સમયના હસ્તાક્ષર:ગુજરાતની ચૂંટણીની મિતાક્ષરી ‘પક્ષ’, ‘ખામ’, ‘ભામ’, ‘કોકમ’, ‘પાખ’ અને…

વિષ્ણુ પંડ્યાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવ નજીક આવી ગયેલી ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીમાં ઘણાં પરિબળો અને કારણો હાજર છે. હા, સૂત્રો સબકા વિકાસ, ડબલ એન્જિન, રેવડી બજાર અને ભ્રષ્ટાચાર આટલા મુદ્દા સંભળાય છે, પણ ભૂતકાળનાં પેલાં મિતાક્ષરી સૂત્રોનો પડછાયો સાવ નાબૂદ થયો નથી

સત્તા મેળવવા કેટલાંક સમીકરણો દરેક પક્ષ પ્રયોજે છે અને તેને ટૂંકા નામ રાજકીય પંડિતો આપે છે! મોટેભાગે ચૂંટણીને નજરમાં રાખીને આ સૂત્રો આવે છે. ‘ગરીબી હટાવો’ ઇન્દિરા ગાંધીનું સૂત્ર અખંડ કોંગ્રેસને તોડવા માટે પૂરતું હતું. શ્રીમતી ગાંધી સંસ્થા કોંગ્રેસને હરાવીને પોતાની કોંગ્રેસને જીતાડવામાં સફળ બની હતી. એ પહેલાં ‘સમાજવાદ’ અને ‘વર્ગ વિહીન સમાજ રચના’ સૂત્રો હતાં. ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ જનસંઘનું ‘એક વિધાન, એક સંવિધાન, એક દેશ’નું સૂત્ર આપ્યું ને તેને માટે સત્યાગ્રહ કરીને કાશ્મીરમાં બલિદાન આપ્યું. ડો. લોહિયાની ‘પંચક્રાંતિ’ હતી, તો જયપ્રકાશ ‘પક્ષવિહીન લોકશાહી’ અને ‘સંપૂર્ણ ક્રાંતિ’નો નારો લઈને આવ્યા હતા. વાજપેયી સમયના ભાજપની પાસે ‘શાઈનિંગ ઈન્ડિયા’ સૂત્ર હતું, હવે નરેન્દ્ર મોદી જે અનેક ટૂંકાક્ષરી સૂત્રોના શિક્ષક છે- તેમની પાસે છે, ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ.’ રાહુલ ગાંધી ‘ભારત જોડો’ના ઝંડા સાથે પદયાત્રા કરી રહ્યા છે. આ તો રાષ્ટ્રીય ફલક પર વ્યાપક સૂત્રોની રમઝટ થઈ, પણ જ્યાં જાતિવાદ છે, વિભિન્ન સમૂહો છે, દલિત છે, આદિવાસી છે, ઓબીસી છે, કોમ છે, સંપ્રદાયો છે…. તેને રાજકીય પક્ષો પોતાના મતદાર અને સમર્થક બનાવવા કેવી વ્યૂહરચના કરે છે? અને તેવી વોટ બેન્ક માટે કેવાં સૂત્રો પ્રયોજે છે? તેનો ઇતિહાસ જ નથી, વર્તમાન પણ છે અને જ્યાં સુધી બીમાર લોકશાહીનું અસ્તિત્વ હશે ત્યાં સુધી તે ચાલુ રહેશે. એકલા ભારત કે ગુજરાતમાં નહીં, વિદેશોમાં પણ ઓછાવત્તા અંશે આવી હાલત છે. બ્રિટન અને અમેરિકા, સ્વીડન અને ઈટાલી તેનાં લોકશાહી ઉદાહરણો છે. સામ્યવાદી સરમુખત્યારી કે મઝહબી દેશોમાં વળી બીજી રીતે લોકોને ફરજિયાત પોતાની તરફ વાળવાના ખેલ રચાય છે. તેવી ખરાબ હાલતમાંથી પ્રજાને છોડાવવા માટે કોઈકવાર મિખાઈલ ગોર્બાચેવ જેવો મસીહા આવે છે, ‘ગ્લાસનોસ્ત’ અને ‘પ્રેરિસ્ટ્રોઇકા’ જેવાં ઐતિહાસિક સૂત્રો લાવીને સામ્યવાદને ધરાશાયી કરી દે છે. પુટિન કે જિન પિંગને સૂત્રો ખપતાં નથી, તેમની પાસે બંદૂક અને જેલ જેવાં શસ્ત્રો છે. ગુજરાતમાં આઝાદી પછી ખેડૂત-લક્ષી રાજનીતિ રહી. પછી ભાઇલાલભાઈ પટેલ-ભાઈકાકાએ કહ્યું કે રાજકીય સત્તા સુધી પહોંચવું હોય તો ‘પક્ષ’ વિના ના ચાલે. ‘પ’ એટલે પટેલ અને ‘ક્ષ’ એટલે ક્ષત્રિય. પછી કોંગ્રેસમાં જ સત્તા પર હોવા છતાં હવા બદલાઈ. મુખ્ય કારણ એ હતું કે કોંગ્રેસમાં વિભાજન થયું હતું. સ્વતંત્રતા આંદોલન દરમિયાન ‘જહાલ’ અને ‘મવાળ’ જેવાં બે જૂથ હતાં, પણ બંનેનું લક્ષ્ય સ્વરાજ હતું. અહીં તો ઈન્ડિકેટ અને સિન્ડિકેટ, સાદી ભાષામાં સંસ્થા કોંગ્રેસ અને ઇન્દિરા કોંગ્રેસ એવા ભાગલા પડ્યા તે સ્પષ્ટ રીતે સત્તા માટેના હતા. ઇન્દિરાજી તેમાં સફળ થયાં તેવા સમયે ગુજરાતમાં એક નવું સૂત્ર આવ્યું, ‘ખામ.’ તેના નિર્માતા હતા માધવસિંહ સોલંકી, સનત મહેતા અને ઝીણાભાઈ દરજી. ‘ખામ’ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. બસ, આટલા તરફેણમાં થાય તો સત્તા આપણી. એટલે ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટની અનામત આવી. કોંગ્રેસના જ નેતાઓ રતુભાઈ અદાણી વગેરે વિરોધમાં હતા અને કહ્યું કે આનાથી સમાજમાં ભાગલા પડશે. એવું જ થયું. અનામતની તરફેણ અને વિરોધનાં આંદોલનો અને હિંસાચાર આ (અ)નીતિનું પરિણામ હતાં અને સોલંકીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. જોકે, ઝીણાભાઈ સાથે મારે ચર્ચા થતી ત્યારે તે દૃઢતાથી કહેતા કે આ કંઈ ચાર કોમનું જોડાણ નથી, ગુજરાતના બહુસંખ્યક વર્ગોને સામાજિક ન્યાય આપવાનો અભિગમ છે. ખામના અમલથી સરકારથી સામાન્ય નોકરી સુધી પટેલો, સવર્ણો અને ઈતર કોમની ઉપેક્ષા શરૂ થઈ. પછી આવ્યું ‘ભામ.’ એટલે બેકવર્ડ, હરિજન, આદિવાસી, મુસ્લિમ. અને ‘કોકમ’નો સ્વાદ કોળી, કણબી, ક્ષત્રિય, હરિજન એમ ચાર વોટ બેન્ક સાથે લેવામાં આવ્યો. હજુ કંઈક બાકી હતું. તે ‘પાખ.’ પટેલ, આદિવાસી, ક્ષત્રિય, હરિજન. અને તેનાથી આગળ ‘હમદોસ્ત!’ હરિજન, આદિવાસી, મુસ્લિમ, દલિત અને ઓબીસી. વત્તા એસટી. આ બધાં માત્ર ટૂંકાક્ષરી સૂત્રો જ હતાં, જે બહુ કામ આવ્યાં નહીં. મહેસાણા વિસ્તારમાં ‘એચ.એમ.ટી’ એટલે કે હરિજન, મુસ્લિમ અને ઠાકોર એવું સમીકરણ કોઈક સમયે અજમાવવામાં આવ્યું હતું એવું અમારા રાજ્યશાસ્ત્રી સ્વ. પ્રવીણ શેઠ અને કીર્તિદેવ દેસાઇ કહેતા. પરંતુ આ બધાં સૂત્રો ગુજરાતની સમગ્ર પ્રજાને તો ન્યાય આપી શકે તેવાં નહોતાં. સોશિયલ એન્જિનિયરિંગ સૂત્ર મહત્ત્વનું છે આપણા દેશમાં, કેમકે જાતિમુલક સમાજરચનાને લીધે ઉપેક્ષા અને અભાવની ઊંડી અને દીર્ઘ ખાઈ પેદા થઈ છે. તેને સમાપ્ત કરવા માટે સમતામુલક સમાજ માટેના મહા-પ્રયાસોની જરૂરત છે, પણ બનાવવા જઈએ ગણપતિ અને થઈ જાય વાનર તો શું કરવું? આજે જાતિ અને સમુદાયની અસ્મિતા એટલી જાગૃત થઈ છે કે તમામ કોમને સત્તામાં ભાગીદારી માટે ધારાસભાની ટિકિટની વહેંચણીમાં હિસ્સો જોઈએ છે! તેમણે માટે ધારાસભા અને લોકસભા તેમજ નિગમો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદ્દો એ જ ‘ભાગીદારી’ છે! આવું જ કરવું હોય તો તમારે દળદાર વિધાનસભા અને 500-700 બેઠકોની જોગવાઈ કરવી પડે. અત્યારે તો દરેક સરપંચ કે દરેક પંચાયત પ્રમુખો અને દરેક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંગઠનોના નેતાઓ ભવિષ્યના ધારાસભા-લોકસભા માટેના સંભવિત ઉમેદવારો તરીકે પોતાને જુએ છે. સાવ નજીક આવી ગયેલી ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીમાં જૂના અને નવા કે વંચિત રહી ગયેલા એટલું જ વર્ગીકરણ નથી, બીજાં ઘણાં પરિબળો અને કારણો હાજર છે. હા, સૂત્રો સબકા વિકાસ, ડબલ એન્જિન, રેવડી બજાર અને ભ્રષ્ટાચાર આટલા મુદ્દા સંભળાય છે, પણ ભૂતકાળનાં પેલાં મિતાક્ષરી સૂત્રોનો પડછાયો સાવ નાબૂદ થયો નથી.{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...