વિધાનસભાઓ અને પછી લોકસભા, ચૂંટણી તો અનિવાર્ય છે, પણ તેના મુખ્ય મુદ્દાઓ કેવા અને કયા હોવા જોઈએ? રાજકીય પક્ષોના આજકાલ ગાજતા-ગરજતા અને પરદા પાછળના મુદ્દાઓ તો મીડિયા, નિવેદનો, દેખાવો, રમખાણો, સત્યાગ્રહો અને ચર્ચાઓમાં દેખાતા રહ્યા છે, પણ એ ખરેખર કેટલા મહત્ત્વના છે? શું આગામી ચૂંટણીમાં દેશ, સમાજ અને લોકતંત્રની તંદુરસ્તીને કેન્દ્રમાં રાખવા માટે વિચારવામાં આવશે? કે પછી અલગાવ, વિભાજન, ધિક્કાર, આરોપ-પ્રત્યારોપ, અને તિકડમબાજી જ ફાવશે? વીતેલા સપ્તાહે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અધિકારીઓની પૂછપરછ જાણે મહાન ગુનો હોય, લોકશાહી તૂટી પડી હોય તેવી રીતે કોંગ્રેસે ‘સત્યાગ્રહ’ કર્યો. અધિકાર છે તેનો, પણ શું આ ખરેખર ગાંધી-ચીંધ્યો, કોઈ નૈતિક રાષ્ટ્રીય મુદ્દા પરનો સત્યાગ્રહ હતો? સત્યાગ્રહ કરનારા નેતાઓના પ્રવક્તાએ ઈડીની પૂછપરછને લોકશાહી વિરોધી અને વેરવૃત્તિથી યુક્ત ગણાવી, ઈડીએ તો પાછલા દિવસોમાં થયેલી ફરિયાદમાં નેશનલ હેરાલ્ડમાં જે આર્થિક ગેરરીતિ થયાના આક્ષેપોની તપાસ થઈ રહી હતી તેના ભાગ રૂપે આ પગલું લીધું હતું. આમાં ક્યાંય ધરપકડ કે બળજબરી નહોતી. રકમ પણ કરોડોમાં થવા જાય છે, જે ભૂતકાળમાં દેશભક્ત રહી ચૂકેલા અખબારના કારણે એકત્રિત ભંડોળમાં એકત્ર કરવામાં આવી તેને એક કુટુંબ અને બે પાંચ સાથીદારો કઈ રીતે વાપરી શકે? આનો જવાબ હજુ પણ તેમની પાસે નથી. હા, એ જરૂર યાદ આવે કે 1975ના જૂનના બળબળતા દિવસોમાં આ પક્ષના પુરોગામી વડાપ્રધાન અને સરકારે રાતોરાત એક લાખ અને દસ હજાર નાગરિક નેતાઓને પકડીને કારાગારમાં ધકેલી દીધા હતા. કોઈ વોરંટ નહીં, કોઈ આરોપનામું નહીં, કોઈ અદાલતમાં કેસ નહીં અને તે બધા કોણ હતા? જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઇ દેસાઇ, અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મધુ દંડવતે, પીલુ મોદી, ચંદ્રશેખર, એસ.એમ.જોશી, વયોવૃદ્ધ બી. કે. મજૂમદાર, ચંદ્રકાંત દરૂ... આ કોઈ સામાન્ય લોકો નહોતા. તેમની સાથે અસંખ્ય શિક્ષકો, યુવાનો, મહિલાઓ અને પત્રકારો! બે વર્ષ સુધી તેમણે જેલમાં માત્ર પોતાની સત્તા જવાના ડરથી રાખ્યાં અને 37000 પ્રકાશનો પર સેન્સરશિપ લાદી દીધી. એક વિદેશી લેખકે પછીથી તે ઘટનાઓ પર પુસ્તક લખ્યું તેનું નામ ‘એન એક્સપરિમેન્ટ ઓફ અન-ટ્રુથ’ રાખ્યું હતું, પણ વર્તમાન કોંગ્રેસે એક રમૂજી પુસ્તિકા બહાર પાડી આ ઈડી મામલે. તેના મુખપૃષ્ઠ પર બે તસવીરો છે, એક રાહુલ ગાંધીની, બીજી મહાત્મા ગાંધીની. નીચે લખ્યું છે, અમે ગાંધી સત્ય માટે લડતાં રહીશું! અત્યારના મુખ્ય પ્રશ્નો જુઓ. વૈશ્વિક સમસ્યાઓએ આપણને અસર કરી છે, કોરોનાનો ભય સાવ નષ્ટ થયો નથી. કોઈ પ્રવક્તા ઇસ્લામ વિશે બોલે તો દુનિયાના ઈસ્લામિક દેશો બહિષ્કાર સુધીની ધમકી આપવા માંડે છે. જોકે, હાલનું અર્થકારણ આવા મઝહબી ઝનૂન પર સંપૂર્ણપણે ચાલી શકે નહીં એ વૈશ્વિક વાસ્તવિકતા છે. કેટલાક ઈસ્લામિક દેશોને તેનું ડહાપણ આવ્યું છે. તેમ છતાં આખી દુનિયાને કટ્ટરવાદનું સૌથી મોટું જોખમ છે. કોરિયા, રશિયા, ચીન એક યા બીજા પ્રકારની યુદ્ધખોરીને આગળ વધારી રહ્યા છે. આના મૂળમાં વિસ્તારવાદ અને તેમાં મળતી સફળતા-નિષ્ફળતા છે. યુક્રેનની આસપાસ રશિયાને આવો પ્રભાવ કાયમ કરવો છે. ચીનની નજર વળી બીજા પ્રદેશો પર છે. હવે તેમને કે અમેરિકાને અફઘાનિસ્તાનમાં ઝાઝો રસ રહ્યો નથી. હા, મોકો મળ્યે આ દેશ પર તાલિબાન, રશિયા, અમેરિકા, પાકિસ્તાનની નજર રહેવાની છે. સાંપ્રદાયિક ઝનૂન અને અલગાવ બંને એકબીજાના જોડિયા ભાઈ છે. કાશ્મીરમાં 370ની કલમ અને સ્થાનિક સ્વરાજના પ્રયોગે સૌથી વધુ બહાવરા બનાવ્યા હોય તો તે ત્યાંના સ્થાનિક પક્ષો, અલગાવવાદીઓ અને પાકિસ્તાન છે. કોઈનેય કાશ્મીરમાં શાંતિ જોઈતી નથી. મુસ્લિમ સિવાયનો કોઈ સમાજ કાશ્મીરમાં રહે તેવું તેઓ ઇચ્છતા નથી એટલે બિહારી, પંજાબી, રાજસ્થાની મજૂરોને નિશાન બનાવવામાં આવે છે. યાસીન મલિકને સજા થઈ તે દિવસે હિંસક તોફાનો થયાં. પાકિસ્તાન હેઠળના કાશ્મીરમાં ફરીવાર ફંડિંગ અને તાલીમ છાવણીઓ શરૂ થયાં. પંડિતો તો દીઠા ગમતા નથી. શિક્ષિકાથી માંડીને ગાયિકા સુધીની હત્યાઓ થઈ. કેન્દ્રીય ગૃહ વિભાગ અને સેનાએ વ્યૂહરચના સાથે હિંસક અલગાવને સમાપ્ત કરવાની શરૂઆત કરી દીધી એ સારા સમાચાર છે. ઈશાન ભારતમાં ઉલ્ફાએ માથું ઊંચક્યું એ પણ ચૂંટણીના પ્રચારમાં ભુલાઈ જવાય તેવો મુદ્દો નથી. પૂર્વોત્તરમાં તો પહેલેથી ઝેરનાં વાવેતર કરવામાં આવ્યાં છે. તેમાંથી પહેલાં ઘૂસણખોરી અને પછી જુદાં જુદાં રાજ્યોનો વિદેશી અને સ્થાનિક પ્રભાવો સાથેનો અલગાવવાદ આ બે સમસ્યાઓ ઘેરી વળી. કોઈ પણ બે પ્રદેશોની વચ્ચે પણ ‘પારકા’ હોવાની માનસિકતા પેદા થઈ હતી, તેનું નિવારણ જ ના થયું. હવે સમજૂતી અને શાંતિના અસરકારક પ્રયાસો શરૂ થયા છે. એ કાયમ યાદ રાખવું જોઈએ કે આખો ઈશાન ભારતનો વિસ્તાર પાડોશી દેશોથી ઘેરાયેલો છે. તેમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, અને ચીન જુદી જુદી રીતે જોખમ પેદા કરી શકે છે, સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. ઉલ્ફા મ્યાનમારની સરહદે એક સંગઠનની સાથે મળીને નવો હિંસાચાર કરવાની યોજનામાં છે. એટલે આગામી ચૂંટણીમાં ખરા મુદ્દા જ બીજા છે, ‘સત્યાગ્રહો’, બે પાંચ પક્ષોનો મોરચો, તેના પ્રમુખ કોણ બને તેની કાતિલ સ્પર્ધા, મફત મદદનું અર્થહીન તિકડમ... આ તદ્દન પ્રાસંગિક છે. ચૂંટણી અરાજકતા અને અલગાવનો અરીસો ના બની જાય તે મહત્ત્વનો મુદ્દો છે.{vpandya149@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.