તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક એન્ડ વ્હાઈટ:રાક્ષસો આને કહેવાય!

આશુ પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણા સમાજમાં દીકરીને દીકરાથી ઊતરતી કક્ષાની ગણવાની વિકૃતિનો અંત આવવો જ જોઈએ

થોડા દિવસ અગાઉ એક આઘાતજનક સમાચાર આવ્યા કે મુંબઈના એક જજની દીકરીનાં સાસરિયાએ તેને ઘરમાંથી કાઢી મૂકી. તેનો વાંક એ હતો કે નવ-નવ વખત ગર્ભ ધારણ કર્યા પછી પણ તેણે દીકરાને જન્મ આપ્યો નહીં! તેને ઘરમાંથી કાઢી મૂકતાં અગાઉ 14 વર્ષ સુધી તેના ઉપર માનસિક અને શારીરિક જુલમ ગુજારાયો. તે જજ પિતાએ 2007માં પોતાની દીકરીનાં લગ્ન મુંબઈના દાદર વિસ્તારના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં કરાવ્યાં હતાં. અને દીકરીનાં લગ્ન વખતે તેમણે 62 તોલા સોનાનાં ઘરેણાં આપ્યાં હતાં. તે જજની દીકરીના એકાઉન્ટમાં 34 લાખ રૂપિયા હતા. પતિ અને સાસુએ તેના એકાઉન્ટમાં પોતાનાં નામ જોડીને એ જોઈન્ટ એકાઉન્ટમાંથી 34 લાખ રૂપિયાની રકમ પોતાનાં ખાતાંમાં ટ્રાન્સફર કરી દીધી હતી. લગ્નનાં બે વર્ષ પછી તે યુવતીએ દીકરીને જન્મ આપ્યો, એ પછી તેનાં સાસરિયાએ તેને બેરહેમીથી ફટકારી હતી કે આ કરોડો રૂપિયાની સંપત્તિ સાચવવા માટે અમારે વંશનો વારસ જોઈએ. તેને અવારનવાર મારવામાં આવતી હતી. એ પછી તે આઠ વખત ગર્ભવતી થઈ અને આઠેય વખત તેનો પતિ તેને ગર્ભમાં દીકરી છે કે દીકરો એની ચકાસણી કરાવવા માટે બેંગકોક લઈ ગયો હતો. અને દરેક વખતે ગર્ભમાં દીકરી છે એવી ખબર પડી એટલે આઠે-આઠ વખત તેને ગર્ભપાત કરાવવાની ફરજ પડાઈ હતી. તે યુવતી ગર્ભ ધારણ કરે એ અગાઉ તેનો પતિ ઘણી સારવાર કરાવતો હતો. એ માટે તે યુવતીને દોઢ હજારથી વધુ હોર્મોનલ અને સ્ટેરોઈડના ઈન્જેક્શન્સ અપાયાં હતાં! અને આઠ-આઠ વખત ગર્ભપાત કરાવ્યા પછી તે યુવતીને તેનાં સાસરિયાએ ઘરમાંથી તગેડી મૂકી. તે યુવતીનો પતિ અને સાસુ, સસરા ત્રણેય વકીલ છે, નણંદ ડોક્ટર છે. આટલાં સોકોલ્ડ ઉચ્ચ શિક્ષિત કુટુંબમાં આવી ઘટના બની શકતી હોય તો કલ્પના કરો કે ઘણાં અભણ અને જડ લોકો શું નહીં કરતા હોય? 11 ઓક્ટોબર, 2020ના દિવસે મધ્યપ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. મધ્યપ્રદેશના દામોહ જિલ્લાના પડાઝીલ ગામની સુખરાની અહિરવાર નામની 45 વર્ષીય મહિલાએ દીકરાને જન્મ આપ્યો એ પછી તે મૃત્યુ પામી હતી. તેનાં નવજાત શિશુનું પણ મૃત્યુ થઈ ગયું હતું. નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતી સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ કલ્લોબાઈ વિશ્વકર્માએ આ વાત મીડિયા સુધી પહોંચાડી હતી અને એ પછી ડિસ્ટ્રિક્ટ ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર સંગીતા ત્રિવેદીએ પણ એ સમાચાર કન્ફર્મ કર્યા હતા. બાળકને જન્મ આપતી વખતે માતા મુત્યુ પામે એવી ઘટનાઓ તો આપણા દેશમાં ઘણી બનતી રહે છે. પ્રસૂતિ દરમિયાન જનેતા મુત્યુ પામે એ મૃત્યુદર આપણે ત્યાં ઘણો ઊંચો છે, પણ સુખરાનીના કિસ્સામાં જે બન્યું હતું એ જાણીને કોઈ પણ સમજુ વ્યક્તિને કમકમાટી આવી જશે. સુખરાનીની એ સોળમી પ્રસૂતિ હતી! એ અગાઉ તેણે પંદર બાળકોને જન્મ આપ્યો હતો! અને એમાંથી સાત બાળકો તો મુત્યુ પામ્યાં હતાં. સુખરાની તો પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામી, બાકી દીકરાની ઝંખના રાખતા ઘણા પુરુષો કે સાસરિયાં વહુ દીકરાને બદલે દીકરીને જન્મ આપે ત્યારે તેને મારી નાખતાં પણ અચકાતાં નથી! નોઇડાની ચંચલ ભાટી નામની એક 26 વર્ષીય યુવતીએ બીજી દીકરીને જન્મ આપવાનું ‘ઘોર પાપ’ કર્યું. એ માટે તેના પતિ અમિત ભાટીએ તેને મારી નાખી હતી! ચંચલની મોટી દીકરી 6 વર્ષની હતી અને નાની દીકરી નવ મહિનાની હતી. તેણે બીજી દીકરીને જન્મ આપ્યો પછી સતત તેને મહેણાંટોણાં મારવામાં આવતાં હતાં. તેને શારીરિક રીતે પણ ટોર્ચર કરાતી હતી. ઘરમાં તેનો પતિ અને તેનાં સાસુ-સસરા પણ તેને મન ફાવે તેમ મારતાં હતાં અને છેવટે તેના પતિ અને સાસુ-સસરાએ 23 ઓક્ટોબર, 2018ના દિવસે તેને મારી નાખી હતી. હરિયાણાના પારવાલમાં રહેતા ચંચલનાં પિતા વિનોદકુમારને કોઈ સગાએ કોલ કર્યો કે તમારી દીકરી આજે સવારે અચાનક મૃત્યુ પામી છે અને તેનાં સાસરિયાં તેની અંતિમવિધિની તૈયારી કરી રહ્યાં છે. વિનોદકુમારને આઘાત લાગ્યો કે કારણ કે તેમની દીકરી મુત્યુ પામી એ વિશે તેમને જાણ પણ નહોતી કરી. તેઓ તરત નોઇડા ધસી ગયા. તેમણે રસ્તામાંથી પોલીસને જાણ કરી જેથી પોલીસ અંતિમવિધિ અટકાવી શકે. પોલીસની ટીમ સ્મશાનમાં પહોંચી અને તેણે પૂછપરછ કરી ત્યારે ચંચલના પતિ અને તેનાં સાસુ-સસરાએ વિરોધાભાસી વાતો કરી એટલે પોલીસને શંકા પાક્કી થઈ અને પોલીસે તેમની ધરપકડ કરી હતી. એ અગાઉ ચંચલે નરક જેવી જિંદગી જીવવી પડી હતી. તેની બહેન સંગીતાએ પોલીસને કહ્યું હતું કે તેને નોકરાણી જેવાં કપડાં પહેરવા માટે અપાતાં હતાં અને પૂરતું ખાવાનું અપાતું નહોતું. તેનાં સાસરિયાંએ બીજી દીકરીને જન્મ આપવાની સજારૂપે તેના પિતા પાસે પાંચ લાખ રૂપિયા અને કાર પણ માગ્યાં હતાં! ચંચલે તેની બહેન સંગીતાને આ બધી વાત કરી હતી, પણ તેણે તેને કહ્યું હતું કે આ વાત ઘરમાં ન કરતી, નહીં તો મમ્મી-પપ્પાને દુઃખ થશે. તેને ખબર હતી કે તેનાં પપ્પા પાંચ લાખ રૂપિયા અને કાર આપી શકે એમ નહોતાં. આપણો દંભી સમાજ નારીને દેવી ગણે છે, સ્ત્રીઓની પ્રશંશા કરે છે, પણ આ બધી માત્ર પોકળ વાતો છે. વાસ્તવમાં આપણા સમાજના મોટાભાગનાં લોકો દીકરાઓ અને દીકરીઓ વચ્ચે તફાવત ગણે છે અને આ મુદ્દે સાસરિયાં તો પછી અન્યાય કરે છે, પણ દીકરી જન્મે ત્યારે જાણે આભ ફાટી પડ્યું હોય, ધરતી રસાતાળ થઈ ગઈ હોય, સૂરજ પશ્ચિમમાં ઊગ્યો હોય કે મેરામણે માઝા મૂકી દીધી હોય એવી પ્રતિક્રિયા આપતો બાપ, દાદો કે દાદી તાજી જન્મેલી દીકરીની સાથે અન્યાયની શરૂઆત કરે છે. આ આપણા સમાજની વિકૃતિ છે. દીકરીને દીકરાથી ઊતરતી કક્ષાની ગણવાની આ વિકૃતિનો અંત આવે એ જરૂરી છે. તો જ દીકરીને જન્મ આપવાની સજારૂપે પત્નીને મારી નાખવાના કે ઘરમાંથી તગેડી મૂકવાની ઘટનાઓ બંધ થશે.{

અન્ય સમાચારો પણ છે...