તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમવૉચ:દમણ ગંગાના ઘોડાપૂરમાં 90 વર્ષો પૂર્વે મળેલી લાશનું રહસ્ય આજેય અકબંધ

એક મહિનો પહેલાલેખક: જયદેવ પટેલ
 • કૉપી લિંક
 • પોર્ટુગીઝની હકૂમતમાંથી આઝાદ થયેલા દમણની પોલીસે નવેસરથી તપાસ શરૂ કરતાં બીજા જ ખૂનનો પર્દાફાશ થયો

- ભૂતકાળની ભોંયમાં દટાઈગયેલી ખૂનની ઘટના

દેશમાં ક્યાંક ને ક્યાંક ખૂનના બનતા સંખ્યાબંધ ગુનાઓ પૈકીના કેટલાક ગુનાનો પર્દાફાશ ક્યારેય થઇ શકતો નથી. કોની હત્યા થઇ હતી અને કાતિલ કોણ હતા તેની ભાળ મેળવવાની દિશામાં પોલીસની સઘળી કવાયતનું પરિણામ શૂન્ય જ રહી જાય છે, ત્યારે આવા ગુનાની તપાસના કાગળો ઉપર આખરે ‘UNDETECT MURDER’નું લેબલ લગાવીને તેનું પોટલું અભરાઇ ઉપર ચડાવી દેવામાં આવે છે. આવા જ એક ગુનાની કથા અત્રે રજૂ કરી છે. આ ઘટનાને આજે 70-70 વર્ષોના વીતી ગયા છે. છતાં હત્યાનો ભોગ બનેલી યુવતીના નામઠામની કોઇ જ માહિતી મળી શકી નથી અને પોલીસ દફતરમાં તે ‘અનામિકા’ રહી ગઇ છે.

વર્ષ 1947ની 15 ઓગસ્ટની મધરાતે અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી ભારત આઝાદ થયું હતું. જોકે, ત્યારે દીવ, દમણ અને ગોવાની પ્રજા મુક્તિના શ્વાસ લેવામાંથી અલિપ્ત રહી ગઇ હતી. આ ત્રણેય પ્રદેશો ત્યારે પોર્ટુગીઝ સંસ્થાનના આધિપત્ય હેઠળ રહ્યા હતા. તે સમયગાળામાં દમણમાં એક અજ્ઞાત યુવતીની હત્યાની આ ઘટના બની ગઇ હતી. દમણ પ્રદેશમાં તે દિવસે વીજળીના કડાકા-ભડાકા, વાદળોના પ્રચંડ ગડગડાટના માહૌલ વચ્ચે મૂશળધાર વરસાદ વરસતો રહ્યો હતો. દમણ ગંગા નદીમાં ધસમસતા ઘોડાપૂર આવ્યા હતા. આખો દિવસ અવિરત ચાલુ રહેલો ઝંઝાવાતી વરસાદ મોડી રાત્રે હળવો બન્યો હતો. પરોઢના આગમન પૂર્વે વરસાદ થંભી ગયો હતો. સવારે ઉઘાડ નીકળ્યો ત્યારે દમણ ગંગા નદીના કાંઠા ઉપરના ગામલોકો ઘોડાપૂરનો મિજાજ નિહાળવા કિનારે એકઠાં થયાં હતાં.

આ વેળાએ નદીના પ્રવાહમાં દૂર-દૂરથી તણાઇ આવી રહેલી લાશ નિહાળીને ગામલોકો ચોંકી ઉઠ્યા હતા. કેટલાક સાહસિક યુવાનોએ નદીમાં ઝંપલાવીને લાશને બહાર કાઢીને કિનારા ઉપર લઇ આવ્યા હતા. 25થી 30 વર્ષની યુવતીની લાથ લથપથ સાડીમાં લપટાયેલી હતી. યુવતીના બંને હાથ તથા બંને પગ દોરડાથી બંધાયેલા હતા. જ્યારે પેટ તથા છાતીના ભાગે બાંધેલ દોરડાનું બંધન ઢીલું પડી ગયેલું જોઇને ગામલોકોએ અનુમાન કર્યું હતું કે, આ બદનસીબ યુવતીની હત્યા બાદ તેની છાતી તથા પેટના ભાગે વજનદાર પથ્થર મૂકીને તેને દોરડાથી બાંધીને પુરાવાનો નાશ કરવા લાશને નદીમાં પધરાવી દેવામાં આવી હતી. તોફાની પૂરના પ્રવાહમાં દોરડાનું બંધન ઢીલું પડી જતાં તેની સાથેનો પથ્થર નદીમાં ડૂબી ગયો હતો. જ્યારે યુવતીની લાશ પૂરના પ્રવાહમાં તણાતી-તણાતી આવી હતી. આ પછી ગામલોકોએ પોલીસ પટેલને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ પટેલે જરૂરી પંચનામાની વિધિ પતાવીને લાશને તત્કાલ સરકારી દવાખાનામાં રવાના કરી હતી. ભવિષ્યમાં કદાચ યુવતીની ઓળખ પ્રસ્થાપિત થઇ શકે તે આશયથી તેનાં કપડાં કબજે કર્યાં હતા.

દિવસો વીતી ગયા, મહિના વીતી ગયા. વર્ષો વીતી ગયા. ગામલોકો પણ આ ઘટનાને ભૂલી ગયા હતા. આ પછી તો ભારત સરકારે સીધી લશ્કરી કાર્યવાહી કરીને દીવ, દમણ અને ગોવાને પોર્ટુગીઝની હકૂમતમાંથી મુક્ત કરાવ્યા હતા. આ ત્રણેય પ્રદેશને કેન્દ્ર સરકાર હસ્તક મૂકીને કાયદો-વ્યવસ્થા તથા વહીવટી તંત્રની નવેસરથી વ્યવસ્થા કરવામાં આવી હતી. દમણમાં કાયદો-વ્યવસ્થા સંભાળનાર પોલીસ તંત્રે ત્યારે વણઉકેલાયેલા ગુનાની પુન: નવેસરથી તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ગુમ થયેલી વ્યક્તિઓની નોંધના પાનાંની ફેંદાફેંદ કરતાં આ પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. દરમિયાન એક બીજી યુવતીની પણ ગુમ થયાની નોંધ નજરે પડતાં તત્કાલીન પોલીસે કદાચ કંઇક સફળતા સાંપડશે, તેવી આશા સાથે તપાસ શરૂ કરી હતી. આ નોંધ મોરાર ઉર્ફે મોરીયા નામના માછીમારે નોંધાવી હતી. જેમાં તેની પત્ની મધુ ઘરકંકાસથી કંટાળીને ઘર છોડીને ક્યાંક ચાલી ગયાની નોંધ લખાવી હતી. આ જાહેરાત નોંધાવ્યા પછી માછીમાર તેની બૈરીની ભાળ મળી કે નહીં તેની તપાસ કરવા ક્યારેય પોલીસ મથકમાં ફરક્યો પણ નહોતો. આથી પોલીસ મોરારના ઘરે પહોંચી ગઇ હતી. જ્યાં દરવાજા ઉપર ખંભાતી તાળું લટકતું હતું. આથી પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ઘણાં વર્ષો પહેલાં મોરાર તેની પત્ની મધુને લઇને ઘરના દરવાજે તાળું મારીને તેના વતનમાં ચાલ્યો ગયો છે. ગામલોકો પાસેથી આ વાત જાણ્યા પછી પોલીસને પણ નવાઇ લાગી હતી. મોરાર તેની પત્ની મધુને સાથે લઇને વતનમાં ચાલ્યો ગયો હોય તો પછી શા માટે તેની પત્ની મધુ ઘર છોડીને ક્યાંક ચાલી ગઇ હોવાની નોંધ મોરારે પોલીસમાં કરાવી હતી. હવે દમણ ગંગા નદીના ઘોડાપૂરના પ્રવાહમાંથી અજાણી યુવતીની મળેલી લાશની ઓળખ મેળવવાની કામગીરીમાં પોલીસ માટે ‘મોરાર’ અને ‘મધુ’ એમ બે નામ નજર સમક્ષ આવ્યા હતા.

હવે મોરારના વતનની ભાળ મળી ગયા બાદ પોલીસ ટીમને તેના ગામ રવાના કરવામાં આવી હતી. મોરારના ઘરે પહોંચી ગયેલી પોલીસે બંધ બારણાં ખખડાવ્યા ત્યારે ખુદ મોરાર તેની સામે હાજર થયો હતો. મોરારની પાછળ ઊભેલી યુવતીને તેની પત્ની હોવાનું જણાવ્યું હતું. જો મોરારની પત્ની લક્ષ્મી હોય તો મધુ ક્યાં ગઇ? તે પ્રશ્નનો જવાબ મેળવવા પોલીસ માથું ખંજવાળવા લાગી હતી. આમ છતાં પોલીસ મોરાર તથા લક્ષ્મીને સાથે લઇને દમણ પાછી ફરી હતી. જ્યાં વર્ષોથી પોટલામાં પેક કરેલા કપડાં મોરારને બતાવાયા, ત્યારે આ કપડાં તેની પત્નીના હોવાનો પર્દાફાશ થયો હતો. દમણ ગંગા નદીના કાંઠા ઉપરના ગામમાં રહેતા માછીમાર મોરારનું પત્ની મધુ સાથેનું લગ્નજીવન શાંત પ્રવાહ સાથે પસાર થઇ રહ્યું હતું. આ દંપતીના ગૃહસંસારમાં ‘લક્ષ્મી’ નામધારી યુવતીનો પ્રવેશ થયો ત્યારે ઝંઝાવાત શરૂ થયો હતો. મોરારના દિલ-દિમાગ ઉપર લક્ષ્મીએ કબજો જમાવી દીધો હતો. હવે મધુથી કાયમી છુટકારો મેળવવા બંને શતરંજ બિછાવવા લાગ્યાં હતાં. આખરે એક દિવસ મધુનો ખેલ ખત્મ કરી નાખવાની ખતરનાક યોજના મોરારે ઘડી હતી. જેમાં મધુની તબિયત સારી રહેતી નહીં હોવાથી તેની સારવાર કરાવવા તે મધુને લઇને તેના વતનમાં જાય છે, તેવી પાડોશીઓને વાત કરી હતી. ત્યાર બાદ ઘરના દરવાજે તાળું લગાવીને બંને રવાના થયા હતા. મોરારે તેના ગામથી થોડેક દૂર આવેલા ગામમાં મકાન ભાડે રાખ્યું હતું. થોડાક દિવસો વીતી ગયા પછી તો મોરારની નવી પ્રેમિકા લક્ષ્મીએ પણ ઘરમાં વટભેર પ્રવેશ કર્યો હતો. આ પછી તો મધુ ઉપર સિતમ ગુજારવાનું બંનેએ શરૂ કર્યું હતું. એક દિવસ મધરાતના સૂમસામ માહૌલમાં બંનેએ મધુનું ગળું રહેંસી નાખીને તેને ભગવાનના ઘરે મોકલી દીધી હતી. આ પછી મધુની લાશને લારીમાં નાખીને ગામના સીમાડે આવેલા સ્મશાનમાં આવ્યા હતા. જ્યાં ઊંડો ખાડો ખોદીને મધુની લાશ દાટી દઇને બંને હવે ‘ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી!’ એમ વિચારીને ઘરે પાછાં ફર્યાં હતાં.

હવે મધુ નામનો કાંટો દૂર થઇ જતાં લક્ષ્મી અને મોરાર લીલાલહેર કરવા લાગ્યાં હતાં. આમ છતાં મોરારના મનમાં અચાનક એક સવાલ સળવળ્યો ત્યારે તે મુંઝાઇ ગયો હતો. પ્રસંગોપાત જો કદાચ ભવિષ્યમાં દમણ ગંગા નદીના કાંઠા ઉપરના તેને જુના ગામ જવાનું થાય ત્યારે ‘મધુ ક્યાં ગઇ?’ તેનો પાડોશી પ્રશ્ન પૂછશે તો શું જવાબ આપવો તેનો રસ્તો પણ મોરારે માથાપચ્ચી બાદ શોધી કાઢ્યો હતો. એક દિવસ મોરાર 70 વર્ષો પૂર્વે દમણ ગંગાના કાંઠાના ગામે પાછો આવ્યો હતો. જ્યાં તેણે પોલીસ પટેલ સમક્ષ તેની પત્ની મધુ ઘરકંકાસથી રીસાઇને ઘર છોડીને ક્યાંક ચાલી ગઇ હોવાની નોંધ કરાવી હતી. દમણ પોલીસ નદીના ઘોડાપૂરમાં તણાઇ આવેલી યુવતીની લાશની ઓળખ મેળવવાની હાથ ધરેલી કવાયતનું પરિણામ આજેય શૂન્ય જ રહ્યું છે. આ અભાગી-કમનસીબ યુવતી કોણ હતી? તેનો અતીત શું હતો? આ સવાલોના જવાબ ભોંયમાં દટાઇ ગયા છે. આ યુવતી પોલીસ માટે ‘અનામિકા’ બની ગઇ છે! જ્યારે બીજી બાજુ પોલીસ ટીમ મોરાર અને લક્ષ્મીને સાથે લઈને સ્મશાનમાં ગઈ હતી. જ્યાં નજીકમાં ખાડામાં દાટી દીધેલી મધુની લાશનું હાડપિંજર કબજે કર્યું હતું. ત્યારબાદ મોરાર અને લક્ષ્મીની ખૂન તથા પુરાવાનો નાશ કરવાના ગુના બદલ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો