ગ્રામોત્થાન:કમાણીનો આનંદ તો ચહેરા પર દેખાવો જ જોઈએ

3 મહિનો પહેલાલેખક: માવજી બારૈયા
  • કૉપી લિંક

કવિ કાગબાપુએ એક વાક્યમાં સમજાવ્યું કે ‘માણહ હખી થાવા હાટું કટલો દખી થાય છે.’ આપણે બધાં જ લોકો પાછલી જિંદગીને સુખી જોવા-કરવા માટે ચાલુ જિંદગીને દુ:ખી કરી નાખીએ છીએ. ભગવાને માણસને પેટ ભરવા માટે પૂરતું આપ્યું, પણ તિજોરી ભરવાના ઈરાદે જિંદગી દુ:ખી થઈ ગઈ. ‘Happiness Index’ જેને કહેવાય કે માણસ ખુશ-સુખમય-આનંદિત કેટલો છે, તેના પરથી જ સાચી જિંદગીને માપી શકાય. આપણા વડીલો ભગવાન પાસે એવું માંગતા કે ‘બીજ માવડી ચૂલે તાવડી, બે ગોધાને એક ગાવડી’ આ મળી જાય તો અમારી જિંદગી આઝાદ. અમો ભૂખ્યા ન રહીએ એ માટે અમારે ચૂલે તાવડી ચડે તે માટે અમને બે બળદ અને એક ગાયની જરૂર છે, બાકી બધું અમો કરી લેશું. આપણાં સુખની દરેકની વ્યાખ્યા અલગ અલગ છે. ઘણાં ખાઈને ખુશ થાય, ઘણાં ખવડાવીને ખુશ થાય. આનંદ બંનેને આવે પણ સુખ તો બીજાને જ મળતું હોય છે. આજે પૈસો, સુવિધા, ઠાઠ-માઠ, ઊંચી ઈમારતો, મોટી મોટી સોસાયટી, બાગ-બગીચા, વિશાળ વિદ્યાપીઠો, મોટીમસ હોસ્પિટલો, વિવિધ પ્રકારનાં વાહનો હોવા છતાં માણસને સુખેથી બેસવા એક મિનિટનો પણ સમય નથી. પરિવાર સાથે બેસવાનો સમય નથી. સગાં-વહાલાં કે મિત્રોને મળવાનો બિલકુલ ઇરાદો નથી, એટલે સુધી કે પોતાનાં સંતાનો સાથે જમવાનો પણ મેળ પડતો નથી. શહેરના મોટા ખર્ચાને પૂરા કરવા જિંદગી ખર્ચી નાખે પણ છેવટે તો જિંદગી કંઈ પણ માણ્યા વિના પૂરી થઈ જાય છે. ગામડામાં ક્ષેત્ર મુલાકાત સમયે એક વાડી પર હું ગયો. દાદા અને મા એક ઝાડને છાંયે ખાટલો નાખીને સામેના ઘોડિયામાં નાના દીકરાના દીકરાને હીંચકાવતા હતાં અને મીઠાં હાલરડાં ગાતાં હતાં. મને પણ મારું બાળપણ ઘડીભર યાદ આવી ગયું. મીઠો આવકારો મળ્યો. મારે થોડી પ્રોજેક્ટ બાબતે એ ઘરની વિગતો મેળવવી હતી. મેં દાદાને થોડી વિગતો પૂછી. તેમણે બધી વિગતો કોઈપણ જાતના ખચકાટ વગર લખાવી. પરિવાર, ખેતી, પશુપાલન, ઘર, વગેરે… પછી મને કહ્યું કે ‘મારે તને એક વાત કરવી છે કરું?’ મેં કહ્યું, ‘હા, જરૂર કરો.’ તેમણે હસતાં ચહેરે મને કહ્યું કે ‘હું એકવાર મુંબઈ ગયો હતો, મારો મોટો દીકરો ત્યાં કામ કરતો હતો એટલે તેના માટે ઘી અને થોડું ઘરનું અનાજ લઈ ગયો. ત્યાં માંડ માંડ પહોંચ્યો. ઘરે રોકાયો. મારા દીકરા તથા વહુને મળીને વાતો કરી, પરંતુ મારા દીકરાના ચહેરા પર તેની કમાણીનું નૂર મને જોવા ન મળ્યું. પછી બીજે દિવસે મેં તેની પાસે બેસીને પીઠમાં હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, ‘બેટા તને આયાં મજા આવે છે?’ ત્યારે એ મને બાથ ભરી ગયો અને બોલ્યો, ‘બાપા જરાય મજા નથી આવતી, પણ આપણી ખેતી ટૂંકી અને ત્રણે ભાઇનું પોસાણ ન થાય એટલે મને-કમને અહીં દિવસો કાઢું છું.’ આટલું બોલતાં એ હીબકે ચડી ગયો. મેં તરત એકઝાટકે નિર્ણય લઈ લીધો કે ‘બેટા આવતી કાલે જ આપણે આપણા ગામે જઈશું, આખો રોટલો નહીં મળે તો અડધો ખાશું, આપણી ખેતી આપણો પરિવાર પાળશે જ તેવો મને વિશ્વાસ છે, પણ તારા મોઢા પર તેજ ન હોય ઇ મને નો પાલવે. તેને અહીં પાછો લઈ આવ્યા. આજે એ ખેતીમાં મહેનત કરી ત્રણે ભાઈઓ અને તેનો પરિવાર ખૂબ સુખેથી એક જ પંગતમાં બેસીને જમે છે, આનંદથી રહે છે.’ મને તેને કામ કરતો બતાવીને કહ્યું કે ‘જો સામે આંબામાં કેરી ઉતારે છે, બોક્સ ભરી એ મુંબઈ જ મોકલે છે. આજે તેના મોઢા પર તેજ જોઈને મને પણ આનંદ આવે છે.’ આજે તારી આગળ આ વાત એટલા માટે કરી કે ‘સાચું સુખ જે ગામડામાં છે, તે શહેરમાં નથી. હું તો દરેક મા-બાપને કહું છું કે ‘તમારાં દીકરા-દીકરીને કમાણી માટે કોઈપણ જગ્યાએ મોકલો પણ ત્યાં કમાણી સાથે તેના ચહેરા પર આનંદ હોવો જ જોઈએ. માત્ર નાણાં માટે છોકરાની જિંદગી બગાડશો નહીં.’ એક અભણ દાદાએ ભણેલાને ‘Happiness Index’ માટે પુસ્તક લખી શકાય તેટલું ભાથું આપી દીધું. દાદાએ મને તેમના પરિવાર સાથે પંગતમાં બેસાડીને જમાડ્યો. પાંચ કિલો કેરીનું બોક્સ આપ્યું અને કહે, ‘બેટા આ વાડીના આ ઝાડ નીચે અમે ત્રણે દીકરાનાં છોકરાંઓને હીંચકાવીને મોટાં કર્યાં, આનાથી વધારે ભગવાન પાસે બીજું કયું સુખ માંગીએ.’ ‘મેં જ્યારે આ વાડીએથી વિદાય લીધી ત્યારે ઘડીભર તો મને પણ વિચારતો કરી દીધો.’ શું જિંદગી માત્ર પૈસા કમાવા માટે જ છે કે ઘડીભર પરિવાર સાથે પંગતમાં બેસી જમીએ, ઝાડને છાંયે બેસી પંખીનો કિલકિલાટ સાંભળતાં સાંભળતાં મીઠી નીંદરને માણીએ તો જ પૃથ્વી પર આવ્યાં ઈ ફેરો સાર્થક થયો ગણાય! તમને શું લાગે છે?’ (સત્યઘટના આધારિત)⬛ mavji.baraiya@adanifoundation.com

અન્ય સમાચારો પણ છે...