હવામાં ગોળીબાર:‘શાકાલ’નું નામ... ‘શાકાહારી?’

મન્નુ શેખચલ્લી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગરમચ્છોનાં બચકાં વડે ગુંડાની ચામડીમાં કાણાં પણ નથી પડતાં! શાકાહારી ઘાંટો પાડે છે ‘અજીબ જાનવર હૈ? ખાતા ક્યૂં નહીં?’

અને એક દિવસ ‘શાન’ના પૂનમના ચાંદ જેવી ટાલ ધરાવતા વિલને નક્કી કર્યું કે મારે મારું નામ બદલી નાખવું છે. એણે તો આધારકાર્ડમાં અને મતદારયાદીમાં પોતાનું નામ બદલવા માટે એફિડેવિટો પણ કરીને આપી દીધી હતી, પણ સરકારી કારકુને ‘શાન’ ફિલ્મ સાત વાર જોયેલી, એટલે તેણે વિલનની શાનને શોભે એવું જ નામ નોંધ્યું : ‘શાર્ક-આહારી!’ પણ ‘શાકાલ’ને તો નામ બદલીને ‘શાર્કાહાહાકારી’ રાખવાનું હતું! એ બગડ્યો. એણે પોતાના જેવી મોટી ટાલ ધરાવતા ગુંડાને 500 ગ્રામ કારેલાંની થેલી સાથે મોકલ્યો અને ધમકી આપવા કહ્યું. ગુંડાએ કારકુનને કહ્યું, ‘મેરા બોસ તુઝે ઈસ કચ્ચે કરેલે કી તરહ ચબા જાયેગા! અગર અપની જિંદગી ચાહતા હૈ તો યે સારે કરેલે ચબા લે ઔર નામ સહી કર દે!’ કારકુન સમજ્યો કે ‘શાકાલ’ હવે પ્રકૃતિપ્રેમી બનવા માગે છે એટલે કારેલું ચાવતાં ચાવતાં એણે નામ લખી નાખ્યું ‘શાકાહારી!’ બસ, એ ઘડી અને પિક્ચરનું આજે એકતાળીસમું વરસ, અગિયારમો મહિનો અને બારમો દિવસ... ‘શાકાલ’નું નામ ‘શાકાહારી’ થઈ ગયું છે! હવે જ્યારે જ્યારે એ મુવી મારા ટીવીમાં પ્લે થાય છે ત્યારે એનાં દૃશ્યો સાવ જુદી જ જાતનાં દેખાય છે... એક્વેરીયમની શાર્ક ‘યે ક્યા હૈ?’ શાકાહારી વિલન ઘાંટા પાડી રહ્યો છે. મેરી સીટ કે પીછે જો એક્વેરીયમ થા, ઉસમેં જો ખતરનાક શાર્ક ઘુમ રહી થી... વો ઘુમ ક્યૂં નહીં રહી હૈ?’ શાકાહારીનો ચમચો, જેનું નામ ‘ટીંડોળું’ છે, તે કહે છે, ‘સર, તમે શાકાહારી થઈ ગયા એ પછી આપણે શાર્કને પણ ભાજી-મૂળા અને રીંગણાં-બટેટાં જ ખવડાવતા હતા!’ ખુરશી નીચેના મગરમચ્છ વિલન શાકાહારીએ એના ચાર ગુંડાઓને ગોળ ગોળ ફરતી ખુરશીઓમાં બેસાડી રાખ્યા છે. એ કડવા કંકોડા જેવા અવાજે કહે છે, ‘તુમ મૈં સે કિસી એક ને પુલિસ કો ખબર કી થી કે હમારે કોબીજ ફ્લાવર સે ભરે ટ્રક મેં દરઅસલ હર કોબીજ મેં હીરે ઔર હર ફ્લાવર મેં સોને કે બિસ્કુટ થે...’ ગુંડાઓ ફફડી જાય છે કેમ કે નીચે જે પાણીની ટાંકી છે એમાં કાતિલ મગરમચ્છો છે! એક બટન દાબતાં જ ચકરડું ગોળ ફરવા લાગે છે. ચારમાંથી એક ગુંડો કબૂલ કરી લે છે કે ‘એ હું જ હતો.’ શાકાહારી વિલન જેવું લાલ બટન દબાવે છે કે તરત એ ગુંડો ટાંકીમાં ફેંકાય છે! કાતિલ મગરમચ્છો ધસી આવે છે! પણ આ શું...? મગરમચ્છોનાં બચકાં વડે ગુંડાની ચામડીમાં કાણાં પણ નથી પડતાં! શાકાહારી ઘાંટો પાડે છે ‘અજીબ જાનવર હૈ? ખાતા ક્યૂં નહીં?’ ‘ટીંડોળું’ કહે છે ‘સર, છેલ્લા છ મહિનાથી મગરમચ્છો પણ વેજ બર્ગર, વેજ બિરયાની અને વેજ કબાબ ખાઈ રહ્યા છે, એટલે...’ શાકાહારી વિલનનો રાઝ બંને હીરોને ડાઉટ પડે છે કે આ વિલન અચાનક ‘શાકાહારી’ બની જ ના શકે! કંઈક તો રાઝ છે! બંને જણા વિલનના અડ્ડામાં ઘુસે છે... છૂપી રીતે વિલનનો પીછો કરે છે... વિલન ગાજર ખાતો ખાતો ઓટોમેટિક લિફ્ટમાં બેસીને ભોંયરામાં ઉતરે છે... પછી બીજા ભોંયરામાં જવા માટે લસરપટ્ટી ઉપર બેસીને કાચી કાકડીઓ ખાતો ખાતો લપસે છે... છેવટે ત્રીજા ભોંયરામાં પગથિયાં ઉતરતો ઉતરતો તે કેળાંની છાલ આજુબાજુ નાંખતો કેળાં ખાતો જાય છે... આ બાજુ બંને હીરો અંધારામાં કેળાંની છાલ ઉપરથી માંડ માંડ લપસતા બચે છે છતાં છેવટે તો લપસીને છેક વિલનના ખુફિયા રૂમમાં પહોંચી જાય છે! ત્યાં જઈને જુએ છે તો વિલન કોઈ ચોપડી વાંચી રહ્યો છે! બંને હીરો દબાતા પગલે એની પાછળ જઈને જુએ છે તો ચોંકી જાય છે: ‘અરે! યે તો જોક્સ કી કિતાબ હૈ! ઔર સારે જોક્સ ‘નોન-વેજ’ હૈ!’⬛mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...