તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉક્ટરની ડાયરી:રાત અંધારી થરથરે, હૈયું હવા ને પાંદડાં જ્યાં ના હોય શૂન્ય ત્યાં દેખાવા લાગે આંકડા

7 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • ‘વના વાવ પાસેથી હજાર વાર આવ્યો-ગયો છું. તારા ડરનું કારણ તારી સાઇકલનું પૈડું ભારે થઇ ગયું એ જ છેને? ચાલ, આપણે એ ચુડેલને શોધી કાઢીએ.’

રાતનો એક વાગ્યાનો સમય. અમાસનું ભેંકાર અંધારું. ઉનાથી દેલવાડા વચ્ચેનું આઠ કિ.મી.નું અતંર. આ જે સમયની વાત છે તે સમયે અમદાવાદ-રાજકોટ વચ્ચેનો હાઇ-વે પણ સારો ન હતો, તો ઉના-દેલવાડા વચ્ચેના રસ્તાની તો વાત ક્યાં કરવી? લવજી પાસે વાહનમાં માત્ર એક ખખડી ગયેલી સાઇકલ હતી. સાઇકલમાં ઘંટડી સિવાય બાકીનું બધું જ વાગતું હતું. આવી વિચિત્ર અવાજો કરતી સાઇકલ પર બેસીને આઠ કિ.મી. કાપવાના હતા. આટલું ઓછું હોય તેમ મિત્ર મથુરે છૂટા પડતા પહેલાં લવજીના કાનમાં ફૂંક મારી દીધી હતી, ‘સાચવીને જજે હોં! મારગમાં વના વાવ આવે છે ત્યાં ચુડેલનો રંજાડ રહે છે. આપણા ગામના કંઇક બડકમદારોને એ ચુડેલ ભરખી ગઇ છે. તેના કારણે તો હું આજની રાત ઉનામાં જ રહી જાઉં છું. મારી ફરજ તને ચેતવવાની હતી. હવે તું જાણે ને ચુડેલ જાણે!’

1961ના વર્ષની ઘટના. લવજીની ઉંમર ફક્ત 22 વર્ષની. દેલવાડાના પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં નોકરીમાં જોડાયેલા. ઉના બધી રીતે દેલવાડા કરતાં મોટું હોવા છતાં તે સમયે પી. એચ. સી. દેલવાડામાં હતું. શનિવારની ડ્યુટી પૂરી કર્યા પછી લવજી ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવી રહ્યો હતો. એની સાથે નોકરી કરતો મથુર પણ તૈયાર થઇ ગયો. લવજી ફાર્માસિસ્ટ હતો. મથુર કેસ કાઢવાની બારી પર બેસતો હતો. મથુરે યાદ કરાવ્યું, ‘લવજી, તારે આજે ઉનામાં મામલતદારને ઇન્જેક્શન આપવા જવાનું છે. આપણે એક કામ કરીએ સમી સાંજે નીકળી જઇએ. મામલતદારને ઇન્જેક્શન આપીશું. પછી બજારમાં ફરીશું. ગાંઠિયા- જલેબીનો નાસ્તો કરીશું. છેલ્લા શોમાં ફિલ્મ જોઇશું અને શો છૂટ્યા પછી પાછા દેલવાડા ભેગા.’ લવજી સંમત થઇ ગયો. બસની રાહ જોવાની ગરજ ન હતી. બાબા આદમના વખતની સાઇકલ તૈયાર હતી. બંને જણા નીકળી પડ્યા. મામલતદારના ઘરે જઇને ઇન્જેક્શન આપવાનું કામ પૂરું કરી દીધું. મામલતદારની પત્નીએ ચાનો આગ્રહ કર્યો પણ બંને મિત્રોએ ના પાડી. સાહેબના ઘરની ચા થોડી પીવાય? પછી બંને બજારમાં રખડવા નીકળી પડ્યા. બે-ત્રણ કલાક ખૂબ ફર્યા. આખું ઉના ખૂંદી વળ્યા. પછી થિયેટર પર પહોંચી ગયા.

શો હાઉસફુલ હતો પણ હોસ્પિટલની ઓળખાણ ખપમાં આવી. ટિકિટ મળી ગઇ. હોરર ફિલ્મ હતી. દર દસમી મિનિટે પડદા ઉપર એક ખોપરી પ્રગટ થતી હતી. બિહામણું અટ્ટહાસ્ય, ખૂની પંજો, ડરામણા ચહેરાઓ, કબ્રસ્તાનમાં દેખાતું ફાનસ. આ બધું જોઇને લવજી તો જેમ-તેમ કરીને ટકી ગયો પણ મથુર ડરી ગયો. માંડ-માંડ ફિલ્મ પૂરી થઇ. થિયેટરમાંથી બહાર નીકળ્યા ત્યારે મથુરે કંપતા અવાજમાં કહ્યું, ‘લવજી, એક કામ કરીએ. આવી મનહૂસ રાતે દેલવાડા જવાનું માંડી વાળીએ. આમેય કાલે રવિવાર છે. મોડા ઘરે પહોંચીશું તો પણ વાંધો નથી. આજની રાત અહીં જ રહી જઇએ.’

‘રહી તો જઇએ પણ ક્યાં? કોના ઘરે?’ લવજીએ પાયાનો પ્રશ્ન રજૂ કર્યો. લવજી મૂળ જૂનાગઢનો વતની હતો. ઉના-દેલવાડા માટે સાવ અજાણ્યા હતો. દેલવાડામાં તો બે-પાંચ પરિવારો સાથે ઓળખાણ થઇ ગઇ હતી પણ ઉનામાં એનું એક પણ પરિચિત રહેતું ન હતું, જેના ઘરે આવી રીતે અચાનક અડધી રાત્રે જઇને રાતવાસો રહી શકાય. લવજીની વાત સાંભળીને મથુર પણ મૂંઝવણમાં મુકાઇ ગયો. એ જેના ઘરે જવાનું વિચારતો હતો એ એના દૂરના સંબંધી હતા. વગર જાણ કર્યે આવા અસુરા ટાણે કોઇના ઘરે નામ પૂરતા સંબંધના કાચા તાંતણે જવામાં મથુરને પોતાને પણ સંકોચ થતો હતો. આવી સ્થિતિમાં તે પોતાની સાથે મિત્ર નામના બગલથેલાને કેવી રીતે લઇ જઇ શકે? એટલે મથુર છૂટો પડ્યો. એણે કહી દીધું, ‘લવજી, તારે જો આજની રાત ઉનામાં રહેવું હોય તો તારી વ્યવસ્થા તારે જાતે કરી લેવી પડશે નહીંતર પછી તું જાણે.’

લવજીએ નિર્ણય કરી લીધો કે તે એકલો જ દેલવાડા પહોંચી જશે. વાત આટલેથી અટકી ગઇ હોત તો વાંધો ન હતો પણ લવજીએ સાઇકલ પર બેસીને પેડલ પર પગ મૂક્યો ત્યાં જ મથુરે એના કાનમાં ભયનું પીપડું ઠાલવી દીધું. અમાસનું અંધારું. ભેંકાર સૂમસામ રસ્તો. રસ્તામાં આવતી વના વાવ. બસ્સો વર્ષ જૂનો પીપળો. ચુડેલ. આ બધું સાંભળીને લવજીના હાંજા ગગડી ગયા હતા, પણ આ ભયનો સામનો કર્યા વગર છૂટકો ન હતો. એણે મૂંડી હલાવીને સાઇકલ મારી મૂકી. મનમાં ફિલ્મનાં દૃશ્યો તાજાં હતાં અને મથુરની ચેતવણી પણ. એટલે ચંદ્ર વિનાની રાત્રે તારલિયાના અજવાસમાં માંડ-માંડ એ રસ્તો કાપતો રહ્યો. અચાનક ક્યાંકથી ચીબરીનો અવાજ સંભળાઇ જતો ત્યારે લવજી હનુમાનજતિને યાદ કરી લેતો. લગભગ અડધા-પોણા કલાકની સાઇકલ સવારી પછી વના વાવ આવી પહોંચી. દૂરથી અંધારામાં ઊભેલો પહાડ જેવો પીપળો વર્તાયો. એનાં પર્ણોનો ખડખડાટ ફિલ્મના પડદા પર ખોપરીનાં દાંત કકડતા હોય એવો લાગતો હતો. લવજીની સાઇકલ ધીમી પડી ગઇ, પણ હવે આગળ વધ્યા વિના કોઇ ઉપાય ન હતો. એણે હિંમતની પોટલી કસીને બાંધી લીધી અને સાઇકલની ગતિ વધારી દીધી, પણ એના મનમાં જે ડર હતો એવું જ બન્યું.

જેવો લવજી વના વાવ પાસેથી પસાર થયો એવી જ તેની સાઇકલ ધીમી પડી ગઇ. એણે પૂરેપૂરું બળ વાપરીને પેડલ મારવા માંડ્યા, પણ એવું લાગતું હતું જાણે સાઇકલને કોઇએ પાછળથી પકડી રાખી હોય! લવજી સમજી ગયો. આવી અંધારી રાતે, આવા નિર્જન સ્થાનમાં બીજું કોણ હોય? નક્કી પેલી ચુડેલ જ. એ મોટેમોટેથી બોલવા લાગ્યો, ‘હનુમાનજતિથી હાકલ પાડે, ભૂતપ્રેતના દાંત પાડે.’ આ સાથે જ એની છાતીમાં હિંમતનો પુનઃસંચાર થયો. હતું એટલું જોર કરીને એ પેડલ મારવા લાગ્યો. સાઇકલ ચાલતી રહી એ એક જ સારી બાબત હતી, કારણ કે લવજીના તમામ પ્રયત્નો પછી પણ એનો વેગ તો વધતો જ ન હતો. સાઇકલનું પાછળનું વ્હીલ ભારે થઇ ગયું હતું. લવજી હવે મરણિયો બન્યો હતો. એણે વિચાર્યુ કે જો આ સ્થળે અને આ સમયે એ નબળો પડ્યો તો મૃત્યુ નિશ્ચિત હતું. હિંમત હારીને ચુડેલનાં શરણે થઇ જવું એના કરતાં છેલ્લો પ્રયત્ન શા માટે ન કરી લેવો?

લવજી એવા ઝનૂનથી સાઇકલ ચલાવી રહ્યો હતો જાણે પોતાની સાથે સાથે ચુડેલને પણ ઘસડીને દેલવાડા સુધી લઇ જવાનો હોય! ચુડેલ પણ ભારે જિદ્દી નીકળી. એ પણ હાર સ્વીકારવાના મૂડમાં ન હતી. આવી રીતે એકાદ કિલોમીટરનો પંથ કપાઇ ગયો. વના વાવની જોખમી જગ્યા હવે પાછળ રહી ગઇ હતી. અચાનક ઘોર અંધકારમાં પ્રકાશનું કિરણ દેખાયું. દૂરના ખેતર પાસે આવેલી ઝૂંપડીમાં ફાનસ ટમટમતું હતું. લવજી માટે તો એ ઊગતા સૂરજનો પ્રકાશ હોય એવું લાગતું હતું. લવજીને ખબર હતી કે ઉના-દેલવાડા વચ્ચેના રસ્તામાં આ એક ઝૂંપડી આવતી હતી. ત્યાં એક વૃદ્ધ ખેડૂત એકલો પડી રહેતો હતો. રાત્રે ખેતરનું રખોપું પણ કરતો હતો અને અધરાતે-મધરાતે ત્યાંથી પસાર થતા વટેમાર્ગુને ચા-પાણી પણ પીવડાવતો હતો. લવજીના મનમાં હાશકારો થયો. પાછળ નજર ફેંક્યા વગર એ ઝૂંપડી પાસે પહોંચી ગયો.

અત્યાર સુધી બાંધી રાખેલું હિંમતનું પોટલું અચાનક છૂટી ગયું. પોતાની સાઇકલનો ઘા કરીને તે ઝૂંપડીનું બંધ બારણું ખટખટાવા લાગ્યો. ‘એ બાપા! ખોલજો. ઝટ કરજો નહીંતર આ ચુડેલ મને ભરખી જશે.’ ધીમેથી બારણું ખૂલ્યું. વૃદ્ધનો ચહેરો દેખાયો. સારું હતું કે લવજીએ આ ખેડૂતને આ પહેલાં બે-ચાર વાર જોયેલો હતો નહીંતર અત્યારે તેને પણ ચુડેલનો ભાઇ સમજીને એ ફાટી પડ્યો હોત! ‘શું છે, ભાઇ? કેમ આટલા બધા ધ્રૂજો છો? શિયાળો પૂરો થયાને તો પાંચ મહિના થઇ ગયા. તમારે હજી પોષ મહિનો જ ચાલે છે?’ જવાબ આપતા પહેલાં તો લવજી ઝૂંપડીમાં દાખલ થઇ ગયો હતો અને એણે પોતે જ બારણું વાસી દીધું હતું. શ્વાસ હેઠો બેઠો એટલે એણે માંડીને વાત કરી. વૃદ્ધ હસી પડ્યો. પંચોતેર વર્ષના અનુભવો અને એમાંથી સાંપડેલું શાણપણ એની વાણીમાં પ્રગટ થયું, ‘ભાઇ, આ જગતમાં ભૂત-પ્રેત, ચૂડેલ-ડાકણ, પિશાચ કે વંતરી જેવું કશું છે જ નહીં. હું તો અહીંયા વર્ષોથી રહું છું. વના વાવ પાસેથી હજાર વાર આવ્યો-ગયો છું. તારા ડરનું કારણ તારી સાઇકલનું પૈડું ભારે થઇ ગયું એ જ છેને? ચાલ, આપણે એ ચુડેલને શોધી કાઢીએ.’ ફાનસના અજવાળામાં એ વૃદ્ધ લવજીને સાઇકલ પાસે દોરી ગયો. આડી પડેલી સાઇકલના પાછલા વ્હીલમાં માર્ગમાં રઝળતું કોઇનું કપડું ફસાઇ ગયું હતું. એના કારણે સાઇકલ વેગ પકડી શકતી ન હતી. જો લવજીએ હિંમત કરીને આટલું શોધી કાઢ્યું હોત તો તે અધમૂઓ ન થઇ ગયો હોત! શંકા ભૂત અને મંછા ડાકણ! વૃદ્ધે પૈડાના આરામાં ફસાયેલી ‘ચુડેલ’ને કાઢીને દૂર ફેંકી દીધી. લવજી ગરમ ચાની અડાળી ટટકાવીને રવાના થઇ ગયો. (સત્યઘટના. હું પોતે ભૂત-પ્રેતમાં માનતો નથી પરંતુ ઓશો જેવા ઘણા ફિલોસોફિકલ ગુરુઓ પ્રેતયોનિના અસ્તિત્વને સ્વીકારે છે.) (શીર્ષક પંક્તિ ઃ આબાદ અમદાવાદી) drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો