તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીલે ગગન કે તલે:સ્વર્ગસ્થ ઠાકોર પટેલ

3 મહિનો પહેલાલેખક: મધુ રાય
 • કૉપી લિંક
 • ભારતથી આવતા બડા કલાકારો અને ઓળખીતાના દીકરાઓ ને દીકરીઓ ને કઝીનો ને બઝીનોનો અમેરિકા ઊતરતાં પહેલો મુકામ જાણે ઠાકોરનિવાસ હતો!

કાન બુઠ્ઠા થઈ ગયા છે, તેમાં તોય હજી એક ઉમેરણ, ઓ પ્રભો! એટલાન્ટાથી બંધુ મુસ્તફા અજમેરીનો ફોન છે, કે આપણા દોસ્તાર ઠાકોરભાઈ પરલોકવાસી થયા. શિકાગોમાં પુત્રી સોનલને ત્યાં પત્ની સરલાબેન પાસેથી જે માહિતી મળી તેની આસપાસ દાયકાઓનાં છાકમછોળ સ્મરણોના ફુવારા ફૂટ્યા ને એકાએક એહસાસ થયો કે ઠાકોરભાઈનો કેવો નિર્ણાયક હિસ્સો છે મારા જીવનમાં, અને તે રૂએ મારા વિચારોમાં. અમેરિકાની યુનિવર્સિટીમાં મારું ભણતર પૂરું થયું અને ભારત પાછા ફરતાં પહેલાં 18 માસ મને અમેરિકામાં રહેવાની અને મારા ભણતરને લગતી કોઈ નોકરી મળે તો રહેવાની પરવાનગી હતી. કાળી ગરીબીમાં માંડ ભણતાં અમે જે બચાવેલું તેમાંથી શિકાગો પહોંચી મિત્રોની સહાયથી ફ્લેટ લીધો. ત્યાં અચાનક ઠાકોરભાઈનો મશ્કરો ફોન આવ્યો કે મલવા આવું છું! હું જાણતો નહોતો, ઓળખતો નહોતો, નથિંગ! ને બારણાંની ટકોરી વગાડી ઠાકોરભાઈ કૃષ્ણમુદ્રામાં હસતા હસતા સંતુ રંગીલીના ડાયલોગ બોલતા હતા. અને તે દિવસથી એમના ઘરે, મારા ઘરે, ‘રોજ એકવાર તમારું મોઢું જોવા તો આવીશ જ!’ પરસ્પરનું મોઢું જોવા અને જવના આસવના ઉમદા શરાબની એકાદબે પ્યાલીનો લુત્ફ લેવાનો ચાલુ થયો સિલસિલો!

પણ ફક્ત ખાવાપીવા નહીં, કામ સાથે કલદારની સોઈ બી કીધી ઠાકોરભાઈએ – મારે એમના ઇન્ડિયા ટાઇમ્સ ઇંગ્લિશ છાપામાં હેલ્પ કરવાની! તે સમયે કમ્પોઝ, છપાઈ, વગરે બે માથાંવાળા માનવોના જાદુલોકની ક્રિયાઓ હતી, પણ ઠાકોરભાઈએ તે માટેનો નવો ઇલમ મને શીખવ્યો: ભારતથી અંગરેજી છાપાં મંગાવી તેમાંથી અમેરિકાના ગુજરાતીઓને રસ પડે તા સમાચારોની કાપલીઓ કાપી તે પૂઠાં ઉપર ચોંટાડી પાનાં બનાવવાં અને તેની બે હજાર કોપી ઓફસેટમાં છપાવી ગ્રાહકોને મોકલવી! મારું કામ હતું કાપલી ચોંટાડવાનું પણ ક્રમશ: ટપાલ સિવાયનું બધું મેં ઉપાડી લીધું અને તે વિદ્યા મને કેલિફોર્નિયા જઈને અન્ય મિત્રોની સહાયથી ગુજરાતી નામનું ગુજરાતી ભાષાનું અઠવાડિક શરૂ કરવામાં તેમ જ તેના જોરે અમેરિકામાં સ્થાયી થવામાં કરોડરજ્જુ જેટલી કામે લાગી. સમય જતાં ઇન્ડિયા ટાઇમ્સ માટે અંગરેજી ટાઇપસેટિંગ શીખવાનું થયું જેના તરાપામાં બેસીને મેં વખત જતાં મેકિનટોશ કમ્પ્યૂટર ઉપર સર્વપ્રથમ છપાઈક્ષમ્ય ગુજરાતી ફોન્ટ બનાવ્યા, કેલિફોર્નિયામાં ભક્તસમાજની પત્રિકા ભક્તવાણી શરૂ કરી અને કંકોત્રીઓનો ધંધો ધોકાર કર્યો તેમ જ જાતે પોતે છોટો–સો પ્રિન્ટિન્ગ પ્રેસ ચાલુ કીધો!

પણ હજી શિકાગોનું પર્વ બાકી છે. તે સમયે હું સુરતના દૈનિક ગુજરાતમિત્ર માટે કિમ્બલ રેવન્સવુડ નવલકથા હપ્તાવાર લખતો હતો અને હું લખું ત્યારે ઠાકોરભાઈ મારી પાછળ ઊભા રહી વાંચતા ને મલકાતા, મને ખભેથી પકડી હચમચાવતા, પણ અલબત્ત મારા ઉપરાંત ઠાકોરભાઈ કુડીબંધ ડોક્ટરો, ઇજનેરો, લેખકો, વિજ્ઞાનિકો, શેઠો, રાજપુરુષો, સાથે હાથમાં હાથ નાખીને બોલ ડાન્સ કરવાનો હોય તેવી જાણપિછાણથી ઠાકોરજી પોતાના દોસ્તોનો દરબાર વિસ્તાર્યે જતા હતા. શિકાગોની સ્ટેટ બેન્કના મેનેજર, એમ્બેસીના હોદ્દેદારો, અમેરિકન ઇમિગ્રેશનના રોફદાર અફસર! શિકાગોનાં ભારતીય મંડળો, ભારતથી આવતા બડા કલાકારો, ભારતથી આવતા ઓળખીતાના દીકરાઓ ને દીકરીઓ ને કઝીનો ને બઝીનોનો અમેરિકા ઊતરતાં પહેલો મુકામ જાણે ઠાકોરનિવાસ હતો! બારે મેઘની જેમ મિત્રો, સગાંવહાલાં, પ્રવૃત્તિઓની વર્ષા છતાં, હજી જાણે ઠાકોરજી નવો પડકાર ‘ખોરતા’! પોતાની ત્રણે પુત્રીઓને અમેરિકા સ્થિર કરી, જાતે આર્થિક રીતે સફળ થઈ ગયા, ઇન્ડિયા ટાઇમ્સ કોઈને સોંપી દીધું, ને હવે?

યસ્સ! ન્યુ યોર્કના અંગ્રેજી અઠવાડિક ‘ઇન્ડિયા એબ્રોડ’ના પબ્લિશર ગોપાલ રાજુને રાજી કીધા, એક ગુજરાતી અઠવાડિક ‘ગુજરાત ટાઇમ્સ’ શરૂ કરવા! તે સમયે હું કિસ્મતની ગોફણમાં ફંગોળાતો ફિલાડેલ્ફિયામાં ડ્રગ કાઉન્સેલર તરીકેની નોકરીમાં પીલાતો હતો ને ઠાકોર પટેલનો ફોન આવે છે, ‘ન્યુ યોર્ક આવી જાઓ, ગુજરાત ટાઇમ્સના તંત્રી બનો!’ આમ, ઠાકોર પટેલે મારા જીવનમાં ગલગોટાની માળાના દોરાની જેમ ગુંથાઈને ‘હેલ્પ’ કરી છે. મારાથી આઠ જ વર્ષ મોટા હતા, પણ ‘બાપો’ બની બેઠા હતા! બલકે મારા લગ્નવિચ્છેદ બાદ મારા માટે માગાં આવતાં ઠાકોરભાઈને ત્યાં! તે તોફાની યારે આખરે આ માસમાં દેહ છોડ્યો. ઘડીભર થડકારો થાય છે કે હવે? જય ઇન્ડિયા ટાઇમ્સ! madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો