ટેક ઓફ:ગાંડો સૂરજ અગ્નિ ઓક્યા કરે...

એક વર્ષ પહેલાલેખક: શિશિર રામાવત
  • કૉપી લિંક
  • ‘હું હવે મૃત્યુની ભાષા સુધી પહોંચવા ઇચ્છું છું, કવિતાની ભાષા થકી, સ્મૃતિની ભાષા થકી.’

ફાયનલી... મનીષા જોષીનો નવો કાવ્યસંગ્રહ આવ્યો ખરો! મનીષા આપણી ભાષાનાં એક એવાં ઉત્તમ કવયિત્રી છે, જે કેવળ અછાંદસ કવિતાઓ લખે છે. ગીત-ગઝલથી તેઓ જોજનો દૂર રહ્યાં છે. હકડેઠઠ મુશાયરાઓમાં ભાગ લઈ સભારંજન કરવું ને તાળીઓના ગગડાટથી હરખાઈને પુષ્ટ થતાં જવું – આ ન તો મનીષાની તાસીર છે, ન એમનાં કાવ્યોની. મનીષાની કવિતાઓ ઇમાનદાર હોય છે, બહારથી શાંત પણ ભીતરથી વિસ્ફોટક હોય છે, લગભગ કન્ફેનશલ પોએટ્રીની પરિસીમામાં આકાર લેતી હોય એટલી તે અંગત હોય છે. એમની રચનાઓમાંથી પસાર થતાં લાગે કે આ શબ્દો કવયિત્રીના માંહ્યલામાં ઘૂંધવાઈને, વલોવાઈને, તરફડીને ક્યારેક ધીમે ધીમે તો ક્યારેક ધક્કા સાથે સપાટી પર આવ્યા છે. મનીષા સમકાલીન ગુજરાતી કવિતાનો એક સશક્ત અવાજ છે. તેમનું પ્રત્યેક પુસ્તક પ્રગટ થવું એક ઘટના બની જાય છે, કેમ કે તેઓ ખૂબ ઓછું, પણ ખૂબ મહત્ત્વનું લખે છે. એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કંદરા’ ચોવીસ વર્ષ પહેલાં આવ્યો હતો – 1996માં. બીજો સંગ્રહ ‘કંસારા બજાર’ 2001માં આવ્યો. ત્યાર બાદ છેક તેર વર્ષે ત્રીજો સંગ્રહ ‘કંદમૂળ’ (2014) આવ્યો. હવે બીજાં છ વર્ષે ચોથો સંગ્રહ પ્રગટ થયો, જેનું શીર્ષક છે, ‘થાક’. આ જ શીર્ષકવાળી કવિતાનો પ્રારંભ મનીષા આ રીતે કરે છે. અહીં થાકની ચિત્રાત્મક તુલના કોની સાથે થઈ છે તે પણ જુઓઃ

થાક ઉત્તરાર્ધનો થાક પૂર્વાર્ધનો અને થાક મધ્યનો તો ખરો જ. બહારગામ જતી વેળા ઘરની કોઈક ખૂલી રહી ગયેલી બારીમાંથી ઘરમાં પ્રવેશી ગયેલી કોઈ નોંધારી બિલાડીની જેમ થાક ઘર કરી જાય છે શરીરમાં. ‘થાક, કવિતાનો’ શીર્ષકધારી કાવ્યના ઉત્તરાર્ધમાં મનીષા લખે છે- થાક, થાક, અથાક થાક ગાંડો સૂરજ અગ્નિ ઓક્યા કરે પીળા ઘાસનું મેદાન સળગ્યા કરે પીળા દાંત ઘસાતા રહે કાગળ પર અક્ષરો ઊપસતા રહે, થાકેલા અને અર્થ, કોઈ રાજાએ શિકાર કરીને દીવાલ પર શણગારેલા વાઘના ખાલી શરીરમાં ભરેલા ઘાસ જેવા ડોકિયું કરે વાઘના નિર્જન, વિકરાળ દાંતમાંથી.

આવા થાકની વાત કરતાં મનીષા જોષી જ્યારે ‘સ્વૈરવિહાર’ જેવી આવેગપૂર્ણ કવિતા લખે ત્યારે આશ્ચર્ય થાય, ચમકી જવાય. વાંચોઃ એક પાગલ હાથીની પીઠ પર સવાર થઈને ચાલી નીકળી છું હું, મુક્ત, સ્વૈરવિહાર માટે. અમે કચડી નાખીએ છીએ માર્ગમાં આવતાં વૃક્ષોને ધ્વસ્ત કરી દઈએ છીએ પક્ષીઓના માળા ને ખિલકોલીઓના દરોને. એ ફંગોળે છે મને પણ, એની સૂંઢમાં લઈને પણ પછી ફરી મૂકી દે છે પોતાની પીઠ પર. હું આળોટતી રહું છું, એની પીઠ પર વનના ઘેરા અંઘકાર પર પ્રસરી વળતી ઉન્માદી ચાંદનીમાં. અમે કરીએ છીએ અટ્ટહાસ્ય વનની નીરવતામાં પછી આક્રંદ, ને ફરી ઉન્માદ, ને ફરી કલ્પાંત. અમે ફરી વળીએ છીએ વન આખામાં છૂંદી નાખીએ છીએ પશુ-પંખીઓને ને ખાલી કરી દઈએ છીએ વનના સરોવરોને. સૂંઢ ભરીને પાણીની છોળો ઉડાડતાં અમે સહસ્નાન કરીએ છીએ વનના એકાંતમાં. હાથીનું ગાંડપણ વેંઢારી રહ્યું છે વન ને પીઠ પર સદ્યસ્નાતાનો ભાર લઈને જીવી રહ્યો છે એક પાગલ હાથી. એક વન ધ્વસ્ત કરીને હવે શોધી રહ્યો છે બીજું વન.

મનીષાની રચનામાં ક્યારેક છળી ઉઠાય એવી હિંસા ભભૂકી જાય છે. જેમ કે, પોતાની નિદ્રા એમને વનમાં જીવતાં દટાઈ ગયેલાં મૃત પ્રાણીઓનાં શરીર સમી અતૃપ્ત લાગે છે. એમની કવિતામાં ક્યાંક સાપ પર્વતની ઊંચી ધાર પરથી કૂદીને સામૂહિક આત્મહત્યા કરે છે, તો ક્યાંક દરિયાકિનારે પેંગ્વિનની લાશો પડી છે ને ખડકોની બખોલમાં છૂપાયેલાં પેંગ્વિનનાં અનાથ બચ્ચાં ખુલ્લા પડેલાં મૃત્યુને તો ક્યારેક પેલિકન પક્ષીઓના અસ્ખલિત સંવનને જોયા કરે છે. ‘સૃષ્ટિ’ કાવ્યમાં તો મનીષાએ કયામતનું, બહ્માંડના સર્વનાશનું ચિત્ર દોર્યું છે. ધ્યાનાકર્ષક વાત એ છે કે આ બધું વ્યક્ત કરતી વખતે મનીષા પોતાની લાક્ષાણિક નિર્લેપતા સતત જાળવી રાખે છે. કોઈકના અજાણ્યા ઘરની તસવીરો જોયા બાદ મનીષા મનમાં એકાએક આવાં સ્પંદન જાગે છે ઃ મને થાય છે કે, કોઈ એક બપોરે જ્યારે એ ઘરના લોકો બહાર ગયા હોય ત્યારે હું ત્યાં જઉં. ઘરની બહાર કશેક મૂકેલી હશે ચાવી. હું એ ઘર ખોલું ખૂણામાં પડેલી પેલી સાવરણીથી કચરો વાળું પછી રસોડામાં જઈને, મારા માટે એક કપ ચા બનાવું અને પછી પેલા પલંગ પર જઈને બેસું. જેમને હું બિલકુલ નથી ઓળખતી એવા એ લોકોના આનંદ-વિષાદથી પર હું જોઈ રહું એ ઘરનું રાચરચીલું. હું જોઈ રહું, ધારી ધારીને, મૃત વડીલની તસવીરને. હું જોઈ રહું એકીટશે, એ પ્લાસ્ટિકનાં ફૂલોને. મને જોઈએ છે એક એવી બપોર એક એવા ઘરમાં જ્યાં માત્ર હું હોઉં અને મારું મારું કંઈ જ ન હોય.

ઘરની ખૂલી રહી ગયેલી બારીમાંથી પ્રવેશી ગયેલી પેલી નોંધારી બિલાડી અને કોઈકના અજાણ્યા ઘરમાં પ્રવેશેલી મનીષામાં શું સામ્ય છે? કદાચ બન્ને કોઈક અકળ રીતે સેન્સ-ઓફ-બિલોન્ગિંગ ઝંખે છે, કદાચ બન્ને તદ્દન અજાણ્યા પરિવેશમાં આત્મીયતાની અનુભૂતિ કરવા માગે છે. મનીષાની આ ઝંખના કદાચ સમજી શકાય છે. તેઓ કચ્છમાં જન્મ્યાં, વડોદરામાં ભણ્યાં ને પછી મુંબઇ, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ થઈને આખરે અમેરિકા જઈને વસ્યાં. ‘થાક’ સંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે, ‘મને લાગે છે કે મારા પ્રથમ કાવ્ય સંગ્રહ ‘કંદરા’ની કવિતાઓમાં મુગ્ધતા અને સમષ્ટિની ભયાવહતા છે, તો દ્વિતીય સંગ્રહ ‘કંસારા બજાર’ની કવિતાઓમાં વાસ્તવિકતા અને સ્વીકાર્ય સ્તરની પાછળ રહેલી પ્રતીકાત્મકતા છે. તૃતીય સંગ્રહ ‘કંદમૂળ’માં પોતાના મૂળ અને આત્મીય સુધી પહોંચવાની મથામણ છે. હવે ‘થાક’ સંગહમાં સ્મૃતિ અને કલ્પના વચ્ચે ચાલતા દ્વંદ્વની લાગણી મુખ્ય છે.’

મનીષા જોષીની કવિતાઓ પર શરૂઆતથી જ ડાર્ક રંગોનો ઓછાયો રહ્યો છે. એમની રચનાઓમાં પ્રાણીઓ, જીવ-જંતુઓના સંદર્ભો સતત આવતા રહે છે. સંભવતઃ હાથી મનીષાનું સૌથી વધારે આકર્ષતું પ્રાણી છે! પોતાની ઊંઘ તેમને શોકગ્રસ્ત હાથીઓ માટેના એકમાત્ર આશ્રયસ્થાન જેવી લાગે છે. મનીષાની કવિતામાં ભૂખ્યા સિંહના પંજામાં, સુકાઈ રહેલા કોઈ સરોવરના તળમાં યા તો તરસ્યા હાથીએ લંબાવેલી સૂંઢમાં સમય સમાઈ જાય છે. કદાચ સ્મૃતિ પણ! મનીષા લખે છે, ‘આપણી સ્મૃતિમાં એવું પણ ઘણું બધું હોય છે જે વાસ્તવમાં ક્યારેય બન્યું જ ન હોય. હવે એવું અનુભવાય છે કે સમય જ જાણે અતીત હોય અને હું જિવાતા જીવનને જીવવાને બદલે માત્ર દૂરથી જોઈ રહી હોઉં.’ ‘થાક’ સંગ્રહની અમુક કવિતાઓના અંતે મનીષાએ કૌંસમાં તે કૃતિને ટ્રિગર કરતી જગ્યા કે વ્યક્તિ વિશે મજાની ટૂંકી નોંધ મૂકી છે. મૃત્યુ માટે, ગુજરાતી ભાષા માટે અને કવિ સિતાંશુ યશશ્ચંદ્ર માટે રચાયેલી અંતિમ રચના ‘પાલર પાણી’માં મનીષા લખે છે ઃ

હાથી હવે પગ ઊગામશે સિંહ હવે મોઢું ખોલશે મૃત્યુ નજીક આવી રહ્યું છે નજીક, વધુ નજીક.

​​​​​​​ હજુ જેમણે આયુષ્યનાં પચાસ વર્ષ પણ પૂરાં કર્યાં નથી એવાં મનીષા જોષી કહે છે, ‘હું હવે મૃત્યુની ભાષા સુધી પહોંચવા ઇચ્છું છું, કવિતાની ભાષા થકી, સ્મૃતિની ભાષા થકી.’ મૃત્યુની ભાષા સુધી પહોંચતા પહેલાં હજુ તમારે જીવનના ઘણાં આવર્તનોમાંથી પસાર થવાનું બાકી છે, મનીષા. ઘણા કાવ્યસંગ્રહો આપવાનું પણ બાકી છે... અને નેક્સ્ટ સંગ્રહ જરા જલદી, હં. shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...