તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમવૉચ:પત્નીની હત્યાના કેસમાં બેકસૂર પતિ નવ વર્ષ સુધી કારાવાસમાં સબડતો રહ્યો

3 મહિનો પહેલાલેખક: જયદેવ પટેલ
 • કૉપી લિંક
 • ખૂનની ફરિયાદમાં પુરાવા કે પછી લાશનો પણ પત્તો મેળવવાને બદલે પોલીસે ધરપકડ કરી હતી

- વિધિના લખ્યા લેખ લલાટે મિથ્યા થાય ના..!

માનવ સમાજમાં સુખ-દુ:ખ, હરખ-શોક અને ચડતી-પડતી જેવા પ્રસંગોમાં સાહજિક રીતે લોકજીભે વારંવાર અનાયાસે રજૂ થતી બે ઉક્તિને યાદ કરવામાં આવે છે. ‘વિધિના લલાટે લખ્યા લેખ ક્યારેય મિથ્યા થતા નથી...’ કે પછી ‘ભાગ્ય બિના કુછ હોવત નાહી...’ આથી કહેવાયું છે કે, ‘સુખ-દુ:ખ મનમાં ન આણીએ...’ ક્યારેક કોઇ કમનસીબ માનવીના જીવનમાં એવી પીડાદાયક ઘટના બની જતી હોય છે કે જેમાં તેણે ક્યારેય કોઇ અપરાધ-ગુનો કર્યો ન હોય છતાં સમય અને સંજોગોના કારણે તેને કારાવાસની યાતના ભોગવવી પડે છે. આવા નિરઅપરાધ, નિર્દોષ માનવીના જીવનની કમનસીબીની કથાઓ સમયાંતરે પ્રકાશમાં આવે છે ત્યારે પોલીસ કે ન્યાયતંત્રને માત્ર ને માત્ર અફસોસ વ્યક્ત કરવો પડે છે.

સમય અને સંજોગોનો શિકાર બનેલ આવી જ એક નિર્દોષ વ્યક્તિની કરુણ કથા અત્રે રજૂ કરી છે. જેમાં પત્નીની હત્યાના કેસમાં પતિને નવ-નવ વર્ષો સુધી કારાવાસના સળિયા પાછળ ધકેલાઇ જવું પડ્યું હતું. નવ વર્ષ પસાર થઇ ગયા બાદ એક દિવસે કાચા કામના આ કેદીની પત્ની સદેહે જીવતી હાજર થઇ, ત્યારે સનસનાટી મચી ગઇ હતી. ઉત્તરપ્રદેશનની ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા જિલ્લાના એક ગામના ગરીબ એવા તેજ પ્રતાપ નામધારી કમનસીબ યુવાનની આ વીતકકથા છે. તેજ પ્રતાપના અલીગઢની રાની નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. જોકે, તેજ પ્રતાપની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તેનું લગ્નજીવન સુખમય નહોતું. પતિ-પત્ની વચ્ચે વારંવાર ગૃહકલેશ ચાલ્યા કરતો હતો. આથી પતિના વર્તાવથી તંગ આવીને રાની ક્યારેક ક્યારેક અલીગઢ ખાતે તેના પિયરમાં રહેવા ચાલી જતી હતી.

ઉત્તરપ્રદેશમાં ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઊજવાતું હોળી-ધૂળેટીનું રંગોત્સવ પર્વ નજીક હોવાથી 2002માં રાની અલીગઢ ખાતે તેનાં માવતરના ઘરે રહેવા ચાલી આવી હતી. પતિ દ્વારા અનેક રીતે દીકરી એની ઉપર ગુજારવામાં આવી રહેલા શારીરિક તથા માનસિક ત્રાસની વાતો જાણીને મા-બાપ પણ વ્યથિત થયાં. આમ છતાં હોળી-ધૂળેટીના રંગોત્સવ પર્વની પૂર્ણાહુતિ થયા બાદ તેમણે રાનીને હવે પતિગૃહે પાછાં ફરવા સમજાવી હતી. જોકે, આ વખતે તો રાનીએ કોઇ પણ સંજોગોમાં પતિગૃહે પાછા જવાની ઘસીને ના પાડી દીધી હતી. હવે રાનીના પિતાએ જમાઇ તેજ પ્રતાપને જિંદગીભર યાદ રહી જાય તેવો પાઠ ભણાવી દેવાની ખતરનાક યોજના ઘડી કાઢી હતી. એક દિવસે રાનીના પિતાએ સ્થાનિક પોલીસમાં તેમની દીકરીની તેજ પ્રતાપે હત્યા કરી નાખીને પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી મૂક્યાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી.

મથુરા જિલ્લા પોલીસે રાનીના પિતાની ફરિયાદના આધારે ખૂન તથા પુરાવાના નાશનો ગુનો દાખલ કરીને તેજ પ્રતાપની ધરપકડ કરીને તેને લોકઅપમાં ધકેલી દીધો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે જે રાનીની હત્યા અને લાશને સળગાવી મૂકવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો, તેના પુરાવા એકત્રિત કરવામાં પોલીસે કોઇ જ કાળજીપૂર્વક તપાસ કરી નહોતી. તેજ પ્રતાપને અદાલતે જેલમાં મોકલી આપ્યો હતો. ત્યાર બાદ તેજ પ્રતાપે જામીન મેળવવા ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જોકે, આ અરજી સેશન્સ અદાલતે ફગાવી દીધી હતી. આથી તેજ પ્રતાપના વડીલે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને એક બેકસૂર-નિર્દોષ વ્યક્તિને ખોટા આક્ષેપોના આધારે ખૂન જેવા ગંભીર ગુનામાં જેલમાં ધકેલી દેવામાં આવી હોવાની અસરકારક દલીલો કરીને તેની જામીન અરજી મંજૂર રાખવા રજૂઆત કરી હતી. જોકે, હાઇકોર્ટે પણ તેજ પ્રતાપની જામીન અરજીને માન્ય રાખી નહોતી.

આમ ને આમ તેજ પ્રતાપ જેલમાં સબડતો રહ્યો હતો. પોતે ક્યારેય કોઇ ગુનો કર્યો નહીં હોવા છતાં અદાલત તેની સત્ય વાત સાંભળવાની દરકાર લેતી નથી તેવી લાગણીથી તે શારીરિક અને માનસિક રીતે ભાંગી પડ્યો હતો. કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યાના નવ-નવ વર્ષો વીતી ગયા ત્યારે તેજ પ્રતાપ હૃદયરોગનો ભોગ બન્યો હતો. આથી હાર્ટએટેકની સારવાર કરાવવા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અદાલતે પણ તેજ પ્રતાપની જામીન અરજી માન્ય રાખીને તેને જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેજ પ્રતાપે તેના સ્વજનો દ્વારા અલીગઢ ખાતેના તેના સાસરિયાની હિલચાલની ખાનગી રાહે તપાસ કરાવી હતી. જેમાં એક ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી કે તેની પત્ની રાની આજેય

જીવતી-જાગતી હયાત છે અને તેના બાપે ઉત્તરાખંડમાં રહેતા તેમના કોઇ સગાંના ઘરે છુપાવી રાખી છે અને રાનીના નામ-ઠામ તથા ઓળખ સુધ્ધાં બદલી નાખ્યા છે. બસ, આવી માહિતી મળી જતાં તેજ પ્રતાપ અલીગઢ ખાતે રાનીના બાપને મળ્યો હતો અને આ બધી બલામાંથી મુક્ત કરવા છૂટાછેડાની માંગણી કરી હતી. જોકે, તેજ પ્રતાપના માથા ઉપર હજી ખૂન કેસની લટકતી તલવાર હોવાથી તેને બ્લેકમેલ કરવા રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. આવી અધધ કહી શકાય તેવી રકમની વ્યવસ્થા કરવાની તેજ પ્રતાપ માટે ગજા બહારની વાત હતી. આથી ઉત્તરાખંડમાં છુપાઇ રહેલી પત્ની રાની સાથે તેની મુલાકાત ગોઠવવામાં આવી હતી. જેમાં કહે છે કે રાનીએ રૂપિયા ત્રણ લાખ આપે તો છૂટાછેડા આપવા તૈયારી દર્શાવી હતી. આખરે તેજ પ્રતાપે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને રાનીની બાપના હાથમાં રૂપિયા ત્રણ લાખની રકમ પકડાવી દીધી ત્યારે રાની નામની ચૂડેલની પકડમાંથી તેનો છુટકારો થયો હતો. હવે રાની નામની પત્નીની હત્યા તથા પુરાવાનો નાશ કરવાના ગુનામાં મથુરાની પોલીસે નિર્દોષ પતિ તેજ પ્રતાપની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. તેની પાછળના કારસ્તાનની કડીબદ્ધ વિગતો પ્રકાશમાં આવી ત્યારે મથુરા જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ આ ફરિયાદની તપાસ કરનાર પોલીસ અધિકારી તથા તેના સ્ટાફને નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. સાથે જ તેજ પ્રતાપ વિરુદ્ધના ખૂન કેસ ઉપર પણ હંમેશના માટે પડદો પાડી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો