ઓફબીટ:આપણાં દુઃખનું જોર...

અંકિત ત્રિવેદી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના એટલાન્ટા શહેરમાં કોકાકોલા કંપનીની મુખ્ય ઓફિસ છે. ‘કોકાકોલા’ના મૂળ શોધક Dr. JOHN S. PEMBERTONના નામથી એ ઓફિસનું નામકરણ થયું છે. કોકાકોલાની શોધ એમણે 1886માં કરેલી. પછી 2300 ડોલરમાં એમણે બીજાને વેચી અને આજે જેમની પાસે છે તેમણે કોકાકોલા બ્રાન્ડને 23 મિલિયન ડોલરમાં ખરીદી છે. કોકાકોલાનું માનવું છે, આ પીણું નથી પણ એક વિચાર છે. કોકાકોલા પીવાની આદત વિદેશમાં ખૂબ છે. પાણી કરતાં પણ કોકાકોલા વધારે પીવાય છે. વાત મારે કોકાકોલાની નથી કરવાની! પરંતુ કોકાકોલા જ્યાંથી આખા વિશ્વમાં ફેલાય છે એ જગ્યાએ કોકાકોલા કંપનીએ 1886થી લઈને આજ સુધીનું એક મ્યુઝિયમ બનાવ્યું છે. કોકાકોલાનાં બાળપણનાં સંભારણાં એમાં શણગારીને ઝાકઝમાળ વચ્ચે મૂક્યાં છે. શરૂઆતમાં કોકાકોલાની જાહેરાત વગર એક ફિલ્મ બતાવે છે. એ ફિલ્મ જોઈને હૈયું જાગૃત થઈ ઊઠ્યું! યુવાનીનો તરવરાટ વધુ ઉલ્લાસમય બન્યો. ફિલ્મનું નામ જ ખૂબ સુંદર છે. ‘ખુશી આપણી આસપાસ જ છે.’ નાની-નાની ખુશ થવાની ઘટનાઓમાં દિવસ અને દિવસથી મહિનાઓ, વર્ષો અને આખી જિંદગી જીવાઈ જાય છે! આપણે દુ:ખને યાદ રાખીએ છે, ખરાબ સમયને ભૂલતાં નથી! માટે જે સમય સારો જવો જોઈએ એ પણ ખરાબ જાય છે! સુખને સમય આપીએ છીએ પણ દુ:ખની વાતો કરવા માટે! દુ:ખને શ્વાસમાં તેડીને ફરીએ છીએ અને સુખ ગૂંગળાઈ મરે છે... જિંદગીમાં કેટલીવાર દુ:ખી થયાં એનું લિસ્ટ આપણને હાથવગું હોય છે પણ છેલ્લા કલાકમાં કેટલીવાર આનંદિત થયાં એનું ગજું માપવાનું આપણે ભૂલી જઈએ છે... સરસ મેસેજને ફોરવર્ડ કર્યાનું સુખ, સામેવાળાનો કારણ વગર આભાર માનવાનું સુખ, મિત્રને ભેટવાનું સુખ, ગમતી વ્યક્તિની ઉદાસ આંખોને હસાવી નાખવાનું સુખ, ચોખ્ખું બોલીને હૈયાને અરીસા જેવું સ્વચ્છ કરવાનું સુખ, સુખ સરનામું નથી રાખતું! સુખ તો પોતાનું જાહેરનામું રાખે છે... જન્મ્યા ત્યારથી અહીંયા સુખ છે જ. આપણે આવીને એને ભારેખમ કરી નાખ્યું! એટલે દુ:ખને ફાવતું જડે છે! આપણી ગમતી વ્યક્તિથી દૂર હોઈએ ત્યારે એ કેટલી નજીક છે એની આપણને ખબર પડે છે! પણ એનાથી ઊલટું, નજીક હોવા છતાં દુ:ખનો અનુભવ થાય તો આપણે આપણાં લાયક પણ નથી રહ્યાં! સુખ અપેક્ષા રાખવાથી દુ:ખી કરે છે! ફૂલ અને સુગંધ એકબીજામાં ઓતપ્રોત છે એ જ એનું સુખ છે! ક્ષણને ક્ષીણ કરવાનો હક આપણને કોઈએ આપ્યો જ નથી... આપણે જ આપણી જાતે દુ:ખી થઈએ છીએ. જિંદગી પ્લાનિંગ પ્રમાણે ચાલવી જોઈએ એ વાત સાચી! પણ પ્લાનિંગમાં ક્યાંક કુદરત નિમિત્ત બને અને આપણે દુ:ખી થઈએ એ ખોટું છે! જગતમાં ક્યાય સુખ છે જ નહીં એવું નથી. એની માત્રામાં ફેર છે. જેને જીરવવાના છે એ સંબંધોને સમય સિવાય કશું સદતું નથી! જિંદગી નાનાં-નાનાં સુખોની બનેલી છે... પહેલાં હાથની હૂંફ હતી, હવે મોબાઇલને કારણે ટેરવાં છોલાઈને રફ બની ગયાં છે. છતાંય એનું સુખ જેવું તેવું નથી! દીકરીના વાંકડિયા વાળમાં ફેરવવાનાં હાથનું સુખ છે, મમ્મીના અવાજમાં દિવસની ગતિવિધિ જાણવાની ઉતાવળનું સુખ છે, સંગતમાં સાંજને માણવાનું સુખ છે, નંબર એના એ જ હોય તોય નવી ફ્રેમ બદલવાનું સુખ છે. ચાની ચૂસ્કીમાં તાજગી મેળવ્યાનું સુખ છે. સુખનો ભાગાકાર નથી થઈ શકતો! દુ:ખનો ગુણાકાર, સુખની બાદબાકીને આભારી છે… આનંદમાં રહેવા માટે આનંદ આપવો અગત્યનો છે! આસપાસનું સુખ મારી જેમ તમારી પણ રાહ જોવે છે...⬛ ઓન ધ બીટ્સ ‘ઠંડે પહોરે જો આગળ નહીં વધો તો, તડકા વખતે હેરાન થશો.’ -ટાગોર ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...