગણાય…!⬛ bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...