ક્રાઈમ ઝોન:અતિ શિક્ષિત યુગલ માનતું હતું કે બંને દીકરી ફરી જીવતી થશે

પ્રફુલ શાહ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાનું મદનપલ્લે ગામ. ગામ કરતાં નગર કે નાનું શહેર વધુ યોગ્ય શબ્દ ગણાય. આ સ્થળ કેરીના વિપુલ પાક માટે જાણીતું, પરંતુ મુખ્ય ઓળખ એશિયાની સૌથી મોટી ટોમેટો બજારની. 2021ની 24મી જાન્યુઆરીના સૂર્યોદયની લાલાશ ટામેટાંના રંગને શરમાવી દે એવી હતી, કારણ કે એમાં લોહીનો જીવલેણ રંગ ભળી ગયો હતો. રાત્રે લગભગ આઠ વાગ્યે મદનપલ્લે ગ્રામીણ પોલીસને ફોન આવ્યો કે પાડોશમાંથી મોટા અવાજે બૂમાબૂમ, મંત્રોચ્ચાર અને કોઈકની ભયંકર પીડાના ચિત્કાર સંભળાય છે. પાંચેક મિનિટમાં પોલીસ ટુકડીએ ત્રણ માળના મકાન નાયડુ ભવનમાં માંડ માંડ પ્રવેશ કર્યો. ત્યાં જે જોવા મળ્યું એ કાને પડ્યું એનાથી બુદ્ધિ બહેર મારી ગઈ. શું બોલવું અને શું કરવું કે કહેવું એ અવઢવમાંથી બહાર આવ્યા સિવાય છૂટકો નહોતો. અંદર એક યુગલ હતું: પ્રો. વાલ્લેરુ પુરુષોત્તમ નાયડુ અને પ્રિન્સિપાલ પદ્મજા નાયડુ. એ બંગ્લોમાં 23 વર્ષની સાઈ દિવ્યા અને 27 વર્ષની અલેખ્યાની લોહીલુહાણ લાશ પડી હતી. મૃતદેહ લાલ સાડીમાં વીંટળાયેલાં, ફાટી ખોપડી, છુંદાયેલાં માથાં, મોઢાંમાં તાંબાની ચમચી, આસપાસ ફૂલ અને કેટલીક ધાર્મિક ચોપડીઓ. જીવતાં મા-બાપ મૃત-હત્યા કરાયેલી દીકરીઓ પાસે બેઠાં હતાં. પોલીસને જોતાંવેંત પદ્મજા એકદમ તાડુકી: ‘તમે અંદર આવ્યા જ કેમ? અમારી વિધિમાં ભંગ પાડ્યો. અરે, ચપ્પલ બહાર કાઢીને અંદર આવો.’ પદ્મજા એવી રીતે વર્તતી હતી કે જાણે પોતે ઈશ્વર હોય. તે આદેશાત્મક સ્વરે બોલી, ‘તમારી હાજરીથી ઘરમાં શૈતાનનો પ્રવેશ થયો છે. અત્યારે જતા રહો. કાલે પાછા આવીને ચમત્કાર જોઈ લેજો. અમારી બંને દીકરી ફરી જીવતી થઈ જશે અને આ ચમત્કારની ચર્ચા આખી દુનિયા કરશે. જાઓ… નીકળો અહીંથી.’ આ દંપતી પોલીસથી નારાજ થઈ ગયું, કારણ કે કળિયુગના અંત સાથે મરણ પામેલી બંને દીકરી સતયુગના આરંભના પ્રતીકરૂપે ફરી જીવતી થવાની હતી, પણ એ વિધિમાં વર્દીવાળા વિઘ્ન બનીને આવ્યા, પરંતુ સામે બે હત્યા કરાયેલી લાશ હોય ત્યારે પોલીસ ક્યાં સુધી મૂઢ બનીને જોઈ રહે? તરત મા-બાપને તાબામાં લીધાં અને બંને લાશ પોસ્ટમોર્ટમ માટે રવાના કરી. તપાસમાં એક પછી એક ચોંકાવનારી હકીररકતો બહાર આવવા માંડી. ડો. વાલ્લેરુ પુરુષોત્તમ નાયડુ એમ.એસસી., એમ.ફિલ અને પી.એચડી કરી ચૂક્યા હતા ને કોલેજમાં કેમેસ્ટ્રીના એસોસિએટ પ્રોફેસર. શ્રીમતી વી. પદ્મજા એમ.સી. (મેથ્સ), ગોલ્ડમેડાલિસ્ટ અને માસ્ટરમાઈન્ડ, આઈઆઈટી ટેલેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ. બંને દીકરીઓ પણ જાણે મા-બાપની શૈક્ષણિક સિદ્ધિને અનુસરી રહી હતી. મોટી અલેખ્યાએ ભોપાલમાંથી એમબીએ કર્યું હતું, તો નાની સાઈ દિવ્યા બીબીએ કર્યા બાદ મુંબઈની એ.આર. રહેમાન મ્યુઝિક સ્કૂલમાં ભણતી હતી. જોકે, કોરોના વાઈરસને લીધે લદાયેલા લોકડાઉનમાં બંને પોતાના ઘરે પાછી ફરી હતી. આ લોકડાઉનમાં નાયડુ પરિવાર ઘર-નોકરનેય અંદર આવવા દેતા નહોતા. લગભગ બધા સાથેના સંપર્ક કાપીને ચારેય બંગ્લોની અંદર જ રહેતાં હતાં. ન કોઈને હળવા મળવાનું કે કોઈ સાથે વાતચીત. પાડોશીઓ અને કોલેજ-સ્કૂલના સાથીઓના મત મુજબ પુરુષોત્તમ અને પદ્મજા એકદમ ધાર્મિક-આધ્યાત્મિક વૃત્તિના માણસો હતા. આખો પરિવાર અને ખાસ તો મા-બાપ શીરડીના સાંઈબાબા, ઓશો અને કોઈક મહેર બાબાના ચુસ્ત ભક્ત. પુરુષોત્તમ-પદ્મજાનો દાવો હતો કે બંને દીકરીનાં શરીરમાં અનિષ્ટ તત્ત્વ પ્રવેશી ગયાં હતાં. તેમને દિવ્ય સંદેશ મળ્યો હતો કે રવિવારે કળિયુગનો અંત થશે એટલે દીકરીઓનું બલિદાન આપી દો. આગલા દિવસે સોમવારે સતયુગના શ્રીગણેશ સાથે બંનેનો પુન:જન્મ થશે એટલે રવિવારે બપોરે અઢી વાગે સાઈ દિવ્યાના મોઢાં પર ડંબેલ્સ ઝીંકી ઝીંકીને એને મા-બાપે મારી નાખી. પછી બે કલાકે અલેખ્યા સાથે એનું પુનરાવર્તન કર્યું. બંનેના ચહેરા પર નહોતી કોઈ વેદના કે નહોતો લેશમાત્ર પસ્તાવો. કસ્ટડીમાં લઈ જતા અગાઉ કોરોના ટેસ્ટ માટે જવાનો પદ્મજાએ ઈનકાર કરી દીધો એમ કહીને કે કોરોના કંઈ ચીનથી નથી ફેલાયો. હું જ કોરોના વાઈરસનું નવું સ્વરૂપ છું. દુનિયામાં સાફસફાઈ માટે ઈશ્વરે મારી પાસે આ કરાવ્યું. પોલીસ સમજી ગઈ કે બંનેનો ચિત્તભ્રમનો કેસ છે. માનસિક સારવાર માટે બંનેને મોકલાયાં અને એ સાબિત પણ થયું. કહેવાય છે કે દીકરીઓની હત્યા બાદ મા-બાપ બંને આપઘાત કરવાનાં હતાં, પણ પોલીસના આગમનથી એ શક્ય ન બન્યું. આંધ્રનો આ ડબલ મર્ડર કેસ આપણાં શિક્ષણ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા સહિતના અનેક મુદ્દા પર હિન્દી ન્યૂઝ ચેનલની ભાષામાં ‘સવાલિયા નિશાન’ તાકે છે. શું લોકડાઉનની એકલતાએ આ પરિવારની માનસિક સ્વસ્થતાનો ભોગ લીધો? નહીંતર ‘દીકરી વ્હાલનો દરિયો’, ‘નસીબદારને ઘરે જ દીકરી હોય’માં માનતી લાગણીશીલ પ્રજા આવા ભ્રમમાં સપડાય જ કેવી રીતે? જો ઉચ્ચ શિક્ષિતો આવી માનસિક બીમારીથી પીડાતાં હોય તો ઓછા ભણેલાં કે અભણમાં અંધશ્રદ્ધા કેટલી બધી પ્રબળ હોય? આપણી આસપાસ આવા કેસ હોઈ શકે પણ આપણે તો મોબાઈલ ફોનમાં ગળાડૂબ છીએ એટલે કરી શું શકીએ?{ praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...