આમ જોવા જઈએ તો સ્વામી આનંદને કોણ નથી જાણતું? ને જો પૂછવા બેસીએ તો સ્વામી આનંદને નહીં જાણનારાં જ વધારે મળે છે. નવી પેઢી એમના ચરિત્ર નિબંધો વાંચે તો ન્યાલ થઈ જાય! ખરા અર્થમાં સાધુ-સંન્યાસી હતા સ્વામી આનંદ! એમના નિબંધો વાંચનાર એમને કદી નહીં ભૂલી શકે એ તો ખરું જ, પણ સ્વામીના ગદ્યનો પ્રભાવ લેખકોનેય વિચારતા કરી દે એવો! કર્મઠ, સમર્થ, સંઘર્ષ કરવા ને વેઠવા જન્મેલાં કેવાં-કેવાં મનેખનું ચિત્રણ વાચકને અવાચક કરી દે છે! ‘મોનજી રુદર’ વાંચતાં ડૂમો બાઝી જાય ને ‘ધનીમા’નું ચિત્રણ આપણને કદી ન વિસરાય! સ્વામી સાદગી અને જાતમહેનતમાં જીવનારા, પણ ઉત્તમથી ઓછું એમણે કદી સ્વીકાર્યું નથી. માગ્યું તો કદી નહીં! પોતે જ પોતાના ઘડવૈયા-લડવૈયા અને પાલક-પોષક પણ પોતે જ! એમનું પૂર્વાશ્રમનું નામ હિમ્મતલાલ રામચંદ્ર દવે. જન્મ : 8-9-1887. શિયાણી ગામ (વઢવાણ). પરિવાર મુંબઈ હતો. ત્યાં ગીર ગામમાં પ્રાથમિક શિક્ષણ લેતા હતા. વહેલાં લગ્નના વિરોધમાં હતા. લગ્ન તો પછી પણ કદી વિચાર્યું જ નહીં! એમની દુનિયા જ બદલાઈ ગઈ. 1897માં અજાણ્યા સાધુએ ભગવાન દેખાડવાની લાલચ આપી, તે એની સાથે નીકળી ગયા. બે-ત્રણ વર્ષ સાધુઓની વચ્ચે રખડ્યા, ઠોકરો ખાધી, પણ જિદ્દ ન છોડનારા આ કિશોર રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં આવે છે અને મઠો-આશ્રમોમાં એનું ચારિત્ર્ય ઘડતર થાય છે. અનુભવો જ શિક્ષણ બને છે. મુંબઈ-ગીર ગામમાં હતા ત્યારે બાની સખી માસીને ત્યાં રહેલા ને મોરારજી શેઠ-ધનીમાના ચિના બાગમાં પશુ-પંખીને ચાહવાના અને દરેકને સમભાવે જોવાના પાઠ શીખેલા. વસઈની આસપાસનાં ગામડાં ખૂંદેલાં ને પ્રજાજીવનની વિટંબણાઓ વચ્ચે આનંદ માણતાં ગરીબોની ઉદારતા પ્રમાણેલી. પ્રકૃતિ પ્રેમ કેળવાયેલો. પોતે મઠોમાંથી શાસ્ત્રો અને વિદ્યા એમ જ અંકે કરતા રહેલા. પહેલી પચ્ચીસીનો સમય વીત્યો. ગાંધીજી વિશે જાણ્યું. મળ્યા ને ગાંધીજીના અંતેવાસી બની ગયા. આઠ દિવસ બાને મળી આવેલા! ગૃહત્યાગ કર્યા પછી પહેલી વાર બાને મળ્યા એ આઠ દિવસોમાં ઘણું પામ્યા. જીવન મૂડી આમ વધતી ગઈ. મહાદેવભાઈ પછી ગાંધીના એ પરમ વિશ્વાસુ બની રહ્યા. એમનું કામ જ એવું હતું. ગાંધીએ એમનાં વિચારપાત્રોનું પ્રકાશન સોંપ્યું. તેમાં જેલ પણ જઈ આવ્યા. ચોખ્ખી ભાષા, શુદ્ધ જોડણી, સુઘડ છપાઈ. સ્વામીને જે કામ સોંપાયું તે સવાયું કરી બતાવ્યું. સ્વામી આનંદ પોતાની બાબતે બે વાતો ભારપૂર્વક કહે છે: 1. ‘ઉંમર આખી મેં કંઈ ને કંઈ આછું-પાતળું લખ્યું, પણ કશું ગ્રંથસ્થ થવા ન દીધું. મારે વેપલો મૂડી વગરનો. મૂળે હું અભણ. સાધુઓની દુનિયામાં ખોવાઈ ગયેલો. એણે મને નુકસાન કરવા સાથે બે-ત્રણ સંસ્કાર આપ્યા! એક, વિદ્યા કદી વેચાય નહીં. હવા-ઉજાસ અન્ન-જળની જેમ જ્ઞાન-સમજણ રૂપિયા આનામાં કદી મૂલવાય નહીં.’ 2. ‘સાધુ ‘દો રોટી એક લંગોટી’નો હકદાર. એથી વધુ લ્યે તો તે અણ હકનું! લીધેલું સો ગણી સેવા કરીને પાછું વાળવું પડે! બાબાકંબલ ન્યાયે આ બે સંસ્કાર મને જીવનભર ચિટકી રહ્યા.’ સ્વામી આનંદનું વ્યક્તિત્વ સદાય આકર્ષક અને અચરજકર હતું. એમનાં પ્રકાશિત પુસ્તકો વધુ હશે, પણ થોડાંક નોંધીએ તો એ આ પ્રમાણે છે: ઉત્તરાખંડની યાત્રા, જૂની મૂડી, કુળ કથાઓ, ધરતીની આરતી, ધરતીનું લૂણ, નઘરોળ, બચપણનાં બાર વર્ષ, માનવતાના વેરી, સંતોના અનુજ, સંતોનો ફાળો, ગાંધીજીનાં સંસ્મરણો, મોતને હંફાવનાર, ધર્મચિંતન અને બીજા લેખો! અલંકાર વગરનું ગદ્ય, ક્રિયાપદ વિનાનાં વાક્યો, સાચકલાં મનેખના કઠોર જીવનને સુબદ્ધ રીતે આલેખતાં સ્વાભાવોક્તિવાળાં ચિત્રણો સ્વામીને નિજી મુદ્રા ઉપસાવી આપે છે. એમણે ‘ધનીમા’ ચરિત્ર નિબંધ સિત્તેર પાનાંમાં આલેખ્યો, પણ એકેય શબ્દ વધારાનો નથી. આવી સન્નારી હોઈ શકે? એવો પ્રશ્ન થાય ને તરત ભીતરથી જવાબ આવે- હા! ધનીમા એવું જીવ્યાં જેનો જોટો નથી. સ્વામીએ મહાદેવ દેસાઈને ‘શુક્રતારક સમા’ કહીને વર્ણવ્યા છે. માછીનાચ, મોરુ, મહાદેવથી મોટેરા, કરનલ કરડા, સમતાના મેરુ, નઘરોળ સ્વામીનાં ઉત્તમ ચરિત્ર નિબંધો છે. ઉત્તરાપથની યાત્રામાં હિમાલયદર્શન અને અનુભવલોકનું ચિત્રણ છે. આવા વિમલ સાધુ-સર્જકે 1976માં દુનિયાને અલવિદા કરી હતી. ⬛ manilalpatel911@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.