ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ, 1980ના દિવસે થઈ. 1985માં થયેલ લોકસભાની ચૂંટણીઓમાં આ પાર્ટીને આખા દેશમાંથી માત્ર બે બેઠકો પર વિજય મળ્યો. એમાંની એક બેઠક ગુજરાતમાંથી ડૉ. એ. કે. પટેલ જીત્યા હતા. આ પાર્ટીના ભવિષ્ય વિષે આશાવાદ વ્યકત કરતા અટલજીએ જે શબ્દો કહ્યા હતા તે શબ્દો મહદઅંશે સાચા પડ્યા છે. તેઓએ કહ્યું હતું કે: ‘અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા.’ આ કોઈ ભવિષ્યવેત્તાની વાણી હતી એવું માનતા હોવ તો આખોય પ્રસંગ સંસ્કૃત સાહિત્યમાં એક કરુણાંતિકા તરીકે આલેખાયો છે. અટલજીના કથનમાં આ સુભાષિતની પ્રથમ બે પંક્તિઓ કહેવાઇ છે. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजालिः॥ इत्थं विचिन्तयति कोशगते द्विरेफे, हा हन्त! हन्त! नलिनीं गज उज्जहार॥ કમળના ફૂલમાં એને માણતાં માણતાં સૂર્યાસ્ત થઈ રહ્યો છે એનું ભાન ભૂલેલો દ્વિરેફ એટલે કે ભ્રમર અંધારા ઉતરતા કમળની પાંખડીઓ બિડાઈ જાય ત્યારે એમાં કેદ થઈ જાય છે. હજુ પણ એ મોહભંગ થયો નથી. એણે ધાર્યું હોત તો વાંસમાં પણ કાણું પાડી શકવાની એની શક્તિ કમળની પાંખડીઓમાં છેદ પાડી મુક્ત થતો એને ન રોકી શકત, પણ એ મોહાંધ ભમરો તો કમળપાંખડીમાં કેદ થઈને ભવિષ્યની સુંદર કલ્પનાઓમાં ખોવાઈ જાય છે. એ વિચારે છે કે રાત પૂરી થશે, સૂર્ય ઊગશે અને સૂર્યોદય થતાં જ કમળનું ફૂલ પાછું ખીલી ઊઠશે. બરાબર ત્યારે જ અત્યંત દુ:ખદ ઘટના ઘટે છે. હાથીઓનું એક ઝૂંડ આવી ચઢે છે અને એમાંનો એક હાથી પેલા બિડાયેલા કમળની કળીને ઉખાડી નાખે છે. ત્યારે મૂળસોતું ઉખડી ગયેલું કમળ તો હવે ફરી ખીલવાનું નથી, પણ ભ્રમર એ કળીની અંદર જ ફસાઈને તેનો અંતિમ શ્વાસ લે છે. અટલજીએ જેનો ઉલ્લેખ કર્યો હતો તે બે પંક્તિઓ - ‘અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા’, ભ્રમરનો આશાવાદ દર્શાવે છે પણ આ આશાવાદથી દોરાયેલો મોહાંધ ભમરો છેવટે એ બિડાયેલા કમળની પાંખડીઓ વચ્ચે જ પોતાનો અંતિમ શ્વાસ લે છે. ભવિષ્યની મધુર કલ્પનાઓ કરવી જ જોઈએ. આશાના સહારે તો આપણે દોડીએ છીએ, પણ આશા અને મોહ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. કમળ ભમરાને આકર્ષે છે પણ એના મોહમાં જકડાયેલો ભમરો કમળની પાંખડીઓ બિડાઈ જાય છે તો પણ એને કોરી નાખીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતો નથી. આ વાત છે નસીબની. સવાર પડશે, કમળ ખીલશે અને પેલો ભમરો એમાંથી છૂટી જશે, એ આશામાં કમળમાં એવો તો ફસાયો છે કે એનો મોહભંગ થાય એ પહેલાં તો એનું જીવન સમાપ્ત થઈ જાય છે. આવો ભાવ માણસે સુખની આશામાં પોતાના દુ:ખના દિવસો કાપવા જોઈએ તેવો ઉપદેશ આપવાનો હોઈ શકે. પણ દુ:ખનો અંત આવે તે પહેલાં તો મૃત્યુનો વિકરાળ પંજો એને જકડી લે છે. સુભાષિતનો ભાવ એવો છે કે માણસ સુખની આશામાં પોતાના દુ:ખના દિવસો વિતાવે છે, પરંતુ તેના દુ:ખનો અંત આવે એ પહેલાં જ મૃત્યુ તેને ઘેરી લે છે. અર્થ એ છે કે માણસ ગમે તેટલી મીઠી કલ્પનાઓ કરે, પરંતુ તેના પર કંઈ જ નિર્ભર નથી. ભગવાન જે ઈચ્છે છે તે થાય છે. અયોધ્યાની ગાદી પર ભગવાન રામનો રાજ્યાભિષેક નિશ્ચિત હતો. કદાચ એ રાત્રે પેલા ભ્રમરની માફક ભગવાન પણ એની મધુર કલ્પનાઓનાં સોણલાં સેવતા હશે. ભગવાન રામ પણ પોતાનું રાજ્ય કેવું હશે, એ પરિકલ્પનામાં રાચતા હશે? કોને ખબર!!! પણ સવાર તો જુદી જ ઊગવાની હતી. રાત્રિ વીતી, સવાર પડી. એ સોણલાં અધૂરાં જ રહ્યાં. તે પહેલાં તો કૈકેયી નામની હાથણીએ મધુર કલ્પનાઓની કમળપાંખડીઓમાં કેદ આ રામરાજ્યના સપનાંને રોળી નાખ્યું. કમળ મૂળસોતું હાથણીએ ઉખેડી નાખ્યું. સવારે રાજ્યાભિષેક નહીં પણ રામ વનવાસના રસ્તે અને દશરથ મૂર્છાવસ્થામાં!! હા હન્ત! હા હન્ત! ગજ ઉજ્જહાર શું આને નિમિત્ત કહીશું કે પછી ભાવિના ગર્ભમાં છુપાયેલું રહસ્ય. જો ભગવાન સ્વયં એ પામી નહોતા શક્યા તો માણસનાં શમણાં સાચાં જ પડે એવું જરૂરી ખરું? પણ નકારાત્મક વિચારો ના કરો. આજે નહીં તો કાલે, યાદ રાખો, ‘હમ હોંગે કામિયાબ, હમ હોંગે કામિયાબ એક દિન.’ એક દિવસે પેલો વનવાસી રામ લંકા પર ભવ્ય વિજય પ્રાપ્ત કરીને અયોધ્યાના સિંહાસને બેસશે. રામરાજ્યની કલ્પના સાકાર થશે. મનુષ્ય ગમે તેટલી મધુર કલ્પનાઓ કરે પણ આખરે તો ઈશ્વર જે ચાહે છે તે જ થાય છે. કોઈ કોઈનું બગડી શકતું નથી, કોઈ કોઈનું સુધારી શકતું નથી. એટલે જ કહ્યું છે: મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ.⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.