તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબ્દના મલકમાં:પ્રીતના ઘૂંટડા અને લોહીના કોગળાની માર્મિક કથા

મણિલાલ હ. પટેલ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રેમ અનેક કસોટીઓને અંતે કાયાને ઓળંગીને આત્મા સુધી પહોંચે છે! એટલે કથાનું નામ છે, ‘મળેલા જીવ’

મોટો લેખક’ કે ‘દિગ્ગજ લેખક’ – એમ આપણે કહીએ છીએ, ત્યારે આપણા મનમાં મૂળે તો એની ઉત્તમ રચનાઓ હાજર હોય છે. – હોવી જ જોઇએ. કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ અને દર્શક જેવા મોટા ગજાના લેખકોને આપણે વારેવારે વાંચીએ એ જરૂરી છે, કેમકે આવા સર્જકો માનવજીવનનાં સંઘર્ષો, જીવનમૂલ્યો સાચવવાની માનવપાત્રોની મથામણ તથા વિધિની વક્રતાની વાતો સદૃષ્ટાંત માંડે છે... એ કથાઓ કલ્પિત ઓછી ને વાસ્તવિક વધુ લાગે છે... ને એમાં સચ્ચાઇ છે કે સર્જક વાસ્તવને – હજારહજાર મોંઢાવાળાં વાસ્તવનાં અનેક રૂપોને - તાગે છે ને પછી કથાવાર્તામાં, ઉત્તમ ભાષા વડે, રૂપાંતરિત કરી આપે છે. એટલે એવી કૃતિઓ આપણને ‘હોન્ટ’ કરે છે. વારેવારે વાંચવા માટે બોલાવે છે. મુનશીનો મોટો વાચકવર્ગ ગઇ કાલ સુધી હતો. પન્નાલાલને વાંચનારો વર્ગ આજે પણ છે ને મૃત્યુના બાવન વર્ષો પછી કવિ રાવજી પટેલ આજે પણ યુવા સર્જકોના માનીતા કવિ છે. કેમ કે એની રચનાઓમાં અભાવ, પ્રેમ, મૃત્યુ, ગ્રામીણ સીમ વગડો અવનવાં કલ્પનોથી અભિવ્યક્તિ પામ્યાં છે. ક્યારેક એ વાત વિગતે કરીશું. આજે પન્નાલાલ વિશે થોડી વાતો કરીએ – એમાં આજના યુવાવાચકો માટે શું છે? – તે તપાસીએ. પન્નાલાલની ‘મળેલા જીવ’ નવલકથા મેં નવમા ધોરણમાં હતો ત્યારે પ્રથમ વાર વાંચી હતી – એ પછી પણ એનું વાચન હજીય કરતો રહું છું – એ ગમે છે... આંખો ભીની થાય છે. જીવી-કાનજીની પ્રીત, જુદાઇ, પીડા, અસહાયતા મને આજે પણ બેચેન કરી દે છે. મેં ‘મળેલા જીવ’ વિશે પચાસથી વધુ વ્યાખ્યાનો કર્યાં છે. અમેરિકામાં પણ શ્રોતાઓ આગ્રહ કરે છે. દર વખતે મને એમાંથી કશુંક નવું ને નવું કહેવાનું મળી આવે છે. જીવી-કાનજી મારાં સગાં લાગે છે! પ્રેમની નાનકડી આ ઊર્મિકથા વિશ્વની એના જેવી કૃતિઓ આગળ ઊભી રહી શકે એવી એમાં તાકાત છે. કથા તો આટલી જ છે: ‘કાનજી-જીવી જન્માષ્ટમીના મેળામાં મળે છે. પ્રથમ દૃષ્ટિનો પ્રેમ લોહીનો લય બની જાય છે. ગઇ સદીના પૂર્વાર્ધનો એ રૂઢિજડ ગ્રામીણ સમાજ આ બે જીદ્દી જ્ઞાતિનાં (પટેલ-વાળંદ) પ્રેમીઓને મળવા દે એમ નથી. એટલે હૈયા પર પથ્થર મૂકી કાનજી જીવીને પોતાના ગામના ધૂળિયા વાળંદ સાથે વરાવે છે. નજર સામે રહેશે તો જોયા-નું સુખ મળશે એમ માનેલું, પણ ગામ તો નિંદારસમાં ડૂબી અને જીવી-કાનજીને વનોગત કરે છે. જીવીને ધૂળો મારે છે. કાનજીથી વેઠાતું નથી... એટલે એ ગામ છોડીને કમાવા શહેર જાય છે. જીવી અહીં રાનરાન ને પાનપાન થાય છે. છેવટે ગાંડી જીવીના સૂકલકડી દેહને કાનજી લઇ જાય છે! પ્રીતના ઘૂંટડા અને લોહીના કોગળાની આ માર્મિક કથા વિધિની કઠોરતાને પણ સૂચવે છે.’ (મ.હ.પ.) પોતાની પ્રેયસી પર-ને સોંપવી પડે, નજર સામે એને માર ખાતી જોવી પડે ને તોય એ પ્રેયસી પ્રિયતમની સામે આવીને રાજી રહેવા મથે છે. કામ બંધાવે છે. અંદરના આવેગને રોકતી છતાં પિયુ પાસે જવા ઝૂમતી જીવીની વ્યથાપીડા શબ્દોમાં કહી નથી જતો... ને એકલો સોરાતો નિ:સહાય કાનજી ભીતરથી ડૂબકી જઇને ગામ છોડે છે. સત્ય તો આ છે કે– કાયાની માયાથી શરૂ થયેલો પ્રેમ અનેક કસોટીઓને અંતે કાયાને-રૂપને ઓળંગીને આત્મા સુધી પહોંચે છે! એટલે કથાનું નામ છે, ‘મળેલા જીવ’. ‘માનવીની ભવાઇ’ તો મોટા ફલક પર દુરિતને વર્ણવવાની બાથ ભીડે છે. અહીં પણ કાળુ-રાજુ ખૂબ ચાહવા છતાં સહજીવન માણી શકતાં નથી. બંને એક જ જ્ઞાતિનાં છે... તોપણ! અહીં માલી જેવી ખલનાયિકા છે. માણસમાં રહેલું દુરિત બંનેની વલે કરે છે. એથીય વિશાળ દુરિત દુષ્કાળ થઇને આવે છે. પ્રેમની ભૂખમાં હવે પેટની ભૂખ ઉમેરાય છે. માણસ માણસને ખાવા તાકે ત્યાં ઢોરની શી દશા! ભૂખ ભીખ માટે મજબૂર કરે છે, માનવતા ખંડિત થાય છે ને આત્મસન્માન માણસને ઓગાળી નાખે છે – બેવડ વાળી દે છે, પણ માણસ હારતો નથી, પુન: બેઠો થાય છે. વિશ્વસાહિત્યમાં આગલી હરોળમાં શોભતી આવી નવલકથાઓના લેખક સાચ્ચે જ દિગ્ગજ સર્જક કહેવાય! ગુજરાતીઓનું ગૌરવ તે આ પણ ખરું!! ⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો