ઓફબીટ:‘મ્હારાં નયણાંની આળસ રે...’

અંકિત ત્રિવેદી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈશ્વર અને એનું શુભ બધે જ છે. એને ઊજવતાં, ઓળખતાં આવડવું જોઈએ

કવિ ન્હાનાલાલ ગુજરાતી કવિતાની બારેમાસની વસંત છે. આપણે બીજાનો વાંક કાઢવામાં જિંદગી વિતાવીએ છીએ. કવિ ભીતરના ભાવજગતનો દૃષ્ટા છે. કહે છે, ‘મ્હારાં નયણાંની આળસ રે…’ વાંક મારી આંખોનો છે. આંખો જોવા માટે છે, પણ જે જોવાનું છે તે જોતી જ નથી. બીજાની ભૂલ તરત દેખાય છે. પોતાનો સ્વાર્થ જોવાનું ચૂકી જવાય છે. વળી, પંક્તિ પૂરી કરતા કહે છે: ‘ન નીરખ્યા હરિને જરી:’ એ આંખો જ શું કામની જેનાથી પરમાત્માના દર્શન ન થાય? મંદિર–દેરાસર બધાં જ ધાર્મિક સ્થળોએ જઈએ છીએ, પણ ઈશ્વર મળતા કેમ નથી? નિરાશ થઈને દર્શન કરીએ છીએ અને નિરાશ થઈને પાછાં વળીએ છીએ. આવું કેમ? જે મૂર્તિમાં શોધીએ છીએ એ જ મૂર્તિને પામી નથી શકાતી! કલાપી લખે છે- ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની…’ આપણી નજર ફરે છે અને કવિની નજર ઠરે છે. આ ભેદ સમજવા જેવો છે. આપણે પ્રકૃતિને ઓળખીએ છીએ. એને માણી નથી શકતાં! ઈશ્વર આપણને જન્મ આપીને આપણી પ્રકૃતિને અને એણે બનાવેલી પ્રકૃતિને – બંનેને માણે છે. જે પૃથ્વી પર છે એ બધાંનું આયુષ્ય છે. નિર્જીવ અને સજીવ બધાં જ આમાં આવી જાય છે. ઈશ્વર એટલે શુભ. શુભનો સરવાળો કરતી એનર્જી. આપણામાં રહેલા શુભને આપણે ક્યારેય બોલવા દીધો છે? એને સાંભળ્યો છે? ચોતરફ બધું જ મુક્ત છતાં બંધાયેલું છે. વિરાટ આપણી આંખો સામે જ છે. એના કોઈ સરનામાં નથી. એની યાદી તો નજર કરીએ ત્યાં બધે જ છે. નજરમાં શુભ ઉમેરતાં આવડવું એ સાચી પ્રકૃતિ છે. આપણી ગમતી વ્યક્તિ આપણી પાસે જ્યારે જ્યારે આવે ત્યારે કોઈને કોઈ માંગણી કર્યા કરે. આપણી ગમતી વ્યક્તિ છે એટલે એને જે જોઈએ તે આપ્યા પણ કરીએ, પણ એક સમય એવો આવે કે, આપણને એમ થાય કે, આપણી ગમતી વ્યક્તિને, આપણે જે આપીએ છીએ એનાથી ધરવ જ નથી થતો ત્યારે! એને કાયમ ઓછું જ પડે છે? અને આપણે એને આપણે જે કંઈ આપ્યું છે એ કદર કરાવવા માટે પાછું લઈ લઈએ ત્યારે? એને પાછળથી ભાન થાય કે જે હતું એ ગયું – એના કારણમાં આપણી કદરની ગેરહાજરી હતી! ન્હાનાલાલની આ બહુ યાદગાર પંક્તિ છે, ‘આળસ મારી આંખોની છે. મારી આંખો ઈશ્વરને જોવા તલપાપડ નથી! મારી આંખો બધું જ જુએ છે પણ ઈશ્વરને જોવાનું ચૂકી જાય છે.’ એમ કહીને કવિ ઈશ્વરનું સરનામું બતાવે છે. એ કહે છે તમે જ્યાં જુઓ, જેટલું જુઓ, જે જુઓ એ બધામાં ઈશ્વર નથી તો બીજું શું છે? ખાલી બોલવાથી નહીં ચાલે, પણ જ્યારે આપણે બીજાનું દિલ દુભાવીએ છીએ ત્યારે એનામાં બેઠેલા પરમાત્માને પણ દુભાવતા હોઈએ છીએ. ઈશ્વર અને એનું શુભ બધે જ છે. એને ઊજવતાં અને ઓળખતાં આવડવું જોઈએ. કવિ છેલ્લે ‘જરી’નો શબ્દ પ્રયોગ કરે છે. આખેઆખા પરમાત્માને ઓળખવાનું ગજું ક્યાં કોઈનું છે? આખેઆખો માણસ પણ અધકચરો જ ઓળખાય છે. એનામાં રહેલું શુભત્વ આપણે પામી શકીએ એ જ અગત્યનું છે. એનામાં રહેલી થોડીક સારી બાબતો આપણા જીવનમાં શુભત્વ ઉમેરી શકે છે. એને ઓળખવા માટે દિવ્યચક્ષુની જરૂર નથી. આપણી નજરની નજર ઊતારવાની જરૂર છે. ⬛ ઑન ધ બીટ્સ ‘આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી, એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.’ - ન્હાનાલાલ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...