સાંઈ-ફાઈ:વાર્તાનાં વારસદારો

સાંઈરામ દવે14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘તમને તો નામમાં​​​​​​​ નહીં બાળકોનાં કામમાં રસ છે એ હું સુપેરે જાણું છું. સમાજ જીવનમાં પડેલી નીતિ–મૂલ્યો-નિષ્ઠા અને ચારિત્ર્યની ખોટ બાળવાર્તા જ પૂરી શકશે તમારો આ વિશ્વાસ હવે કદાચ જયઘોષ બનશે.’

બાળવાર્તા એ બાળકેળવણીની સંજીવની બુટ્ટી છે. ગુજરાતના શિક્ષણના લક્ષ્મણને સોશિયલ મીડિયાના મેઘનાથે મૂર્છિત કર્યા છે. આજથી આશરે સો વરસ પહેલાં ભાવનગરની દક્ષિણામૂર્તિની ટેકરીએ એક ગિજુભાઈ બધેકા નામના બાળકેળવણીના ‘સુષેણવૈદ્ય’ અવતરેલા. આ વૈદ્યની માસ્ટરી એવી હતી કે ઇ.સ. 1885થી 1939ના સમયગાળામાં તેમણે બનાવેલી ‘બાળવાર્તા’ની દવા આજે પણ એક્સપાઇરી ડેટ વગરની છે. ગુજરાતનાં કોઈ પણ બાળકને ઉંમર–ધર્મ કે નાતજાતના ભેદભાવ વગર આ દવા આપી શકાય એમ છે. વળી, આ દવાની કોઈ જ આડઅસર નથી. દરેક વાલીઓ અને શિક્ષકો જો થોડીક ઉદાસી ઉડાડે તો ગુજરાતનું એક પણ બાળક ‘વાર્તાભૂખ્યુ’ ન રહે. બાળવાર્તા વગરનાં બાળકની કેળવણી એ અધૂરી અને અનાથ કેળવણી છે. ગુજરાતનાં પ્રત્યેક શિશુને ‘વાર્તામસ્ત’ બનાવવા માટે ‘મૂછાળી મા’ તરીકે ઓળખાતા બાળકેળવણીના ભીષ્મપિતામહ સ્વ. ગિજુભાઈ બધેકાને તેમણે જ સર્જેલી બાળવાર્તાનાં પાત્રોને વણીને લખેલો એક પત્ર અત્રે પ્રસ્તુત છે… ‘હૃદયસ્થ ગિજુભાઈ, પંદરમી નવેમ્બરે તમે અમરેલી જિલ્લાના ચિત્તલમાં જન્મ્યા હતા, જે ઘણાં બધાં લોકો ભૂલી ગયાં છે. જન્મદિવસની થોડી મોડી છતાં મીઠી શુભકામનાઓ. તમે સ્વર્ગમાં કુશળ જ હશો એવી શ્રદ્ધા સેવું છું, કારણ કે ‘બાલ દેવો ભવઃ’નું સૂત્ર જેમણે આપીને જીવી બતાવ્યું હોય એ વ્યક્તિ તો સ્વર્ગનાં બાળકો માટે પણ આરાધ્ય હોય. તમારાથી વધુ ખુશ તો સ્વર્ગનાં બાળકો હશે. તેમને તો ‘ડબલ સ્વર્ગ’ મળ્યાનો આનંદ હશે. ગિજુભાઈ, તમને ગુજરાતના થોડા મહત્ત્વના સમાચાર આપવા આ પત્ર લખી રહ્યો છું. દેશમાં કોરોનાનાં મૃત્યુનાં તાંડવ વચ્ચે ‘રાષ્ટ્રીય શિક્ષણનીતિ’ (N.E.P.) બહાર પડી છે. એક્ઝેટલી કુરુક્ષેત્રના રણમેદાન વચ્ચે ‘ભગવદ્ ગીતા’ રજૂ થઇ હતી એ જ રીતે. મજાની વાત એ છે કે તમે દક્ષિણામૂર્તિની ટેકરી પર બાળશિક્ષણ અને બાળઅધિકારો માટે જે પ્રયત્નો કર્યા હતા, તે સીધી કે આડકતરી રીતે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સરકારે સ્વીકાર્યા છે. ભલે એમાં તમારું નામ નથી, પરંતુ તમને તો નામમાં નહીં બાળકોનાં કામમાં રસ છે એ હું સુપેરે જાણું છું. સમાજજીવનમાં પડેલી નીતિ–મૂલ્યો-નિષ્ઠા અને ચારિત્ર્યની ખોટ બાળવાર્તા જ પૂરી શકશે તમારો આ વિશ્વાસ હવે કદાચ જયઘોષ બનશે. શિક્ષણનીતિમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જો થશે તો તમે સ્વર્ગમાં ખુશ થઈને રાહડો લેશો. (અહીંયા વપરાયેલા ‘જો’ અને ‘તો’ને હિમાલય પર્વતથી સહેજ પણ નીચાં ન સમજવા નમ્ર વિનંતી.) ગિજુભાઈ, દુઃખ ન લગાડતા પરંતુ તમારા ગયા પછી થોડો સમય ભાવનગરના જ અધિકારીઓને લીધે તમારી બાળવાર્તાઓ અને બાળગીતો ઘરે ઘરે અને પ્રત્યેક શાળામાં ગૂંજ્યાં હતાં, પરંતુ પછી ખુરશીઓ બદલતાં કેળવણીના પગમાં પણ ફ્રેક્ચર થયાં અને હાલ તો તમારી ‘બાળવાર્તા’ તદ્દન નાજુક પરિસ્થિતિમાં વેન્ટિલેટર પર છે. પરંતુ ચિંતા ન કરતા, બાળવાર્તા કોમામાં કદી નહીં જાય. કારણ કે કેટલાંક બાળકો અને શિક્ષકોનાં હૈયાંમાં તમે જે ‘ચોકમાં દાણા’ નાંખેલા એ વટવૃક્ષ બનીને બેઠાં છે. બસ, હવે વિકાસ માટે નીકળેલા બુલડોઝરને આ વૃક્ષ નડે નહીં તેવાં આશીર્વાદ આપજો. પરંતુ ગિજુભાઈ, તમારી બાળવાર્તાનાં ઢગલાબંધ પાત્રો હજુ અમે ભૂલ્યાં નથી. તમારું પેલું ‘ખોટું નગર’ હવે સાવ સાચું થઇ ગયું છે. (અમદાવાદથી 36 કિ.મી.ના અંતરે.) હવે લોકશાહીના કેટલાક રાજાઓ પ્રજાને ‘નકો નકો’ જ કરે છે. પેલી ‘જૂં બાઈ’નું પેટ તો ફૂટ્યું છે, પણ નદી લાલ નથી થઇ. ઊલટાની, ‘નદી બચાવો’ અભિયાનવાળાઓએ ‘જૂં બાઈ’ પર કેસ કરી દીધો છે. ‘કાબરનું કિંમતી મોતી’ પેલો કાફર કાગડો જ ચોરી ગયો છે. પરંતુ લીમડાની ડાળે બેસવાને બદલે સીધો ઝવેરીના શો–રૂમ પરથી રોકડા કરી આવ્યો છે. તમારી વાર્તાનો ‘આનંદી કાગડો’ હવે મોટો બિઝનસમેન બની ગયો છે. કાગડાએ એ મોતીના રૂપિયાથી ‘કોઠીંબા’ એક્સપોર્ટ કરવાની ફેક્ટરી નાંખી છે. તે હવે પ્લાસ્ટિકની ચાંચ ફોરેનથી ઈમ્પોર્ટ કરે છે. પાલીમાં રહેલા ‘પાંચ ઉંદરડા’એ આખું ઢોલકું જ કોતરી નાંખ્યું છે. હવે વગાડવું શું? એ સ્વર્ગમાંથી સમય મળે તો તમે જ જણાવજો. ગિજુભાઈ, આ ‘સાત પૂંછડીવાળો ઉંદર’ પૂંછડાની સર્જરી માટે આખી રિઝર્વ બેન્ક ગીરવે મૂકવાની જીદ લઈને ઉપવાસ પર બેઠો છે. શક્ય હોય તો તેના પારણાં કરાવજો. પેલી ‘ભટુડીનું ઘર’ કોર્પોરેશનવાળા ‘વાઘ સરે’ ડિમોલિશનમાં ઉડાડી દીધું છે. હવે ભટુડી આવાસ યોજનામાં રહેવાનું વિચારે છે. તમારા ‘ટશૂકભાઈ’એ ‘લાખો–લખમણ’ અને ‘સાંગા સારવણ’ સાથે રાજકારણની નવી પાર્ટી બનાવી છે. તે બધાં સિંહ સામે આગામી ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. સિંહભાઇને ‘ટાઢા ટબુકલા’ના રહસ્યની જાણ થઇ ગઈ હોવાથી હવે સિંહને કોઈનો ડર નથી રહ્યો. ગિજુભાઈ ‘ફૂં ફૂં બાપા’નો દૂધપાક બગડી ગયો છે, કારણ કે પેલી ‘દેડકીની છાશ’નો લોટો તેમાં ઢોળાયો છે. તમારા ‘ટીડા જોશી’એ કોરોનાની આગાહી ન કરી તેથી ‘રાજા સુપડકન્નો’એ તેમને ઝેલભેગા કર્યા છે. તમે હવે તેને છોડાવી લેજો. તમારી વાર્તાના વહાલસોયા ‘વહતા ભાભા’ હવે ન્યૂઝચેનલમાં ડીબેટ કરી રહ્યા છે. એ ભાભા બધું લખ્યા બારું જ બોલ બોલ કરે છે. આજનાં બાળકોનાં બાળપણમાંથી આનંદ ઘીની જેમ ચોરાઈ ગયો છે. કૈંક ઉપરથી મદદ કરો ને ગિજુભાઈ! કેળવણી અને ગોખણપટ્ટી વચ્ચે સામસામી ખેંચાણી છે; અને સૌ વાલીઓની આંખો પણ મીંચાણી છે. માર્કશીટના કાગડાઓએ આખું માનસરોવર ખરીદી લીધું છે. હંસલાની આખી કોમ નજરકેદ થઈ છે. ગિજુભાઈ, તમારી બાળવાર્તાઓનો દેહ થોડો ઘાયલ થયો છે. અમે ઓક્સિજનના બાટલા શોધી રહ્યાં છીએ. ભરોસો રાખજો અમે બાળવાર્તાને બચાવી લેશું. તમારું લખેલું ‘દિવાસ્વપ્ન’ પુસ્તક ભારતની ચૌદથી વધુ ભાષામાં ભાષાંતર થવા પામ્યું છે. (ભલે ગુજરાતના તમામ શિક્ષકોને એ વાંચવાનો સમય નથી મળ્યો. અડધાને કદાચ રસ નથી અને અડધા સર્વે અને ઓન પેપર કાગળિયાં આપવામાં બિઝી છે.) બાળપણથી અમે બોલતાં આવ્યાં છીએ કે ‘વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા... અરરર માડી!’ ગિજુભાઈ, તમે વાર્તા કહીને ઢોર જેવા માણસોને ચારવાનું સત્ય કાર્ય આરંભ્યું હતું. ઉપર્યુક્ત જોડકણામાં એક છોકરો રીસાયો હતો જ્યારે અત્યારે તો બાળકથી જ વાર્તા રીસાઈ ગઈ હોય એવું લાગે છે. એકલતાની કોઠી રીતસર બાળપણ પર પડી છે. ગિજુભાઈ મદદ કરવા ફરી પધારો. બચ્ચાં પાર્ટી રાડ તો પાડે છે, પરંતુ મમ્મીઓ વોટ્સએપમાં સ્ટેટસયાત્રામાં બિઝી છે. સદી પહેલાં તમે અંગ્રેજી, મરાઠી, બંગાળી અને પંજાબી બાળવાર્તાઓના અનુવાદ અમને આપ્યા હતા. અફસોસ, આજે અમે ગુજરાતનાં દરેક બાળક સુધી તમારી વાર્તાનો ભાવાનુવાદ પણ નથી પહોંચાડી શક્યાં. પરંતુ તમે અમારી ઉપર રાજી રહેજો. ગુજરાતનાં બાળકોની દયા ખાજો. આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે દર પંદર નવેમ્બરે તમારા જન્મદિવસને ‘બાળવાર્તા દિન’ તરીકે ઊજવવાનું જાહેર કર્યું છે તે બદલ તમે સૌને આશીર્વાદ આપજો. ગિજુભાઈ, લવ યુ લોટ! મિસ યુ એવરી ડે! તમારા પુનર્જન્મની શ્રદ્ધા લઈને બેઠેલો તમારો આજીવન વિદ્યાર્થી સાંઈરામ…’{ sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...