તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગોચર પડછાયા:હવેલી તો એની એ જ હતી, પણ એ દૃશ્ય વર્ષો પહેલાંનું હતું

જગદીશ મેકવાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘તુંબાડ’ ફિલ્મ જોઈને મંથનનું દિમાગ ભમી ગયું. ગામડામાં એવી જ તો એક હવેલી હતી એના પૂર્વજોની. હવેલી અને એની આસપાસ ફેલાયેલાં એના પૂર્વજોનાં ખેતરો. આમ તો એ તરફ જમીનનો કંઈ ખાસ ભાવ ન હતો. છતાંય બે-પાંચ કરોડ તો આવે, પણ કાકા સાથેની બબાલ અને કોર્ટ કેસને કારણે સાવ જ વીરાન પડી હતી એ મિલકત. પૂર્વજોના ખાનદાની ઝઘડાઓ લોહિયાળ હતા. પેઢી દર પેઢી પડ્યાં કરતી લાશોનો તો કોઈ હિસાબ જ ન હતો, પણ મંથનના કાકા અલગ માટીના બનેલા હતા. એ કોર્ટમાં સમાધાન અને બંને કુટુંબ વચ્ચે શાંતિ ઈચ્છતા હતા. પણ મંથન બદમાશ હતો. પોતાના પૂર્વજોના ચીલે ચાલીને મંથને એના કાકાનો નિકાલ કરી દીધો અને કાકાના છોકરાને તથા કાકીને પણ યમસદને પહોંચાડવાની યોજના ઘડી કાઢી. ‘તુંબાડ’ ફિલ્મમાં જે ખજાનાની વાત હતી, એણે મંથનને એવું વિચારવા પર મજબૂર કરી દીધો કે શું એ હવેલીમાં પણ એવો કોઈ ખજાનો હશે ખરો? જો એના પૂર્વજો એ જમાનામાં આવડી મોટી હવેલી બાંધી શક્યા, તો એમની પાસે નાણાં, ઘરેણાં પણ મોટાં પ્રમાણમાં હશે જ ને? તો એ બધું ગયું ક્યાં? એ બધું હજી પણ એ હવેલીમાં જ ક્યાંક ધરબાયેલું હશે? મંથન જો છાનામાનો એ ખજાનો શોધી કાઢે તો એમાં એણે કાકાના કુટુંબને ભાગ ના આપવો પડે, પણ અહીં ‘તુંબાડ’ જેવી કોઈ ભૂતિયાં ડોશી તો હતી નહીં, જે એને ખજાનો ક્યાં છુપાયેલો છે એ જણાવે. હવે? કરવું શું? બે દિવસ મૂરખની જેમ હવેલીમાં આમ-તેમ ફાંફાં માર્યાં પછી એને ખાતરી થઈ ગઈ કે ‘તુંબાડ’ ફિલ્મની ભૂતિયાં ડોશી જેવો પૂર્વજ નહીં મળે તો ખજાનાવાળી વાત ભૂલી જવી પડશે, પણ એવો પૂર્વજ લાવવો ક્યાંથી? ખજાનાની જાણકારી હોય એવા વડીલો તો વર્ષો પહેલાં જ એકબીજાનાં ગળા કાપીને ઉપર પહોંચી ચૂક્યાં હતાં. ઘણું વિચાર્યા પછી એના દિમાગમાં આ સમસ્યાનો એક ઉકેલ ઝબક્યો. ગૂગલ. એણે ગૂગલ પર ટાઈપ કર્યું– How to call a ghost? જવાબમાં એને ભૂતનો સંપર્ક કરવાની અમુક ભેદી રીતો મળી. એમાંની એક રીત એને ગમી. આયના દ્વારા ભૂત બોલાવવાની. એ એક મોટો આદમકદનો આયનો ખરીદી લાવ્યો. એને હવેલીમાં ગોઠવ્યો. રાતના બાર વાગ્યા એટલે એણે એ આયના સામે સાત મીણબત્તીઓ સળગાવી. એ બરાબર આયના સામે બેઠો અને પોતાની આંગળી ઉપર છરીથી નાનો ચીરો કરીને એક મીણબત્તી ઉપર લોહીનાં ટીપાં પાડીને બોલવાનું શરૂ કર્યું, ‘સમ હોલી સ્પિરિટ શુડ કમ... સમ હોલી સ્પિરિટ શુડ કમ...’ લગભગ દસેક મિનિટ સુધી તેણે આ વાક્ય ઉચ્ચાર્યું, પણ કંઈ ના થયું. એટલે એણે વાક્ય બદલ્યું, ‘સમ ઘૂલ શુડ કમ...સમ ઘૂલ શુડ કમ...’ અને...એકદમ જ હવામાં ઠંડક પ્રસરી ગઈ. એક પછી એક બધી જ મીણબત્તીઓ હોલવાઈ ગઈ. ઘોર અંધારું છવાઈ ગયું. મંથન ફફડી ગયો. અચાનક ધડાકો થયો હોય એવો અવાજ આવ્યો અને આયનો પ્રકાશથી ઝળહળી ઊઠ્યો. મંથનની આંખો અંજાઈ ગઈ. થોડી વાર પછી એ પ્રકાશ સામાન્ય થયો અને મંથનની આંખો પણ ટેવાઈ. મંથને આયનામાં જોયું તો જાણે કે એ હવેલીનો દરવાજો ખૂલી ગયો હોય એવું દૃશ્ય નજરે પડ્યું. હવેલી તો એની એ જ હતી, પણ એ દૃશ્ય વર્ષો પહેલાંનું હતું. જાણે કે મંથને સમયનો દરવાજો ખોલી નાખ્યો હોય! જાણે કે મંથન કોઈ ટાઈમ મશીનની મદદથી ભૂતકાળમાં પહોંચી ગયો હોય! મંથને અંદર જવા માટે પગ ઊપાડ્યો, પણ આ શું? અંદર તો એના કાકા ઊભા હતા. એ કાકા, જેની હત્યા મંથને જાતે કરી હતી. કાકાને સામે ઊભેલા જોઈને મંથનના મોતિયા મરી ગયા. એને થયું કે હવે એ મર્યો! પણ કાકાના ચહેરા પર તો સ્મિત હતું. કાકાનું પ્રેત બોલ્યું, ‘ગભરાઈશ નહીં મંથન. જે ખજાનો તું શોધે છે, એ ભોંયરામાં છે. હું જાતે તને ત્યાં સુધી જવાનો રસ્તો બતાવીશ.’ પણ મંથને આગળ વધવા પગ ના ઊપાડ્યો. કાકાનું પ્રેત બોલ્યું, ‘માણસ જ્યાં સુધી જીવતો હોય છે ત્યાં સુધી જ એને મોહ હોય છે ધનદોલતનો. આ જોઇ લે મને...શું છે મારી પાસે? મારા બંને હાથ ખાલી છે. ખાનદાની દુશ્મનીથી મને શું મળ્યું? મારો આત્મા ભટકી રહ્યો છે. મને મુક્તિ કેમ નથી મળતી?’ અવાજમાં દર્દ સાથે મંથનના કાકાએ વાત આગળ ધપાવી, ‘કેમ કે, મારો આત્મા હજી બંધનમાંથી મુક્ત નથી થઈ શક્યો. મને ચિંતા છે મારા દીકરાની અને પત્નીની. હું જાણું છું કે તું એ બંનેને મારી નાખવાની યોજના ઘડી ચૂક્યો છે.’ કાકાના પ્રેતની વાત સાંભળીને મંથનના ટાંટિયા ઢીલા થઈ ગયા. તેણે ભાગવા માટે પગ ઊપાડ્યો, પણ તેના પગ તો જાણે જમીન સાથે ચોંટી ગયા હોય એમ એના સ્થાનેથી ટસના મસ ના થયા. એ બીકનો માર્યો રડી પડ્યો. એના કાકાનું પ્રેત સહાનુભૂતિથી બોલ્યું, ‘મારાથી બીશ નહીં. હું તને ખજાના સુધી પહોંચાડી દઈશ, પણ બદલામાં મારે તારી પાસેથી ફક્ત એક વચન જોઈએ છે. તારે બધી જ દુશ્મનાવટ ભૂલી જવાની. આ હવેલીમાંનો પૂરો ખજાનો તારો, પણ ખજાનામાં તને એક જૂની, નકામી, ગંદી કાચની બાટલી મળશે. ફક્ત એ બાટલી તારે મારા દીકરાને આપી દેવાની. બોલ, છે મંજૂર?’ ‘મંજૂર.’ મંથને જવાબ આપ્યો. ⬛ ⬛ ⬛ સતત અઠવાડિયા સુધી મહેનત કરીને મંથને પૂરો ખજાનો, બાટલી સહિત ઘરભેગો કર્યો અને પછી તક જોઈને કાકી અને એમના દીકરાને મારી નાખ્યાં. ⬛ ⬛ ⬛ પછી એ ખજાનામાંથી મળેલી બાટલી લઈને એનું નિરીક્ષણ કરવા બેઠો. દેખાવમાં એ એક સામાન્ય બાટલી હતી. મંથને બાટલી ખોલી. જેવી બાટલી ખૂલી કે તરત જ દાઝી જવાય એટલી ગરમ થઈ ગઈ. મંથને ગભરાઈને બાટલી છોડી દીધી. જમીન ઉપર પટકાતાં જ બાટલી ફૂટી. એમાંથી એક ઝંડ પ્રગટ થયો અને મંથન કંઈ સમજે-વિચારે એ પહેલાં તો એને રહેંસી નાખ્યો. ⬛ ⬛ ⬛ ‘તમે ઝંડવાળી એ ખતરનાક બાટલી તમારા દીકરાને કેમ આપવા માગતા હતા?’ મંથનના પ્રેતે એના કાકાના પ્રેતને સવાલ કર્યો. ‘કેમ કે, હું તને ઓળખું છું બદમાશ. મને ખબર જ હતી કે તું મારા પરિવારની પણ હત્યા કરીશ અને એ બાટલી પણ ખોલીશ.’ મંથનના કાકાના પ્રેતે એની હાંસી ઊડાવતાં કહ્યું, ‘મને મુક્તિ ન મળી એનું કારણ કંઈ એ ન હતું કે હું મારી પત્ની અને મારા દીકરાનો મોહ ત્યજી ના શક્યો, પણ એનું કારણ એ હતું કે મારે બદલો લેવાનો બાકી હતો. હું જીવતે જીવ બદલો ના લઈ શક્યો તો શું થયું? મૃત્યુ પછી મેં બદલો લઈ લીધો.’ આ વાત સાંભળતા જ મંથનના પ્રેતે ગુસ્સે ભરાઈને કાકાના પ્રેત ઉપર હુમલો કર્યો, પણ એના કાકાનું પ્રેત તો હવા બનીને ઊડી ગયું અને છોડી ગયું મંથનના પ્રેતને વેરની આગમાં બળવા માટે.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...